Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > Exclusive: ભારતમાં ડીઝલ જનરેટરનો અંત લાવશે પિનાકિન HPFC? વડોદરાના કિરીટ વડાલિયા બન્યા પ્રથમ એડોપ્ટર

Exclusive: ભારતમાં ડીઝલ જનરેટરનો અંત લાવશે પિનાકિન HPFC? વડોદરાના કિરીટ વડાલિયા બન્યા પ્રથમ એડોપ્ટર

Published : 07 July, 2026 06:05 PM | IST | Mumbai
Chirantana Bhatt | chirantana.bhatt@mid-day.com

વડોદરાના ઉદ્યોગપતિ કિરીટ વડાલિયાએ ભારતમાં સૌપ્રથમ Pinakin HPFC ટેક્નોલૉજી અપનાવી. જાણો Hydrogen Producing Fuel Cell કેવી રીતે ડીઝલ જનરેટરનો વિકલ્પ બની શકે છે, Entity 2 Energy Storage, MNRE અને ગુજરાતની ભૂમિકાની સમગ્ર માહિતી.

પિનાકિન HPFCના યુનિટ સાથે કિરીટ વડાલિયા

Exclusive

પિનાકિન HPFCના યુનિટ સાથે કિરીટ વડાલિયા


ગુજરાતીઓ વ્યવસાયી અને બિઝનેસલક્ષી માનસિકતા ધરાવતા હોય છે તે આપણે જાણીએ જ છીએ. પરંતુ અમુક ઉદ્યોગસાહસિકો એવા હોય છે જે કોઈ નવી ટેક્નોલૉજી સફળ થાય તેની રાહ નથી જોતા. પેલો જાણીતો ડાયલૉગ છે ને, ‘રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ – બરાબર એ જ વાતને અનુસરીને તેઓ એવા સમયે સાહસ કરે છે જ્યારે દુનિયા એ મામલે હજી શંકામાં હોય. સ્ટીલ ઇન્ડિયા, વડોદરા, ગુજરાતના (Steel India, Vadodara, Gujarat) કિરીટ વડાલિયા (Kirit Vadalia) એવા જ એક લીડર છે. તેમણે જે ટેક્નોલૉજીમાં રોકાણ કર્યું છે, તે બહારથી ભલે સ્ટીલના સામાન્ય બૉક્સ જેવી દેખાતી હોય, પણ તે ભારતમાં ઊર્જા ક્ષેત્રનો ઇતિહાસ નવેસરથી લખશે તે નિશ્ચિત છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે આ આખા પ્રોજેક્ટ અને પહેલ અંગે કિરીટ વડાલિયા સાથે વિગતે વિશેષ વાતચીત કરી.

શું છે પિનાકિન HPFC?



તેમણે સૌથી પહેલાં તો પિનાકિન HPFC (Pinakin HPFC) વિશે સમજાવ્યું. ચેન્નઇના ડૉ. કૌશિક પાલિચાએ (Dr.Kaushik Palicha) સ્થાપેલી Entity 2 Energy Storage કંપનીએ વિકસાવેલા આ મશીનનું આખું નામ Pinakin HPFC (Hydrogen Producing Fuel Cell) છે. આ નામમાં સૌથી મહત્વનો શબ્દ છે `Producing` (ઉત્પન્ન કરતું), `Consuming` (વપરાશ કરતું) નહીં.  


પરંપરાગત ફ્યુઅલ સેલથી આ ટેક્નોલૉજી કઈ રીતે અલગ છે?


  • સેલ્ફ-પ્રોડ્યુસિંગ (સ્વયં-ઉત્પાદક): ટોયોટાની Mirai કાર હોય કે સરકારી પ્રોજેક્ટ્સ, બધામાં હાઇડ્રોજન બહારથી લાવીને હાઇ-પ્રેશર પર સ્ટોર કરવો પડે છે. જ્યારે પિનાકિન પોતાની સીલ્ડ સિસ્ટમની અંદર જ હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે.
  • લોજિસ્ટિક્સ મુક્ત: આ સિસ્ટમ માટે હાઇડ્રોજન લાવતા ટેન્કર ટ્રકો, પાઇપલાઇનની કે અલગથી ઇંધણ પહોંચાડવાની કોઈ જરૂર રહેતી નથી.
  • ઝીરો એમિશન (ઝીરો પ્રદૂષણ): આખી પ્રક્રિયા બાદ બાય-પ્રોડક્ટ તરીકે બહાર માત્ર શુદ્ધ પાણી અથવા વરાળ જ નીકળે છે.

એન્જિનિયરિંગ સિદ્ધાંત: કાર્બન કૅપ્ચર એન્ડ યુટિલાઇઝેશન (CCU) ટેક્નોલૉજી છેલ્લા એક દાયકાથી ભારે ઉદ્યોગોને જે સિદ્ધાંત શીખવતી આવી છે કે`ગેસને બહાર છોડવાને બદલે તેને નિયંત્રિત રીતે બંધ રાખો અને ઉપયોગમાં લો` – બરાબર તે જ વિચારધારાને Entity 2 એ કાર્બન ડાયોક્સાઇડ (CO₂) ને બદલે હાઇડ્રોજન પર લાગુ કરી છે. તેના પરિણામે એક એવું ઇલેક્ટ્રીસિટી જનરેટર તૈયાર થયું, જેમાં બધી પ્રોસેસ બૉક્સની અંદર જ પૂરી થાય છે.

ચેન્નઈથી તાઇવાન અને ત્યાંથી ગુજરાત સુધી

આખી ઘટનાનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે પિનાકિન HPFCના પહેલા કસ્ટમર ભારતની કોઈ કંપની નહીં, પણ તાઇવાનની HIT Inc. હતી, જે Foxconnની સપ્લાય ચેઇનનો ભાગ છે. તાઇવાનની કંપનીએ આના 500 યુનિટ્સનો ઓર્ડર આપ્યો હતો. કિરીટ વડાલિયા આ ટેક્નોલૉજીના ભારતમાં પ્રથમ એડોપ્ટર બન્યા. તાઇવાનની કંપની માટે આ એક પ્યોર બિઝનેસ અને સપ્લાય ચેઇન આધારિત નિર્ણય હતો. જ્યારે કિરીટભાઈ માટે આ માત્ર વ્યવસાયિક રોકાણ નહોતું, પરંતુ નવી ભારતીય ટેક્નોલૉજીમાં મૂકેલો એક દૂરંદેશી વિશ્વાસ હતો. તેઓ  ડૉ. પાલિચાના કૌશલ્યની વાત કરતાં કહે છે, એ પણ અંતે તો એક (કચ્છી) ગુજરાતી છે અને શ્રેષ્ઠ કરવું તે તેમનો સ્વભાવ છે.

આ સાહસ પાછળનું સાચું કારણ: "પૌત્રીનું ભવિષ્ય"

જો તમે કિરીટભાઈને પૂછો કે આટલી નવી ટેક્નોલૉજી પર તેમણે આ સ્તરનો ચાન્સ કેમ લીધો? તેનો જવાબ કોઈ સ્પ્રેડશીટમાં નહીં મળે. તેમનો જવાબ તેમની પૌત્રીના ભવિષ્ય સાથે જોડાયેલો છે. તેમણે કહ્યુ કે, આપણે આજે જે પર્યાવરણ અને ઊર્જા વ્યવસ્થાનું સર્જન કરીશું, એ જ આપણી આવનારી પેઢીને વારસામાં મળશે. મારી પૌત્રીને એક બહેતર દુનિયામાં શ્વાસ લેવા મળે તેની જવાબદારી મારી છે.તેમણે પ્રથમ તબક્કામાં Steel India માટે 15 યુનિટ્સનો ઓર્ડર આપીને આ સ્વદેશી ટેક્નોલૉજીને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું એક સામૂહિક મિશન શરૂ કર્યું છે. તેમને માટે આ કોઇ પ્રોક્યોરમેન્ટ નથી. તે કહે છે, મેં મારી આ પહેલમાં નજીકના મિત્રો અને કુટુંબીઓને પણ જોડ્યાં છે. કેટલાક પરિચિતો અને ભારતની જાણીતી સોલાર EPC કંપનીઝનાં અધિકારીઓ સાથે ચેન્નઈ પ્લાન્ટ ઑફિસની મુલાકાત કરી ત્યાં પિનાકિન HPFCનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન પણ તેમને બતાડ્યું હતું. મને આ ટેક્નોલૉજી પર પુરો વિશ્વાસ છે અને માટે જ મેં વૈશ્વિક મંચ પર પણ તેની ચર્ચા કરી છે.”  તેમણે ઉમેર્યું કે, ફેડરેશન ઑફ ગુજરાતી એસોસિએશન (FOGA, USA)માં ડૉ. વાસુદેવ પટેલે  (Dr.Vasudev Patel) યોજેલા કાર્યક્રમમાં પણ મેં પિનાકિન HPFCનું પ્રતિનિધિત્વ કરીને ભારતીય મૂળના વૈશ્વિક સમુદાય સમક્ષ દલીલ કરી હતી કે ચેન્નઈમાં વિકસાવવામાં આવેલી આ ફ્યુઅલ-સેલ ટેક્નોલૉજી માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી રહેવાની; તેને વૈશ્વિક ઓળખ અને વૈશ્વિક બજાર બંને મળવા જોઈએ. આ ખરું મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર વર્લ્ડ છે એમ કહેવું જ પડે.

ગુજરાતની ફેક્ટ્રીઝ: ભારતની પ્રથમ વાસ્તવિક પ્રયોગશાળા

દિલ્હીમાં આ ટેક્નોલૉજીની ચર્ચા શરૂ થઈ તે પહેલાં જ ગુજરાતનો ઔદ્યોગિક વિસ્તાર આનું રિયલ-વર્લ્ડ ટેસ્ટિંગ ગ્રાઉન્ડ બની ગયો હતો. હાલમાં આ સિસ્ટમ ત્રણ મુખ્ય જગ્યાએ કમાલ કરી રહી છે:

1.      કૅપ્ટિવ પાવર: સ્ટીલ અને ફેબ્રિકેશન ઉદ્યોગોમાં પરંપરાગત ડીઝલ જનરેટરોના મજબૂત વિકલ્પ તરીકે.

2.     માઇક્રોગ્રિડ બેકઅપ: સોલર અને બેટરી આધારિત માઇક્રોગ્રિડ્સમાં ૨૪ કલાક સતત (બેઝલોડ) વીજ પુરવઠો જાળવી રાખવા.

3.    EV ફાસ્ટ ચાર્જિંગ: ઇલેક્ટ્રિક વાહનો માટે સીધો જ DC પાવર સપ્લાય પૂરો પાડે છે, જેથી એસી ઇન્વર્ટરના વધારાના સ્ટેજ વગર ઊર્જાનો બગાડ અટકે છે.

આ જ કારણોસર હવે દેશના અન્ય ઘણા ઉદ્યોગો અને સંસ્થાઓ પણ પિનાકિન HPFCનું  મૂલ્યાંકન કરી રહ્યા છે. જોકે, તેમાંથી ઘણી ચર્ચાઓ હજુ વ્યાવસાયિક અને ગોપનીય તબક્કામાં હોવાથી અહીં તેમના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ એવી ટેક્નોલૉજી છે, જે ફેક્ટરીઝમાં વર્ષોથી વપરાતા ડીઝલ જનરેટરોને હોહા વિના અને વ્યવહારિક રીતે બદલી રહી છે.

જ્યારે દિલ્હીએ પણ નોંધ લીધી...

સારી ટેક્નોલૉજી લાંબો સમય છૂપી રહેતી નથી. 22 જૂન, 2026ના રોજ, ન્યુ એન્ડ રિન્યએબલ એનર્જી મિનિસ્ટ્રીના (MNRE) મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાને (11, અકબર રોડ) પિનાકિન HPFCનું લાઇવ ડેમોન્સ્ટ્રેશન જોયું.

આ પ્રદર્શન બાદ મંત્રી પ્રહલાદ જોશીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ ટેક્નોલૉજી વિશે પોસ્ટ કરીને તેને `મેક ઇન ઇન્ડિયાહેઠળની આશાસ્પદ ઇનોવેશન ગણાવી હતી. જ તેમણે મિનિસ્ટ્રી ઓફ ન્યુ અને રિન્યુએબલ એનર્જીનાં અધિકારીઓને આ ટેક્નોલૉજીની કામગીરી, સ્કેલેબિલિટી અને વ્યાવસાયિક ઉપયોગિતાનું સત્તાવાર મૂલ્યાંકન કરવા સૂચના આપી હતી.

થોડા સમય પહેલાં સુધી માત્ર પેટન્ટ અને પ્રોટોટાઇપના તબક્કામાં રહેલી ટેક્નોલૉજી અંગે દેશનું ઊર્જા મંત્રાલય જ જ્યારે પૂછે કે "આને કેટલા મોટા પાયે વિકસાવી શકાય?" તે એક બહુ મોટું સાબિત થાય છે.

ક્ષમતા ધુરંધર જેવી પણ કદ એકદમ કોમ્પેક્ટ

આ ટેક્નોલૉજી એક એન્જિનિયરિંગ વંડર છે. સોલર પાવર ફક્ત દિવસે જ ચાલે છે અને ડીઝલ જનરેટર સતત ઇંધણના સપ્લાય પર નિર્ભર રહે છે. પિનાકિન આ બંને મર્યાદાઓ તોડે છે:

  • તે 24x7 અને 365 દિવસ સતત બેઝલોડ પાવર આપી શકે છે. તેની કામગીરી માટે બહારથી ઇંધણની સપ્લાય ચેઇન પર કોઈ નિર્ભરતા રહેતી નથી.
  • કંપનીના દાવા મુજબ, આ ટેક્નોલૉજી પોતાની શ્રેણીમાં દર મેગાવોટ દીઠ સૌથી ઓછી જગ્યા (Footprint) રોકે છે અને વિશ્વમાં સૌથી ઓછા ખર્ચે વીજ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તેની ક્લોઝ્ડ-લૂપ પ્રક્રિયાને કારણે તેને સતત ચલાવવા માટે હાઇડ્રોજન કે અન્ય ઇંધણ બહારથી લાવવાની જરૂર પડતી નથી.

Footprint per megawattને સાદી ભાષામાં સમજીએ... 

જેટલી ઓછી જગ્યામાં સમાન ક્ષમતાની વીજ ઉત્પાદન વ્યવસ્થા ઊભી કરી શકાય, એટલી વધુ જગ્યાઓ પર તેને સ્થાપવું શક્ય બને છે. જેમ ડેટા સેન્ટર ડિઝાઇનમાં ઓછી જગ્યામાં વધુ સર્વર ગોઠવવાની ક્ષમતા મહત્વની ગણાય છે અથવા કાર્બન કૅપ્ચર સિસ્ટમમાં પ્રતિ ચોરસ મીટર વધુ ક્ષમતા મહત્વ ધરાવે છે, તેવી જ રીતે અહીં પણ ઓછી જગ્યામાં વધુ વીજ ઉત્પાદન શક્ય બનવું એક મોટો લાભ છે તેમ કંપનીનો દાવો છે.

એન્જિનિયરિંગ લૉજિક: ઓછી જગ્યા, મોટો ફાયદો

કંપનીના ખર્ચ ઘટાડવાના દાવા પાછળ એક સરળ ગણિત છે. જો કોઈ જનરેટર સમાન ક્ષમતાની વીજળી આપવા માટે:

  1. ઓછી જમીન રોકે,
  2. ઓછું સપોર્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંગે, અને
  3. બહારથી ઇંધણ લાવવાની ઝંઝટ જ ખતમ કરી નાખે...

તો એન્જિનિયરિંગની દૃષ્ટિએ તે ઓટોમેટિકલી વધુ કાર્યક્ષમ અને અત્યંત કિફાયતી (Cost-effective) ઉકેલ બની જાય છે. Entity 2 ના કિંમત અંગેના દાવાનો મુખ્ય આધાર પણ આ જ લોજિક છે.

સફર તાઇવાનથી શરૂ થઈ, પણ સાચી કસોટી ગુજરાતમાં!

આ ટેક્નોલૉજીની વૈશ્વિક સફરની ટાઈમલાઈન ખૂબ જ રસપ્રદ છે:

  • તાઇવાન કનેક્શન: પહેલો મોટો ઓર્ડર ત્યાંથી આવ્યો, જેને લીધે ઉત્પાદનની ફેક્ટરી લાઇનને વેગ મળ્યો.
  • ભારતની એન્ટ્રી: વડોદરા, ગુજરાતના એક ઉદ્યોગપતિના વિશ્વાસે ટેક્નોલૉજીને ભારતીય બજારમાં એસ્ટાબ્લિશ કરી.
  • ગ્લોબલ એક્સપાન્શન: હવે આ મેડ-ઇન-ઇન્ડિયા ઇનોવેશન વૈશ્વિક મંચ પર ધૂમ મચાવવા તૈયાર છે.

કેન્દ્રીય મંત્રાલય દ્વારા સત્તાવાર મૂલ્યાંકનની સાથે જ, Entity 2 હવે સ્ટીલ, ડેટા સેન્ટર અને વીજ ઉત્પાદન ક્ષેત્રની અનેક ગ્લોબલ લીડર કંપનીઓ સાથે સક્રિય ચર્ચાઓ કરી રહી છે. આવી ચર્ચાઓ સામાન્ય રીતે કોઈ ટેક્નોલૉજી સાબિત થયા પછી જ શરૂ થાય છે, તે પહેલાં નહીં. જો કે કોમર્શિયલ સિક્રેસીને કારણે અત્યારે કોઈ કંપનીના નામ જાહેર નથી કરાયા, પણ એક વાત સાબિત થઈ ગઈ છે કે, હવે દુનિયાના મોટા ઉદ્યોગો ડીઝલ ટેન્કરોના કાયમી પરાવલંબનમાંથી મુક્તિ ઈચ્છે છે.

ટાયર-ટુ સિટીમાંથી વૈશ્વિક ક્રાંતિ

આ પ્રોજેક્ટને ગ્લોબલ લેવલ પર સ્કેલ કરવાની અને વિસ્તારવાની જવાબદારી Entity 2 એ પોતે ઉપાડી છે, પછી તે દિલ્હીના ઉર્જા મંત્રાલય સાથેની ચર્ચાઓ હોય કે આંતરરાષ્ટ્રીય કસ્ટમર્સ સાથેના સંબંધો હોય. પરંતુ, ભારતમાં આ ટેક્નોલૉજીની ગ્રાઉન્ડ રિયાલિટી, વિશ્વસનીયતા અને વાસ્તવિક કામગીરી સ્થાપિત કરવાનું કામ કિરીટ વડાલિયાના ખભે છે. આ ટેક્નોલૉજીને ભલે તાઇવાને પહેલાં આવકારી હોય, પણ તેની વૈશ્વિક પ્રતિષ્ઠાની સાચી શરૂઆત ગુજરાતનાં વડોદરાના ઉદ્યોગપતિને પગલે થઈ રહી છે. એક વાત અહીં ભારપૂર્વક કહેવી પડે કે, આ દેશની રાજધાનીમાંથી નહીં, પણ એક ટાયર-ટુ સિટી (Tier-2 City)માંથી વૈશ્વિક સ્તરે પહોંચનારી ટેક્નોલૉજી છે.

ખરો બદલાવ માત્ર ટેક્નોલૉજીનો નહીં, વિચારસરણીનો

થોડા વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ વાત માત્ર એક ફ્યુઅલ સેલ વિશે નથી. ખરો પ્રશ્ન એ છે કે જ્યારે ઉદ્યોગો માટેની કૅપ્ટિવ પાવર જનરેશન વ્યવસ્થા ઇંધણની સપ્લાય ચેઇન પર આધારિત રહેતી નથી, ત્યારે ભારતની ઊર્જા વ્યવસ્થામાં કેટલું મોટું પરિવર્તન આવી શકે.

ડીઝલ જનરેટર મૂળભૂત રીતે લૉજિસ્ટિક્સ પર આધારિત છે. ક્રૂડ ઓઇલની કિંમતો, રસ્તાઓની સ્થિતિ, ઇંધણની સમયસર ઉપલબ્ધતા અથવા અચાનક વધતી ઇંધણની કિંમતો જેવાં બધા પરિબળો તેની કામગીરીને સીધી અસર કરે છે. પરંતુ એક એવું ક્લોઝ્ડ-લૂપ જનરેટર, જે પોતે જ પોતાનું વર્કિંગ ફ્લુઈડ તૈયાર કરે છે અને જેને વારંવાર ઇંધણની જરૂર જ નથી પડતી, તે સંપૂર્ણપણે અલગ પ્રકારની વ્યવસ્થા છે. આવી સિસ્ટમને કોઈ કારખાનું એક વખત સ્થાપિત કરે અને પછી વર્ષો સુધી તેને પોતાના માળખાના કાયમી હિસ્સાઓની માફક ભૂલી શકે તેમ થાય, કારણ કે તેની રોજિંદી કામગીરી સતત ઇંધણ પહોંચાડવાની ચિંતા પર આધારિત રહેતી નથી.

ક્ષમતા હવે મર્યાદા નથી, માત્ર એક જરૂરિયાત છે

કિરીટ વડાલિયાનું કહેવું છે કે, દલાવ માત્ર ડીઝલને બદલે બીજી ઊર્જા અપનાવવાનો નથી, પરંતુ ઊર્જા વિશેની સમગ્ર વિચારસરણીને બદલવાનો છે, જ્યાં વીજ ઉત્પાદન સતત ઇંધણની સપ્લાય પર નહીં, પરંતુ સ્વયંસંચાલિત અને લાંબા ગાળાની વિશ્વસનીય પ્રણાલી પર આધારિત હોય.”

તેઓ ઉમેરે છે કે, આંત્રપ્રિન્યોર્સ જે આ ટેક્નોલૉજી વાપરે છે તેમની ઊર્જા વિશેની વ્યવસ્થાઓ બદલાઇ છે: પહેલાં સવાલ એ રહેતો કે આપણે કેટલી ક્ષમતાનો પ્લાન્ટ ખડો કરી શકીએ?  આ નક્કી થતું ડીઝલના ખર્ચ, ઇંધણની ઉપલબ્ધતા અને સપ્લાય ચેનને આધારે. પણ જ્યારે ઇંધણની સપ્લાય ચેઇન જ સમીકરણમાંથી બહાર નીકળી જાય, ત્યારે પ્રશ્ન પણ બદલાઈ જાય છે. હવેનો સવાલ એ છે કે, આપણને ખરેખર કેટલી ઊર્જાની જરૂર છે?” આ એક ભારતીય પેટન્ટ, ભારતમાં વિકસાવાયેલી ટેક્નોલૉજી, ભારતીય ફેક્ટરીમાં થયેલું ઉત્પાદન અને એક ગુજરાતી ઉદ્યોગસાહસિકના પોતાના મૂડીરોકાણ પર ઊભી થયેલી પહેલ છે. વૈશ્વિક સ્તરે સૌથી મોટો ઓર્ડર ભલે પહેલાં મળ્યો હોય, પરંતુ ભારતમાં તેની વિશ્વસનીયતાની સાચી કસોટી સૌથી પહેલાં ગુજરાતની ધરતી પર થઈ છે.

આગળ શું? સોમનાથમાં નવી ઊર્જા વ્યવસ્થાની તૈયારી

આ સફર અહીં અટકવાની નથી. કિરીટ વડાલિયાના પ્રયાસોથી ગુજરાત હવે દેશના પ્રથમ સ્મોલ મોડ્યુલર પાવર પ્લેટફોર્મ – Rudra SMR-TAEPGR નું હોસ્ટ બનવા જઈ રહ્યું છે.

  • સોમનાથ પ્રોજેક્ટ: સોમનાથ મંદિર ખાતે સ્થાપિત થનારી આ સિસ્ટમ સુરક્ષિત થોરિયમ ટેક્નોલૉજી પર આધારિત છે. Entity 2ના જણાવ્યા મુજબ, આ કોઈ પરંપરાગત ન્યુક્લિયર ફિશન રિએક્ટર નથી, પણ એક `વૉક-અવે સેફ` (Walk-away-safe) ઇલેક્ટ્રોકેમિકલ પ્લેટફોર્મ છે જેમાં કોઈ એક્સક્લુઝન ઝોનની જરૂર નથી પડતી.
  • અક્ષરધામ અને વૈશ્વિક મંચ: ગાંધીનગર અક્ષરધામમાં પણ પિનાકિન HPFC લાગુ કરાશે, જે અંતર્ગત તાજેતરમાં ઓરલેન્ડો, USAમાં FOGAના કાર્યક્રમમાં જ્ઞાનવત્સલ સ્વામી સાથે આ અંગે મહત્વની ચર્ચા પણ થઈ ચૂકી છે.

ઇતિહાસ આ વાસ્તવિકતા યાદ રાખશે

આ દરમિયાન Entity 2 પોતાના ઉત્પાદનનો વ્યાપ સતત વધારી રહી છે. કંપનીની ઓર્ડર બુકમાં હવે એક તરફ તાઇવાનની અગ્રણી સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન કંપનીનો મોટો ઓર્ડર છે, તો બીજી તરફ ભારતનું નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય પણ તેની ક્ષમતાનું સત્તાવાર મૂલ્યાંકન કરી રહ્યું છે.

કિરીટ વડાલિયા સાથે વાત કરતાં તેમના અભિગમ પરથી સ્પષ્ટ સમજાય છે કે તેમણે ક્યારેય માત્ર એક ફ્યુઅલ સેલમાં રોકાણ કર્યું નહોતું. તેમણે એક એવા ભવિષ્યમાં વિશ્વાસ મૂક્યો હતો, જ્યાં તેમની પૌત્રીને સ્વચ્છ પર્યાવરણ અને વધુ સસ્ટેનેબલ ઊર્જા વ્યવસ્થા અને પ્રદૂષણ મુક્ત આપણું નવું ભારત વારસામાં મળે. મોટી ટેક્નોલૉજી ભલે લેબોરેટરીઝમાં જન્મે, પરંતુ તેનું ભવિષ્ય કોઈ એક માણસના વિશ્વાસ પર ટકેલું હોય છે. પિનાકિન HPFC માટે ભારતમાં એ વિશ્વાસ કિરીટ વડાલિયાએ મૂક્યો. ભલે પહેલો ઓર્ડર વિદેશી ક્લાયન્ટે આપ્યો હોય, પરંતુ ભારતમાં તેની સાચી કસોટી ગુજરાતની ધરતી પર થઈ. કદાચ વર્ષો પછી આ ટેક્નોલૉજી કેટલી સફળ થઈ તેની ચર્ચા ચોક્કસ થશે, પરંતુ ઇતિહાસમાં એ વાસ્તવિક્તા ક્યારેય નહીં બદલાય કે આપણા દેશમાં તેના પર પહેલો વિશ્વાસ કોણે મૂક્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 06:05 PM IST | Mumbai | Chirantana Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK