Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે મુંબઈમાં ઑરેન્જ અલર્ટ: સ્કૂલ-કૉલેજોમાં આજે પણ રજા

આજે મુંબઈમાં ઑરેન્જ અલર્ટ: સ્કૂલ-કૉલેજોમાં આજે પણ રજા

Published : 07 July, 2026 07:31 AM | Modified : 07 July, 2026 08:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા એક અઠવાડિયામાં BMCને ૧૪૯૩ ઝાડ પડવાની ફરિયાદો મળી : મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં પાણીનો સ્ટૉક ૧૬.૯૨ ટકા સુધી પહોંચ્યો

રવિવારે મોડી રાતે ભારે વરસાદ વચ્ચે પાણી ભરાયેલા અંધેરી સબવે પરથી પસાર થઈ રહેલી ટ્રેન.

રવિવારે મોડી રાતે ભારે વરસાદ વચ્ચે પાણી ભરાયેલા અંધેરી સબવે પરથી પસાર થઈ રહેલી ટ્રેન.


છેલ્લા બે દિવસમાં તળ મુંબઈમાં ૩૦૦ મિલીમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૩૮૦ મિલીમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૩૪૫ મિલીમીટર વરસાદ નોંધાયો

હવામાન ખાતાએ બે દિવસ રેડ અલર્ટ પછી આજે મુંબઈ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે. જોકે આજે પણ મુંબઈમાં વરસાદનાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે ઝાપટાં પડતાં રહેશે અને ૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી કરવામાં આવી છે.



છેલ્લા બે દિવસમાં મુંબઈ સિટીમાં ૩૦૦ મિલીમીટર, ઈસ્ટર્ન સબર્બ્સમાં ૩૮૦ મિલીમીટર અને વેસ્ટર્ન સબર્બ્સમાં ૩૪૫ મિલીમીટર વરસાદ નોંધાયો છે. વળી ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો અને અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ બની હોવા છતાં સુધરાઈના કર્મચારીઓ દ્વારા સ્પૉટ પર પહોંચીને વહેલી તકે રસ્તો ક્લિયર કરી દેવાતો હતો. નીચાણવાળા ભાગમાં BMCના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના કર્મચારીઓ ખડેપગે કામ કરી રહ્યા હતા અને પમ્પ દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હતો.


BMCનાં કમિશનર અશ્વિની ભિડે જાતે કન્ટ્રોલ-રૂમમાં હાજર રહીને અધિકારીઓની સાથે કો-ઑર્ડિનેશન સાધી રહ્યાં હતાં. કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવાના ઉપાયો હાથ ધરાયા હતા. આજે પણ ભારે વરસાદની સંભાવના હોવાથી લોકોને જરૂર પડે તો જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી હતી. ઝાડ, હોર્ડિંગ્સ, વીજળીના થાંભલા અને જર્જરિત બિલ્ડિંગોથી દૂર રહેવાની અને એની નીચે વાહન પાર્ક ન કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ કટોકટી ટૅકલ કરવા તૈયાર


થાણે જિલ્લામાં ૨૪ કલાકમાં ૨૩૭.૬૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આજે પણ થાણેમાં એવો જ વરસાદી માહોલ રહેવાની આગાહી હોવાથી મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ એને ટૅકલ કરવાની પૂરતી તૈયારીઓ રાખી છે. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની બે ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. જિલ્લાની નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક થઈ રહી છે ત્યારે એના પર સતત વૉચ રાખવામાં આવી રહી છે. 

આફતને ખાળવા મુખ્ય પ્રધાને બોલાવી ઇમર્જન્સી મીટિંગ

સાવચેતીનાં પગલાં અને રાજ્યમાં પૂરની સ્થિતિ વિશે સમીક્ષા કરી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વચ્ચે મંત્રાલયમાં સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટર ખાતે એક ઇમર્જન્સી રિવ્યુ મીટિંગ બોલાવી હતી. રાજ્યના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ મિનિસ્ટર ગિરીશ મહાજન તથા વરિષ્ઠ સરકારી અને ઍડ્‍મિનિસ્ટ્રેટિવ ઑફિસરોએ આ મીટિંગમાં હાજરી આપી હતી. એમાં મુખ્ય પ્રધાને ચોમાસાનો વિનાશ, બચાવ-કામગીરી, રાહતનાં પગલાં અને સંવેદનશીલ જિલ્લાઓમાં તૈયારીની સમીક્ષા કરી હતી.

દેવેન્દ્ર ફડણવીસે પુષ્ટિ કરી હતી કે ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાંથી રહેવાસીઓને સાવચેતીનાં પગલાં તરીકે પહેલાંથી જ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ પ્રતિભાવ ટીમો તહેનાત રાખવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે ભારે વરસાદને કારણે પાલઘર અને વસઈ-વિરાર સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ છે, જ્યારે ગુજરાત અને મુંબઈ વચ્ચેની રેલસેવાઓ પર ભારે અસર પડી છે. ટ્રેનોની અવરજવરમાં વિક્ષેપને કારણે અધિકારીઓ દ્વારા ટ્રેનમાં ફસાયેલા પ્રવાસીઓને સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોમાં મુંબઈ-અમદાવાદ હાઇવે રૂટ પરથી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાયગડ જિલ્લો તથા દરિયાકાંઠાના મહારાષ્ટ્ર, લોનાવલા અને મહાબળેશ્વરમાં આગામી કેટલાક કલાકો સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે એમ જણાવતાં દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી પણ આપી હતી કે સાવિત્રી નદી છલકાઈ રહી છે અને પશ્ચિમ ઘાટ પરની નદીઓ સતત વરસાદને કારણે જોખમી સ્તરે પહોંચી ગઈ છે. 

નાશિકમાં આજે વાદળ ફાટવાની આગાહી

હવામાન ખાતાએ નાશિકમાં આજે મંગળવારે વાદળ ફાટે એટલો એટલે કે ૨૪ કલાકમાં ૩૦૦ મિલીમીટર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી હોવાના કારણે તંત્ર સાબદું થઈ ગયું છે અને યંબકેશ્વર મહાદેવ તથા સપ્તશ્રુંગી માતાજી જેવાં મંદિરોને બંધ રાખવાની સૂચના પણ આપી દેવાઈ છે. નાશિકમાં આજે અતિશય ભારે વરસાદ પડવાની આગાહી છે ત્યારે મુખ્ય માર્કેટ, ઇગતપુરી, પેઠ, દિંડોરી અને અન્ય તાલુકાઓમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી દેવાઈ છે. હવામાન ખાતાએ આજે નાશિકના યંબકેશ્વર, ઇગતપુરી જેવા પશ્ચિમી તાલુકાઓમાં વાદળ ફાટે અથવા તો ખૂબ જ વરસાદ પડે એવી આગાહી કરી હોવાના પગલે આ સૂચનાઓ આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં અતિશય ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો હોવાના કારણે આ વિસ્તારોમાં આશરે ૩૦૦ મિલીમીટર જેટલો વરસાદ પડવાની શક્યતા છે. આ સ્થિતિ ૮ જુલાઈ સુધી રહેવાની શક્યતા છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતે સ્થાનિક પ્રશાસનને વાદળ ફાટે એવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાની સૂચના આપી હોવાનું હવામાન ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK