Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > CASની અવળચંડાઈના એક વધુ વરવા નમૂનામાં સેન્સેક્સ ૪૧૭ અને નિફ્ટી ૪૧ પૉઇન્ટ ડાઉન

CASની અવળચંડાઈના એક વધુ વરવા નમૂનામાં સેન્સેક્સ ૪૧૭ અને નિફ્ટી ૪૧ પૉઇન્ટ ડાઉન

Published : 04 September, 2026 09:15 AM | IST | Mumbai
Anil Patel

બજાજ ઑટો ૨૧૦ રૂપિયા કે પોણાબે ટકા ગગડી નિફ્ટીમાં ૧૧,૯૨૦ બંધ, BSEમાં ૧૩૬ના ઘટાડે આ શૅર ૧૨,૦૧૫ બંધ થયો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


બજાજ ઑટો ૨૧૦ રૂપિયા કે પોણાબે ટકા ગગડી નિફ્ટીમાં ૧૧,૯૨૦ બંધ, BSEમાં ૧૩૬ના ઘટાડે આ શૅર ૧૨,૦૧૫ બંધ થયો : ટાઇટન ૨.૨ ટકા કે ૧૧૦ની ખરાબીમાં સેન્સેક્સ ખાતે ૪૯૬૦ બંધ થઈ, નિફ્ટીમાં ભાવ ૪૭ના ઘટાડે ૫૦૨૭ રહ્યા, ESDS સૉફ્ટવેર સહિત આજે ૪ ભરણાં લિસ્ટેડ થશે : IFCI ૧૯ વર્ષે ૧૦૦ વટાવી નવા શિખરે જઈ પાછી પડી : રેમન્ડ સાડાતેર ટકાની તેજીમાં ૧૬ માસના શિખરે : હિન્દુસ્તાન યુનિલીવર નવા તળિયાની શોધમાં

સેબીના ક્લોઝિંગ ઑક્શન સેશનનું મેકૅનિઝમ કેવું વિચિત્ર રીતે કામ કરે છે અેનો વધુ એક વરવો નમૂનો ગઈ કાલે જોવા મળ્યો છે જેમાં સેન્સેક્સ આગલા બંધથી ૧૫૫ પૉઇન્ટ વધી ૭૬,૭૨૫ ખુલ્યા પછી છેવટે ૪૧૭ પૉઇન્ટ બગડી ૭૬,૧૫૩ નીચે બંધ થયો છે. સેન્સેક્સના ૦.૫૫ ટકાના ઘટાડા સામે નિફ્ટી ફક્ત ૦.૧૭ ટકા કે ૪૧ પૉઇન્ટ ઘટી ૨૩,૮૭૩ બંધ આવ્યો છે. મઝાની વાત એ છે કે ક્લોઝિંગ ઑકશનનું સેશન શરૂ થયું અે પૂર્વે સેન્સેક્સ ૭૬,૫૫૪ અને નિફ્ટી ૨૩,૯૦૪ હતો. CASના ૨૦ મિનિટના સત્રના અંતે શૅર આંકમાં ૪૦૧ પૉઇન્ટનું ગાબડું પડ્યું છે. નિફ્ટી કેવળ ૨૯ પૉઇન્ટ ઘટ્યો છે. આ ક્યા પ્રકારની પ્રાઇસ ડિસ્કવરી છે અે તુહીનકાન્ત પાંડે પૂછો... સેન્સેક્સ ડિસ્કવરી ઓપનિંગ બાદ ઉપરમાં ૭૬,૯૨૪ વટાવી ગયો ત્યારે બજાર ૩૫૫ પૉઇન્ટ વધ્યું હતું. ત્યાર પછી આખો દિવસ બહુધા પ્લસ હતું. ત્રણેક વાગ્યે ત્યારે ૭૬,૪૭૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી, પરંતુ CAS શરૂ થયું કે બજાર સીધું નોઝડાઇવ મારી ૭૬,૧૫૩ નીચે નવી ઇન્ટ્રા-ડે બૉટમે આવી ત્યાં જ બંધ થયું છે. ગઈ કાલે નિફ્ટી ઉપરમાં ૨૪,૦૨૫ અને નીચામાં ૨૩,૮૭૩ થયો છે. NSE ખાતે માર્કેટબ્રેડ્થ સારી એવી મજબૂત હતી. વધેલા ૨૨૦૭ શૅર સામે ત્યાં ૧૩૧૧ જાતો ઘટી છે. 
BSEમાં વધેલા ૨૪૮૦ શૅર સામે ૧૮૫૫ કાઉન્ટર નરમ હતાં. બજારનું માર્કેટકૅપ ૫૩,૦૦૦ કરોડ વધીને ૪૮૭.૦૮ લાખ કરોડ થયું છે. નિફ્ટીમાં અદાણી પોર્ટ્સ બે ટકા વધી ૧૭૦૬ના બંધમાં ટૉપ ગેઇનર હતો. સેન્સેક્સમાં આ શૅર ૦.૮ ટકા સુધરી ૧૬૮૬ બંધ થયો છે. સેન્સેક્સમાં અૅક્સિસ બૅન્ક ૦.૯ ટકા, એશિયન પેઇન્ટ્સ અડધો ટકો, HDFC બૅન્ક ૦.૪ ટકા સુધરી હતી. નિફ્ટીમાં અૅક્સિસ બૅન્ક એક ટકો, HDFC બૅન્ક ૦.૮૭ ટકા, તાતા કન્ઝ્યુમર અને ભારત ઇલેક્ટ્રિક ૦.૭ ટકા પ્લસ હતા. અત્રે બજાજ ઑટો પોણોબે ટકા કે ૨૧૦ના ઘટાડે ૧૧,૯૨૦ના બંધમાં ટૉપ લૂઝર બન્યો છે. BSEમાં આ શૅર ૧.૧ ટકા કે ૧૩૬ રૂપિયાના ઘટાડે ૧૨,૦૧૫ હતો. વિચારો કે હવે શુક્રવારે આ શૅર ક્યા લેવલે ખૂલશે? સેબીને પૂછો, જલદી પૂછો... નિફ્ટીમાં ટેક મહિન્દ્રા દોઢ ટકા કે ૨૫ રૂપિયા, ટ્રેન્ટ ૧.૩ ટકા કે ૩૭ રૂપિયા, સિપ્લા ૧.૩ ટકા કે ૧૮ રૂપિયા તો મહિન્દ્રા સવા ટકા કે ૪૦ રૂપિયા ડાઉન હતો. સામે BSEમાં સૌથી વધુ ઘટાડામાં ટાઇટન ૨.૨ ટકા કે ૧૧૦ રૂપિયા, ટ્રેન્ટ ૧.૯ ટકા કે ૫૫ રૂપિયા, બજાજ ફીનસર્વ ૧.૬ ટકા, HCL ટેક્નૉલૉજીઝ ૧.૬ ટકા નજીક, ટેક મહિન્દ્રા દોઢ ટકો, સનફાર્મા દોઢ ટકો, ઇન્ફી ૧.૪ ટકા નરમ હતા. રિલાયન્સ ૦.૯ ટકા ઘટી ૧૩૦૧ બંધ રહ્યા છે. 
એશિયા ખાતે ઇન્ડોનેશિયાનો એક ટકાનો સુધારો બાદ કરતાં અન્યત્ર સાંકડી વધઘટ હતી. યુરોપ મિશ્ર વલણમાં બહુધા સુધારાતરફી હતું. મતલબ કે ઈરાન ઉપર ટ્રમ્પે શરૂ કરેલા નવા હુમલાની બજારો ઉપર ખાસ અસર દેખાઈ નથી. FCNR ડિપોઝિટ માટેની નવી સ્કીમ હેઠળ દેશમાં ૧૨૭ અબજ ડૉલરનું ભંડોળ આવ્યું હોવાના અહેવાલે ડૉલર સામે રૂપિયો વધી ૯૪.૨૭ થઈ ૪૯ પૈસાની મજબૂતીમાં ૯૪.૪૯ થયો છે. બાય ધ વે, આ થાપણ છે એટલે ભવિષ્યમાં અેની ચુકવણી આપણે વ્યાજ સાથે કરવાની છે ત્યારે રૂપિયાનું શું થશે એની ચિંતા કરવી જોખમી છે. અૅન્ટિ-નૅશનલ કહી લોકો તમને ભાંડવા માંડ્શે? 



તગડા જમ્પ સાથે TBZ લિમિટેડમાં ઑલટાઇમ હાઈની હૅટ-ટ્રિક


જામનગરની ઇન્ટિગ્રેટેડ પ્રોટિન્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં તથા પુણેની TCC કન્સેપ્ટ ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં આજે એક્સસ્પ્લિટ થવાની છે. ઇન્ટિગ્રેટેડ પ્રોટિન્સ ૧૬૩ના શિખરે જઈ પાંચ ટકા વધી ત્યાં જ તથા TCC કન્સેપ્ટ ઉપર ૨૩૯ થઈ ૨૩૩ના લેવલે ફ્લૅટ બંધ થઈ છે. સરકારની ૭૨.૬ ટકા માલિકીની IFCI અેની ૫૨.૯ ટકા માલિકીની સબસિડિયરી કંપની સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન મારફત NSEમાં સાડાચાર ટકા નજીકનો હિસ્સો ધરાવે છે. NSEનો મેગા ઇશ્યુ બહુ નજીકમાં હોવાના અહેવાલ પાછળ IFCIનો શૅર ૮ ગણા વૉલ્યુમે આગલા દિવસે ૯૯ની ઉપર લગભગ ૧૯ વર્ષના શિખરે જઈ સાડાબાર ટકા વધીને ૯૮ ઉપર બંધ થયો હતો. ગઈ કાલે ભાવ ૧૦૧ ઉપર નવા મલ્ટિયર શિખરે જઈ સવાબે ટકા ઘટી ૯૬ બંધ આવ્યો છે. વૉલ્યુમ બમણું હતું. ન્યુ ઇન્ડિયા અૅશ્યૉરન્સ પણ NSEના IPOની થીમમાં આગલા દિવસે સાડાચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૦૧ વટાવી ૭.૨ ટકાની મજબૂતીમાં ૧૯૯ થયો હતો જે વળતા દિવસે ઉપરમાં ૨૦૪ બતાવી પોણાબે ટકા ઘટી ૧૯૫ રહ્યો છે. સાઉથની GRT જ્વેલર્સ તરફથી જાહેર થયેલા ટેકઓવર-ડીલમાં મુંબઈની ૧૮૬૫માં સ્થપાયેલી જ્વેલરી કંપની ત્રિભુવન ભીમજી ઝવેરી અર્થાત TBZ લિમિટેડ તગડા ઉછાળે બૅક-ટુ-બૅક ઑલટાઇમ હાઈ બનાવ્યા પછી ગઈ કાલે ૪૫૬ની નવી ટૉપ દેખાડી પોણાછ ટકા વધી ૪૪૧ બંધ આવી છે. ટેકઓવર ડીલ પ્રમાણે પ્રમોટર્સનો ૭૪ ટકા જેવો હિસ્સો શૅરદીઠ ૨૦૯ના ભાવે તથા ઓપન ઑફર શૅરદીઠ ૨૫૦ નજીકના ભાવથી નક્કી થયેલી છે. આમ છતાં શૅરમાં ૭૬ તેજી આવી છે અે નવી મૅનેજમેન્ટ માટેનો પૉઝિટિવ આઉટલૂક બતાવે છે. NSE અેના IPO પછી શૅરનું લિસ્ટિંગ BSE ઉપરાંત NSEમાં પણ કરાવવા વિચારી રહી હોવાના અહેવાલ હતા પરંતુ હવે અેનો છેદ ઊડી ગયો છે કેમ કે NSE તરફથી IPO માટે સેબીને સુપરત થયેલા ડોક્યુમેન્ટ્સમાં આવી કોઈ રજૂઆત તેણે કરી નથી એમ BSEના CEO તરફથી જણાવાયું છે. આના પગલે BSEનો શૅર ગઈ કાલે ઉપરમાં ૩૩૧૬ બતાવી ૪.૪ ટકાની મજબૂતીમાં ૩૩૦૬ વટાવી ગયો છે. CDSL પણ ૨.૧ ટકા વધી ૧૩૯૪ થઈ છે, જ્યારે NSDL ૮૧૯ની ઇન્ટ્રા-ડે હાઈથી ઘટી ૮૧૨ નજીકના લેવલે ફ્લૅટ હતી. દરમ્યાન MCX BSE ખાતે ત્રણ ટકા ઘટી ૩૧૮૫ તો NSEમાં સાડાત્રણ ટકા બગડી ૩૧૭૦ બંધ થઈ છે. રેમન્ડ દ્વારા મેઇની પ્રિસિઝન પ્રોડક્ટ્સને હસ્તગત કરવામાં આવતાં કંપની માટે હવે ડિફેન્સ, અૅરોસ્પેસ તેમ જ ઈવી કમ્પોનન્ટ્સ ક્ષેત્રે પ્રવેશનો માર્ગ ખુલ્લો થયો છે. શૅર ગઈ કાલે ૭૬૪ની ૧૬ માસની ટોચે જઈ બાવીસ ગણા વૉલ્યુમે સાડાતેર ટકાની આગેકૂચમાં ૭૫૭ ઉપર બંધ થયો છે. 

લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ અને ક્વીક ફૉરેન્સિકમાં ધારણાથી ઓછું રીટર્ન


મેઇન બોર્ડમાં ગઈ કાલે કલકત્તાની લ્યુમિનો ઇન્ડસ્ટ્રીઝ પાંચના શૅરદીઠ ૮૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૪૬થી શરૂ થઈ ઉપરમાં ૬૩ થયા બાદ ગગડી છેલ્લે ચાલતા ૩૮ના પ્રીમિયમ સામે ૧૦૯ ખૂલી ૧૧૦ બંધ આવતાં ૨૮.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૭૦૦ કરોડનું આ ભરણું રીટેલમાં ૪૦ ગણું અને કુલ ૧૨૪ ગણું છલકાયું હતું. SME સેગમેન્ટમાં ચેન્નઈની ક્વીક ફૉરેન્સિક સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૯૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૫થી શરૂ થઈ વધતી ફેન્સી સાથે ઉપરમાં ૮૫ થઈ છેલ્લે બોલાતા ૭૮ના પ્રીમિયમ સામે BSEમાં ૧૫૦ ખૂલી ૧૫૭ બંધ રહેતાં ૭૫ ટકા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. કુલ ૫૧ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૩૧૩ ગણો તથા કુલ ૨૮૯ ગણો છલકાયો હતો. આજે, શુક્રવારે ESDS સૉફ્ટવેર, પ્રાયોરિટી જ્વેલ્સ, પલક ટેક્નૉલૉજીઝ અને કમ્પ્લેટ સ્પોર્ટ્‌સ લિસ્ટેડ થવાની છે. હાલમાં ગ્રેમાર્કેટ ખાતે ESDSમાં ૨૧૫, પ્રાયોરિટીમાં ૩૦, પલકમાં ૯ તેમ જ કમ્પ્લેટ સ્પોર્ટ્‌સમાં ઝીરો પ્રીમિયમ છે. 
દરમ્યાન આગલા દિવસે ૨૧.૩ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૭૮ બંધ થયેલી અન્નુ પ્રોજેક્ટ્સ ગઈ કાલે ઉપરમાં ૭૭ બતાવી પાંચ ટકા તૂટીને ૭૪ રહી છે. તો ૭ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૦ બંધ થયેલી સુમેક્સ એન્જિનિયરિંગ ગઈ કાલે ૧૦૫ના વર્સ્ટ લેવલે જઈ નજીવા સુધારે ૧૧૦ હતી. નવા લિસ્ટેડ અન્ય શૅરમાં સિમ્બાયોટિક ફાર્માલૅબ ઉપરમાં ૧૧૨૮ નજીક થઈ સવા ટકો ઘટી ૧૦૭૯, હાઇટેક એન્જિનિયર્સ ઉપરમાં ૭૮ બનાવી પાંચ ટકા ગગડી ૭૫ નજીક તો સ્કાયવેઝ અૅર સર્વિસિસ ૧૩૫ વટાવી અડધો ટકો સુધરી ૧૩૦ બંધ આવી છે. જ્યારે મધુર નીટ ક્રાફ્ટ્સ ૮૬ નીચે નવું બૉટમ બનાવી પાંચ ટકા ખરડાઈ ત્યાં જ તો ABH હેલ્થકૅર ૮૫ નીચે તળિયે જઈ પાંચ ટકા તૂટી ત્યાં જ હતી. આગલા દિવસે ૧૦ ટકા તેજીની સર્કિટે બંધ રહેલી ઑગમૉન્ટ એન્ટરપ્રાઇઝીસ વળતા દિવસે ઉપરમાં ૯૮૦ નોંધાવી ૩.૮ ટકા ગગડી ૯૧૭ રહી છે. ૫૩૪ના વર્સ્ટ લેવલે જઈ પાંચ ટકા ઊછળી ૫૬૬ નજીક બંધ આવેલી ટેમ્પસેન્સ ઇન્સ્યુમેન્ટ્સ ગઈ કાલે ઉપરમાં ૫૮૪ થઈ સામાન્ય સુધારે ૫૬૭ હતી. હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ બુધવારે ૫૪ની અંદર ઑલટાઇમ બૉટમ બનાવી સવાબે ટકા ઘટી ૫૭ની નજીક બંધ આપ્યા પછી ગઈ કાલે ઉપર ૫૭ બનાવી ત્રણ ટકા ઘટી ૫૫ થઈ છે.

RPG લાઇફે નવી મુંબઈમાં લૅન્ડ પાર્સલ વેચ્યું, શૅર મજબૂત

MCSI તરફથી ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડાઇસમાંથી સ્વિગીને રદ કરવાની જાહેરાતના પગલે શૅર ઘટાડાની હૅટ-ટ્રિકમાં ગઈ કાલે નીચામાં ૨૬૧ થયા બાદ એક ટકો સુધરી ૨૭૦ બંધ થયો છે. તેની હરીફ એટર્નલ ૩૨૬ પ્લસના લેવલે યથાવત હતી. SME મહિન્દ્રા ગત મહિને ૫૩ ટકાની વેચાણ વૃદ્ધિનો કરન્ટ જાળવી રાખતાં ગઈ કાલે પણ બમણા વૉલ્યુમે ઉપરમાં ૫૭૮૧ બતાવી ૭.૬ ટકા કે ૪૦૬ની તેજીમાં ૫૭૨૦ બંધ આવી છે. બ્લૉક ડીલના પગલે ભારે વૉલ્યુમ સાથે ક્લીન મેક્સ એન્વીરો ઉપરમાં ૧૩૫૯ થઈ ૪ ટકા ઊંચકાઈ ૧૩૦૮ નજીક ગઈ છે. 
મુંબઈની કામધેનું રિયલ્ટીઝે RPG લાઇફ સાયન્સ પાસેથી નવી મુંબઈના થાણે-બેલાપુર રોડ ઉપરની ૪ એકર જમીનનો પ્લોટ આશરે ૧૫૦ કરોડમાં ખરીદ્યો છે. RPG લાઇફનો શૅર ગઇ કાલે ઉપરમાં ૨૭૦૦ થઈ ૩.૯ ટકા વધી ૨૬૭૨ નજીક બંધ થયો છે. સ્પાઇસ જેટ તરફથી ૨૦ અૅરક્રાફ્ટ માટેનો લીઝ અૅગ્રિમેન્ટ ફાઇનલ થતાં શૅર બમણા કામકાજે ઉપરમાં ૧૦ બતાવી સવા ટકો સુધરી ૯.૬૬ થયો છે ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબલ એવિયેશન એક ટકો ઘટીને ૪૯૫૩ હતી. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં સુધીર સીતાપતિએ CEOના હોદ્દા ઉપરથી અણધાર્યું રાજીનામું આપતાં તેમના સ્થાને આસિફ મલબારીની વરણી થઈ છે. નવા CEO તરફથી એનૅલિસ્ટ-મીટ બોલાવી કંપનીનો નજીકમાં નજીકના ભવિષ્યમાં ગ્રોથ પ્લાન રજૂ કરાયો છે. પરંતુ બજારમાં આની અવળી અસર જોવા મળી છે. શૅર ગઈ કાલે ૭ ગણા વૉલ્યુમે ૮૫૯ની નવેમ્બર ૨૦૨૨ પછીની બૉટમ બનાવી ૩ ટકા બગડી ૮૭૫ તો NSEમાં પોણાત્રણ ટકા ઘટી ૮૮૦ બંધ થયો છે. વેલસ્પન કૉર્પમાં બ્રોકરેજ ફ્રમ જેફરીઝે ૩૨૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ આપતાં ભાવ ૨૬૭૬ના શિખરે જઈ પાંચેક ટકા વધી ૨૬૪૬ બંધ રહ્યો છે. NSEમાં શૅર ૪.૭ ટકા વધી ૨૬૪૧ રહ્યો હતો.

મલાડની ક્વૉલિયન્સ ઇન્ટરનૅશનલનો SME ઇશ્યુ આજે

આજે, શુક્રવારે મુંબઈના મલાડ-ઈસ્ટ ખાતેની ક્વૉલિયન્સ ઇન્ટરનૅશનલ ૧૦ના શૅરદીઠ ૧૨૭ની અપરબેન્ડ સાથે કુલ ૪૫૧૧ લાખ રૂપિયાનો NSE SME IPO કરવાની છે. માર્કેટ મેકર્સ માટે બે કરોડના શૅર અનામત છે. QIB પોર્શન ૫૦ ટકા, રીટેલ પોર્શન ૩૫ ટકાનો છે. ૨૦૦૬માં સ્થપાયેલી આ કંપની ઇન્સ્ટિટ્યુશનલ, ગવર્નમેન્ટ તેમ જ વિશ્વબજારના બ્રૅન્ડ ક્લાયન્ટ્સ માટે પર્ફોર્મન્સ તેમ જ ટેક્નિકલ ગારમેન્ટ્સ બનાવીને વેચે છે. ગત વર્ષે ૪૭ ટકા વધારામાં ૮૧ કરોડની આવક ઉપર ૧૪૨ ટકાના વધારામાં ૧૧૮૭ લાખ નફો બતાવ્યો છે. દેવું ૨૮૫૦ લાખ છે. બે વર્ષ પૂર્વે આવક ૩૮ કરોડ અને નફો ૨૮૪ લાખ હતો. ઇશ્યુમાંથી ૩૮ કરોડ નવા એકમની સ્થાપના પાછળ વપરાશે. ગ્રેમાર્કેટ ખાતે ૫૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં પંચાવન ચાલે છે.  દરમ્યાન મેઇન બોર્ડમાં દીપા જ્વેલર્સનો બેના શૅરદીઠ ૧૭૭ના ભાવનો ૪૬૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૯ ગણા સહિત કુલ ૪૩.૪ ગણા તેમ જ રેઝ ઑફ બિલિફનો ૧૦ના શૅરદીઠ ૨૩૯ના ભાવનો ૧૨૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૯૬ ગણા સહિત કુલ ૧૦૮ ગણો ભરાઈ પૂરો થયો છે. દીપામાં ૧૫ અને રેઝ ઑફ બિલિફમાં ૧૩ પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં ફાર્મ પીસનો શૅરદીઠ ૫૯ના ભાવનો ૩૨ કરોડનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૫૯ ટકા સહિત કુલ ૧.૨ ગણો અને ફ્લાય હાઈ મૅરિટાઇમ ટ્રાવેલ્સનો પાંચના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૫૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩.૭ ગણા સહિત કુલ ૨.૧ ગણો ભરાયો છે. બન્નેમાં ગ્રેમાર્કેટ ખાતે હાલ એક રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 09:15 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK