વાંચો આખું પ્રકરણ - ૧૦ અહીં
ઇલસ્ટ્રેશન
એકલતા પણ એક સંગાથ છે. અંધારા પાસે અજવાળા કરતાં વધારે દૃશ્યો હોય છે.
મેજર રણજિતને પણ સમજાયું હતું કે તેમણે જરૂર કરતાં વધારે ઉદ્ધત વર્તન કર્યું હતું. સંજનાનું અપમાન થયું હતું. અનિકાએ વાતને વાળવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ અંતે વાત વણસી ગઈ.
ADVERTISEMENT
ઘરની બધી લાઇટો બંધ થઈ ચૂકી હતી.
વરંડામાં એક આછો લૅમ્પ ખપપૂરતું અજવાળું પાથરતો હતો.
હીંચકા પર એકલા બેસી રહેલા મેજર રણજિત વિચારી રહ્યા છે કે અનિકાના બેડરૂમમાં જઈને અનિકાની માફી માગી લઉં? પછી વિચાર આવ્યો કે ‘વાત શું કરીશ? શું હું ખરેખર દિલગીર છું કે અનિકાને મનાવવા ખેલદિલ હોવાનો અભિનય કરું છું? શું ખરેખર સંજના મારી દીકરી અનિકા માટે સંપૂર્ણ રીતે અયોગ્ય પાર્ટનર છે કે પછી માત્ર તે લેસ્બિયન છે એ વાતથી જ મને વાંધો છે?’
રણજિત ધ્રૂજતા પગે ઊભા થયા. આખા શરીરમાં થાક વર્તાયો. દીવાલનો ટેકો લઈને ધીમે-ધીમે તે પોતાની રૂમમાં આવ્યા. બિસ્તર પર લાંબા થઈને આંખો બંધ કરી, પણ ઊંઘ ન આવી. ખાસ્સી વાર સુધી પડખાં બદલ્યાં, પણ મન બેચેન હતું. આંખ ખોલી તો સારું લાગ્યું. ઊભા થયા અને બેડની બાજુમાં ટેબલ પર મૂકેલા તાંબાના જગમાંથી પાણી પીધું. બારી પાસે ગયા અને હળવો ધક્કો માર્યો. થોડા કર્કશભર્યા અવાજ સાથે બારી ખૂલી ગઈ.
બારીમાં આખ્ખું આકાશ દેખાતું હતું.
વરસાદને કારણે વાતાવરણમાં તાજગી હતી અને આકાશમાં આછાં વાદળોના ગુચ્છા. ભીનાશને લીધે ચોખ્ખા આકાશમાં અસંખ્ય તારાઓ દેખાઈ રહ્યા હતા.
રણજિતને પહાડનું આકાશ યાદ આવી ગયું. ધરમશાલાના પહાડોમાં જઈને ઘણી વાર આખી રાત સુધી તેમણે અપલક નજરે આકાશને તાક્યા કર્યું છે. કાળી મેઘલ રાત. તારાઓ ભરેલું આકાશ જે વરસાદી વાદળોના પાલવમાં ટાંકેલાં આભલાંઓ જેવું લાગતું. કોઈ પહાડની ટૂંક પર ઘાસના ખરબચડા મેદાન પર રણજિત બેસી રહેતા. નીચે ઝીણી-ઝીણી લાઇટોના અજવાશમાં સંસાર સૂઈ રહેતો. કોઈ પહાડી ગામના નાનકડા દેરામાંથી પહાડી સાધુનો હિમાચલી ભજન ગાતો ગેબી અવાજ સંભળાતો. પવનની બે લહેરખી વચ્ચે એ અવાજ પોતાની હાજરીની નોંધ આપતો. ઘાસના મેદાન પર બેઠા-બેઠા રણજિત ઓલ્ડ મન્ક વાઇનના ઘૂંટડા ભરતા. સાથે લાવેલા રેડિયોમાં લતાજીના સ્વરો નેટવર્કની ઇચ્છા મુજબ સંભળાતા, બંધ થતા. રણજિતના પગ પાસે તેમનો કૂતરો શેરા બે પગ લંબાવી એના પર પોતાનું માથું ઢાળીને સમાધિમાં સૂઈ રહેતો. રણજિત શરીર લંબાવી, પોતાની આંખો બંધ રાખી ખુલ્લા આકાશ નીચે લતાજીનું ગીત ગણગણતા...
યે દિલ તુમ બિન કહીં લગતા નહીં હમ ક્યા કરેં
તસવ્વુર મેં કોઈ બસતા નહીં,
હમ ક્યા કરેં
તુમ્હીં કહ દો, અબ યે જાનેવફા,
હમ ક્યા કરેં
લુટે દિલ મેં દિયા જલતા નહીં,
હમ ક્યા કરેં
તુમ્હીં કહ દો, અબ યે જાનેઅદા, હમ ક્યા કરે
રાતોની રાત રણજિતે પહાડોમાં ઉદાસી ઘૂંટી છે. આજ સુધી તેમને સમજાયું નહોતું કે ભીતર સૂતેલી ઉદાસી કોના કારણે અને કોના માટે છે? કોઈ કારણ વિના સાંજ પડે અને રણજિત ઉદાસ થઈ જતા. ધીમે-ધીમે લાકડાના ક્વૉર્ટરમાં જીવન સંકેલીને બેસેલા મેજર રણજિતને લાગવા લાગ્યું કે તેમને આ ઉદાસીની આદત પડી રહી છે, કહો કે પ્રેમ જ થઈ ગયો છે.
રણજિતની આંખો હવે મુંબઈના આકાશથી ટેવાઈ રહી છે. બારીમાંથી દેખાતા આકાશમાં પથરાયેલા તારાઓને તે જોઈ રહ્યા. આમાંથી કેટલા તારાઓનાં નામ તેમને ખબર છે? અનુભવી આંખોએ ઉત્તરમાં એક ખૂણે ધ્રુવનો અવિચળ તારો શોધી લીધો. એ પછી આંખોએ સપ્તર્ષિના સાત તારાઓનું ઝૂમખું શોધી લીધું. આંખ ઝીણી કરી અને એ સાત તારાઓમાં વશિષ્ઠ તારાની બાજુમાં ઝીણેરા દેખાતા અરુંધતી તારાને પણ શોધી લીધો. અરુંધતીનો તારો મળી ગયો એટલે મેજર મનોમન હસ્યા, ‘હજી ઘણું જીવવાનું બાકી છે!’
યુવાનીના એ દિવસોમાં જ્યારે તેઓ સેનામાં હતા ત્યારે પહાડોમાં ડ્યુટી કરતી વખતે બિહાર અને બંગાળ તરફના જવાનોએ વાત-વાતમાં એક વાર કહેલું કે ‘અમારે ત્યાં એવી માન્યતા છે કે જેને આકાશમાં સપ્તર્ષિ દેખાય પરંતુ અરુંધતીનો તારો ન દેખાય તેનું મૃત્યુ આવનારા છ મહિનામાં નક્કી. એવી વ્યક્તિની આંખોમાં દીવા રામ થયા ગણાય.’
મેજર રણજિતને અને સાથીઓને આ વાતમાં એ સમયે બહુ મજા પડેલી.
એ પછી પ્રમાણમાં મુશ્કેલ કહી શકાય એવી ડ્યુટી કે ભયજનક ક્ષેત્રોમાં અન્ય જવાનોને મોકલવાના હોય ત્યારે ફૌજી લોકો બંગાળ અને બિહારની આ લોકમાન્યતાનો ઉપયોગ કરતા. ડ્યુટી પર જતા જવાનોને અન્ય જવાનો હસીને કહેતા, ‘તું ચિંતા ન કર ફૌજી, તને હજી સુધી આકાશમાં અરુંધતીનો તારો દેખાય છે એટલે છ મહિના સુધી તારું મોત તો આવવાનું નથી. બિન્દાસ ડ્યુટી કર.’
અને છાતીમાં ગરમાટો આપતા પહાડી દેશી દારૂની જ્યાફત માણતા સૌ જવાનો ખડખડાટ હસી પડતા.
આ બધા જૂના દિવસો યાદ કરતાં-કરતાં રણજિતની આંખો ભીની થઈ ગઈ. સ્મૃતિઓ પણ માના પાલવ જેવી હોય છે. માણસને જો સારી સ્મૃતિઓનો સંગાથ હોય ત્યારે જીવન આપોઆપ હળવા પીંછા જેવું બની જાય. એક ઠંડા પવનની લહેરખી આવી અને રણજિતના ચહેરા પર ફરી કુમાશ તરી આવી. રણજિતે આંખો લૂછીને આકાશ તરફ જોયું.
સપ્તર્ષિની મદદથી તેમની ઘરડી આંખે આકાશમાં સ્વાતિ, ચિત્રા અને મઘા તારાને શોધવાનો પ્રયત્ન કર્યો; પણ થાક લાગ્યો. એક સજળ નજર રણજિતે આકાશના અન્ય તારાઓ અને તારાઓના ઝૂમખા તરફ કરીને બારી બંધ કરી દીધી. બેડ પાસે આવીને બેસી ગયા. તેમણે વિચાર્યું કે અનિકા પાસે જઈને તેમણે વાત કરવી જોઈએ. પણ શું વાત કરીશ? એનો જવાબ મેજર પાસે નહોતો.
છતાં હિંમત કરીને મેજર રણજિત અનિકાના ઓરડામાં પ્રવેશ્યા. ફ્લોરલ પ્રિન્ટવાળો લૉન્ગ ગાઉન પહેરીને અનિકા સૂતી હતી. તેની છાતી પર ઓશીકું હતું. ઓશીકાને બાથમાં લીધેલું હતું. અનિકાના ઓરડાની બારી ખુલ્લી હતી. પંખા ઉપરાંત એ બારીમાંથી પવન આવતો હતો. બારીમાંથી આવતા અજવાશમાં મેજર રણજિતને અનિકાની બંધ પાંપણો સ્પષ્ટ દેખાતી હતી. તે થોડી વાર અનિકાની બાજુમાં ચૂપચાપ બેસી રહ્યા. ઇચ્છા થઈ કે અનિકાનો ચહેરો પંપાળે, પણ હિંમત ન થઈ. પવનને કારણે એક લટ અનિકાના ચહેરા પર ફેલાયેલી હતી. અનિકાની ઊંઘમાં ખલેલ ન પહોંચે એ રીતે ધ્રૂજતી આંગળીએ મેજર રણજિતે અનિકાના ચહેરા પરથી લટો દૂર ખસેડી. મેજર હવે ધારી-ધારીને અનિકાનો ચહેરો જોવા લાગ્યા. તેમની વૃદ્ધ આંખો અનિકાના ચહેરાનો અણસાર શોધી રહી હતી કે અનિકા કોના જેવી દેખાય છે, પણ તેમને જવાબ ન મળ્યો. આટલાં વર્ષોમાં પહેલી વાર રણજિતે દીકરીના ચહેરાને આટલા નજીકથી જોયો હતો. અનિકાના જમણા ગાલ પર એક નાનો તલ છે. ભીનેવાન ચહેરા પર આ તલ બહુ રૂપાળો લાગે છે. અનિકાની આંખની પાંપણો ખાસ્સી મોટી છે. થયું કે...
‘અનિકાને જગાડું?’ આવો સવાલ મનમાં થયો. ફરી તેમણે પોતાની જાતને ટપારી.
‘જગાડીને શું વાત કરી લેવાનો છે તું રણજિત?’
આ પ્રશ્નનો જવાબ નહોતો તેમની પાસે. બિસ્તરમાં અનિકાનો જમણો હાથ ખુલ્લી હથેળી સાથે રણજિતની બાજુમાં પથરાયેલો હતો. એ ખુલ્લી હથેળી જોઈને રણજિતને થયું કે મારી હથેળી દીકરીની હથેળી પર મૂકી દઉં?
પણ જાણે એ અધિકાર પણ મારી પાસે છે કે નહીં એવો સવાલ રણજિતના મનમાં ઊઠ્યો અને આંખો આપોઆપ ફરી સજળ થઈ. તે ધીરેથી ઊભા થયા. ધ્રૂજતો હાથ અનિકાના માથા પર મૂક્યો અને રડી પડાય એ પહેલાં તેમનાં પગલાં દરવાજા તરફ ઊપડ્યાં.
અનિકાની રૂમની બહાર નીકળતાં-નીકળતાં મેજર રણજિતનું ધ્યાન સામેની દીવાલ પર લાગેલા એક જૂનાપુરાણા પેઇન્ટિંગ તરફ ગયું. બારીમાંથી આવતા અજવાશમાં એ પેઇન્ટિંગને થોડું સ્પષ્ટ જોઈ શકાતું હતું.
એ જૂના પેઇન્ટિંગમાં આચાર્ય ચરક અને તેમના શિષ્યો વૈદિક અને આયુર્વેદિક પદ્ધતિથી પીડિત વ્યક્તિની સારવાર કરી રહ્યા હતા. એ પેઇન્ટિંગને જોતાં તરત જ મેજર રણજિતને ડૉ. આદિત્ય કશ્યપની યાદ આવી. તરત યાદ આવ્યું ડૉ. આદિત્ય કશ્યપે આપેલું હોમવર્ક બાકી છે.
ફટાફટ પોતાના ઓરડામાં જઈને મેજર રણજિતે લાઇટ ચાલુ કરી. બૅગમાંથી ડૉ. આદિત્યને ત્યાંથી લાવેલાં બન્ને પુસ્તકો કાઢ્યાં અને પંપાળ્યાં.
‘બીજું પણ કંઈક હતું...’ એવું વિચારી તે પોતાનું કપાળ ખંજવાળવા લાગ્યા અને આ બે પુસ્તકો વચ્ચે કાપલી મળી. ડૉ. આદિત્ય કશ્યપના હસ્તાક્ષર હતા.
‘મેજર રણજિત, સૌથી પહેલાં તમારે જોવાની છે અંગ્રેજી ફિલ્મ ‘Prayers for Bobby’. ૨૦૦૯માં રજૂ થયેલી આ અમેરિકન ફિલ્મમાં ૧૯૭૦થી ૧૯૮૩નો સમયગાળો બતાવાયો છે. એંસીનો એ દાયકો જ્યારે જગત સંપૂર્ણ રીતે હોમોફોબિક હતું. અમેરિકામાં પણ ગે હોવું કે લેસ્બિયન હોવું એ ધર્મને પડકારતો ગુનો હતો. ચર્ચનું પ્રશાસન ગે અને લેસ્બિયન લોકોને મહાગુનેગાર તરીકે જોતું. એવા સમયખંડની વાત આ ફિલ્મમાં થઈ છે. રસેક મુલ્કાહી દિગ્દર્શિત આ ફિલ્મ મૂળ સત્ય ઘટના પર લખાયેલા પુસ્તક પરથી બની છે એટલે તમે જે નિહાળવાના છો એ કલ્પના નહીં પણ એક સત્યઘટના છે એ તમારા ધ્યાનમાં રહે. યુટ્યુબ પર આપ નિહાળી શકશો ‘Prayers for Bobby’ અને હા, જોયા પછી તમારે મને એની વાર્તા કહેવાની છે.’
મેજર રણજિતે નક્કી કર્યું કે આજે રાતે ફિલ્મ જોઈ લઉં અને બે-ત્રણ દિવસમાં એક પુસ્તક વાંચી લઉં. બન્નેમાંથી કયું પુસ્તક પહેલાં વાંચવું એવું વિચારતા તેમણે મુખપૃષ્ઠની ડિઝાઇન અને ઓછાં પાનાંને કારણે ‘ધર્મ ઔર સમલૈંગિકતા’ પુસ્તક પસંદ કર્યું. તેમણે પોતાની બૅગમાંથી લૅપટૉપ કાઢ્યું. યુટ્યુબ પર જઈને ફિલ્મનું નામ સર્ચ કર્યું અને અંદાજિત નેવું મિનિટની લેન્થવાળી આ ફિલ્મ જોવાનું તેમણે શરૂ કર્યું.
બારીમાં આખ્ખું આકાશ ઢોળાઈ રહ્યું હતું. ઊઘડતી સવારનું અજવાળું ધીરે-ધીરે ઓરડામાં પ્રવેશી રહ્યું હતું. અંધારા સાથે ટેવાયેલી મેજર રણજિતની આંખો અજવાળાની લિપિ ઉકેલી રહી હતી.
lll
ડૉ. આદિત્ય કશ્યપના ક્લિનિકમાં બેસીને મેજર રણજિતને બહુ હૂંફ મળતી. સામે ટેબલ પર કૉટનનું સફેદ શર્ટ અને બ્લુ જીન્સમાં આછી દાઢીવાળા ડૉ. આદિત્ય કશ્યપ ગીતો ગણગણતા હતા. તે જ્યારે ડાયરીમાં નોંધ ટપકાવતા ત્યારે તેમના મજબૂત બાવડા અને કાંડાની નસો ફૂલતી. તેમના ઘઉંવર્ણા ચહેરા પર એક સ્મિત કાયમ રહેતું. તેમની આંખોમાં એક ઊંડાણ હતું અને કમર ખુરસી પર કાયમ ટટ્ટાર રહેતી. પોતાનું કામ પતાવીને તેમણે રણજિત તરફ સ્મિત આપ્યું.
‘તો મેજર રણજિત, ઘણા સમયે મળ્યા આપણે.’
‘હા, અઠવાડિયું થયું.’
‘મારું હોમવર્ક?’
‘બે બુક્સમાંથી એક બુક બાકી રહી ગઈ છે. એક બુક વાંચી અને ફિલ્મ જોઈ લીધી. એક બુક બાકી રહી ગઈ છે.’
‘તમારી ઑનેસ્ટી ગમી મેજર. તમારી જિજ્ઞાસા તો કાબિલેદાદ છે જ.’
‘હા, એટલે ડૉક્ટર હું મારા મિત્ર માટે એટલું તો કરી જ શકું.’
ડૉ. આદિત્ય કશ્યપે હકારમાં માથું ધુણાવીને સસ્મિત કહ્યું, ‘અફકોર્સ. આજના સમયમાં પોતાના મિત્ર માટે કોઈ આટલું કરે એ બહુ કહેવાય. તો આપણી વિઝિટની ફી પણ તમે તમારા મિત્ર પાસેથી લઈ લો છો કે ઘર બાળીને તીરથ કરો છો મેજર?’
‘ના... ના... અમારો હિસાબ ચોખ્ખો છે. તે થોડો ઇન્ટ્રોવર્ટ છે એટલે તેના બદલે હું આવું છું, તેની દીકરી માટે...’
‘બિલકુલ, ધૅટ આઇ નો. આઇ અપ્રિશિએટ મેજર.’
ડૉ. આદિત્ય કશ્યપે પોતાની બધી આંગળીઓના ટચાકા ફોડ્યા.
‘ડૉક્ટર, મારા મિત્રને એકલા વાંચવાનો કંટાળો આવતો હતો એટલે મેં તેને કંપની આપી. હું તેને વાંચી સંભળાવતો. તેની પાસે લૅપટૉપ નથી એટલે મારા ઘરે આવેલો અને અમે બન્નેએ સાથે મળીને યુટ્યુબ પર ફિલ્મ જોઈ. બીજી બુક પણ જલદી વાંચી લઈશ, તેના માટે.’
આટલી વાત બોલતાં-બોલતાં મેજર રણજિત હાંફવા લાગ્યા. બે વાર ઉધરસ આવી ગઈ. તે એટલી ઉતાવળથી બોલી રહ્યા હતા જાણે જલદી-જલદી આ વાત પતે. તેમણે પાણી પીધું અને સ્વસ્થતા કેળવી.
‘વેલ, હવે મને વાર્તા કહો. કેવી લાગી તમને ‘Prayers for Bobby’?’
‘હું ઘણી બાબતો સાથે સહમત નહોતો, ઘણી વાતો સાથે કનેક્ટ નહોતો થઈ શકતો તો પણ મને ફિલ્મ બહુ ગમી ડૉક્ટર. બૉબીની મા મૅરી ગ્રિફિથ સાથે ભાવનાત્મક અનુસંધાન કરી શક્યો. મને એ પાત્ર ગમ્યું.’
‘સારું, હવે ટૂંકમાં વાર્તા કહો. મને પણ સમજાય કે તમને કેટલું સમજાણું છે.’
રણજિતે ખોંખારો ખાધો અને આંખ બંધ કરીને સ્મૃતિઓ કસી. આંખ ખોલી તો ડૉ. આદિત્ય કશ્યપ એકીટશે રણજિતને જોઈ રહ્યા હતા પૂરી એકાગ્રતા સાથે. રણજિતે ફરી પાણી પીધું અને બોલ્યા, ‘ડૉક્ટર, આ ફિલ્મમાં કૅલિફૉર્નિયાનું બૅકગ્રાઉન્ડ છે. લગભગ ૧૯૭૦થી ૧૯૮૦નો સમયગાળો છે. કન્ટ્રીસાઇડ એક નાનકડું ટાઉન છે. મૅરી ગ્રિફિથ નામની એક ભલી ધાર્મિક બાઈ ચર્ચને, ચર્ચના આદેશોને ઈશ્વરનો આદેશ ગણતી હોય છે. તે ધાર્મિક બાઈને ચાર બાળકો છે. એક ભલો પતિ છે રૉબર્ટ અને વૃદ્ધ સાસુ. અઢાર-વીસ વર્ષનો બૉબી તેનાં ચાર સંતાનોમાં બીજા નંબરનો દીકરો. આખો પરિવાર ધાર્મિક છે. બૉબીની દાદી પોતાના જન્મદિવસે ભેટમાં મળેલી ડાયરી બૉબીને આપી દે છે કે આ ડાયરીમાં તું લખજે તારા મનની વાતો. એક દિવસ કંઈક એવું થાય છે કે પરિવારના લોકો સાથે મળીને ગે-લેસ્બિયન લોકોની કંઈક મજાક કરતા હોય છે તો બૉબીને માઠું લાગે છે. બૉબીને સમજાઈ જાય છે કે તેના ઘરના બધા લોકો - પેલું શું કહેવાય? ગે-લેસ્બિયન લોકોથી વાંધો હોય એને ડૉક્ટર?’
‘હોમોફોબિક!’
‘હા બસ, આખું ઘર હોમોફોબિક છે એવું બૉબીને સમજાય છે. બૉબી પોતાના મોટા ભાઈ એડને પોતાની હકીકત કહી દે છે કે તે ગે છે.’
‘અને ગે એટલે શું મેજર?’
રણજિતને સહેજ અકળામણ થઈ, પણ ડૉ. આદિત્ય કશ્યપની આંખોમાં જોયા વગર તે બોલ્યા,
‘એટલે એવા લોકો જેમને સ્ત્રીઓ નહીં પણ પુરુષો ગમે છે.’
ઘણું રોકી રાખવા છતાં સહેજ કડવાશ આવી જતી હોય અંદરથી એવું પણ રણજિતે અનુભવ્યું. રણજિતે વાત આગળ વધારી, ‘બૉબીએ તેના મોટા ભાઈને કહી દીધું કે તે ગે છે. મોટા ભાઈએ મા મૅરીને કહ્યું. બૉબીએ દવાનો ઓવરડોઝ લઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, પણ એમાં તે સફળ ન થયો. બૉબીનું સત્ય આખા ઘરને ખબર પડે છે. તેના જે પિતા છે રૉબર્ટ તે અને બાકીનો આખો પરિવાર આ વાતથી બહુ કમ્ફર્ટેબલ નથી કે તેમનો દીકરો બૉબી ગે છે...’
રણજિત બોલતા અટક્યા, એક ઊડો શ્વાસ લીધો અને ડૉ. આદિત્ય તરફ જોઈને બોલ્યા, ‘ડૉક્ટર એ.સી. બંધ કરીને બારી ખોલી શકો? મને ગૂંગળામણ થાય છે.’
ડૉ. આદિત્ય કશ્યપે ઓરડામાં એ.સી. બંધ કર્યું અને બારીઓ ખોલીને પડદાને સાઇડમાં બાંધી દીધા જેથી ઓરડામાં વધુ ને વધુ પ્રકાશ અને પવન આવી શકે. રણજિતે ફરી પાણી પીધું અને શર્ટનું આગળનું એક બટન ખોલીને રાહત લીધી. પેપર નૅપ્કિનથી પરસેવો લૂછ્યો અને આગળની વાર્તા યાદ કરવા લાગ્યા. ડૉ. આદિત્ય કશ્યપના ચહેરા પર કોઈ ઉતાવળ નહોતી. તે શાંતિથી પોતાની જગ્યા પર બેઠા. રણજિતે વાત આગળ વધારી...
‘મૅરીને જ્યારે ખબર પડી કે તેનો દીકરો બૉબી ગે છે ત્યારે વિચલિત થયા વગર તેણે વિશ્વાસ રાખ્યો કે ચર્ચ અને પ્રાર્થના બૉબીને ઠીક કરી દેશે. તેણે બૉબીને વધુમાં વધુ પ્રાર્થના કરવા કહ્યું. મૅરી ચર્ચના આદેશોનું પાલન કરતી. તેણે ચર્ચના પાદરીઓ સાથે પણ આ બાબતે ચર્ચા-વિચારણા કરી અને આ બાજુ બૉબી વધુ ને વધુ એકલો થતો જતો હતો. બૉબી જેને પ્રેમ કરતો હતો તે છોકરો પછી કોઈ બીજાને પ્રેમ કરવા લાગ્યો તો બૉબીને વધુ એકલતા અનુભવાઈ. ઘરે માબાપ અને ભાંડરડાંઓ સમજી નહોતાં શકતાં. બૉબીને લેખક બનવાની ઇચ્છા હતી, પણ ચારે બાજુથી સંકોરાતો હતો. મા મૅરી વખાણ કરે કે મારો બૉબી ગુડ બૉય છે એવું અપ્રૂવલ મળે એ માટે બૉબી વધારે ને વધારે ચર્ચમાં જવા લાગ્યો. અંતે નિરાશ બૉબીએ શહેરના એક બ્રિજ પરથી છલાંગ લગાવી. ડૉક્ટર, બૉબીએ આત્મહત્યા કરી. તેના મૃત્યુ પછી માતા મૅરીના હાથમાં દીકરાની ડાયરી આવી. તેને સમજાયું કે દીકરો કેટલો એકલો હતો. ચર્ચ, પાદરી કે ધર્મ પાસે કોઈ જવાબ નથી. મૅરી બધા સાથે લાંબી ચર્ચાઓ કરે છે અને બહુબધાં રિસર્ચ અને તમારા જેવા અનુભવી લોકો સાથેના સંવાદો પછી મૅરીને સમજાણું કે તેના દીકરામાં કદાચ ખામી નહોતી, ખામી તેને નહીં સમજી શકતા સમાજમાં હતી...’
રણજિત આગળ બોલતા અટકી ગયા એટલે ડૉ. આદિત્ય કશ્યપે વાત પૂરી કરી, ‘એ પછી મૅરીએ ચર્ચના પાદરીઓના દાવાને પડકાર્યા, હોમોસેક્સ્યુઅલિટીનો વિરોધ કરતા સમાજની સામે બંડ પોકાર્યું, પોતાની વાત મૂકી અને સૅન ફ્રાન્સિસ્કો જઈને પ્રાઇડ માર્ચને સપોર્ટ કરવા પરિવાર સાથે પહોંચી. અહીં તેને પોતાના દીકરા બૉબીની હાજરી અનુભવાય છે... આવો જ કંઈક અંત છે ને જ્યારે મૅરી બૉબીની ઉંમરના એક છોકરાને વહાલથી ગળે વળગાડે છે. ફિલ્મના અંતમાં તે અજાણ્યો છોકરો પણ વહાલ-તરસ્યો હોય એમ રડી પડે છે. મૅરીને એવું લાગે છે કે જાણે તે તેના દીકરા બૉબીને ગળે મળી અને ગાલે હાથ મૂકીને કહી શકી કે ઇટ્સ ઓકે માય ચાઇલ્ડ, હું તને સમજી શકું છું! અને પછી ફિલ્મ પૂરી થાય છે.’
ઓરડામાં એક સન્નાટો અકબંધ રહ્યો. ડૉ. આદિત્યએ બન્ને જણ માટે કૉફી બનાવી ત્યાં સુધી ચુપકીદી તોળાતી રહી. રણજિતે કૉફીની સિપ લીધી.
‘મેજર, આખી ફિલ્મમાં મારો સૌથી ગમતો પાર્ટ કયો છે ખબર?’
રણજિતને પણ જાણવાની ઇચ્છા થઈ. તે વધુ ટટ્ટાર થયા અને કૉફીની સિપ લેતાં ડૉ. આદિત્ય કશ્યપ તરફ જોવા લાગ્યા.
‘મેજર, જ્યારે સિટી કાઉન્સિલની બેઠકમાં પહેલી વાર મૅરી પોતાના દીકરા બૉબી માટે અને બૉબી જેવાં અનેક બાળકોના સપોર્ટમાં સ્પીચ આપે છે. આ એક બહુ મહત્ત્વપૂર્ણ ભાષણ હતું, ટ્રસ્ટ મી મેજર. બહુબધા પેરન્ટ્સ મોડું કરી દે છે એ સમજતાં કે તેમનું બાળક જુદું છે બસ, ગુનેગાર નથી; તેમના બાળકની પસંદગી જુદી છે, પણ એથી કંઈ તે પાપી નથી. કમનસીબે મૅરીને પણ આ સત્ય સમજાયું ત્યારે બૉબીએ દુનિયા છોડી દીધી હતી. કવિ મુનીર નિયાઝીની આ કવિતા સાંભળી છે તમે?’
ડૉ. આદિત્ય કશ્યપ હજી એ કવિતા બોલે એ પહેલાં મેજર રણજિતે કૉફીનો કપ ટેબલ પર મૂક્યો અને બારી પાસે જઈ ઊભા રહ્યા. આકાશ તરફ જોઈને મેજર રણજિત બોલ્યા...
હમેશા દેર કર દેતા હૂં મૈં
ઝરૂરી બાત કહની હો
કોઈ વાદા નિભાના હો
ઉસે આવાઝ દેની હો
ઉસે વાપસ બુલાના હો
હમેશા દેર કર દેતા હૂં મૈં
ડૉ. આદિત્ય કશ્યપના ચહેરા પર સ્મિત રમતું રહ્યું.
‘ડૉક્ટર, સિયાચિનમાં મારી ડ્યુટી હતી ત્યારે મારો પંજાબી ફૌજી દોસ્ત હતો કિરપાલ સિંહ. શાયરી અને કવિતાનો શોખીન. તેણે મને આ પંજાબી અને ઉર્દૂ ભાષામાં કવિતા લખતા મુનીર નિયાઝીનો અને કવિતાનો પરિચય કરાવેલો. આખી કવિતા મને શબ્દશ: યાદ છે ડૉક્ટર. પહેલી વાર સાંભળી ત્યારથી મને એવું લાગ્યું કે આ કવિતા જાણે કવિએ મારા માટે જ લખી છે, આમાં કવિ જે કહેવા માગે છે એ જાણે મને જ લાગુ પડે છે, આ જે હંમેશાં મોડું કરી દે છે દરેક વાતમાં એ જણ જાણે હું જ છું. જીવનમાં આજ સુધી બધી બાબતોમાં ‘જો’ અને ‘તો’ની વચ્ચે જ લોલકની જેમ ડોલતો રહ્યો છું. જો આમ બોલી દીધું હોત તો આમ થઈ જાત, જો આમ સાચવી લીધું હોત તો આ સ્થિતિ ઊભી ન થાત.’
મેજર રણજિત અટક્યા અને તેમણે ડૉક્ટર આદિત્ય કશ્યપ સામે જોયું, પણ ડૉક્ટરના ચહેરા પર સ્મિત સિવાય બીજા કોઈ ભાવ નહોતા.
‘ડૉક્ટર, એક વાત કહું? હું જ્યારે ‘Prayers for Bobby’ જોઈ રહ્યો હતો કે તમે સજેસ્ટ કરેલું પુસ્તકો વાંચી રહ્યો હતો ત્યારે પણ મને એવું લાગતું હતું કે જાણે હું એનો ભાગ છું. આઇ મીન, આ મારા માટે જ લખાયું છે અથવા કહો કે હું ઑલરેડી આની અંદર છું. આઇ મીન, હું તમને નહીં સમજાવી શકું કે હું શું કહેવા માગું છું.’
‘પણ હું બરાબર સમજી રહ્યો છું કે તમે શું કહેવા માગો છો મેજર.’
ડૉ. આદિત્ય કશ્યપ પોતાની ચૅર પરથી ઊભા થયા અને બારી પાસે મેજર રણજિતની સામે આવીને ઊભા રહ્યા. રણજિતની આંખોમાં જોઈને બોલ્યા, ‘મેજર, આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ પણ આપણે બધા કોઈ ને કોઈ વાર્તાનો હિસ્સો છીએ, આપણે બીજા કોઈની કથાના કિરદારો છીએ, આપણા કારણે પણ વાર્તાઓ બની રહી છે. ઇન ફૅક્ટ, જાણ્યે-અજાણ્યે આપણે લોકો વાર્તા જ બની રહ્યા છીએ. શું ખબર આપણે અત્યારે જે વાતો કરીએ છીએ એ આ ક્ષણે કોઈ લખી રહ્યું છે, કોઈ છાપી રહ્યું છે તો કોઈ વાંચી રહ્યું છે. આપણા દરેક શ્વાસ અને સંવાદ લખાયેલા જ છે.’
થોડી વાર સુધી રણજિત ડૉ. આદિત્યની વાતના એક-એક શબ્દને મમળાવતા રહ્યા.
‘ડૉક્ટર, તમારી વાતો કેટલી અઘરી હોય છે.’
‘જીવન પણ ક્યાં સરળ છે મેજર?’
જવાબમાં રણજિતના ચહેરા પર સ્મિત ઊગી નીકળ્યું આપોઆપ.
‘એક બીજું હોમવર્ક આપું છું મેજર... કદાચ થોડું મુશ્કેલ છે. કરશો?’
મેજર રણજિત મૂંઝાયા કે શું કરું? હા પાડું કે ના? તો તરત ડૉ. આદિત્ય કશ્યપ તેમની પાસે આવ્યા અને ખભા પર હૂંફાળો હાથ મૂકીને બોલ્યા, ‘તમારા પેલા મિત્ર, જેની દીકરી લેસ્બિયન છે... કનિકા? તે દીકરી પાસે જઈને તમારે ‘Prayers for Bobby’ની અંતિમ સ્પીચ આપવાની છે.’
‘કઈ સ્પીચ?’
‘એ જ સ્પીચ જે બૉબીની માતા મૅરી ગ્રિફિથ સિટી કાઉન્સિલની બેઠકમાં આપે છે. તમારે એ ભાષણ બોલવાનું છે. જ્યારે તમે તમારા મિત્રની લેસ્બિયન દીકરીને એ ભાષણ આપતા હો ત્યારે તમારા મોબાઇલમાં રેકૉર્ડિંગ ઑન રાખજો. મારે તે દીકરીનું રીઍક્શન સાંભળવું છે.’
‘પણ એ તો... કેમનું થાય? એટલે હું?’
‘મેજર, ‘હમેશા દેર કર દેતા હૂં મૈં’? બરાબરને? હવે એ જ નથી કરવાનું એટલે તમારે હું કહું એટલું કરવાનું છે.’
રણજિતની આંખો સજળ થઈ.
(ક્રમશ:)

