Thane Fire: થાણે રેલ્વે સ્ટેશન પાસે ટ્રેકને અડીને આવેલા સ્કાયવૉક પાસે આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ દોડી આવી હતી.
આગ લાગતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
મુંબઈમાથી આગ લાગવાની એક ઘટના (Thane Fire) સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર થાણે રેલ્વે સ્ટેશન પાસે ટ્રેકને અડીને આવેલા સ્કાયવૉક પાસે આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓ તરફથી ઝડપી પ્રતિસાદ મળ્યો હતો. આર. ડી. એમ. સી. ના જણાવ્યા અનુસાર આસપાસના સ્થાનિકોમાં આગને કારણે ગભરાટ પણ ફેલાયો હતો. જોકે, આ આગને કાબૂમાં લેવામાં આવી છે.
ફરી પાછી ત્યાં આગ (Thane Fire) ન લાગે તેની માટે હાલ ત્યાં કૂલિંગ કામગીરી ચાલી રહી છે. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. સત્તાવાળાઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
પેસેન્જર્સ તરફથી આ ઘટના (Thane Fire)ને કેમેરામાં કેપ્ચર કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ ત્વરિત ગતીએ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાસ્થળ પરથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ટ્રેનો ટ્રેક પરથી પસાર થતી જોઈ શકાતી હતી. પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલના જણાવ્યા અનુસાર આ આગ લાગ્યા બાદ થોડાક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
થાણે ઇસ્ટમાં પણ આગ લાગવાની ઘટના (Thane Fire) બની છે. અહીં કોપરી ક્લોથ માર્કેટમાં સોનુ ઓટો પાર્ટ્સ અને ગેરેજમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ આગમાં સ્ક્રેપ બાઇકો, ઓઇલ કેન અને વાયરિંગ બળીને ખાક થઇ ગયા હતા. ગેરેજમાં સવારે 8 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને સ્થાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પણ સદનસીબે કોઈને ઈજા થઈ નથી.
ઈમરજન્સી સેવાની વિવિધ ટીમો તરફથી ઝડપી પ્રતિસાદ મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટ્રકો, બચાવ વેન, પાણીનાં ટેન્કર અને જેસીબી. મશીન સહીતના વાહનો સાથે ત્યાં પહોંચી ગયા હતા. આપત્તિ વ્યવસ્થાપન સેલ, કોપરી પોલીસ, MSEB અને સ્થાનિક ફાયર સ્ટેશનના અધિકારીઓ સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે દોડી આવ્યા હતા. લગભગ એક કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લઇ શકાઈ હતી. આ ઘટનામાં છ સ્ક્રેપ ટુ-વ્હીલર, કબાટ, રેક્સ, એન્જિન ઓઇલ કેન આખી ઇલેક્ટ્રિક સીસ્ટમ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ હવે નિયંત્રણમાં છે.

