૧૮ પુરાણો અને મહાભારતના રચયિતા વેદવ્યાસ કદરૂપા હતા, શરીર-સંરચનાની દૃષ્ટિએ બેડોળ પણ હતા; પરંતુ આજે ૫૦૦૦ વર્ષ પછીયે તેમની કીર્તિને કાળનો લૂણો લાગ્યો નથી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
વિલિયમ જેમ્સે બહુ સરસ વાત કહી છે : The deepest feeling of every human being is craving to be appreciated.
અર્થાત્, પ્રશંસા મેળવવાની ઝંખના દરેકને રહે છે.
ADVERTISEMENT
આ વાત જાણ્યા પછી એ પણ સમજી લેવું જોઈએ કે પ્રશંસાની જે ઝંખના છે એની પરિપૂર્તિનો માર્ગ શરીરની સજાવટ નથી, શરીરસૌષ્ઠવ પણ નથી, ચામડીનો રંગ કે છટાદાર શૈલીઓ પણ નથી, કોઈ નખરાં કે ચેનચાળા પણ નથી. બને કે એ બધું થોડા સમય માટે કદાચ કારગત નીવડતું જણાય, થોડા વખત માટે સામેવાળાને પ્રભાવિત કરી દે; પણ કાળની કાતર આવી લોકપ્રિયતાને વહેલી તકે વેતરી નાખે છે.
મારી પાછળ મારી હસ્તી, એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી, ને એ જગા પુરાઈ ગઈ
આ કેફિયત સત્ત્વવિહોણી લોકપ્રિયતાની છે. ઍલેક્ઝાન્ડર પોપ કહે છે : Charm strikes the sight but merit wins the soul.
આ વાતને બરાબર સમજજો. ઍલેક્ઝાન્ડર પોપે આ વિધાનમાં કહ્યું છે કે બાહ્ય કૌશલ આંખો આંજી શકે, પણ અન્યના હૃદયને જીતવાનું ગજું તો સદ્ગુણોમાં જ છે. તમે રામાયણનો શબરી અને રામનો મેળાપ થાય છે એ પ્રસંગ યાદ કરો. શબરી પાસે બીજા પર પ્રભાવ પાડવા જેવું શું હતું અને એ પછી પણ તે શ્રીરામનાં સ્નેહી બન્યાં. ૧૮ પુરાણો અને મહાભારતના રચયિતા વેદવ્યાસ કદરૂપા હતા, શરીર-સંરચનાની દૃષ્ટિએ બેડોળ પણ હતા; પરંતુ આજે ૫૦૦૦ વર્ષ પછીયે તેમની કીર્તિને કાળનો લૂણો લાગ્યો નથી, કારણ કે ડેવિડ સ્ટાર જૉર્ડન કહે છે એમ There is no real excellence in this entire world which can be separated from right living.
અર્થાત્, સાચા જીવનથી છૂટી પાડી શકાય એવી કોઈ અસાધારણ સફળતા આ દુનિયામાં નથી. સાચું જીવન – સૌનો, કાયમ, સતત વધતો આદર મેળવવાનો આ જ એક ઉપાય છે. આ ઉપાય લેશ પણ ખર્ચાળ નથી. એમાં પ્રાપ્તિ શાશ્વત છે. એ સ્પર્ધામુક્ત માર્ગ છે. આ માર્ગ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ચીંધી ગયા છે. તેઓ કહી રહ્યા છે કે જીવનમાં આધ્યાત્મિકતા કેળવાય તો આદર અને પ્રસિદ્ધિ બારણે ટકોરા દેતાં ઘરે આવી પહોંચશે.
બસ, એ કેળવવાની દિશામાં તમારે આગળ વધવાનું છે.
-પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી BAPS સ્વામીનારાયણ સંસ્થા

