વાંચો આખું પ્રકરણ - ૯ અહીં
ઇલસ્ટ્રેશન
જાણે ઘણા દિવસથી ગોરંભાયેલો હતો, વરસાદ એકાએક વધી ગયો.
પોતાના રસોડાની બારી પાસે ઊભેલી અનિકા રાતના અંધકારમાં નિયૉન લાઇટનો અજવાશ ઓઢીને વરસતાં વરસાદનાં ફોરાંઓ જોઈ રહી હતી, મુંબઈમાં ગૂંથેલાં સુખનાં જૂનાં ભીનાં ભીનાં સ્મરણોને પંપાળી રહી હતી.
ADVERTISEMENT
મુંબઈનો વરસાદ અન્ય શહેરો કરતાં જુદો છે. જ્યારથી મુંબઈ રહેવા આવી છે ત્યારથી અનિકા ચોમાસાની રાહ જોતી હોય છે. ઉંમરના બે-અઢી દાયકા સુધી પહાડોના વરસાદ અનિકાએ જોયા હતા. પાણી ભરેલાં વાદળાંઓ પહાડના એક ભાગમાં સંપૂર્ણ વરસી જાય અને પર્વત ઓળંગીને બીજા ભાગમાં પહોંચે ત્યાં સફેદ રૂની પૂણી જેમ કોરાંકટ. બસ, આ જ કારણે પર્વતના અમુકતમુક ભાગમાં માત્ર વરસેલા વરસાદના વોકળા પહોંચતા, વરસાદ નહીં. ડલહાઉઝી અને દેહરાદૂનનો વરસાદ અનિકાને ગમતો; પણ એ વરસાદ ટકતો નહીં, વહી જતો. અનિકાને લાગતું કે આ સુખ કેમ ટકતું નહીં હોય? સુખની છાલક હથેળીમાં ભરીએ ત્યાં એને વહી જવાની ઉતાવળ કેમની થતી હશે? પર્વતોની લીલોતરી, વરસાદના પાણીમાં ધોવાયેલાં વૃક્ષોનાં લીલાંછમ પાંદડાંઓ, અજાણ્યાં ફૂલ અને ઊગી નીકળેલા છોડ, પહાડી રસ્તાઓના ઢોળાવ પર ઊભેલાં જૂનાં ખંડેર મકાનો અને પગથિયાંઓ પર જાંબલી લાલ ઝીણાં ફૂલો વચ્ચે બાઝી જતી લીલ. અહીં ચોમાસું સૂંઘી શકાતું, સ્પર્શી શકાતું; પણ તરત પહાડી સૂરજ તપતો અને કલાકમાં તો ચોમાસું ઝાકળનાં ટીપાંની જેમ સુકાઈ જતું. પર્વતો ચોમાસું સંઘરતા નથી એવું અનિકાને લાગતું.
અને એક છે મુંબઈ. અહીં રહેવા આવી એ જ દિવસે જૂન-જુલાઈનો પહેલો વરસાદ વરસતો હતો. તે ભીંજાણી અને દરિયે જઈને છલકાણી. તે આજે પણ વરસાદ વરસતો હોય ત્યારે મુંબઈના જુહુ બીચ પર જતી રહે છે. જુહુ વિસ્તારનો આ દરિયાકિનારો તેને ગમે છે. ખુલ્લા પગે દરિયાની ભીની રેતી પર તે ચાલતી. તેના પગની પાનીએ, ચાંદીનાં ઝાંઝરની ઘૂઘરીઓ પર, ડાર્ક રંગની કૉટનની બ્લુ સાડીના પાલવમાં ભીની રેતી ચોંટી જતી. જાણે મોજાંનાં સફેદ ફીણ પહેરીને તે વરસાદનાં ટીપાંઓ પર ચાલી રહી છે. વરસતા વરસાદમાં ભીની લટોને કસકસાવીને તે અંબોડો બાંધતી, પણ વરસાદી વાયરામાં અંબોડામાંથી તોફાની લટો છટકીને ભીનેવાન ગાલ પર ગેલ કરતી. અનિકા પોતાની આંખો બંધ રાખીને દરિયામાં ઊભી રહેતી અને હાથ ફેલાવીને વરસાદના એક-એક ટીપાને છાતીમાં ઉતારતી. ચહેરા પર ભીનું સ્મિત રહેતું.
lll
...ને તેના જીવનમાં સંજના આવી. અનિકાને દિવસે ને દિવસે ખાતરી થઈ કે મુંબઈમાં વરસાદને બાંધીને સાથે રાખી શકાય, સુખને હથેળીમાં અકબંધ રાખી શકાય એટલું જ નહીં; છાતીમાં ચસોચસ ઉતારી પણ શકાય. સંગાથની પણ એક સુગંધ હોય એ સંજનાને મળ્યા પછી અનિકાને સમજાણું. સંજનાને જૂનું મુંબઈ બહુ ગમતું. તે વરસાદી વાતાવરણમાં અનિકાને મુંબઈના મરીન ડ્રાઇવ, ગેટવે ઑફ ઇન્ડિયા અને ધોબીઘાટ વિસ્તારોમાં ખેંચી જતી. વરસાદ વધી જતો તો ટૅક્સીમાં ઊતરી બન્ને હાથમાં હાથ નાખીને મરીન ડ્રાઇવના દરિયાકિનારાની પથ્થરની પાળીઓ પર ચાલતી. અનિકાની કૉટનની બ્લુ સાડી અને સંજનાની શિફોન ગુલાબી સાડીનો રંગ એકબીજાના મનમાં વધારે ઘૂંટાતો. એકબીજાના હાથમાં આંગળાંઓ પરોવીને એકબીજાની ઉષ્મા અનુભવતી. મરીન ડ્રાઇવની પાળીએ બેસી એકબીજાના ખભે માથું મૂકીને આ બે જીવ વરસાદને ઝીલવા થનગનતા દરિયાને જોયા કરતા.
મકાઈના શેકેલા ડોડાને ખાતી આ બન્ને છોકરીઓના ચહેરા પર વરસાદી સ્મિત રહેતું. અનિકાની લાંબી લટો તેને બહુ પરેશાન કરતી તો સંજના પોતાની હથેળીની છત્રી બનાવીને અનિકાના માથા પર પોતાનો હાથ રાખતી. અનિકા આ જોઈને ખડખડાટ હસી પડતી. અનિકાની છાતી પર માથું ઢાળીને સંજના અનિકાને ખુશ કરવા લતાનું ગીત ગાતી...
પહલે ભી યૂં તો બરસે થે બાદલ
પહલે ભી યૂં તો ભીગા થા આંચલ
અબ કે બરસ ક્યૂં સજન, સુલગ સુલગ જાએ મન
ભીગે આજ ઇસ મૌસમ મેં, લગી કૈસી યે અગન
રિમઝિમ ગિરે સાવન...
અનિકા ગીત ગાતી સંજનાને એકીટશે જોયા કરતી. અચાનક સંજનાને સમજાતું કે અનિકાની આંખમાંથી વરસાદનું પાણી નહીં, આંસુ નીતરે છે. તે પોતાની શિફોન સાડીનો મોટો પાલવ ખોલતી અને બન્ને જણ વરસતા વરસાદમાં પાલવ ઓઢી લેતા. પાલવનું ગુલાબી આવરણ બની અનિકાનો ચહેરો પોતાની તરફ ખેંચીને સંજના એ આંસુને ચૂમી લેતી. અનિકા શરમાઈને પાલવમાંથી પોતાનો ચહેરો હટાવીને દરિયા તરફ જોયા કરતી.
સંજના હસીને પૂછતી, ‘શું થયું?’
અનિકા સંજનાની ભીની હથેળીમાં જમણા હાથની પહેલી આંગળીથી પોતાનું નામ લખીને પૂછતી, ‘તને તો લતાનાં ગીતો ગમતાં નહોતાંને?’
સંજના પોતાની હથેળીને ઊંડા શ્વાસ લઈને સૂંઘતી અને અનિકાને જવાબ આપતી, ‘હા, લતાનાં ગીતો નહોતાં ગમતાં કેમ કે તને નહોતી મળી.’
દરિયાનું એક મોટું મોજું ઊછળતું અને એનું પાણી અનિકા અને સંજનાના પગની પાનીઓને એકસાથે સ્પર્શતું.
lll
‘સંજના, જ્યારે તમને કોઈ એક વ્યક્તિ બહુ ગમે પછી તે વ્યક્તિના શહેર સાથે તમને આપોઆપ પ્રેમ થઈ જાય છે. સમય જતાં ધીરે-ધીરે સમજાય કે તે વ્યક્તિ અને શહેર બન્ને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં છે. પછી તે ગમતી વ્યક્તિને મળીએ ત્યારે તેનું આખું શહેર આપણી ભીતર સળવળે અને ક્યારેક એ શહેરમાં પ્રવેશ કરીએ ત્યારે ત્યાં વસતી તમારી ગમતી વ્યક્તિની સુગંધ અનુભવાય આપોઆપ.’
જવાબમાં સંજનાએ અનિકાના ગાલ પર લપસેલી ભીની લટને પ્રેમથી હટાવી. અનિકા સહેજ પાછળ હટી ગઈ અને આસપાસ જોવા લાગી. સંજનાએ
સ્મિત કર્યું.
‘ઇટ્સ ઓકે અનિકા. આપણને કોઈ જોતું નથી. તું કેમ આટલી કૉન્શ્યસ રહે છે?’
‘કેમ કે યુનિવર્સિટીમાં પ્રોફેસર છું. મારા સ્ટુડન્ટ્સમાંથી કોઈ મને આ રીતે જોઈ જાય તો...’
‘તો શું? પ્રોફેસર છે એટલે તારી કોઈ પર્સનલ લાઇફ ન હોઈ શકે?’
‘હોઈ જ શકે, પણ મારા સ્ટુડન્ટની આંખમાં નહીં. વિદ્યાર્થીઓ પોતાના શિક્ષક કે પ્રોફેસર્સને બહુ આઇડિયલ વેમાં જોતા હોય છે. તેમના મનમાં મારી જે ઇમેજ છે એ મારે બ્રેક નથી કરવી. મારા પ્રોફેશન માટે આ બરાબર નથી.’
‘ટેક ઇટ ઈઝી અનિકા. તારા આ ‘બરાબર નથી’ના ચક્કરમાં રાતના અંધારામાં હું તારે ત્યાં આવું છું અને વહેલી સવારે બધા જાગે એ પહેલાં ભાગી જાઉં છું. ડેટ માટે નહીં, ચોરી માટે આવતી હોઉં એવી ફીલ આવે છે ઘણી વાર. દિવસે મારે તારા ઘરે આવવાનું નહીં, તું યુનિવર્સિટી હોય ત્યાં સુધી કૉલ કરવાનો નહીં, આપણો ફોટો ક્લિક કરવાનો નહીં, જો ફોટો ક્લિક કર્યો તો ક્યાંય અપલોડ કરવાનો નહીં, તારા સોશ્યલ મીડિયા પર મારે લાઇક કે કમેન્ટ કરવાની નહીં, યુનિવર્સિટી કૅમ્પસવાળા સાથે મારે વાત કરવાની નહીં. કેવા-કેવા રૂલ્સ છે તારા? હું તને પ્રેમ કરું છું અનિકા. આ કોઈ ક્રાઇમ નથી.’
‘વેલ, કોઈને પ્રેમ કરવો એ અત્યારે તો દુનિયાની નજરે ક્રાઇમથી ઓછો ગુનો તો નથી જ.’
અનિકાએ આ વાત સસ્મિત કહેવાનો પ્રયત્ન કર્યો તો પણ તેના ચહેરા પર ઉદાસી લીંપાઈ ગઈ.
‘રિલૅક્સ પ્રોફેસર મૅડમ. આખી દુનિયાનો ભાર માત્ર તારી એકલીના ખભે નથી. તું કોઈ છોકરીને ડેટ કરી લઈશ એ વાતથી તમારી આ સોકૉલ્ડ સંસ્કૃતિના પાયા હચમચી નહીં જાય. એટલી નબળી નથી ભારત દેશની પરંપરા અને સભ્યતા.’
‘તું પ્રોફેસર નથી એટલે તને મારી વાત નહીં સમજાય સંજના.’
‘મારે સમજવી પણ નથી.’
વરસાદ થંભી ગયો. દરિયાનાં મોજાં ઊછળતાં હતાં. અનિકા અને સંજના બન્ને ચૂપ થઈ ગઈ. ભારે ચુપકીદી પછી અનિકા ધીરેથી બોલી, ‘જોયું સંજના? આપણી વચ્ચે શબ્દો જ સમસ્યા છે. મૌન જ આપણા પ્રેમનો સંવાદ છે. તું મારા પ્રોફેશનની મર્યાદા નહીં સમજી શકે અને હું તારી આ ખૂલીને જીવી શકવાની ફિલોસૉફીને નથી સમજતી.’
સંજના પોતાના પાલવથી અનિકાના કપાળને લૂછીને બોલી, ‘મારે તારા પ્રોફેશનની મર્યાદાને પણ સમજવી છે અને હું જે ખૂલીને જીવવામાં માનું છું એ સુખનો અનુભવ પણ તને સમજાવવો છે. થોડો સમય લાગશે પણ મને ઉતાવળ નથી.’
‘સંજના, આપણે ખોટું તો નથી કરી રહ્યાને?’
‘અત્યાર સુધી સાથે નહોતાં
એમાં આપણી સાથે ઘણુંબધું ખોટું થઈ રહ્યું હતું. હવે સાથે છીએ તો કશું ખોટું નથી.’
‘મને નથી ખબર દુનિયા આપણા સંબંધને કેવી રીતે સ્વીકારશે?’
‘મારી દુનિયા તું છે અનિકા. સૌથી પહેલાં તો તું આ સંબંધને સ્વીકારી રહી છે કે કેમ એ અગત્યનું છે.’
અનિકાએ પોતાની હથેળી સંજનાની હથેળી પર મૂકી, એક નિસાસો છોડ્યો અને સંજનાના ખભે માથું મૂકી દીધું.
‘અનિકા, તને ન ગમે એવો સવાલ ફરી પૂછું છું. આપણા ભવિષ્યનું શું? આ સંબંધને તું કેવી રીતે જુએ છે?’
અનિકાની આંખો ભીની થઈ ગઈ. અનિકાએ એ આંખો લૂછીને ઊછળતા દરિયા સામે જોયું, ‘સંજના, ભૂતકાળમાં જીવી નથી શકી, માત્ર ગૂંગળાઈ છું. વર્તમાનમાં ધબકી રહી છું તો તારી સાથેની દરેક ક્ષણ હું મારી અંદર સાચવી રહી છું. ભવિષ્ય વિશે વધારે લાંબો વિચાર કરીને હું વર્તમાનને અન્યાય નહીં કરું. ભવિષ્ય વિશે વિચારીને પરેશાન થવા કરતાં અત્યારે મારી પાસે જે છે એની કદર કરું એ મને વધારે ગમશે.’
સંજનાએ અનિકાની હથેળી ચૂમી લીધી. પવનની લહેરખી આવી. મરીન ડ્રાઇવની પાળી પર તે બન્ને બેઠાં હતાં એની બાજુમાં બદામના મોટા ઝાડ પરથી રાતાં પાંદડાંઓ નીચે ખર્યાં અને પાંદડાંએ સંઘરી રાખેલાં વરસાદી ટીપાં છંટાયાં. હમણાં જ વરસીને હળવા થયેલા મુંબઈના આકાશમાં મેઘધનુષ્યની કમાન ખીલી ઊઠી. ૭ રંગનું ઇન્દ્રધનુષ અનિકા અને સંજનાની સામે સ્મિત કરી રહ્યું હતું.
lll
આ બધાં જૂનાં ગમતાં દૃશ્યો અત્યારે વરસતા વરસાદમાં અનિકા યાદ કરી રહી હતી. વરસાદને કારણે રાત વધુ ઘેરી લાગતી હતી. આજે સંજના આવી રહી છે. ખીર માટે દૂધ ઘટ્યું તો બાબાને દૂધ લેવા મોકલ્યા હતા. ક્યારના ગયા છે. રસ્તો તો ભૂલી નહીં ગયા હોયને? એવું વિચારીને અનિકા ફોન ટ્રાય કરવા લાગી. સંજનાને પણ એક-બે કૉલ કર્યા, પણ તેણેય કૉલ રિસીવ ન કર્યો. પોતાના ક્વૉર્ટરના રસોડાની બારીમાંથી અનિકા વરસાદમાં નહાતા હીંચકાને જોઈ રહી હતી. હીંચકાની છત પર રાતરાણી વેલમાં બુલબુલે માળો બાંધ્યો હતો. સંજના અને અનિકાએ એ માળાની સુરક્ષા માટે એક શેડ બનાવેલો. વરસાદમાં બુલબુલ પક્ષી પોતાનાં બચ્ચાંઓને હૂંફ આપવા બન્ને પાંખો ઢાંકી બેઠું હતું. આંગણામાં ઊગેલું રૂખડાનું મોટું વૃક્ષ વરસાદી પાણીને ઝીલતું તો લાગતું કે કોઈ યોગી ધ્યાન ધરી રહ્યા છે. ફૂલો અને પાંદડાંઓ વરસાદના પાણીમાં તાજગીસભર રંગો પાથરી રહ્યાં હતાં.
અને ડોરબેલ વાગી.
અનિકાએ દરવાજો ખોલ્યો. વરસાદના પાણીમાં સંપૂર્ણ ભીનાં બાબા અને સંજના.
‘અરે! તમે બન્ને એકસાથે?’
પછી અનિકા બોલતી અટકી ગઈ. બાકીના શબ્દો તે બોલી નહીં મનોમન બબડી, ‘હું તો અહીં ક્યારની મનોમન શબ્દો ગોઠવતી હતી કે તમને બન્નેને કેવી રીતે મળાવવા, કેવી રીતે ઓળખાણ કરાવવી.’
ભીની સંજના આગળ આવી અને કોઈ કશું સમજે એ પહેલાં બહુ સહજ રીતે તે અનિકાને ગળે મળી. મેજર રણજિત અસહજ થઈ ગયા એ અનિકાએ નોંધ્યું. તે બની શકે એટલી ઝડપે સંજનાથી અળગી થઈ. સંજનાને પણ આજે અનિકાના આલિંગનમાં ખાસ ઉષ્મા ન અનુભવાઈ.
‘બાબા, તમને શરદી લાગી જશે. કપડાં બદલી લો.’
આટલું ઝડપભેર બોલીને અનિકા પોતાની રૂમમાં ગઈ અને બાબા માટે ટુવાલ લઈ આવી. મેજર રણજિતે ટુવાલ તો હાથમાં લીધો, પણ સંજના તરફ જોઈને બોલ્યા, ‘બેટા, આમને પણ એક ટુવાલ આપી દે તો...’
‘ચિલ રણજિત, મને મુંબઈના વરસાદમાં પલળવાની આદત છે. અનિકા, પેલો મારાવાળો ટુવાલ જડ્યો તને? મને તારો ટુવાલ નથી ફાવતો....’
અનિકાએ આંખો મોટી કરીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો કે સંજના અટકી ગઈ.
હવે રણજિત પાસે કોઈ શબ્દો નહોતા. તે ટુવાલ લઈને પોતાની રૂમમાં ગયા અને બારણાં બંધ કર્યાં. અરીસા સામે ઊભા રહ્યા. વાળ અને શરીર ટુવાલથી કોરાં કર્યાં. રણજિત ફરી એક વાર આખા ઓરડાને જોઈ વિચારવા લાગ્યા, ‘તે આ ઘરમાં વારંવાર આવતી હશેને. હંઅઅઅઅ. આ ઓરડામાં રોકાતી હશે કે અનિકાની રૂમમાં?’
મેજર રણજિતે પ્રયત્નપૂર્વક વિચારોને રોક્યા. ટુવાલ માથા ફરતે વીંટાળીને બિસ્તર પર સૂઈ રહ્યા, જાણે તેમણે કશું ઇમેજિન જ નહોતું કરવું. વરસાદ શાંત થયો હોય એવું લાગ્યું, કેમ કે બહારથી સંજના ખડખડાટ હસી રહી હતી એનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે ઊભા થયા અને બંધ દરવાજા પાસે કાન માંડીને સાંભળવા લાગ્યા. પંખાને કારણે બહારનો અવાજ સ્પષ્ટ નહોતો સંભળાઈ રહ્યો. અનિકાનો અવાજ આવ્યો, ‘સંજના, સ્ટૉપ ઇટ. ઘરમાં બાબા છે!’
‘તો ભલે રહ્યા. કેટલા દિવસે તને જોઈ. વ્યાજ સાથે વસૂલીશ.’
‘ઈશશશશ... સ્ટૉપ... કૂતરી.’
અને અનિકાનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. મેજર રણજિતે નજર ફેરવી તો સામે પૂર્ણ કદના અરીસામાં તેમનું પોતાનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું. બંધ દરવાજા પાસે કાન લગાવીને દીકરીની વાતો સાંભળતા બાપનું પ્રતિબિંબ.
અને રણજિતને ભોંઠપ અનુભવાઈ. તે છોભીલા પડી ગયા. તરત સ્વસ્થ થયા અને થોડા અપરાધભાવ સાથે તેમણે રેગ્યુલેટર ફાસ્ટ કરીને પંખાનો અવાજ વધારી દીધો કે બહારનું કશું સાંભળવું જ ન પડે.
મેજર રણજિતે ફટાફટ કપડાં બદલ્યાં અને બહાર આવ્યા ત્યાં સુધીમાં અનિકા અને સંજના ડાઇનિંગ ટેબલ પર જમવાનું ગોઠવી રહ્યાં હતાં.
મેજર રણજિતે નોંધ્યું કે સંજના બહુ સહજતાથી કામ કરી રહી હતી. આ ઘરનાં વાસણો, વાસણોની જગ્યા, ડાઇનિંગ ટેબલ પર રહેલા મસાલા અને અથાણાંના ડબ્બાઓ સાથે વર્ષોથી પરિચિત હોય એમ.
અચાનક રણજિતનું ધ્યાન ગયું કે સંજનાએ જે જાંબલી રંગની ફૂલગોટ્ટા ભરતની લાંબી કુરતી પહેરી હતી એ અનિકાની કુરતી હતી. વહેલી સવારે આ કુરતી પહેરીને અનિકાને હીંચકા પર ચાનો કપ લઈને ઝૂલતી જોઈ છે. આ અનિકાની પ્રિય કુરતી હતી એવું અનિકાએ એક વાર વાત-વાતમાં બાબાને કહેલું.
અનિકાની પ્રિય કુરતી સંજનાએ પહેરી છે એ દૃશ્ય મેજર રણજિતને સહેજ ખૂંચ્યું. રણજિતની થાળીમાં અનિકા પૂરી પીરસી રહી હતી અને એકાએક અનિકાના ગળાના ભાગે રણજિતે ભૂખરી લાલ રંગની લવ-બાઇટ જોઈ. એકદમથી મેજર રણજિત થીજી ગયા. સંજના સૂકી ભાજી પીરસવા આવી કે મેજર રણજિત સહેજ ઊંચા અને અસહજ અવાજમાં બોલી ગયા, ‘હું જાતે લઈ લઈશ. નો થૅન્ક્સ.’
બન્ને છોકરીઓના હાથ અટકી ગયા. સંજનાએ અનિકા સામે જોયું.
‘બાબા, તમને નથી ભાવતું આ શાક? મેં તમને કહેલું કે તમારા માટે નવું બનાવી આપું.’
‘ના... ના... ચાલશે.’
આટલો ટૂંકો પણ કન્ટ્રોલ્ડ જવાબ આપીને રણજિતે થોડી સૂકી ભાજી લીધી અને મોં નીચું રાખીને ખાવાનું શરૂ કરી દીધું.
‘રણજિત, ક્યાંક એવું તો નથીને કે તું મારા હાથે પીરસેલું ખાઈશ તો ખાવાનો ટેસ્ટ જતો રહેશે?’
સંજના રમતિયાળ અંદાજમાં બોલી. મેજર રણજિતે જવાબ ન આપ્યો એટલે અનિકાએ ઇશારાથી સંજનાને ચૂપ રહેવા કહ્યું.
‘સારું. બાપ-દીકરી બન્ને ભેદી છો. સાવ એકસરખાં. મનમાં શું ચાલી રહ્યું છે એ સામાવાળાને ક્યારેય ખબર પડે જ નહીં.’
ખબર નહીં કેમ પણ રણજિતને સંજનાની આ વાત ગમી. તેમણે પોતાના ચહેરા પર એ ભાવ ન આવવા દીધા, પણ તેમને આ સારું લાગ્યું.
ત્રણે જણ ડાઇનિંગ ટેબલ પર બેસીને ચૂપચાપ જમી રહ્યાં હતાં. થોડી વારે અનિકા બોલી, ‘બાબા, સંજના અહીં મુંબઈમાં જ મોટી થઈ છે. તેના પપ્પા બિઝનેસમૅન છે અને મમ્મી સ્કૂલ-ટીચર. સંજનાને એક નાનો ભાઈ છે જે વકીલ છે.’
‘ને તો પણ મારા હક માટે મારો ભાઈ કોઈ સાથે લડતો નથી!’
આટલું બોલીને સંજના ખડખડાટ હસી, પણ તેના સિવાય બીજા કોઈને હસવું ન આવ્યું એ વાતે તે ફરી ચૂપ થઈ ગઈ.
‘બાબા, સંજનાએ MBA કર્યું છે. બિઝનેસ મૅનેજમેન્ટમાં તેને રસ છે.’
‘ખાલી રસ જ છે કે કંઈ કરે પણ છે?’
આ સવાલ મેજર રણજિતનો હતો. અનિકા થોડી અસહજ થઈ ગઈ, પણ સંજનાએ વાતાવરણમાં હળવાશ રાખવાનો પ્રયત્ન કર્યો.
‘આઇ લાઇક ઇટ રણજિત. એકદમ મેજર સ્ટાઇલ ગોળીબાર કર્યો. યુ આર નૉટ રિટાયર્ડ મૅન. નિશાન હજી પણ ચૂકતું નથી. વેલ, હું મારું પોતાનું સ્ટાર્ટ-અપ પ્લાન કરું છું. સરસ આઇડિયા ડેવલપ થાય પછી ઇન્વેસ્ટર શોધીશ.’
‘તારા પપ્પા બિઝનેસમૅન છેને? તો પછી બહારથી ઇન્વેસ્ટર શોધવાની જરૂર કેમ પડી?’
‘બાબા, બહુ પર્સનલ સવાલ છે આ. વી શુડ નૉટ ક્રૉસ સમ બાઉન્ડરી.’
અનિકા થોડી અસહજ થઈ ગઈ.
‘એમ? મારી દીકરીના ઘરમાં મારી દીકરીનાં કપડાં પહેરીને મારી દીકરી સાથે તે ડિનર કરી રહી છે, મને સૂકી ભાજી પીરસે છે, તારી સાથે...’
મેજર આગળના શબ્દો ગળી ગયા અને એ શબ્દો ઓળંગીને વાત પૂરી કરતા બોલ્યા, ‘...ને તું મને બેટા હજી બાઉન્ડરીની વાત કરે છે? હવે અત્યારે અંગત અને જાહેર જેવું શું બચ્યું છે?’
અનિકાનો ચહેરો તંગ થયો. તે કશું બોલી જ ન શકી. તેને સમજાણું જ નહીં કે શું રીઍક્ટ કરું. ખુદ મેજર રણજિતને પણ નવાઈ લાગી કે તે આટલું બધું બોલી ગયા. સંજનાએ પાણી પીધું અને બોલી, ‘રણજિત, મારા પપ્પા મારા સ્ટાર્ટ-અપ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર છે, પણ તેમની શરત છે. તેમના બિઝનેસ પાર્ટનરના દીકરા સાથે હું લગ્ન માટે તૈયાર થઈ જાઉં તો જ તેમને મારી આવડતમાં રસ છે. તેમણે મને અને મારા સપનામાં શરતો લાગુની ફૂદડી લગાડી છે. તેમનું માનવું છે કે હું ઇચ્છું તો તેમનો બિઝનેસ બહુ ગ્રો કરી શકશે. મારાં લગ્ન થકી અમારું એમ્પાયર વધુ સ્ટ્રૉન્ગ બનશે.’
રણજિતે પાણી પીધું અને જાણે નિસાસો નાખતા હોય એમ માથું ધુણાવ્યું.
‘અંતે તો વાંક માબાપનો જ હોય છે બેટા. સંતાનોને જન્મ આપ્યો એ પણ વાંક છે, પાળી-પોષીને મોટાં કર્યાં એ પણ વાંક છે.’
‘વાઉ અનિકા, મને તો ડાઉટ હતો કે હું તારા બાબાને કેવી રીતે ઓળખી શકીશ, પણ લુક ઍટ ધિસ. મારા પપ્પા અને તારા બાબામાં ખાસ ફરક નથી. ઊલટાનું મને આ કન્વર્સેશન વધારે આસાન લાગ્યું કેમ કે મારા ઘરે મારા પપ્પા સાથે દરરોજના અમારા ડાયલૉગ્સ આવા જ હોય છે.’
‘બેટા, તારા પપ્પાને પણ તુંકારે જ બોલાવે છે તું? માન આપવાની સિસ્ટમ નથી મુંબઈમાં?’
હવે અનિકા માટે આખી વાત અસહ્ય હતી. બાબાનું આ રૂપ તેના માટે પણ સાવ અજાણ્યું હતું. તે ઊભી થઈ ગઈ અને સંજનાએ તેનો હાથ પકડી લીધો. રણજિતે એ સ્પર્શ નોંધ્યો. સંજનાએ આંખોથી અનિકાને શાંત રહેવાનો ઇશારો કર્યો. પછી હસતાં-હસતાં બોલી, ‘રણજિત, હું તુંકારે બોલાવું એનો એક અર્થ એવો થયો કે મારે તમારી નજીક આવવું છે, અંગત સંબંધ બનાવવો છે. તમને મારી વાતમાં કોઈ ડેપ્થ ન દેખાતી હોય પણ મારા ઇરાદામાં એક ઇમોશન્સ છે જે સમજતાં કદાચ તમને વાર લાગશે. રહી વાત માનની તો લેટ મી ક્લિયર વન થિંગ. ‘તમે તમે’ અને ‘આપ આપ’ કરીને મનને ન સમજી શકનારા સંબંધોમાં માન એ ફૉર્મલિટીથી વિશેષ કશું જ નથી. હું તમને ‘રણજિત’ કહું છું અને ‘રણજિત’ જ કહીશ કેમ કે તમે અનિકાના બાબા છો. હું તમને અંગત માનું છું એટલે અંગત સંબંધની જેમ જ વર્તીશ.’
સંજનાનો આ સ્પષ્ટ જવાબ સાંભળીને રણજિતે જમવાનું પૂરું કર્યું અને ઊભા થઈને વરંડામાં ગયા. અનિકાની આંખો છલકાણી. સંજનાએ અનિકાની પીઠ પર હાથ મૂક્યો, ‘આઇ ઍમ સો સૉરી સંજના. મને નહોતી ખબર કે બાબા તારી સાથે...’
‘શશશશશશ... કામ ડાઉન. મારા માટે કશું નવું નથી. ટ્રસ્ટ મી, હું રણજિતને જજ નથી કરતી. સસરો છે મારો. રિસ્પેક્ટ બટન ઑન. સસરાને સાત ખૂન માફ.’
‘તું કેમ આવી છે યાર?’ આંસુ લૂછતી અનિકા હસી પડી. પછી સંજનાને ધબ્બો મારતાં બોલી, ‘થોડો રિસ્પેક્ટ આપ તેમને. આર્મીમૅન છે. તેમને ‘તું’, ‘તારી’ની ટેવ નથી.’
‘ઓકે મૅમ... સરેન્ડર! જય હિન્દ.’
lll
ત્રણેય જણ વરંડામાં બેઠાં હતાં. મેજર રણજિત અને અનિકા ઝૂલા પર. સામે નેતરની ખુરસી પર સંજના મુખવાસ ચાવી રહી હતી. વરસાદ વરસ્યા પછીના વાતાવરણમાં તન-મનને ગમે એવી ઠંડક હતી. અનિકાએ નીચે ખરેલાં રાતરાણીનાં બે ફૂલ ઊંચક્યાં અને પંપાળવા લાગી. સંજનાએ મેજર રણજિત સામે જોયું જે ચૂપ હતા અને શૂન્યમાં તાકી રહ્યા હતા. સંજના બોલી,
‘અનિકા, ગીતો વગાડીએ.’
‘સારું, હું ગ્રામોફોન લેતી આવું. વરસાદ હતો એટલે મેં ડ્રૉઇંગરૂમમાં...’
‘ના... ના... રિલૅક્સ. હું મારા મોબાઇલમાં વગાડું. હું તને અલકા યાજ્ઞિકનાં ગીતો સંભળાવું.’
રણજિતે સંજના સામે જોયું, ‘લતા સિવાય બીજા કોઈનો અવાજ કેવી રીતે ગમી શકે?’
‘તમે એક્સપ્લોર કરો તો બહુબધા અવાજ છે રણજિત. માત્ર તમને ન સમજાય કે તમે અજાણ હો એથી એ અવાજોનું અસ્તિત્વ કે મૂલ્ય ઓછું નથી થઈ જતું.’
રણજિત સહેજ કટાક્ષમાં મોટેથી બબડ્યા, ‘કોઈ ક્લાસ જ નથી!’
રણજિતની આ વાત પર અનિકાએ હીંચકો અટકાવી દીધો.
‘ચલ અનિકા, વરસાદ વધી જાય એ પહેલાં હું મારા ઘરે પહોંચી જાઉં. બાય રણજિત. મજા પડી તમને મળીને.’
વધારે ચર્ચા થાય કે કોઈની નજરમાં જોવું પડે એ પહેલાં સંજના ઊભી થઈ. સ્મિત ટકાવવાનો પ્રયત્ન કર્યો અને આજે અનિકાને ગળે મળ્યા વગર તે જતી રહી.
અનિકા દરવાજા સુધી પણ ન જઈ શકી.
તેની આંખો છલકાણી. ડૂમો ગળામાં અટવાયો, ‘આ શું હતું બાબા? ખુશ? આ બધું કરવા તમે મુંબઈ આવ્યા હતા? યુ નો વૉટ? તમે માથી જરાય અલગ નથી એ આજે તમે સાબિત કરી દીધું!’
અને અનિકા રડતી-રડતી પોતાના રૂમમાં જતી રહી.
આસપાસ લાઇટો બંધ થવા લાગી. મેજર રણજિત હવે અંધારામાં એકલા હતા!
(ક્રમશ:)

