Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કેસ ફાઇલ : કાર્ટર રોડ – ૧ વત્તા ૧, દરેક વખતે ૨ ન થાય (પ્રકરણ ૫)

કેસ ફાઇલ : કાર્ટર રોડ – ૧ વત્તા ૧, દરેક વખતે ૨ ન થાય (પ્રકરણ ૫)

Published : 18 September, 2026 02:41 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

વાંચો વાર્તાનું અંતિમ ચેપ્ટર અહીં

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


બોરીવલીના આકાશ પરથી વાદળો વિખેરાવા લાગ્યાં હતાં અને બંગલાની કાચની બારીઓમાંથી ભીના ડામરવાળા કાર્ટર રોડ પર સ્ટ્રીટલાઇટના પીળા લિસોટા દેખાતા હતા. સવારના સવાચાર વાગ્યા હતા અને દોશી વિલાના વિશાળ લિવિંગરૂમમાં સન્નાટો હતો.

સોમચંદ શાહ રૂમની વચ્ચોવચ ઊભો હતો. તેના હોઠ વચ્ચે સફેદ, વણસળગાવેલી સિગારેટ દબાયેલી હતી. બન્ને હાથ જીન્સના પૉકેટમાં હતા અને નજર... નજર સોફા પર બેઠેલા ચારેય ચહેરાઓ પર એક પછી એક સ્થિર થતી જતી હતી.



ધ્રૂજતો સુરેશ શાહ, પથ્થર જેવી બેઠેલી માયા, અકળાયેલો દેવેન અને હાથ બાંધીને ઊભેલી સુમનબાઈ.


ઇન્સ્પેક્ટર વિલાસ સાવંતની ધીરજનો અંત આવી ગયો હતો.

‘સોમચંદ, હવે સસ્પેન્સ રાખવાનું બંધ કરો. તમે કહ્યું કે ત્રીજા કપ પર લાલ ડાઘ છે, કોઈ આયુર્વેદિક લેપ છે, કિલર આ ઘરમાં જ છે... તો કોણ છે એ? પટપટ બોલો, સવાર થવા આવી.’


સોમચંદે મોંમાંથી સિગારેટ કાઢીને હવામાં હળવેથી નચાવી. એ સૌથી પહેલાં સુરેશ શાહ સામે જઈને ઊભા રહ્યા.

‘સુરેશ....’ સોમચંદનો અવાજ શાંત હતો, ‘તેં મલાડથી ખંજર ખરીદ્યું, બારી ખોલીને અંદર આવ્યો અને મડદા પર ખંજર ચલાવ્યું. હવે એક વાતનો જવાબ આપ... તને આ ખૂન કરવાનો આઇડિયા કોણે આપ્યો? શૅરબજારમાં તારાથી પચાસ લાખની ભૂલ થઈ, અભયે તને ધમકી આપી... પણ બેઝિકલી તું તો કાયર માણસ છે. તારા જેવા માણસમાં એકલા હાથે કોઈનું ખૂન કરવાની હિંમત આવી ક્યાંથી...’

સુરેશના ગળામાં ડૂમો ભરાઈ ગયો. તેણે રડતાં-રડતાં સોમચંદ સામે જોયું કે તરત સોમચંદે સ્પષ્ટતા કરી દીધી.

‘મને બધી ખબર છે એમ જ માન... બસ, મારે તારા મોઢે સાંભળવું છે.’ સોમચંદે દૃઢતા સાથે કહ્યું, ‘આ પ્લાન તારો નહોતો... તું કોનો હાથો બન્યો.’

‘સાહેબ... મને નથી ખબર...’ સુરેશ રડી પડ્યો, ‘૩ દિવસ પહેલાં મને એક અનનોન નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારાએ વૉઇસ-ચેન્જર સૉફ્ટવેરનો ઉપયોગ કર્યો હોય એવું મને લાગતું હતું, પણ તેણે મને કહ્યું કે અભય દોશીએ આજે રાતે જ મને જેલભેગો કરવાની તૈયારી કરી લીધી છે. જો મારે બચવું હોય તો રાતે સવાનવ વાગ્યે પાછળની બારીમાંથી અંદર ઘૂસીને અભયને ખતમ કરવો પડશે.’

‘બસ, આટલું જ?’

‘ના, તે જે કોઈ વ્યક્તિ હતી તે પાવરફુલ હતી. તેણે મને બપોરે ફોન કરીને ફરીથી કહી દીધું કે રાતે ૯ વાગ્યે આખા કાર્ટર રોડ પર લાઇટ જશે અને સ્ટડીરૂમની પાછળની બારી તારા માટે અનલૉક હશે... હવે બચવું કે નહીં એ તારે નક્કી કરવાનું છે.’ અચાનક યાદ આવ્યું હોય એમ સુરેશે સોમચંદને કહ્યું, ‘હા સાહેબ, મને એવું પણ કહ્યું હતું કે મારે ૯.૧૫ વાગ્યે અંદર ઘૂસવાનું અને એ સમયે અભયને મારી નાખવાનો...’

‘કાય?!’ સાવંત ચોંકી ઊઠ્યા, ‘તને કોઈ રિમોટ કન્ટ્રોલથી ઑપરેટ કરતું હતું?’

‘હા સાહેબ... એવું જ માનો.’ સુરેશ છાતી કૂટવા લાગ્યો. ‘અહીં આવ્યો ત્યાં સુધી મને એમ હતું કે હું મારો બદલો લઉં છું, પણ હવે... હવે મને લાગે છે કે હું તો કોઈનું રિમોટ હતો. કોઈ મારો યુઝ કરતું હતું.’

‘એક્ઝૅક્ટલી...’ સોમચંદે સિગારેટ ફરી હોઠમાં દબાવી. ‘સુરેશને બલિનો બકરો બનાવવાનો હતો. પ્લાન એવો હતો કે ૯.૧૫ વાગ્યે જ્યારે લાઇટ જાય ત્યારે સુરેશ અંદર આવે, ખંજર મારે અને રંગેહાથ પકડાઈ જાય જેથી બધા એવું સમજે કે અભયનું મોત ખંજરથી થયું છે. કોઈ ઝેરની તપાસ સુધી પહોંચે જ નહીં.’

સોમચંદ હવે ધીમા પગલે સુમનબાઈ તરફ આગળ વધ્યો. સુમનબાઈની આંખોમાં ક્ષણવાર માટે ચમકારો થયો, પણ તેણે પોતાનો ચહેરો સપાટ રાખ્યો.

‘સુમનબાઈ...’ સોમચંદે તેની સામે જોયું. ‘૨૦ વર્ષ પહેલાં અભયે તમારી નજર સામે તમારા ૧૨ વર્ષના દીકરાને કચડી નાખ્યો. તમે એ બદલાની આગમાં ૨૦ વર્ષ સુધી આ બંગલામાં વાસણ ઘસ્યાં, પોતાં માર્યાં અને અભયને બ્લૅકમેઇલ કરીને ચેક પડાવતા રહ્યાં; પણ આ ત્રીજા કપની
ગ્રીન-ટી તમે બનાવી હતી, સાચુંને?’

સુમનબાઈએ હસીને મોં ફેરવી લીધું.

‘મેં પહેલાં પણ કીધું કે હું તેને ધીમું ઝેર આપતી હતી, પણ એક જ ઝાટકે સાઇનાઇડ આપીને તેને મુક્ત કરી દેવા જેટલી હું મૂર્ખ નથી.’

‘ના... ના... સુમનબાઈ, તમે મૂર્ખ નથી... તમે ચાલાક છો. ઓવરસ્માર્ટ.’ સોમચંદે તેનો અવાજ સહેજ ઊંચો કર્યો, ‘એ ત્રીજા કપ પર જે લાલ ડાઘ છે એ મંજિષ્ઠાદિ લેપ છે જે હોઠના એક્ઝિમાના દરદીઓ લગાવે છે. સુમનબાઈ, તમારા હોઠના નીચેના ભાગે સુકાઈ ગયેલી ચામડી જુઓ. તમે વર્ષોથી આ આયુર્વેદિક લેપ વાપરો છો. ૯ વાગ્યે દેવેન કે માયા નહીં; તમે પોતે સ્ટડીરૂમમાં ગયાં, તમે જોયું કે માયા અને દેવેન અંદરોઅંદર લડે છે અને તમે આખો પ્લાન અમલમાં મૂકી દીધો.’

‘સાઇનાઇડ તો આ માણસ પાસે હતું.’ સુમનબાઈએ દેવેન તરફ ઇશારો કર્યો, ‘હું ક્યાં લાવી હતી?’

‘તમે લાવ્યાં નહોતાં પણ દેવેનની ગાડીમાં સાઇનાઇડ પડેલું છે એની તમને બપોરે જ ખબર પડી ગઈ હતી અને તમે એમાંથી થોડું સાઇનાઇડ ચોરી લીધું. સુરેશને અજાણ્યા નંબર પરથી ફોન કરીને ઉશ્કેરનારાં પણ તમે જ હતાં...’

સુમનબાઈના ચહેરા પરથી રંગ
ઊડી ગયો.

‘તમે ૯ વાગ્યે અભય માટે ગ્રીન-ટી બનાવી, એમાં દેવેનનું સાઇનાઇડ નાખ્યું અને અભયને પીવડાવી દીધું...’ સોમચંદ આગળ વધ્યો. ‘અભય ૯.૧૫ વાગ્યે તરફડીને મરી ગયો. ચા પર સાઇનાઇડ લગાડતાં પહેલાં તમે તમારી રોજની આદતની જેમ અભયના કપમાંથી ચા પીધી. તમે તેને રોજ એંઠી ચા પીવડાવીને વિકૃત ખુશી માણતાં હતાં. એ જ વિકૃતિ તમે કાલે પણ કરી લીધી, પણ સાઇનાઇડ ભેળવ્યા પહેલાં... પછી તમે ગ્રીન-ટીમાં સાઇનાઇડ ભેળવી દીધું, પણ કપ સાફ કરવાનું તમે ભૂલી ગયાં સુમનબાઈ...’

સોમચંદ તરત ઇન્સ્પેક્ટર સાવંત સામે ફર્યા.

‘સુમનબાઈથી આ ભૂલ થઈ અને તેના હોઠનો લેપ કપની કિનારી પર લાગી ગયો. સાઇનાઇડની અસર થઈ ગઈ, અભય ગુજરી ગયો એટલે તરત સુમનબાઈ ફરી રૂમમાં ગઈ. તેણે સાઇનાઇડવાળો કપ લઈ લીધો અને પછી કપ તોડીને ડસ્ટબિનમાં ફેંકી દીધો.’ સોમચંદે સુમનબાઈ સામે જોયું, ‘સુમનબાઈ, તમે જાણતાં હતાં કે સવાનવે સુરેશ મારવા આવશે એટલે પોલીસ સુરેશને પકડશે અથવા ઝેર પકડાશે તો દેવેન અને માયા ફસાશે. તમારો ૨૦ વર્ષનો બદલો પૂરો થઈ જશે અને તમારા પર કોઈ શંકા પણ નહીં કરે.’

સુમનબાઈના ચહેરા પરનો સંયમ તૂટી પડ્યો. તેણે માથું ઊંચું કર્યું.

‘હા, મેં જ માર્યો તે રાક્ષસને...’ સુમનબાઈ મરાઠીમાં ચિત્કારી ઊઠી, ‘મેં જ તેને એ ઝેર પીવડાવ્યું. ૨૦ વર્ષથી હું તેનાં બૂટ સાફ કરતી હતી, તેનું એંઠું ખાતી... માત્ર આ દિવસ જોવા માટે. મારા દીકરાની ચીસો મને રાતે સૂવા નહોતી દેતી. અભય દોશીએ જીવવાનો કોઈ હક નહોતો રાખ્યો, મેં તેને કૂતરાના મોતે માર્યો...’

‘શિંદે! હાથકડી લગાવો આને!’ સાવંતે ગર્જના કરી.

કૉન્સ્ટેબલ શિંદે આગળ વધ્યો અને સુમનબાઈના બન્ને હાથમાં લોખંડની હાથકડી જકડી દીધી. સાવંતે એક ઊંડો શ્વાસ લીધો અને કપાળ પરનો પરસેવો લૂછ્યો. ‘થૅન્ક ગૉડ, છેવટે કિલર પકડાયો. સોમચંદ માનવું પડે. આખો કેસ એક રાતમાં પતી ગયો.’

‘ના સાવંત.’ સોમચંદે અચાનક હાથ લંબાવીને સાવંતને રોક્યા, ‘હજી કેસ પૂરો નથી થયો.’

સાવંત અકળાયા.

‘સુરેશે કબૂલ્યું, સુમનબાઈએ કબૂલ્યું... હવે શું બાકી છે?’

‘બાકી છે આખી વાર્તાનો સૌથી
મોટો ખેલાડી...’

સોમચંદે મોંમાંથી સિગારેટ કાઢીને ટેબલ પર મૂકી. તેણે પોતાના રેઇનકોટના અંદરના ખિસ્સામાંથી કવર કાઢ્યું. કવર પર બૉમ્બે હૉસ્પિટલના ઑન્કોલૉજી ડિપાર્ટમેન્ટનો સિક્કો હતો.

‘આ રિપોર્ટ અભય દોશીનો છે જે આજે બપોરે તેણે પોતે મને ઈ-મેઇલ કર્યો હતો.’ સોમચંદના અવાજમાં શાંતિ હતી,  ‘અભય ઍક્યુટ માયલૉઇડ લ્યુકેમિયા એટલે કે બ્લડ-કૅન્સરના છેલ્લા સ્ટેજમાં હતો. તેની પાસે જીવવા માટે ગણતરીના દિવસો હતા. તેના પ્લેટલેટ્સ તૂટતા તારાની જેમ ઘટતા જતા હતા.’

રૂમમાં બધા સ્તબ્ધ થઈ ગયા.

માયાએ ફાટી આંખે સોમચંદ સામે જોયું.

‘કૅન્સર? અભયને કૅન્સર હતું?’

‘હા માયા... કૅન્સર.’ સોમચંદે માયા તરફ જોયું, ‘અભયને ખબર હતી કે તે બહુ જલદી મરવાનો છે, પણ તે મરતાં પહેલાં પોતાના તમામ દુશ્મનોનો હિસાબ ચૂકતે કરવા માગતો હતો. તેને ખબર હતી કે તેની વાઇફ પોતાના જ પાર્ટનર સાથે મળીને તેને છેતરે છે અને બંગલો પચાવી પાડવા માગે છે. તેને ખબર હતી કે પચાસ લાખની ઉચાપત કરનારો અકાઉન્ટન્ટ તેના પર હુમલો કરી શકે છે અને તે એ પણ જાણતો હતો કે ઘરમાં કામ કરતી સુમનબાઈ તેના દીકરાના મોતના બદલાની આગમાં ભડકે બળે છે.’

સોમચંદ ધીમે-ધીમે ચાલતા અભયના સ્ટડીરૂમની સીડીઓ પાસે ગયો.

‘અભય દોશીએ આ આખી મર્ડર મિસ્ટરી પોતે જ સ્ક્રિપ્ટ કરી હતી.’ સોમચંદે બધાની સામે જોયું, ‘તેણે જાણીજોઈને દેવેનને ઉશ્કેર્યો, જેથી દેવેન વસઈથી સાઇનાઇડ લાવે. તેણે જાણીજોઈને નવું વિલ બનાવીને માયાને ભડકાવી, જેથી માયા તિજોરી ખોલે. તેણે જાણીજોઈને સુરેશને ઑફિસમાં લાફો માર્યો, જેથી સુરેશ ખંજર લઈને આવે અને સૌથી મોટી વાત, ગઈ કાલે રાતે અભયે પોતે સુમનબાઈને એકાંતમાં બોલાવીને ટોન્ટ માર્યો કે તેં તારા મરેલા દીકરાના નામે મારી પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા, પણ તારામાં બદલો લેવાની કોઈ ઓકાત નથી. અભયે પોતે સુમનબાઈની અંદર રહેલી બદલાની આગને વધારે ભડકાવી, જેથી સુમનબાઈ તેને સાઇનાઇડ પિવડાવવા મજબૂર થાય.’

બધાના હોશ ઊડી ગયા હતા. સુમનબાઈ જમીન પર બેસી પડી. તેનું આખું શરીર કાંપવા લાગ્યું.

‘અભય કૅન્સરના દર્દનાક મોતે મરવા નહોતો માગતો.’ સોમચંદનો અવાજ પહેલી વાર ઢીલો પડ્યો, ‘તે મરતાં-મરતાં પોતાના તમામ દુશ્મનોને એકઝાટકે જેલમાં ધકેલવા માગતો હતો. તેણે આત્મહત્યાને એવી હત્યા બનાવી દીધી જેમાં તેની બેવફા પત્ની, ગદ્દાર પાર્ટનર, ચોર અકાઉન્ટન્ટ અને બ્લૅકમેઇલર કામવાળી બધા જ ફસાઈ જાય અને મને પણ પોતાની ગેમમાં પ્લાન્ટ કર્યો.’

              ‘એ કેવી રીતે?’

‘જો હું અહીં ન હોત તો ઇન્સ્પેક્ટર સાવંતે તો ક્યારનો ક્લોઝર રિપોર્ટ બનાવીને કેસ પૂરો કરી નાખ્યો હોત
અને આ ચહેરા પરથી મુખવટા અકબંધ રહ્યા હોત’

લિવિંગરૂમમાં કોઈ કશું બોલી શકે એવી સ્થિતિમાં નહોતું.

માયા દોશી અને દેવેન પારેખ ષડયંત્ર, ચોરી અને ઝેર રાખવાના ગુનામાં અરેસ્ટ થયાં. સુરેશ શાહ ડેડબૉડી પર જીવલેણ હુમલો કરવા અને ઘૂસણખોરીના ગુનામાં પકડાયો અને સુમનબાઈ પર હત્યાનો સીધો કેસ દાખલ થયો.

એક જ લાશ... અને ૪ આરોપીઓ.

સવારના ૬ વાગી ચૂક્યા હતા.

કાર્ટર રોડ પર વરસાદ પછીની તાજી, ભીની માટીની સુગંધ ફેલાયેલી હતી. પૂર્વ દિશામાંથી આછો કેસરિયો સૂરજ ઊગી રહ્યો હતો. પોલીસની વૅનમાં ચારેય આરોપીઓને બેસાડીને સાયરન વગાડતી ગાડીઓ નીકળી ગઈ.

ઇન્સ્પેક્ટર વિલાસ સાવંતે પોતાના રેઇનકોટના ખિસ્સામાંથી એક માચીસ કાઢી. તેમણે સોમચંદ સામે જોઈને હળવું સ્મિત કર્યું.

‘સોમચંદ, ડિપાર્ટમેન્ટમાં મેં મારી આખી જિંદગી કાઢી નાખી, પણ આવો કેસ અને આવું ચૅલેન્જિંગ ઇન્વેસ્ટિગેશન મેં જોયું નથી.’ સાવંતે દીવાસળી પેટાવીને આગળ ધરી, ‘હવે તો આ સિગારેટ સળગાવી લો.’

સોમચંદે સાવંત સામે જોયું. તેણે હોઠ વચ્ચેથી એ કોરી સફેદ સિગારેટ બહાર કાઢી. તેણે સિગારેટને આંગળીઓ વચ્ચે પકડીને સહેજ મરોડી.

‘ના સાવંત.’ સોમચંદે સિગારેટ પાછી પોતાના ખિસ્સામાં મૂકી દીધી. ‘સિગારેટ સળગાવીએ તો રાખ બને અને રાખ હવામાં ઊડી જાય, પણ આ વણસળગાવેલી સિગારેટ મને યાદ અપાવે છે કે દુનિયામાં જ્યાં સુધી ગુનાહિત દિમાગ જીવતાં છે ત્યાં સુધી મારા દિમાગની આગ ક્યારેય ઓલવાવી ન જોઈએ.’

સોમચંદે પોતાનો રેઇનકોટ સરખો કર્યો. તેણે કાર્ટર રોડના એ છેલ્લા બંગલા દોશી વિલા તરફ છેલ્લી નજર નાખી, જે હવે હંમેશ માટે વેરાન બની ચૂક્યો હતો.

‘સાથે ચા પીએ?’

‘ના...’ નકારમાં નોડ કરતાં ડિટેક્ટિવ સોમચંદે કહ્યું, ‘કાર્ટર રોડ પાંચ નંબરમાં કોઈ રાહ જુએ છે... આજની ચા તેની સાથે...’

ડિટેક્ટિવ સોમચંદ શાહ આગળ નીકળી ગયા.

 

(સંપૂર્ણ)

 

Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 02:41 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK