Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સુખદ આશ્ચર્ય જેવો સત્સંગનો પ્રભાવ કેટલો ટકશે?!

સુખદ આશ્ચર્ય જેવો સત્સંગનો પ્રભાવ કેટલો ટકશે?!

Published : 18 September, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પર્યુષણની વાત કરું તો આપણા આ મુંબઈ શહેરમાં ૮ દિવસ દરમ્યાન પૂજા-પાઠ, ભક્તિ-પ્રભાવના, અધ્યાત્મ અને ઉન્નતિના માર્ગ પર ચાલવાના આયામો, આત્મલક્ષી વ્યાખ્યાનો, ધર્મઆરાધના અને ત્યાગ-તપસ્યાના કેટકેટલા ઉપક્રમો યોજાય છે. લાખો લોકો આ બધામાં સામેલ થાય છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


ઉત્સવોના આ દિવસોમાં આપણી જિંદગી પર બહારના માહોલનો પ્રભાવ જોવા મળે જ છે. ગમે એવી રૂટીન, એક જ ઘરેડમાં અને એક જ ગતિએ સરકતી જિંદગી પર ઉત્સવી માહોલનાં વાઇબ્સ (સ્પંદનો) કોઈક ને કોઈક રીતે ઝિલાતાં જોવા મળે છે. રક્ષાબંધન, આઝાદી દિન કે જન્માષ્ટમીના ઉલ્લાસભર્યા ધમધમાટનો કોલાહલ શમ્યો કે અધ્યાત્મ-આરાધના, ત્યાગ-તપસ્યા અને ક્ષમાપનાના પવિત્ર દિવસો લઈને પર્યુષણ-પર્વ આવી પહોંચ્યું અને ક્ષમાપનાના સંદેશાઓ વહેતા હતા ત્યાં જ વાતાવરણમાં શ્રદ્ધા અને ભક્તિની મહેક ફેલાવતું વિઘ્નહર્તા ગણપતિનું આગમન થઈ ચૂક્યું છે. ભલભલા ગુમસૂમ કે શુષ્ક માનવીના ચહેરા પર પણ આ તહેવારોમાં પ્રસન્નતાની આછેરી લહેર જોવા મળતી હોય છે એ તમે નોંધ્યું હશે. જેમની જિંદગીમાં ડોકિયું કરીએ ત્યાં દુ:ખ અને કષ્ટ સિવાય ભાગ્યે જ બીજું કશું દેખાય એવા અભાવોમાં જીવતા લોકોના ચહેરા પર પણ જન્માષ્ટમીમાં કૃષ્ણજન્મનો અને દહીહંડીનો ઉત્સવ મનાવતાં જે પ્રસન્નતા જોવા મળે છે એ અકલ્પ્ય છે. એ જ રીતે બાપ્પાને ધામધૂમથી લાવતી વખતે કે તેમની આરતી કરતી વખતે પોતાના જીવનની એક પણ કમીને આસપાસ ફરકવા દીધા વગર સામાન્ય માનવી જે રીતે બાપ્પાનું ભક્તિભાવપૂર્વક સ્વાગત કરે છે કે તેમનો સંગ માણે છે એ જોઈને આ તહેવારોની ઉજવણી શરૂ કરનાર કોઈ મહા માનસશાસ્ત્રી કે સામાજિક ચેતનાનો પારખુ જણ હશે એમ લાગ્યા વગર રહે નહીં.
પર્યુષણની વાત કરું તો આપણા આ મુંબઈ શહેરમાં ૮ દિવસ દરમ્યાન પૂજા-પાઠ, ભક્તિ-પ્રભાવના, અધ્યાત્મ અને ઉન્નતિના માર્ગ પર ચાલવાના આયામો, આત્મલક્ષી વ્યાખ્યાનો, ધર્મઆરાધના અને ત્યાગ-તપસ્યાના કેટકેટલા ઉપક્રમો યોજાય છે. લાખો લોકો આ બધામાં સામેલ થાય છે. છેલ્લા દિવસે ક્ષમાપનાનું મહાપર્વ. ત્યારે સૌ વર્ષ દરમ્યાન પોતાનાથી જાણતાં-અજાણતાં કોઈને પણ દુ:ખ પહોંચ્યું હોય તો એ માટે અંત:કરણપૂર્વક માફી માગીને અને આપીને હળવા થાય છે. ક્ષમાપનાનું આ પર્વ જૈનો તો સદીઓથી મનાવતા આવ્યા છે અને આ એકવીસમી સદીમાં તો વિશ્વમાં પણ ક્ષમાપનાનું મહત્ત્વ સમજાયું છે. તબીબી વિજ્ઞાને અને સમાજશાસ્ત્રના સંશોધકોએ પણ સ્વીકાર્યું છે કે કોઈના પણ પ્રત્યે મનમાં ધરબી રાખેલા રાગ-દ્વેષ અને વેરા-વંચા સૌથી વધુ નુકસાન વ્યક્તિને પોતાને કરે છે. કોઈના વિશેના નકારાત્મક વિચારો એ જેના વિશે હોય તેને નહીં પણ જેના મનમાં એ સંઘરાય છે તેને જ ભયંકર નુકસાન પહોંચાડે છે. બદલો લેવાની ભાવનાથી મનમાં જમા થયેલી ટૉક્સિસિટી (ઝેર) વ્યક્તિના તન-મન પર અસર કરે છે. અનેક માનસિક તેમ જ શારીરિક રોગોનાં મૂળ આવી નકારાત્મક લાગણીઓના જમાવડામાં રહેલાં છે.
આ પર્યુષણમાં ૮ દિવસ સુધી એક સત્સંગ આરાધનામાં હાજર રહેવાયું એ આઠેય દિવસ સવાર-સાંજ વ્યાસપીઠ પરથી શ્રીમદ રાજચંદ્રજીએ પ્રબોધેલા અધ્યાત્મના પંથના પરમ આરાધક ગુરુદેવ રાકેશભાઈએ એક જ શીખ ગાંઠે બંધાવવાનો સતત પ્રયાસ કર્યો : પંડિત બનારસીદાસ રચિત નાટક સમયસારની ચોપાઈઓ હોય કે શ્રીમદજીના પત્રો, એમાં મનુષ્યજીવનનાં સર્વ દુ:ખોના ઉપાયનો એક જ રસ્તો બતાવ્યો છે અને એ છે સૃષ્ટિના પ્રત્યેક જીવને આત્મા તરીકે જોવો-સ્વીકારવો એ. આત્માની સમીપ જવાનો, શુદ્ધ આત્મા તરીકેની જાતની ઓળખાણ સ્થાપવાનો, એ નિત્ય પ્રસન્ન તત્ત્વની સાથે તાદાત્મ્ય સાધવાનો અને સર્વમાં એ જ શુદ્ધ આત્માને જોવાનો આ સંદેશ આઠ-આઠ દિવસ સુધી સવાર-સાંજ, સાતત્યપૂર્વક, જાત-જાતનાં કન્વિન્સિંગ ઉદાહરણો દ્વારા ગુરુદેવે હજારો મુમુક્ષુઓના ગળે ઉતારવાનો મહાપ્રયાસ કર્યો. બીજા શબ્દોમાં કહું તો ખરેખર એ સંદેશ શીરાની જેમ ગળે ઊતરી જાય એમ ખોલી આપ્યો. 
એ બધું સાંભળતાં આત્મા સાથેની ઓળખની એ પ્રપોઝલ ખરેખર ખાસ્સી લાભદાયી જણાતી હતી. જુઓને, આપણે પોતાની જાતની આત્મા તરીકેની ઓળખ સ્વીકારીએ તો લોકોના વ્યવહારોનાં અને આપણાં અર્થઘટનોના પરિણામે નિપજતી સારી-નરસી પ્રતિક્રિયાથી અને સુખદ કે દુ:ખદ અનુભવોથી બચી શકીએ. સામેવાળી વ્યક્તિ પણ મારા જેવો જ શુદ્ધ આત્મા છે એ વાતનો સ્વીકાર તેની સાથે દુર્વ્યવહાર કરતાં અટકાવે. વળી જીવનમાં ઘટતી કોઈ પણ ઘટના અકારણ નથી હોતી. આપણાં કર્મોનું ફળ આપણે ભોગવવું જ પડે એવી આપણી સમજ આપણે બીજાઓ વિશે ખરાબ વિચારો કરતાં કે તેમની સાથે કટુ વાણી-વર્તન કરતાં પણ રોકે. એ સાથે જ આપણને અંગત સ્વજનોના દુ:ખમાં લેપાઈ જતાં અટકાવે. કેટલીયે વાર આપણી ખૂબ જ આત્મીય વ્યક્તિના જીવનનું દુ:ખ આપણને પણ અત્યંત વ્યથિત કરી દે છે, પરંતુ આપણા અનેક પ્રયત્નો છતાં આપણે તેના ભાગનું દુ:ખ કે કષ્ટ પોતાના માથે લઈ લેવામાં નિષ્ફળ જઈએ ત્યારે કર્મના પરિણામની અફરતા સ્વીકારીએ જ છીએને! ૮ દિવસના સત્સંગના પ્રભાવમાં આ અને આવી બીજી થોડી સમજણ લાધી એની અસર અનુભવાય છે. પ્રતિક્રિયાત્મકતાના સ્થાને પ્રતિસાદ અપાય છે. કેટલીક પરિસ્થિતિ ક્ષણવારમાં મને અસ્વસ્થ કરી દેતી હતી એ અચાનક જાણે સ્વીકારવી સહજ લાગે છે. ગુસ્સો આવે એટલે તરત આત્માની ચિરપ્રસન્ન પ્રકૃતિ યાદ આવે છે અને અટકી જવાય છે. આ બદલાવને કારણે છેલ્લા થોડા સમયથી અનુભવાતી હતી એ તાણના તાપનું પ્રમાણ ઓછું વર્તાય છે. મારા વર્તનમાં આવેલું આ પરિવર્તન ઘરમાં સૌને માટે સુખદ સરપ્રાઇઝ છે; પરંતુ આ શાંતિ, આ ધીરજ, આ સ્વસ્થતા કેટલી ટકશે? આ સવાલ સૌના દિમાગમાં હશે જ! મને પણ છે. જોકે હું જાણું છું કે એની ચાવી મારે હાથ લાગી છે. હવે મારે એને સાચવીને ઠેકાણે રાખવાની છે. યાદ છે પેલું ઢોલ વગાડતું રમકડું! ચાવી ઊતરી જાય એટલે એનો ઢોલ વાગતો બંધ થઈ જાય. ફરી ચાવી લગાવો એટલે ચાલુ. જોકે આ પોતાના દેહ કે મનને પોતાનાથી એટલે કે આત્માથી અલગ ઓળખ કરતી ચાવી ભરવાનું કામ જાતે કરવાનું જરા અઘરું છે. જોકે ગુરુએ એ સમજાવવા પાછળ કરેલી અથાગ મહેનત યાદ કરીને નિયમિત સાધનાની શીખનો અમલ કરીએ તો ચાવી મારવાનું એટલું અઘરું ન લાગે.
શું કહો છો?

- તરુ મેઘાણી કજારિયા



પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK