Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > એક વાત યાદ રાખજો, ગંગાનો ઘાટ હોય પણ ઘાટની ગંગા ન હોય

એક વાત યાદ રાખજો, ગંગાનો ઘાટ હોય પણ ઘાટની ગંગા ન હોય

Published : 18 September, 2026 02:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગંગામાં ડૂબકી મારવાની છે. બધા ગમે તે ઘાટ પર નહાય, પણ એ જ ગંગામાં ડૂબકી મારવાની છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


જે વિચરે નહીં અને વિચારે નહીં તેને માણસ કહેવાની હિંમત ન થાય. વિચરતો અને વિચાર કરતો રહે અને એમાંય તેના વિચાર સત્ય સાથે જોડાયેલા હોય અને તેનું વિચરણ સતત સેવાને માટે હોય ત્યારે તે માનવ ન રહે. એવી વ્યક્તિને સાધુ-પુરુષની કૅટેગરી પ્રાપ્ત થાય છે, તેને આપણે સંત કહીએ છીએ. તે વિચરતો રહે, વિચારતો પણ રહે છે. તેના વિચાર સત્ય સાથે જોડાયેલા રહે છે એટલે સહિચારી તેનો રંગ સતત સત્યનો હોય છે માટે તે સત્સંગી છે.
સત્ય નદી સમાન છે. એ નદીના કિનારે અનેક સંપ્રદાયોએ પોતાના ઘાટ બાંધ્યા, પણ યાદ રહે કે ગંગાના ઘાટ હોય છે, ઘાટોની ગંગા નથી હોતી. જે ઘાટ બરાબર સત્યની ગંગાને, સત્યની સરિતાને અડીને બન્યા હોય એ ઘાટની જીવંતતા, દર્શનીયતા, પવિત્રતા આપણે સૌ જાણીએ છીએ.


ગંગામાં જ પૂર આવે અને પછી માટી ભરાતી જાય એટલે અસી ઘાટની પાસે જે ભાગ છે એમાં સેંકડો ટન માટી એકઠી થઈ હતી. એ ઘાટનાં પગથિયાં એમાં દટાઈ ગયાં હતાં. આપણી ભાષામાં કહીએ તો ઢોરો થઈ ગયો હતો ત્યાં માટીનો અને ગંગા ધીમી વહેતી હતી. મેં પોતે જોયું છે, જ્યારે-જ્યારે જાઉં ત્યારે એ ઘાટ પર લોકો બધા જ પ્રકારની ગંદકી કરતા હતા.

કાશીને એક સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં આપણે જોઈએ છીએ અને પછી ગંગાના બધા જ ઘાટની સફાઈ અને એ દરમ્યાન આવા જે ઘાટ હતા ત્યાંથી પણ માટી હટાવવામાં આવી, ગંદકી હટાવવામાં આવી. પછી એના એ ઘાટની જે દર્શનીયતા વધી ગઈ. પાણી ત્યાં સુધી પહોંચ્યું અને પરિણામે બધી નૌકાઓ ત્યાં લાંગરાવા માંડી. ઘાટની જીવંતતા વધી ગઈ.
ગંગા જો પ્રવાહ બદલી નાખે અને ઘાટથી થોડી દૂર વહેવા લાગે તો એના એ ઘાટની દર્શનીયતા, રમણીયતા બધું બદલાઈ જાય. ઘાટ તો એનો એ હોય, પણ પછી ધીમે-ધીમે એ નિર્જન થવા માંડે, ધીમે-ધીમે ત્યાં ગંદકી વધવા માંડે એટલે ગંગાના ઘાટ હોય છે, ઘાટની ગંગા નથી હોતી.

આપણા દરેક આચાર્ય મહાપુરુષોએ ગંગાના કિનારે પોતપોતાના સંપ્રદાયના ઘાટ બાંધ્યા અને બહુ પુણ્યનું કામ કર્યું, કારણ કે એમ ને એમ તમે નહાઓ એને બદલે તમે ઘાટ પર નહાઓ. એ જ ગંગામાં ડૂબકી મારવાની છે. બધા ગમે તે ઘાટ પર નહાય, પણ એ જ ગંગામાં ડૂબકી મારવાની છે. ઘાટ જુદા-જુદા છે. અસી ઘાટથી લઈને લગભગ એંસી-એક્યાસી જેટલા ઘાટ છે બનારસમાં.
તમે કોઈ એક ઘાટ પર સ્નાન કરો; તુલસી ઘાટ પર, મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરો; પણ તમે એ જ ગંગામાં સ્નાન કરો છો. તમને પુણ્ય એ જ પ્રાપ્ત થાય છે. એમાં આ ઘાટવાળાની ગંગા જુદી અને પેલા ઘાટવાળાની ગંગા જુદી એમ નથી. 
 
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા
પ્રખર ભાગવતકાર ભાઈશ્રી ભાગવત-પ્રસાર ઉપરાંત પોરબંદરમાં સાંદીપનિ આશ્રમ દ્વારા નવી પેઢીમાં ધર્મભાવના જગાડવાનું કામ કરે છે
Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK