ક્રિસમસમાં ભવ્ય સજાવટ, આધુનિક જશન અને શહેરની ચમકથી કંઈક અલગ અનુભવ લેવો હોય તો તમે ગિરગામમાં આવેલી ખોતાચી વાડી અને માઝગાવમાં આવેલા મ્હાતારપાખાડીની મુલાકાત લઈ શકો, કારણ કે આજે પણ આવાં ક્રિશ્ચિયન હેરિટેજ ગામોમાં ક્રિસમસની ઉજવણી વધારે આત્મીયતા અને પારંપર
ક્રિસમસની રોનક તસવીર: અતુલ કાંબળે
ક્રિસમસમાં ભવ્ય સજાવટ, આધુનિક જશન અને શહેરની ચમકથી કંઈક અલગ અનુભવ લેવો હોય તો તમે ગિરગામમાં આવેલી ખોતાચી વાડી અને માઝગાવમાં આવેલા મ્હાતારપાખાડીની મુલાકાત લઈ શકો, કારણ કે આજે પણ આવાં ક્રિશ્ચિયન હેરિટેજ ગામોમાં ક્રિસમસની ઉજવણી વધારે આત્મીયતા અને પારંપરિક રીતે થાય છે
મુંબઈના ભાગદોડભર્યા શહેરમાં છુપાયેલાં શાંત અને હેરિટેજ ખજાના જેવાં ગામો એટલે કે ગિરગામમાં આવેલું ખોતાચી વાડી અને માઝગાવમાં આવેલું મ્હાતારપાખાડી. અહીંનાં રંગબેરંગી બે માળનાં મકાનો, પોર્ટુગીઝ છાપવાળી વાસ્તુશૈલી, સાંકડી ગલીઓ ક્રિસમસના સમયે વધુ જીવંત બની જાય છે. આ સ્થળો માત્ર ઇતિહાસ જ નહીં, પણ ઈસ્ટ ઇન્ડિયન સમુદાયની ઓળખ અને સંસ્કૃતિની જીવંત છબી છે.
ADVERTISEMENT

ખોતાચી વાડી
મરીન ડ્રાઇવ, ગિરગામ ચોપાટી જેવા જાણીતા ટૂરિસ્ટ એરિયાથી નજીક હોવા છતાં ખોતાચી વાડી વિશે હજી પણ ઘણા મુંબઈગરાઓ માહિતગાર નથી. ક્રિસમસના દિવસોમાં ખોતાચી વાડી કોઈ શાંત, રોશન અને જીવંત ગામ જેવું લાગે છે જે મુંબઈની ભાગદોડથી બિલકુલ અલગ દુનિયામાં વસેલું છે. સાંકડી ગલીઓ રોશનીથી ઝગમગી ઊઠે છે, લાકડાનાં જૂનાં ઘરો ફેરી લાઇટ્સ, સ્ટાર્સ, ક્રિસમસ ટ્રી વગેરેથી સજાવેલાં દેખાય છે. ક્રિસમસ ટાઇમમાં અહીં કૅરોલ સિન્ગિંગ સેશન્સ અને લાઇવ સૉન્ગ્સનું આયોજન થાય છે જ્યાં સ્થાનિક લોકો અને ગાયક પારંપરિક ક્રિસમસ ગીતો ગાય છે. કેટલાંક વર્ષોથી અહીં ક્રિસમસ બજારનું આયોજન થાય છે જેમાં હૅન્ડિક્રાફ્ટની વિવિધ વસ્તુઓ, ફેસ્ટિવ આઇટમ્સ અને ખાવાપીવાની વસ્તુઓના સ્ટૉલ્સ લાગે છે. હજી ગયા શનિ-રવિવારે જ અહીં ક્રિસમસ બજારનું આયોજન થયું હતું. ક્રિસમસના સમયગાળામાં તમે સાંજના સમયે અહીં એક લટાર મારો તો તમને સમજાશે છે કે ખોતાચી વાડીની ક્રિસમસ બહુ ભવ્ય નથી હોતી પણ એ હેરિટેજ, કલ્ચરલ અને કમ્યુનિટી બેઝ્ડ ફેસ્ટિવ વાઇબ આપનારી હોય છે.
ખોતાચી વાડીની ઓળખ એના પોર્ટુગીઝ શૈલીમાં બનેલા વર્ષો જૂના બે માળના લાકડાના રંગબેરંગી બંગલાઓ છે. ઢાળવાળી છત, આગળ ખુલ્લો વરંડો, બહારની તરફ બનેલી સીડીઓ, લાકડાના નકશીકામવાળાં દરવાજા-બારીઓ એની ખાસિયત છે. તમે અહીંની ગલીઓમાં ફરીને આ પોર્ટુગીઝ શૈલીમાં બનેલાં ઘરો જોઈ શકો છો. ખોતાચી વાડીની સ્થાપના ૧૮મી સદીના અંતમાં થઈ હતી. આ વિસ્તારની જમીન એ સમયે પાઠારે પ્રભુ સમુદાયના દાદોબા વામન ખોત પાસે હતી. ખોતે પોતાની જમીનના નાના-નાના હિસ્સા સ્થાનિક ઈસ્ટ ઇન્ડિયન પરિવારોને વેચી દીધા હતા. આ પરિવારો મુખ્યત્વે ઈસ્ટ ઇન્ડિયન ક્રિશ્ચન સમુદાયના હતા જેમણે ત્યાં પોતાનાં ઘરોનું નિર્માણ પારંપરિક શૈલીમાં શરૂ કર્યું અને વસ્તી ધીરે-ધીરે વિકસિત થઈ એટલે આ વિસ્તારનું નામ ખોતાચી વાડી પડ્યું.
ખોતાચી વાડીમાં તમે એન્ટર થાઓ ત્યાં એક ચૅપલ એટલે કે એક નાનું પ્રાર્થનાસ્થળ પણ બનેલું છે. આ ચૅપલને ૨૦મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવેલું. માન્યતા છે કે એ સમયે પ્લેગ જેવી મહામારીમાંથી બચ્યા બાદ સ્થાનિક નિવાસીઓએ એ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે બનાવ્યું હતું. અહીં આવેલા હેરિટેજ બંગલાઓ અંદરથી કેવા દેખાય છે એની એક ઝલક મેળવવી હોય તો તમે જેમ્સ ફરેરા હાઉસ (47G)માં વિઝિટ કરી શકો. જોકે આ કોઈ પબ્લિક પ્રૉપર્ટી નથી, પ્રાઇવેટ રેસિડન્સ છે એટલે હેરિટેજ વૉક પર જાઓ કે લોકલ ગાઇડ સાથે જાઓ એ સલાહભર્યું છે. આ એક સુંદર હેરિટેજ બંગલો છે જે બહારથી જેટલો સુંદર છે એટલો જ અંદરથી પણ છે. તેમના ઘરે તમને ખાસ્સું એવું ઍન્ટિક કલેક્શન જોવા મળી જશે. એ સિવાય અહીંનું બીજું એક ફેમસ સરનામું એટલે ખોતાચી વાડીમાં આવેલી આઇડિયલ વેફર્સ શૉપ, જે ૭૦થી વધુ વર્ષ જૂની છે અને એ એની વિવિધ ફ્લેવર્સની વેફર્સ માટે સ્થાનિકોમાં પ્રસિદ્ધ છે. અહીં એક આર્ટ ગૅલરી પણ છે જ્યાં તમે વિઝિટ કરી શકો. આ આર્ટ ગૅલરી 44A બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે જે ૧૯મી સદીના મધ્યમાં બનેલો જૂનો બંગલો છે.
ગિરગામની ઊંચી-ઊંચી ઇમારતો વચ્ચે છુપાયેલી ખોતાચી વાડી હેરિટેજ વિલેજ છે જે ઝડપથી થઈ રહેલા શહેરીકરણ વચ્ચે પોતાના અસ્તિત્વને ટકાવવામાં સફળ રહ્યું છે. લાંબા સમય સુધી અહીં ક્રિશ્ચન અને મરાઠી સમુદાયો સાથે રહ્યા, પણ પછીથી ગુજરાતી, મારવાડી, સિંધી પરિવારો પણ અહીં રહેવા માટે આવ્યા. અગાઉ અહીં લગભગ ૬૫ બંગલાઓ હતા, જે હાલમાં ૩૦ જેટલા જ રહ્યા છે. આજે ખોતાચી વાડી બંગલાઓ, ઇમારતો, ચાલનું મિશ્રણ છે.

મ્હાતારપાખાડી
ખોતાચી વાડીની જેમ માઝગાવના મ્હાતારપાખાડીમાં પણ ડિસેમ્બર જેમ-જેમ નજીક આવે એમ ગલીઓ રોશનીથી ઝગમગી ઊઠે છે. ફેરી લાઇટ્સ, સ્ટાર્સ, એન્જલ્સ, રેન્ડિયર, ક્રિસમસ ટ્રી, સૅન્ટા ક્લૉઝની સજાવટ આખા ગામને ફેસ્ટિવ ગ્લો આપે છે. અહીંનાં જૂનાં ઘરો જોશો તો એ ઇન્ડો-પોર્ટુગીઝ આર્કિટેક્ચર સ્ટાઇલમાં છે. મોટાં બે માળનાં ઘરો, બ્રાઇટ કલર્સથી રંગેલી ઘરની બહારની દીવાલો, નળિયાંવાળી ઢોળાવવાળી છતો, ઘરની બહાર ખુલ્લો વરંડો, મોટી હવાદાર બારીઓ, સજાવટી દરવાજાઓ અને બીજા માળ પર જવા માટે બહાર બનાવેલી સીડીઓ અહીં આવેલાં ઘરોની ખાસિયત છે. ક્રિસમસમાં અહીંનાં ઘરોની રોનક જ બદલાયેલી હોય છે.
મ્હાતારપાખાડી ગામમાં આવેલું હોલી ક્રૉસ ઑરેટરી અહીંનું મહત્ત્વનું લૅન્ડમાર્ક છે. એનું નિર્માણ ૧૮૭૫માં કરવામાં આવ્યું હતું. એ સમયે મુંબઈમાં ભયંકર પ્લેગની મહામારી ફેલાઈ હતી. ગામના લોકોએ પોતાના પરિવાર અને ગામની રક્ષા માટે મહામારીઓના સંરક્ષક સંત સેન્ટ રૉકને પ્રાર્થના કરી. માન્યતા છે કે એ મહામારી દરમિયાન મ્હાતારપાખાડીના એક પણ રહેવાસી બીમાર પડ્યા નહોતા. ત્યારથી લઈને આજ સુધી એટલે કે ૧૫૦ વર્ષોથી આ ઑરેટરીમાં દરરોજ પ્રાર્થનાની પરંપરા ચાલી આવે છે. દર વર્ષે ૨૨ એપ્રિલથી એક મે સુધી હાઈ માસનું સેલિબ્રેશન થાય છે. હાઈ માસ કૅથલિક પરંપરામાં થનારી એક વિશેષ અને ભવ્ય પ્રાર્થના સેવા હોય છે. આ ઑરેટરી આજે પણ મ્હાતારપાખાડીના ઈસ્ટ ઇન્ડિયન સમુદાયનું ધાર્મિક કેન્દ્ર છે. લોકો અહીં પૂજા, પ્રાર્થના અને તહેવારો દરમિયાન એકઠા થાય છે. ક્રિસમસ દરમિયાન લોકો અહીં થૅન્ક્સગિવિંગ પ્રેયર સર્વિસ અને કૅરોલ સિન્ગિંગ માટે એકઠા થાય છે. મ્હાતારપાખાડીમાં એક સેન્ટ્રલ કૂવો પણ છે જે અત્યારે તો ઉપરથી કવર કરી દેવામાં આવયો છે પણ એક સમયે એ પૂરા ગામ માટે પીવાના પાણીનો સ્રોત હતો. અહીંના નોંધપાત્ર લૅન્ડમાર્કમાંથી એક લાયન્સ ડેન હાઉસ, લોપ્સ હોમ પણ છે જે સારી રીતે સંરક્ષિત બંગલાઓ છે.
મ્હાતારપાખાડી સહિતનો આખો માઝગાવ વિસ્તાર પોર્ટુગીઝ શાસન દરમિયાન અને એ પછી પણ આંબાના બગીચાઓ માટે પ્રસિદ્ધ હતો. અહીં વાડીઓ આવેલી હતી. મ્હાતારપાખાડી મૂળ રૂપથી કૃષિપ્રધાન ગામ હતું જ્યાં સ્થાનિક લોકો ખેતી અને માછીમારી કરતા હતા. માઝગાવના નીચાણવાળા વિસ્તારમાં ચોખાની સારીએવી ખેતી થતી હતી. જ્યારે અંગ્રેજોએ સાત દ્વીપોને જોડવાનું શરૂ કર્યું પછીથી ખેતી ઘટવા લાગી. વિસ્તારનો વિકાસ થતાં જમીન પર ઘરો અને ગોદામો બનવા લાગ્યાં. આ બદલાવ દરમિયાન મ્હાતારપાખાડી કૃષિ ક્ષેત્રમાંથી બદલાઈને રહેવાસી ગામ બની ગયું.
વર્તમાનમાં મ્હાતારપાખાડી ગામ સૌથી મોટો પડકાર રીડેવલપમેન્ટનો છે. કેટલાક રહેવાસીઓ ડેવલપમેન્ટનું સમર્થન કરે છે, કારણ કે તેમને સારા રહેણાક અને સુવિધા જોઈએ છે. કેટલાક જૂના રહેવાસીઓ અને હેરિટેજ સમર્થક આ રીડેવલપમેન્ટની વિરુદ્ધ છે કારણ કે એનાથી જૂનાં ઘરો, વાસ્તુકલા અને સાંસ્કૃતિક ઓળખને નુકસાન પહોંચવાનો ડર છે. કેટલાંક જૂનાં ઘરો ધ્વસ્ત પણ થઈ ચૂક્યાં છે અથવા તો એના સ્થાન પર મૉડર્ન બિલ્ડિંગ્સ બની ચૂક્યાં છે, જેને કારણે ગામની ઓળખ ધીરે-ધીરે બદલાઈ રહી છે.

કેમ છે પોર્ટુગીઝોનો સાંસ્કૃતિક પ્રભાવ?
૧૫૩૪-૧૬૬૧ના સમયગાળામાં મુંબઈના કેટલાક હિસ્સાઓમાં પોર્ટુગીઝોનું શાસન હતું. તેમણે સ્થાનિક સમુદાયો જેમ કે કોળી, ભંડારી જેવા સમુદાયોને ઈસાઈ ધર્મ અપનાવવા માટે પ્રભાવિત કર્યા. એનાથી જ ઈસ્ટ ઇન્ડિયન સમુદાયનો આધાર બન્યો. બ્રિટિશરોના આવ્યા પછી પણ આ સમુદાયે પોતાના કૅથલિક ધર્મ અને પોર્ટુગીઝ પ્રભાવવાળી વિરાસતને સંભાળી રાખી. ખોતાચી વાડી અને મ્હાતારપાખાડી જેવાં ઐતિહાસિક ગામોમાં આજે પણ પોર્ટુગીઝ શાસનનો સાંસ્કૃતિક પ્રભાવ અને ઈસ્ટ ઇન્ડિયન સમુદાયની ઓળખ સાફ ઝળકે છે. ડિસેમ્બર મહિનામાં અનેક હેરિટેજ વૉક્સ અને કમ્યુનિટી ટૂર્સ ખોતાચી વાડી, મ્હાતારપાખાડી જેવા વિસ્તારમાં આયોજિત થાય છે જેથી લોકો ક્રિસમસની સજાવટ અને પરંપરાઓ જોઈ શકે. આ બન્ને ગામોમાં આવેલાં હેરિટેજ ઘરોની પોતાની એક ખાસિયત છે.


