ઍપ-આધારિત ડિલિવરી વર્કર્સની પગારવધારાની માગણી સાથે ૩૧ ડિસેમ્બરે દેશવ્યાપી હડતાળ
પ્રતીકાત્મક તસવીર
સ્વિગી, ઝોમાટો, બ્લિન્કિટ, ઝેપ્ટો, ઍમેઝૉન અને ફ્લિપકાર્ટ જેવી ઍપ-આધારિત ડિલિવરી કરતી કંપનીઓના ૪૦,૦૦૦ જેટલા કર્મચારીઓએ ગુરુવારે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને બૅન્ગલોરમાં એકાએક ફ્લૅશ સ્ટ્રાઇક કરી હતી. તેમણે પગારવધારો અને ઍપ-આધારિત પ્લૅટફૉર્મમાં કામ કરનાર કર્મચારીઓ માટે રાષ્ટ્રીય નીતિની માગણી કરી હતી. ૩૧ ડિસેમ્બરે તેઓ એક મેગા હડતાળનું આયોજન કરવાના હોવાથી ઈ-કૉમર્સ ડિલિવરી માર્કેટમાં વિક્ષેપ પડવાની ધારણા છે.
ભારતમાં ઍપ-આધારિત કંપનીઓમાં લગભગ એક કરોડ પ્લૅટફૉર્મ વર્કર્સ છે. ઇન્ડિયન ફેડરેશન ઑફ ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (IFAT)ના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી શેખ સલાઉદ્દીને જણાવ્યું હતું કે ‘અમારી માગણી છે કે સરકાર ગિગ અને પ્લૅટફૉર્મ કામદારો માટે નિશ્ચિત લઘુતમ વેતન સાથે નીતિ લાવે. અમે ડિલિવરીદીઠ ૩૫ રૂપિયાના લઘુતમ વેતનની માગણી કરીએ છીએ. હાલમાં ડિલિવરી કરનારને ૭, ૧૦ અથવા ૧૫ રૂપિયા મળે છે. રજાના દિવસોમાં કામદારોને તેમની સર્વિસ માટે વધારાનો પગાર મળે છે, પરંતુ તેઓ વેતનમાં કાયમી વધારો કરવાની માગણી કરે છે. ફ્લૅશ હડતાળમાં ચોક્કસ ઝોનના કામદારોએ એક કે બે કલાક માટે હડતાળ કરી હતી અને તેમણે કોઈ ડિલિવરી નહોતી કરી. આ અમે અત્યાર સુધી કરેલી સૌથી મોટી હડતાળ છે. જોકે નોકરીદાતાઓ તેમને બ્લૅકલિસ્ટ કરશે એ ડરથી ઘણા લોકોએ ભાગ નહોતો લીધો. ૩૧ ડિસેમ્બરે ડિલિવરીની માગણી ખૂબ વધારે હશે એથી એ દિવસે અમે ફરીથી હડતાળ કરીશું. અમે ઇચ્છીએ છીએ કે નોકરીદાતાઓ અમારા વિરોધ પર ધ્યાન આપે.’


