Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લાગણી અને કાળજીથી ધબકતા સંબંધો ધરાવનાર ખરો ધનવાન

લાગણી અને કાળજીથી ધબકતા સંબંધો ધરાવનાર ખરો ધનવાન

Published : 06 November, 2026 01:09 PM | Modified : 06 November, 2026 01:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સામાન્ય રીતે સન્માન સમારંભોમાં જે વ્યક્તિનું સન્માન થવાનું હોય કે કાર્યક્રમના મુખ્ય મહેમાન અથવા વક્તાઓ હોય તેમનો પરિચય મંચ પરથી કોઈ અધિકૃત કે અગ્રણી વ્યક્તિ દ્વારા અપાતો હોય છે અને જેમનો પરિચય અપાતો હોય તેમની સિદ્ધિઓ.

રૉજર ફેડરર પત્ની ‌મિર્કા સાથે

PoV

રૉજર ફેડરર પત્ની ‌મિર્કા સાથે


આજે ધનતેરસ. દિવાળી પર્વની ઉજવણીનો આરંભ આજથી થઈ જાય. ઘણા લોકો ધન શબ્દને એના મર્યાદિત અર્થમાં લઈને આજના દિવસને માત્ર ભૌતિક સંપત્તિ એટલે કે નાણાકીય સમૃદ્ધિ સાથે સાંકળે છે, પરંતુ શાસ્ત્રોમાં ધન શબ્દને એટલા સંકુચિત અર્થમાં નથી લેવાયો. ધનતેરસના દિવસે લક્ષ્મી અને કુબેરની પૂજા થાય છે અને આરોગ્યના દેવ ભગવાન ધન્વંતરિની પણ પૂજા થાય છે. ભૌતિક ધન ઉપરાંત તન અને મનના આરોગ્યરૂપી ધનની પૂજા, આરાધના અને સાધનાના આજના દિવસે એક અનોખી અમીરાતની વાત યાદ આવે છે. બે-એક મહિના પહેલાં ટેનિસની દુનિયાના બેતાજ બાદશાહ ગણાતા રૉજર ફેડરરને તેની ટેનિસની અવ્વલ કારકિર્દીની કદરરૂપે ‘ઇન્ટરનૅશનલ ટેનિસ હૉલ ઑફ ફેમ’માં સ્થાન પ્રાપ્ત થયું. અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં આવેલા ન્યુપોર્ટ આઇલૅન્ડમાં યોજાયેલા એ સન્માન સમારોહમાં રૉજરનો પરિચય આપવાની જવાબદારી તેની પત્ની મિર્કાએ બજાવી હતી. એ પરિચય સાંભળતાં દુનિયાના અવ્વલ દરજજાના તે ટેનિસ ખેલાડીની જિંદગીની આગવી અમીરાતનો ખજાનો જોવા મળ્યો.

સામાન્ય રીતે સન્માન સમારંભોમાં જે વ્યક્તિનું સન્માન થવાનું હોય કે કાર્યક્રમના મુખ્ય મહેમાન અથવા વક્તાઓ હોય તેમનો પરિચય મંચ પરથી કોઈ અધિકૃત કે અગ્રણી વ્યક્તિ દ્વારા અપાતો હોય છે અને જેમનો પરિચય અપાતો હોય તેમની સિદ્ધિઓ, સફળતાઓ કે અન્ય ઉપલબ્ધિઓ વિશે જાણકારી આપવામાં આવે છે. જોકે રૉજર ફેડરરને ‘ઇન્ટરનૅશનલ ટેનિસ હૉલ ઑફ ફેમ’ જેવું અવ્વલ દરજ્જાનું અને જૂજ ખેલાડીઓને પ્રાપ્ત થતું સન્માન મળવાનું હતું ત્યારે તેનો પરિચય આપવાનું કામ ટેનિસના ક્ષેત્રની કોઈ અન્ય વિભૂતિઓને બદલે તેની પત્ની મિર્કાને સોંપાયું હતું. અલબત્ત, મિર્કા પોતે પણ એક કુશળ ટેનિસ ખેલાડી રહી ચૂકી છે. મિર્કાએ પોતાના ફાળે આવેલી જવાબદારીને જે વફાદારી અને નિખાલસતાથી નિભાવી એ ખરેખર અદ્ભુત હતી! કદાચ એટલે જ રૉજરના અંગત જીવનની એ અનોખી મૂડીની ઝલક દુનિયાને જાણવા મળી.



પોતાની રમત દ્વારા વિશ્વભરના ટેનિસપ્રેમીઓના હૃદયમાં સ્થાન મેળવનાર સ્વિસ ટેનિસ ખેલાડી ફેડરરે ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં લંડનમાં લેવર કપમાં પોતાની છેલ્લી સ્પર્ધાત્મક મૅચ રમ્યા બાદ વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી. કારકિર્દી દરમ્યાન ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટાઇટલ, ૧૦૩ ટૂર-લેવલ સિંગલ્સ ટ્રોફી અને ૧૨૫૧ મૅચમાં જીત હાંસલ કરનાર ફેડરરે ૩૧૦ અઠવાડિયાં સુધી વિશ્વના નંબર વન ખેલાડીનું સ્થાન જાળવી રાખ્યું હતું તો ટેનિસ-રૅન્કિંગમાં સતત ૨૩૭ અઠવાડિયાં ટોચ પર રહેવાનો વિક્રમ પણ ફેડરરના નામે બોલે છે. ફેડરરે ૮ વખત વિમ્બલ્ડન, ૬ વખત ઑસ્ટ્રેલિયન ઓપન, પાંચ વખત US ઓપન અને ૨૦૦૯માં ફ્રેન્ચ ઓપન જીતીને પોતાની કારકિર્દીને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડી છે. ૧૩ વર્ષની ઉંમરે તેના શહેર બેઝલમાં સ્વિસ ઇન્ડોર્સ ટુર્નામેન્ટમાં રૉજર બૉલ-બૉયની સેવા બજાવતો. નામાંકિત ખેલાડીઓને રમતા જોઈને મોટો થયેલો તે છોકરો આગળ જતાં ટેનિસના આટલા બધા વિક્રમો પોતાના નામ સાથે જોડશે એવો કોઈને સપનામાં પણ ખ્યાલ નહીં હોય. જોકે મિર્કાએ આપેલા ફેડરરના પરિચયમાં આવી કોઈ યાદીને સ્થાન નહોતું. એમાં હતી ફેડરરની એક વ્યક્તિ તરીકેની, એક પુત્ર તરીકેની, એક પતિ તરીકેની, એક પિતા તરીકેની અને એક લાગણીશીલ મનુષ્ય તરીકેની પ્રામાણિક પહેચાન.


મિર્કા અને ફેડરરની પ્રથમ મુલાકાત ૨૦૦૦માં સિડની ઑલિમ્પિક્સમાં થઈ હતી. ફેડરર ૧૮ વર્ષનો હતો અને મિર્કા ૨૧ની. મિર્કા કહે છે, ‘ત્યારે તેની પાસે કોઈ ટાઇટલ્સ નહોતાં અને તે આટલા ખિતાબો જીતશે એવી કલ્પના પણ ત્યારે કોઈને નહોતી. મિર્કા અને રૉજર બન્ને ટેનિસ રમતાં અને રૉજરની મૅચ હોય ત્યારે એની તૈયારીઓમાં મિર્કા બધી રીતે સાથ આપતી. પ્રેમાળ અને પરિવારજન ફેડરર મિર્કાને પોતાનો આધાર માને છે. મિર્કા જ્યારે સગર્ભા હતી ત્યારે એક વાર રૉજરની ટેનિસ મૅચ હતી. મિર્કાએ રૉજરને કહ્યું કે પ્રેગ્નન્સી દરમ્યાન તે તો દર વખતે રૉજર સાથે પ્રવાસ કરી નહીં શકે. તો રોજરે કહેલું કે એમ હોય તો હું ટેનિસ છોડી દઈશ.

 હા, આટલી તેજસ્વી કારકિર્દીના સ્વામી ફેડરર માટે પોતાનો પરિવાર સૌથી ટોચનો છે. મિર્કાએ રૉજર એક પુત્ર, એક ભાઈ, એક પતિ અને એક પિતા તરીકેની પોતાની ભૂમિકા કેટલી નિષ્ઠા અને પ્રેમથી બજાવે છે એની વાત કરીને આવા ઉમદા માનવીય ગુણો તેનામાં સીંચવા બદલ તેનાં માતા-પિતાનો આભાર માન્યો હતો. રૉજરની આ માનવીય અને સંવેદનાત્મક બાજુ અનેક વાર દર્શકોએ ટેનિસના કોર્ટ ઉપર પણ જોઈ છે. હૉલ ઑફ ફેમમાં ઇન્ડક્શન માટે પણ સ્પર્ધાત્મક અથવા વ્યાવસાયિક રેકૉર્ડની સાથે પ્રામાણિકતા, રમતગમત અને ચારિત્ર્યને ધ્યાનમાં લેવામાં આવે છે.


પોતાના વક્તવ્યના અંતે મિર્કાએ કહેલી એક વાત રૉજરના વ્યક્તિત્વ અને તેમના પારિવારિક સંબંધોના ઊંડાણ પરની સર્વોચ્ચ મહોર જેવી છે. તેણે કહ્યું કે રૉજર માટે જો કોઈ વાત મને સૌથી વધુ ગૌરવાન્વિત (પ્રાઉડ) કરતી હોય તો એ તેની ટ્રોફીઓ કે સન્માનો નથી, ‘કોઈ તેને જોતું ન હોય ત્યારે પણ તે જે હોય છે એ છે.’ કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના જીવનસાથી વિશે આ શબ્દો ઉચ્ચારી શકે ત્યારે એમાં તેમના સંબંધોની ઊંચાઈ અને સાયુજ્યના સ્તરનું પ્રમાણ મળી રહે છે. મિર્કાનું વક્તવ્ય સાંભળતાં રૉજરનાં મા-બાપની આંખોમાં છલકાઈ રહેલી ભીનાશ એ કાર્યક્રમ જોનારા તમામ પેરન્ટ્સના દિલની વાત હતી, પણ મિર્કાના વક્તવ્ય દરમ્યાન રૉજર ફેડરર પણ અવારનવાર ભાવવિભોર બની ગયો હતો. તે પોતાનો પ્રતિસાદ આપવા આવ્યો ત્યારે પણ મિર્કા અને પરિવારના સ્નેહનો ઉલ્લેખ કરતાં ભાવુક બની ગયો હતો. તેણે પણ મિર્કાની વાતનો જ પડઘો પાડતાં કહેલું કે મિર્કાનો હાથ મારા હાથમાં હોય ત્યારે જિંદગીની તમામ દીવાલો ઓળંગવાની હામ અને ખાતરી અમને મળી રહે છે. વાહ, આજના મટીરિયલિસ્ટિક માહોલમાં અનેક ઘરોમાં પતિ-પત્ની જ નહીં, બાળકો પણ ભૌતિક ચીજવસ્તુઓને જ પ્રાધાન્ય આપતાં જોવા મળે છે ત્યારે ખરેખર આવા પ્રેમાદર અને કાળજીભર્યા સંબંધોથી સમૃદ્ધ પરિવારો પામનાર નસીબદાર છે.

ગયા અઠવાડિયે દેશના સૌથી મોટા ખાનગી કૉર્પોરેટ જૂથ રિલાયન્સની નવી પેઢી દ્વારા સંચાલિત જિયો પ્લૅટફૉર્મ્સ નામની કંપનીના શૅરનું શૅરબજારમાં લિસ્ટિંગ થયું. એ પ્રસંગે કંપનીના નૉન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ પોતાના દાદા ધીરુભાઈનાં સપનાંને અને પિતા મુકેશ અંબાણીએ એ સાકાર કરવામાં કરેલી મહેનતને યાદ કરી ત્યારે રિલાયન્સના અધ્યક્ષ અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીની આંખોમાં છલકાયેલાં આંસુમાં પણ આવા જ પારિવારિક સંતોષની સમૃદ્ધિ પ્રતીત થતી હતી. આવી પરમ સમૃદ્ધિ પામનાર ધનવંતોની સંખ્યામાં વૃદ્ધિ થાય એવી આજના દિવસે શુભેચ્છા.

- તરુ મેઘાણી કજારિયા

પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK