આ ઘટનાને પગલે બજારની દુકાનો અને ગોડાઉનોમાં કામ કરતા કામદારોની સુરક્ષા વિશે ગંભીર સવાલો ઊભા થયા છે.
APMC માર્કેટ
નવી મુંબઈના વાશીમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રૉડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના અનાજબજારની M ગલીમાં મંગળવારે સાંજે અનાજની લગભગ ૫૦ ગૂણોનો ઢગલો એક કામદાર પર પડતાં તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે બજારની દુકાનો અને ગોડાઉનોમાં કામ કરતા કામદારોની સુરક્ષા વિશે ગંભીર સવાલો ઊભા થયા છે.
તુર્ભેમાં રહેતો રામરાજ લોટુ APMCમાં અનાજબજારની M ગલીમાં વેલી શ્રીરામ કલ્યાણજી ઍગ્રો દુકાન-નંબર ત્રણમાં કામદાર તરીકે કામ કરતો હતો.
ADVERTISEMENT
આ ઘટના મંગળવારે સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી. રામરાજ લોટુ દુકાનની અંદર કામ કરી રહ્યા હતો ત્યારે ચોખા અને અન્ય અનાજની ગૂણોનો ઢગલો અચાનક તેના પર પડ્યો હતો. એના ભારે વજન નીચે તે દબાઈ ગયો હતો. અન્ય કામદારોએ તાત્કાલિક દોડી આવીને તેને ગૂણીઓની નીચેથી બહાર કાઢ્યો હતો અને વાશીની PKC હૉસ્પિટલમાં લઈ ગયા હતા. સાંજે ૫.૩૬ વાગ્યે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રવિવારે સેન્ટ્રલ રેલવેમાં મેગા બ્લૉક, વેસ્ટર્ન રેલવેએ તહેવારોમાં આપી રાહત
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે રવિવારે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. ૮ નવેમ્બરે માટુંગાથી મુલુંડ દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. એ સાયન, કુર્લા, ઘાટકોપર, વિક્રોલી અને ભાંડુપ ઊભી રહેશે. હાર્બર લાઇનમાં વાશીથી પનવેલ વચ્ચે સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૪.૦૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. ટ્રાન્સ-હાર્બર લાઇનમાં થાણેથી વાશી અને નેરુળ જતી અને એ તરફથી આવતી બન્ને તરફની લોકલ ટ્રેનોના ટ્રૅક પર સવારના ૧૧.૦૨ વાગ્યાથી બપોરે ૩.૫૩ વાગ્યા સુધી બ્લૉક રહેશે. વેસ્ટર્ન રેલવેમાં રવિવારે કોઈ બ્લૉક નથી.
આ વર્ષે ૨.૮૧ લાખ રખડતા કૂતરાની નસબંધી કરવામાં આવી
રાજ્ય સરકારે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં ૨.૮૧ લાખ રખડતા કૂતરાની નસબંધી કરવામાં આવી છે અને ૬.૩૦ લાખ કૂતરાને વૅક્સિન આપવામાં આવી છે. બૉમ્બે હાઈ કોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશને પગલે રાજ્ય સરકારને એ બાબતે પગલાં લેવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા આ વિશે ઍફિડેવિટ કરીને માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે ઑથોરિટી દ્વારા આ સંદર્ભે ક્વૉર્ટર્લી ઑડિટ કરવામાં આવે છે. વળી રખડતા કૂતરાઓ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, હૉસ્પિટલ, બસ-સ્ટૅન્ડ અને રેલવે-સ્ટેશનોમાં ઘૂસી ન જાય એ માટે નોડલ ઑફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે.
BESTમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓની કાળી દિવાળી
બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગના લગભગ ૪૪૦૦ નિવૃત્ત કર્મચારીઓએ પાંચમી નવેમ્બરે આઝાદ મેદાનમાં ‘બ્લૅક દિવાલી’ વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે તેમની બાકી રહેલી ગ્રૅચ્યુઇટી અને અન્ય બાકી લેણાં તાત્કાલિક ચૂકવવાની માગણી કરી હતી. BESTના નિવૃત્ત કર્મચારીઓની કામદાર સંઘર્ષ સમિતિના કહેવા મુજબ છેલ્લાં બે વર્ષમાં પંદરથી વધુ લેખિત રજૂઆતો અને રિમાઇન્ડર્સ સબમિટ કર્યાં છે જેમાં બાકી રહેલાં બાકી લેણાં ચૂકવવાની માગણી કરવામાં આવી હતી. જોકે વહીવટી તંત્રે વારંવાર સરકારી મંજૂરી અને ભંડોળની ફાળવણીમાં વિલંબ કરતાં તેમને રસ્તા પર ઊતરવાની ફરજ પડી છે.
