‘લેડી એમિનન્સ ઑફ સાઉથ ઓડિશા’, ‘ભારત જ્યોતિ અવૉર્ડ’ અને ‘બેસ્ટ સિટિઝન ઑફ ઇન્ડિયા અવૉર્ડ’ જેવા અનેક પ્રતિષ્ઠિત અવૉર્ડ્સથી ડૉ. લક્ષ્મીબાઈને સન્માનિત કરવામાં આવ્યાં છે.
જવાહરલાલ નેહરુ સાથે ડૉ. લક્ષ્મીબાઈ. ‘લેડી એમિનન્સ ઑફ સાઉથ ઓડિશા’, ‘ભારત જ્યોતિ અવૉર્ડ’ અને ‘બેસ્ટ સિટિઝન ઑફ ઇન્ડિયા અવૉર્ડ’ જેવા અનેક પ્રતિષ્ઠિત અવૉર્ડ્સથી ડૉ. લક્ષ્મીબાઈને સન્માનિત કરવામાં આવ્યાં છે.
ઓડિશાનાં સૌપ્રથમ મહિલા ડૉક્ટર લક્ષ્મીબાઈએ ગયા મહિનાની પાંચમી ડિસેમ્બરે પોતાની ૧૦૦મી વર્ષગાંઠે મરણમૂડી એવા ૩.૪ કરોડ રૂપિયા ભુવનેશ્વરની AIIMSને દાનમાં આપી દીધી. મહિલા તરીકે જીવનમાં તેમણે ખૂબ સહન કર્યું હોવાથી મહિલાઓના સ્વાસ્થ્ય માટે જીવન ઘસી નાખનારાં આ ડૉક્ટરે જીવનની સેન્ચુરી સમયે કમાયેલું સઘળું દાન કરીને સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો
ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જીવનભરની મૂડી તમે કોઈને આપી દઈ શકો ખરા? કહે છે કે મોટી ઉંમરે માણસનું મન નાનું થતું જાય અને સાઇકોલૉજિસ્ટ પણ એ વાતને તટસ્થતા સાથે સ્વીકારે છે. તેમનું કહેવું છે કે ઉંમર વધતાં માણસને પોતાના ઘડપણની વધારે ચિંતા થવાની શરૂ થઈ જાય છે અને એટલે તેનો હાથ તંગીમાં રહેવા લાગે છે. આ તમામ વાતો લાગુ પડતી હોય એ પછી પણ પળભરમાં આખી જિંદગીની મહેનત દાનમાં આપી શકાય ખરી? છેલ્લો પ્રશ્ન, તમને ખબર જ છે કે તમારી આગળ-પાછળ કે ઉપર-નીચે કોઈ નથી એવા સમયે તો માણસ પૈસાની બાબતમાં વધારે ચીવટ કરતો થઈ જાય અને એમ છતાં સહેજ પણ વિચાર્યા વિના તમે આજ સુધી બચાવેલો બધો જ પૈસો સેવાકાર્યમાં આપી શકો ખરા?
ના, ક્યારેય નહીં અને એટલે જ આજે આપણે વાત કરવી છે ડૉ. લક્ષ્મીબાઈની. ગયા મહિનાની પાંચમી ડિસેમ્બરે પોતાની ૧૦૦મી વર્ષગાંઠે ઓડિશાના બેરહામપુર શહેરનાં જાણીતાં નિવૃત્ત ગાયનેકોલૉજિસ્ટ અને પ્રોફેસર ડૉ. લક્ષ્મીબાઈએ મહિલાઓના કૅન્સરની સારવાર માટે ભુવનેશ્વરમાં આવેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ને પોતાની મરણમૂડી એવા ૩.૪ કરોડ રૂપિયા દાનમાં આપી દીધા હતા.
આપવામાં આવેલા આ દાનનો ઉપયોગ ગાયનેકોલૉજિકલ ઑન્કોલૉજી એટલે કે મહિલાઓન માટેના કૅન્સર માટે સેન્ટર શરૂ કરવા માટે અને એ પ્રકારના કૅન્સરથી બચવા અવેરનેસ પ્રોગ્રામ માટે વપરાશે. ડૉ. લક્ષ્મીબાઈએ ડિપાર્ટમેન્ટને ખાસ વિનંતી કરી છે કે તેમણે જે દાન કર્યું છે એ દાનનો મહત્તમ ઉપયોગ ગરીબ અને આર્થિક રીતે વંચિત હોય એવી મહિલાઓની કૅન્સરની સારવાર માટે થાય.
એવું નથી કે ડૉ. લક્ષ્મીબાઈએ પહેલી વાર દાન કર્યું હોય. ના, છેલ્લા લાંબા સમયથી તેઓ નિયમિત દાન કરતાં આવ્યાં છે. ૨૦૨૪માં પોતાની વર્ષગાંઠે તેમણે બેરહામપુર ઑબ્સ્ટેટ્રિક્સ ઍન્ડ ગાયનેકોલૉજી સોસાયટીને ૩ લાખ રૂપિયાનું દાન આપ્યું હતું, જેનો હેતુ ટીનેજ છોકરીઓમાં સર્વાઇકલ કૅન્સર રોકવા માટે હ્યુમન પૅપિલોમાવાઇરસ વૅક્સિન (HPV)નું અભિયાન શરૂ કરવાનો હતો. ગઈ વર્ષગાંઠના દાનને ભૂલીને જો વાત કરવાની હોય તો કહેવું પડે કે ડૉ. લક્ષ્મીબાઈએ છેલ્લાં ૨૦ વર્ષમાં ૫૦ લાખ રૂપિયાથી વધારે બીજું દાન કર્યું છે. અલબત્ત, એ દાનની મોટા ભાગની રકમનો ઉપયોગ મહિલાઓના ઉત્થાન માટે કરવામાં આવ્યો છે જેના માટે કારણો પણ છે. જોકે એ કારણો જાણતાં પહેલાં વાત કરીએ ડૉ. લક્ષ્મીબાઈના જીવનકાળની.
ADVERTISEMENT
પહેલાં મહિલા ડૉક્ટર
હા, ડૉ. લક્ષ્મીબાઈ ઓડિશાની શ્રીરામ ચંદ્ર ભાંજા (S.C.B.) મેડિકલ કૉલેજના પ્રથમ MBBS બૅચના પહેલાં મહિલા સ્ટુડન્ટ હતાં. વાત ૧૯૪પની છે. એ સમયે આખા ક્લાસમાં તેઓ એકમાત્ર છોકરી, જેને લીધે તેમણે લિંગભેદનો ભેદભાવ સહન કરવો પડ્યો હતો. એક સમયે તેમને એવું લાગવા માંડ્યું હતું કે તેઓ મેડિકલ કૉલેજ છોડી દે, પણ દર વખતે તેમની આંખ સામે પિતા આવતા અને તેમનામાં હિંમત આવી જતી.
૧૯૨૬ની પાંચમી ડિસેમ્બરે જન્મેલાં ડૉ. લક્ષ્મીબાઈના પપ્પા શિક્ષક હતા. આ એ સમયગાળાની વાત છે જ્યારે દીકરીઓને ભણાવવાની વાત કરવી અને છોકરાઓની સાથે ભણવા મોકલવી એ સમાજમાં શરમજનક ગણાતું. જોકે તેમના પપ્પાએ એ કામ કર્યું અને દીકરીને ભણવા માટે ભરપેટ પ્રોત્સાહન અને પ્લૅટફૉર્મ પૂરાં પાડ્યાં. ડૉ. લક્ષ્મીબાઈએ પપ્પાની એ ઇચ્છા, મહેનત અને દુનિયાનાં મહેણાંટોણાં જોયાં-સાંભળ્યાં હતાં એટલે જ તેમને હંમેશાં થતું કે તેઓ મહિલાઓ માટે કંઈક કરશે, જે ભાવના તેમણે ૧૦૦ વર્ષની ઉંમરે પણ મનમાં અકબંધ રાખી છે. ગાયનેકોલૉજિસ્ટ બનવા પાછળ પણ આ મહત્ત્વનું કારણ.
૧૯પ૮માં મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી MD અને ડિપ્લોમા ઇન ગાયનેકોલૉજી ઍન્ડ ઑબ્સ્ટેટ્રિક્સ (DGO)ની ડિગ્રી મેળવ્યા પછી ડૉ. લક્ષ્મીબાઈ અમેરિકાના બાલ્ટિમોરમાં આવેલી વિશ્વવિખ્યાત જૉન હૉપકિન્સ હૉસ્પિટલમાં માસ્ટર ઑફ પબ્લિક હેલ્થ (MPH) ભણવા ગયાં. એ સમયે દીકરીને બીજા રાજ્યમાં ભણવા મોકલવાની માનસિકતા પણ હજી સુધી કેળવાઈ નહોતી, પણ ડૉ. લક્ષ્મીબાઈના પપ્પાએ દીકરીને વિદેશ મોકલવાનું કામ કર્યું. અલબત્ત, અમેરિકાથી આવ્યા પછી ડૉ. લક્ષ્મીબાઈએ ૧૯પ૦માં સુંદરગઢ ગવર્નમેન્ટ હૉસ્પિટલથી પોતાની મેડિકલ કરીઅરની શરૂઆત કરી અને આ જવાબદારી તેમણે ૩પ વર્ષ નિભાવી.
હૉસ્પિટલમાંથી નિવૃત્ત થયા પછી તેઓ ૧૯૮૬માં બેરહામપુરની મહારાજા કૃષ્ણ ચંદ્ર ગજપતિ (MKCG) મેડિકલ કૉલેજમાં પ્રોફેસર તરીકે જોડાયાં અને પછી ત્યાંથી જ નિવૃત્તિ લીધી.
સિદ્ધિ અપરંપાર
બ્રિટનથી ફૅમિલી પ્લાનિંગ માટેની લેપ્રોસ્કોપિક સર્જરી શીખીને આવનારા ડૉક્ટરોમાં ઓડિશાનાં પહેલાં મહિલા ડૉક્ટર એટલે ડૉ. લક્ષ્મીબાઈ. તેમની આ સિદ્ધિ માટે જવાહરલાલ નેહરુએ તેમનું સન્માન કર્યું હતું.
છેલ્લાં ૪૦ વર્ષથી મહિલા કલ્યાણ માટે સેવા કરતાં ડૉ. લક્ષ્મીબાઈનું સન્માન હજી થોડા મહિના પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કર્યું તો અગાઉ એપીજે અબ્દુલ કલામ પણ તેમનું સન્માન કરી
ચૂક્યા છે.
વાત અંગત જીવનની
જે સમયે દીકરો જ માબાપનું ઘડપણ સુધારે એવી કથિત માન્યતા લોકોના મનમાં ઘર કરી ગઈ હતી એ સમયે ડૉ. લક્ષ્મીબાઈ તેમનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન. ન કોઈ ભાઈ, ન કોઈ બહેન. ડૉ. લક્ષ્મીબાઈએ જ તેમનાં માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને તેમણે જ તેમને જીવનભર સાથે રાખ્યાં.
ડૉ. લક્ષ્મીબાઈએ લગ્ન કર્યાં, પણ કુદરતની નિષ્ઠુરતા કે નાની ઉંમરે જ તેમના પતિનું અવસાન થયું. અનેક લોકોએ તેમને સેકન્ડ મૅરેજ કરવા સમજાવ્યાં, પણ તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે હવે તેઓ સમાજની બહેન-દીકરીઓ માટે જીવશે એટલે તેમણે રીમૅરેજ કર્યાં નહીં. બાળકો તો હતાં જ નહીં એટલે ડૉ. લક્ષ્મીબાઈએ પોતાનું જીવન હજારો દરદીઓની સારવારમાં અને પછી વિદ્યાર્થીઓને ભણાવવામાં પસાર કર્યું. ડૉ. લક્ષ્મીબાઈ કહે છે, ‘લોહીના સંબંધ કરતાં પણ સેવાનો આ જે સંબંધ છે એ વધુ દૃઢ હોય છે. કોઈ મને કહે કે મારા પરિવારમાં કોણ છે ત્યારે હું તેમને કહું છું કે હજારો લોકો જેમને હું ભૂલી ગઈ હોઉં એવું બને, પણ તેઓ મને ભૂલ્યા નથી.’
ડૉ. લક્ષ્મીબાઈ આજે પણ ઓડિશાના બેરહામપુરના ભાબા નગર નામના વિસ્તારમાં રહે છે. તેમના ઘરનું નામ સ્વામી નિવાસ છે. આ ઘરે આજે પણ રોજ મહિલા પેશન્ટ્સ આવે છે. હવે ડૉ. લક્ષ્મીબાઈ તેમનું માત્ર નિદાન કરે છે જે માટે તેઓ એક રૂપિયો ફી લેતાં નથી અને મજાની વાત એ છે કે તેઓ જે ગાયનેકને ત્યાં આ પેશન્ટ્સને આગળની સારવાર માટે મોકલે છે તે ગાયનેક પણ તેમની પાસેથી ફી લેતા નથી, કારણ કે તે ગાયનેક માટે ડૉ. લક્ષ્મીબાઈ મા સમાન છે અને માએ મોકલેલી વ્યક્તિ પાસેથી ફી થોડી લેવાની હોય?
વાત સંસ્કારની છે અને તેમને આ સંસ્કાર ડૉ. લક્ષ્મીબાઈએ જ આપ્યા છે.


