સમાજના વિકાસ માટે ગુણવત્તાસભર શિક્ષણ અને સમાન તક જરૂરી છે. શ્રમિકોનાં બાળકોને શિક્ષણ સાથે જોડવા, નવી ટેક્નૉલૉજી અને કૌશલ્ય આધારિત અભ્યાસની તક આપવા તેમજ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ.
નીલમ તેલી જૈન
શિક્ષણ કોઈ પણ સમાજના વિકાસનો સૌથી મજબૂત પાયો છે. શિક્ષણક્ષેત્રે પ્રગતિ લાવવા માટે માત્ર સ્કૂલોની સંખ્યા વધારવી પૂરતી નથી. એના માટે ગુણવત્તાસભર શિક્ષણ, પ્રશિક્ષિત શિક્ષકો, આધુનિક ટેક્નૉલૉજી, જરૂરી સુવિધાઓ અને તમામ બાળકો માટે સમાન તક સુનિશ્ચિત કરવી જરૂરી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી જોઈએ. અમારું ફાઉન્ડેશન આ દિશામાં શરૂઆતથી જ સક્રિય છે. મીરા-ભાઈંદર વિસ્તારમાં બાંધકામ-સાઇટ પર કામ કરતા શ્રમિકોનાં બાળકોને ભણાવવાથી શ્રેષ્ઠતમ સ્ટ્રીટ સ્કૂલ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. બાંધકામ-સાઇટ પર જઈને, રોડના કિનારે બેસાડીને પણ ભણાવો. આ એવા લોકો છે જેઓ કાયમ એક સ્થાન પર રહેતા નથી. આથી તેમનાં બાળકો સ્કૂલના શિક્ષણથી વંચિત રહી જાય છે. આજે આખા મુંબઈમાં બાંધકામો ચાલે છે. આવી સેંકડો સાઇટ પર નાનાં બાળકો દોડાદોડી સિવાય કશું કરતાં નથી. રજાઓના દિવસોમાં આપણે આવાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપીને શ્રેષ્ઠ સમાજસેવા કરી શકીએ.
સરકારી ધોરણે કામ થઈ જ રહ્યાં છે, પરંતુ શિક્ષણમાં પ્રગતિ લાવવાના ઉપાયો આપણે જાતે પણ શોધીએ. આપણી વચ્ચેથી જ એવા શિક્ષકો ઊભા કરીએ જેઓ શ્રમિકોનાં બાળકોને પોતાની અનુકૂળતા મુજબ ભણાવે. પછાત વર્ગનાં બાળકોને આધુનિક શિક્ષણપદ્ધતિઓ તથા નવી ટેક્નૉલૉજીથી પરિચિત કરાવીએ જેથી તેઓ સામાજિક પ્રવાહમાં જોડાઈ શકે. એની સાથે સ્થાનિક ભાષા પણ શીખવીએ. બાળકોને માત્ર ગોખણપટ્ટી કરાવવાને બદલે પ્રયોગ, રમતગમત, ડ્રૉઇંગ, ક્રાફ્ટ જેવી પ્રવૃત્તિ, ચર્ચા અને સમસ્યા ઉકેલવાની પ્રક્રિયા દ્વારા શીખવાની તક આપીએ. વ્યવહારુ અને કૌશલ્ય-આધારિત શિક્ષણ તેમને જીવનમાં આગળ વધવામાં ઉપયોગી થશે. જો કોઈ બાળક ભણવામાં હોશિયાર હોય અથવા તેનામાં ભણવાની જિજીવિષા હોય તો નજીકની પાલિકાની સ્કૂલમાં તેનો પ્રવેશ કરાવો. અમારી સંસ્થાએ આવાં બાળકોને સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે અને આજે એમાંથી કેટલાક કૉલેજ સુધી પહોંચ્યા છે. શિષ્યવૃત્તિ, સુરક્ષિત સ્કૂલ, યોગ્ય પરિવહન અને જરૂરી સુવિધાઓ દ્વારા પછાત વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું એ આપણા સૌની સહિયારી સામાજિક જવાબદારી છે. સ્કૂલમાં પૂરતા વર્ગખંડો, સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી, વીજળી, પુસ્તકાલય, પ્રયોગશાળા અને રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં એ સુનિશ્ચિત કરો. અમારો એક જ મંત્ર છે : આવો, આપણે સૌ સાથે મળીને ભણીએ, ભણાવીએ અને દેશની પ્રગતિમાં યોગદાન આપીએ.
