૨૭ ઑગસ્ટે કરાયેલી સરપ્રાઇઝ તપાસમાં હોટેલને ૮૮માંથી માત્ર ૨૪ ગુણ અનુસાર નિયમનું પાલન કરવામાં આવ્યું હતું
મલાડ સ્થિત `દિલ્હી સ્વીટ એન્ડ ભેળપુરી હાઉસ`માં વાસણ ધોવાના વિસ્તારમાં આવેલા રેફ્રિજરેટરમાં સમોસા મૂકેલા જોવા મળ્યા. તસવીર/FDA
મુંબઈમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ખાદ્યપદાર્થ વિક્રેતાઓ સામે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ લાલ આંખ કરી છે. FDA કમિશનર તુકારામ મુંઢેના સીધા માર્ગદર્શન હેઠળ FDAની ટીમે મલાડ અને કુર્લા વિસ્તારમાં સરપ્રાઇઝ તપાસ યોજીને ભારે અસ્વચ્છતા, ગંદકી અને ગંભીર નિયમભંગ બદલ બે ખાદ્યપદાર્થ એકમો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી તેમનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધાં છે.
મલાડનું દિલ્હી સ્વીટ અૅન્ડ ભેળપૂરી હાઉસ
કાર્યવાહી અને કારણ : મલાડ-વેસ્ટસ્થિત મે. દિલ્હી સ્વીટ અૅન્ડ ભેળપૂરી હાઉસનું લાઇસન્સ પચીસ ઑગસ્ટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાદ્યપદાર્થોનાં ખરીદ-વેચાણ અને ઉત્પાદન પર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન વાસણ ધોવાની જગ્યામાં ખુલ્લી ગટરની દુર્ગંધ અને અેની નજીક સમોસા ખુલ્લા રાખેલા મળ્યા હતા. આ ઉપરાંત અશુદ્ધ નળના પાણીનો ઉપયોગ, કૅટેગરી-16ના પરવાના પર ગેરકાયદે લસ્સી-પનીરનું પ્રોસેસિંગ, કર્મચારીઓના મેડિકલ પ્રમાણપત્રનો અભાવ અને લૅબોરેટરી ટેસ્ટિંગ ન કરાવવા જેવી અત્યંત ગંભીર ક્ષતિઓ સામે આવતાં કમિશનરના નિર્દેશથી આ પગલું લેવાયું છે.
ADVERTISEMENT
કુર્લાની ગુલઝાર મોહમ્મદી હોટેલ
કાર્યવાહી અને કારણ ઃ કુર્લા-વેસ્ટના સુભાષનગર સ્થિત મે. ગુલઝાર મોહમ્મદી હોટેલનું ફૂડ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સોમવારે સસ્પેન્ડ કરી અેનું કામકાજ તરત બંધ કરાવાયું છે. ૨૭ ઑગસ્ટે કરાયેલી સરપ્રાઇઝ તપાસમાં હોટેલને ૮૮માંથી માત્ર ૨૪ ગુણ અનુસાર નિયમનું પાલન કરવામાં આવ્યું હતું. રસોડામાં કાંદાનો અતિશય ઉપદ્રવ, સડેલાં શાકભાજીનો ઉપયોગ, ઉઘાડા ખોરાક, ગંદી ગટરો, પાણી ચકાસણી અહેવાલોનો અભાવ તેમ જ કર્મચારીઓના હેલ્થ-હાઇજીન નિયમોના ધજાગરા ઊડતા જણાતાં જાહેર આરોગ્યના હિતમાં FDA દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
