Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માંદાની સારવાર માટે હું ક્યારેય કોઈની પાસેથી એક પૈસોય નહીં લઉં : આનંદીબાઈ

માંદાની સારવાર માટે હું ક્યારેય કોઈની પાસેથી એક પૈસોય નહીં લઉં : આનંદીબાઈ

Published : 10 October, 2026 07:49 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

પહેલાં બે વર્ષ સુધી તેમનો માસિક પગાર ૨૦૦ રૂપિયાનો રહેશે. બે વર્ષ પછી વધારીને ૪૦૦ રૂપિયા અને પાંચ વર્ષ પછી ૫૦૦ રૂપિયા કરવામાં આવશે.

છત્રપતિ શાહુ મહારાજ અને ગોપાળરાવનો સચવાયેલો એકમાત્ર ફોટો

ચલ મન મુંબઈનગરી

છત્રપતિ શાહુ મહારાજ અને ગોપાળરાવનો સચવાયેલો એકમાત્ર ફોટો


એક દિવસ આનંદીબાઈ, ગોપાળરાવ અને આનંદીબાઈનાં અમેરિકન યજમાન, મિત્ર અને સહાયક મિસિસ કૅરોલિન ડોલ વાતો કરતાં બેઠાં હતાં. વાતો ચાલતી હતી હિન્દુસ્તાનના રીતરિવાજોની. ગોપાળરાવ જે રીતે વાત કરતા હતા એ જોઈને ડોલના મનમાં એકાએક વિચાર આવ્યો : ‘આ ગોપાળરાવ, આનંદીનું જીવવું હરામ કરી નાખશે. તેની સાથે રહીને આનંદી ઝાઝું નહીં જીવે.’ એ વખતે મુંબઈની રખમાબાઈના કેસ વિશે અમેરિકામાં પણ ચર્ચા ચાલી રહી હતી. છાપાંમાં રખમાબાઈતરફી લખાણો અવારનવાર છપાતાં હતાં. રમાબાઈ રાનડે અવારનવાર ભાષણો કરીને રખમાબાઈની વાત અમેરિકનોને સમજાવતાં હતાં. દેખીતી રીતે જ આનંદી હતી રખમાબાઈના પક્ષે. એવામાં ૧૮૮૬ની ૧૪ માર્ચે સવારના પહોરમાં ‘ધી ઇન્ડેક્સ’ નામનું છાપું વાંચતાં જ આનંદી હેબતાઈ ગઈ. એમાં છપાયું હતું ગોપાળરાવનું ચર્ચાપત્ર : ‘રખમાબાઈનો પ્રશ્ન એ હિન્દુસ્તાનના લોકોનો પ્રશ્ન છે અને અમને અમારા પ્રશ્નોનો નિવેડો લાવતાં આવડે છે. અમેરિકનોએ કે બીજા કોઈએ એમાં માથું મારવાની જરૂર નથી.’

જોકે હવે આનંદીએ આવી વાતો વિશે ગોપાળરાવ સાથે ચર્ચા કરવાનું છોડી દીધું હતું. મિસિસ ડોલ અને આનંદીબાઈના મિત્રોની વિમાસણ અને ચિંતા વધતી જતી હતી : આનંદી આ બધું કઈ રીતે જીરવી શકશે, ક્યાં સુધી જીરવી શકશે? વધુમાં હવે ગોપાળરાવે અમેરિકનોની, તેમના વિચારોની, તેમની રહેણીકરણીની જાહેરમાં ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. આમ થાય ત્યારે આનંદીને પારાવાર દુઃખ થતું, કારણ કે તેને અમેરિકનોની સારમાણસાઈનો અસાધારણ સારો કહી શકાય એવો અનુભવ થયો હતો, પણ પતિનો જાહેરમાં વિરોધ કરતા હિન્દુ સમાજના રીતરિવાજો અને બંધનો આનંદીને રોકતાં હતાં એટલે તે મનમાં ને મનમાં સમસમીને બેસી રહેતી. બીજી બાજુ તબિયત સુધારવા ખાતર ડૉક્ટરો અમુક નૉન-વેજિટેરિયન વાનગીઓ ખાવાનો આનંદીને આગ્રહ કરી રહ્યા હતા, કારણ કે એ ખાધા વગર આનંદીની તબિયત સુધરશે નહીં એમ તેઓ માનતા હતા. જોકે આનંદી પૂરેપૂરી મક્કમ હતી ફક્ત શાકાહારી ખોરાક જ ખાવા માટે. જોકે તે જે શાકાહારી વાનગીઓ ખાવાને ટેવાયેલી હતી એ બનાવીને તેને આપવાનું એ વખતના અમેરિકામાં સહેલું નહોતું.



આનંદીબાઈનો વિચાર ફિલાડેલ્ફિયાની હૉસ્પિટલમાં એકાદ વર્ષ કામ કરીને અનુભવ મેળવવાનો હતો. આનંદીબાઈ એ વિશે તૈયારીઓ પણ કરી રહ્યાં હતાં. જોકે કહે છેને કે Man proposes and God disposes. ૧૮૮૬ની ૧૦ માર્ચે લખાયેલો એક કાગળ ફિલાડેલ્ફિયાની વિમેન્સ મેડિકલ કૉલેજના ડૉ. બોડલેને મળ્યો. લખ્યો હતો હિન્દુસ્તાનમાં આવેલા કોલ્હાપુરના દેશી રાજ્યના દીવાન મેહરજી કુંવરજીએ. ડૉ. બોડલેએ પહેલાં તો કાગળ પર એક અછડતી નજર નાખી. પછી વિચાર્યું, ‘આ કોલ્હાપુર સ્ટેટ’ છે શું એ પહેલાં તો જાણવું જોઈએ. લાઇબ્રેરીમાંથી હિન્દુસ્તાનના રાજકારણ વિશેનું એક થોથું મગાવ્યું. ‘હિન્દુસ્તાનનાં દેશી રાજ્યો’ વિશેનું પ્રકરણ વાંચવા બેઠા. જાણવા મળ્યું કે મુંબઈ સરકારના અખત્યાર નીચે આવેલું કોલ્હાપુરનું રાજ્ય હિન્દુસ્તાનનું એક મહત્ત્વનું દેશી રાજ્ય હતું. એની સ્થાપના ઈસવીસન ૧૭૦૦માં થઈ હતી. એના રાજવીને ‘છત્રપતિ’નું સર્વોચ્ચ સન્માન અને ૧૯ તોપોની સલામી આપવામાં આવતી. અગાઉ પૂરેપૂરું સ્વતંત્ર એવું આ રાજ્ય ૧૮૧૮માં કોલ્હાપુર બ્રિટિશ સરકાર સાથે સંધિ કરીને એનું ‘આશ્રિત’ રાજ્ય બન્યું હતું. ૧૮૭૪માં છત્રપતિ શાહુ મહારાજ કોલ્હાપુરના રાજવી બન્યા હતા. સ્ત્રીઓનું આરોગ્ય, કન્યાકેળવણી, બાળલગ્નો પર પ્રતિબંધ જેવાં સુધારક પગલાં તેમણે પોતાના રાજ્યમાં લીધાં હતાં.



HMS Etruria

આટલું જાણ્યા પછી ડૉ. બોદલેએ ફરી વાર ધ્યાનપૂર્વક કાગળ વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું હતું કે રાવબહાદુર મહાદેવ ગોવિંદ રાનડેએ હમણાં જ મારું ધ્યાન ખેંચ્યું કે આનંદીબાઈ જોશી નામની એક હિન્દુસ્તાની છોકરીએ તમારી કૉલેજમાંથી MDની ડિગ્રી મેળવી છે. અમારા છત્રપતિ શાહુ મહારાજ સ્ત્રીઓ માટેની એક અલાયદી હૉસ્પિટલ ટૂંક સમયમાં શરૂ કરવા ધારે છે, પણ એના ઉપરી તરીકે કામ કરી શકે એવી કોઈ ડૉક્ટર સ્ત્રી અહીં તો મળે એમ નથી. એટલે મારી આપને ખાસ વિનંતી છે કે અમારી આ નવી હૉસ્પિટલનાં વડાં ડૉક્ટર તરીકેની જવાબદારી સ્વીકારવા આપ આનંદીબાઈ જોશીને સમજાવો. તેમની નોકરી વિશેની શરતો નીચે પ્રમાણે રહેશે:


૧. તેમનો હોદ્દો ‘લેડી ડૉક્ટર ઑફ કોલ્હાપુર’નો રહેશે.

૨. પહેલાં બે વર્ષ સુધી તેમનો માસિક પગાર ૨૦૦ રૂપિયાનો રહેશે. બે વર્ષ પછી વધારીને ૪૦૦ રૂપિયા અને પાંચ વર્ષ પછી ૫૦૦ રૂપિયા કરવામાં આવશે.

૩. સામાન્ય ઘરવખરી સાથેનું રહેઠાણ તેમને રહેવા માટે રાજ્ય તરફથી પૂરું પાડવામાં આવશે.

૪. તેમની અમેરિકાથી હિન્દુસ્તાન સુધીની દરિયાઈ મુસાફરીનું ભાડું કોલ્હાપુર રાજ્ય ભોગવશે, પણ જો તેઓ એક વર્ષ કરતાં ઓછી મુદતમાં કોલ્હાપુર રાજ્યની નોકરી છોડી દે તો તેમણે ભાડાની પૂરેપૂરી રકમ રાજ્યને પરત કરવી પડશે.

૫. તેમની નિમણૂકની મુદત ૭ વર્ષની રહેશે, પણ ૬ મહિનાની નોટિસ આપીને બન્ને પક્ષ ગમે ત્યારે તેમની નોકરીનો અંત લાવી શકશે.

૬. ડૉક્ટર મિસિસ જોશીને આલ્બર્ટ એડવર્ડ હૉસ્પિટલનો અખત્યાર સોંપવામાં આવશે, પણ દરબાર હજૂરના ડૉક્ટર તેમના કામકાજ પર નજર રાખતા રહેશે.

૭. ડૉ. જોશી રાજ્યની નોકરી ઉપરાંત ખાનગી પ્રૅક્ટિસ કરી શકશે, પણ એ માટે રાજમહેલની સ્ત્રીઓ કે હૉસ્પિટલ માટે દાન આપનાર દાતાઓના કુટુંબની સ્ત્રીઓ પાસેથી તેઓ ફી તરીકે કોઈ પણ જાતની રકમ કે ચીજવસ્તુ સ્વીકારી શકશે નહીં.

૮. મુંબઈ સરકાર એની ‘Female Medical Education’ની નીતિને આખરી રૂપ આપે એ પછી અમે કોલ્હાપુર રાજ્યમાં એ માટેની કૉલેજ શરૂ કરવા ધારીએ છીએ. એ વખતે ડૉ. મિસિસ જોશીને એ કૉલેજ સાથે પણ યોગ્ય રીતે સાંકળવામાં આવશે.

મારી આપને આગ્રહભરી વિનંતી છે કે આ પત્રમાંની વિગતોથી આપ ડૉ. જોશીને માહિતગાર કરો અને આ નિમણૂક સ્વીકારવા તેમને રાજી કરો. જો તેઓ રાજી હોય તો એ મતલબનો એક પત્ર અમને લખવા જણાવશો. જો તેઓ પહેલી જૂન સુધીમાં કોલ્હાપુર રાજ્યની નોકરીમાં જોડાઈ શકે તો એ સગવડભર્યું રહેશે.


આલ્બર્ટ એડવર્ડ હૉસ્પિટલ, કોલ્હાપુર (૧૯૪૬થી નવું નામ : છત્રપતિ પ્રમીલાતાઈ રાજે હૉસ્પિટલ).

આપનો વિશ્વાસુ, મેહરજી કુંવરજી કોલ્હાપુર રાજ્યના દીવાન

દીવાન મેહરજીનો આ પત્ર ફિલાડેલ્ફિયાની કૉલેજની આર્કાઇવ્ઝમાં સચવાઈ રહ્યો છે, પણ આનંદીબાઈએ નોકરીની શરતો સ્વીકારતો જે પત્ર લખેલો એની નકલ ક્યાંય સચવાઈ નથી. જોકે ૧૮૮૮માં પ્રગટ થયેલા આનંદીબાઈના પહેલવહેલા જીવનચરિત્રમાં મિસિસ ડોલ લખે છે કે આ પત્રનો જવાબ આપતાં આનંદીબાઈએ એમાંની સાતમી શરત વિશે આ પ્રમાણે ખુલાસો કર્યો હતો : ‘તમારા પત્રમાંની પહેલી ૬ શરતો વિશે મારે કશું કહેવાનું નથી અને મને એ મંજૂર છે, પણ સાતમી શરત વિશે મારે જણાવવું જોઈએ કે આપણાં શાસ્ત્રોમાં માંદાની સારવાર અને માવજત માટે કોઈ પણ પ્રકારની ફી લઈ શકાય નહીં એવો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે અને હું આ આદેશને પૂરેપૂરી રીતે વફાદાર રહીશ; પણ ન કરે નારાયણ ને ક્યારેક મારે મારા કામ માટે ફી લેવાનું અનિવાર્ય બને તો જેમને એવી ફી આપવાનું પોસાય એમ હોય તેમની પાસેથી જ હું ફી લઈ શકું, પણ ગરીબો અને અનાથો પાસેથી તો હું ક્યારેય ફી લેવાનો વિચાર પણ ન કરું. બીજું, પહેલી જૂન સુધીમાં નોકરી પર હાજર થવાનું આપે જણાવ્યું છે, પણ મારી અત્યારની ગણતરી ૧૮૮૭ના જાન્યુઆરીમાં અમેરિકા છોડવાની છે.

પણ પછી આનંદીની તબિયત વધુ ને વધુ બગડવા લાગી. ડિસેમ્બર-જાન્યુઆરીની ઠંડી તેનાથી સહન નહીં થાય એમ તેમના મિત્રોને લાગ્યું એટલે હિન્દુસ્તાન પાછા જવાની મુસાફરી વિશેની તૈયારી આનંદીના મિત્રોએ શરૂ કરી. એ વખતે અમેરિકામાં પણ લાંબી મુસાફરી માટે પતરાની ટ્રન્ક વપરાતી. આવી ૧૯ મોટી ટ્રન્કમાં આનંદીનો સામાન ભરાયો. જોકે મોટા ભાગની ટ્રન્કમાં તેને અમેરિકાના વસવાટ દરમ્યાન, કૉન્વોકેશન પ્રસંગે અને બીજા જુદા-જુદા પ્રસંગે મળેલી ભેટો કાળજીપૂર્વક ગોઠવાઈ હતી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે આનંદી તો આરામખુરસી પર બેસીને કદાચ હિન્દુસ્તાનનો દરિયાકિનારો જોઈ રહી હતી. કદાચ તેને પોતાની માંદગીની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો.

અને આવી પહોંચી ૧૮૮૬ની ૯ ઑક્ટોબર. ન્યુ યૉર્કના બંદરેથી સવારે ૮ વાગ્યે HMS Etruria ગ્રેટ બ્રિટન જવા રવાના થવાની હતી. એટલે રોઝેલથી આગલે દિવસે ટ્રેનમાં નીકળીને રાત ન્યુ યૉર્કમાં ગાળવાનું જરૂરી હતું. ઘરથી રોઝેલ સ્ટેશન સુધી જવા માટે યજમાન મિસિસ કાર્પેન્ટરે મોટી અને ઉપરથી ખુલ્લી એવી ઘોડાગાડી ભાડે કરી હતી, જેથી પોતાની જિંદગીનાં ખૂબ મહત્ત્વનાં વર્ષો આનંદીએ જ્યાં ગાળ્યાં હતાં એ બધી ઇમારતોને, સંસ્થાઓને, શહેરના બાગબગીચાને આંખો ભરી-ભરીને છેલ્લી વાર જોઈ શકે. અહીંનાં કેટલાંય ઘરોએ આનંદીને આવકારી હતી. એમાંના કેટલાય લોકોએ આનંદીને સાચવી લીધી હતી. આનંદી મૂંગે મોઢે, અનિમેષ નજરે આસપાસ જોઈ રહી હતી.

ન્યુ યૉર્ક રેલવે-સ્ટેશનેથી સીધાં પહોંચ્યાં ન્યુ યૉર્કના બંદરે. HMS Etruriaના ગૅન્ગવે પરથી આનંદીએ પાછું વળીને જોયું. હા, આ છેલ્લી નજર હતી અમેરિકાને જોતી. ગુજરાતીના આલા દરજ્જાના ગઝલકાર જનાબ આદિલ મન્સૂરીના જન્મને તો હજી પચાસ વર્ષની વાર હતી, પણ તેમની પ્રખ્યાત ગઝલના શબ્દો જાણે કે આનંદીબાઈના મનમાં પડઘાઈ રહ્યા હતા:

ભરી લો શ્વાસમાં

એની સુગંધનો દરિયો,

પછી આ માટીની

ભીની અસર મળે ન મળે.

પરિચિતોને ધરાઈને

જોઈ લેવા દો,

આ હસતા ચહેરા;

આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ,
બારીઓ, ભીંતો,

પછી આ શહેર, આ ગલીઓ,

આ ઘર મળે ન મળે.

વળાવવા આવ્યા છે

એ ચ્હેરા ફરશે આંખોમાં,

ભલે સફરમાં કોઈ

હમસફર મળે ન મળે.

Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 07:49 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK