‘તેમણે કહ્યું, પહેલાં સ્ટોરી સાંભળી લે. સ્ટોરી સાંભળી મેં કહ્યું, ‘કહીએ, કૌન સા ગાના પહલે રેકૉર્ડ કરના હૈ?’ તો કહે, ‘બર્થ-ડે સૉન્ગ.’ અને આમ મારું સંગીતકાર તરીકેનું પ્રથમ ગીત ‘જિયો લાલ મેરે તુમ લાખો બરસ’ લતા મંગેશકરના સ્વરમાં રેકૉર્ડ થયું.
શૈલેન્દ્ર, દત્તારામ અને હસરત જયપુરી.
૧૯૫૭માં રાજ કપૂરે એક લો બજેટ ફિલ્મ ‘અબ દિલ્હી દૂર નહીં’ પ્લાન કરી. એમાં મુખ્ય ભૂમિકા બાળ કલાકાર રોમી અને ચરિત્ર અભિનેતા યાકૂબની હતી. ડિરેક્ટર હતા અમર કુમાર. એ ફિલ્મની વાત કરતાં દત્તારામ કહે છે, ‘રાજ કપૂરે શંકર જયકિશનને કહ્યું કે નાના બાળકની આ ફિલ્મ માટે તમારો શું અભિપ્રાય છે?’ જવાબ મળ્યો, ‘તમે દત્તારામને સંગીતની જવાબદારી આપો.’ રાજ કપૂરે કહ્યું, ‘તે ધૂન બનાવે છે? તમે સાંભળી છે?’ જવાબ મળ્યો, ‘હા, અમે સાંભળી છે. કોઈ પ્રૉબ્લેમ થશે તો અમે મદદ કરીશું.’ રાજ કપૂરે મને બોલાવ્યો અને કહ્યું કે તું જવાબદારી લે છે? મેં હા પાડી.
‘તેમણે કહ્યું, પહેલાં સ્ટોરી સાંભળી લે. સ્ટોરી સાંભળી મેં કહ્યું, ‘કહીએ, કૌન સા ગાના પહલે રેકૉર્ડ કરના હૈ?’ તો કહે, ‘બર્થ-ડે સૉન્ગ.’ અને આમ મારું સંગીતકાર તરીકેનું પ્રથમ ગીત ‘જિયો લાલ મેરે તુમ લાખો બરસ’ લતા મંગેશકરના સ્વરમાં રેકૉર્ડ થયું. ત્યાર બાદ બીજું ગીત ‘યે ચમન હમારા અપના હૈ’ આશા ભોસલેના સ્વરમાં રેકૉર્ડ કર્યું. ફિલ્મમાં એક ગીતની સિતયુએશન છે જેમાં યાકુબ બાળક રોમીને લઈને દિલ્હી જાય છે. મેં રાજસાબને ચાર -પાંચ ધૂન સંભળાવી પણ તેમને પસંદ ન આવી. કહે, ‘બાત નહીં બનતી.’ મેં હાર્મોનિયમ પર એક નવી ધૂન શરૂ કરી ત્યાં તો તાળી પાડીને પેટી બંધ કરતાં બોલ્યા, ‘બસ, યે હી ચાહીએ. હિટ હૈ’. એ ગીત હતું ‘ચુન ચુન કરતી આઇ ચિડિયા’ જે મોહમ્મદ રફીના સ્વરમાં રેકૉર્ડ કર્યું.’
ADVERTISEMENT
‘રાજસા’બ ગુણી કલાકાર હતા. તેમનામાં સંગીતની ઊંડી સમજ હતી. તે કહે કે ગીત હિટ છે એટલે એ ગીત હિટ થાય જ. ‘આવારા’ના ‘ઘર આયા મેરા પરદેસી’નું રેકૉડિંગ યાદ આવે છે. સવારે ૯ વાગ્યે રેકૉર્ડિંગ શરૂ થયું. પહેલાં ‘તેરે બિના આ ગઈ ચાંદની, તૂ આ... જા’નું રેકૉર્ડિંગ થયું જે લગભગ બપોરે ૧ વાગ્યે પૂરું થયું. ત્યાર બાદ ‘ઘર આયા મેરા પરદેસી’નું રેકૉર્ડિંગ શરૂ થયું. થોડી વારમાં રાજસા’બે શંકર-જયકિશનને કૅબિનમાં બોલાવ્યા અને કહ્યું, ‘રિધમ મેં મઝા નહીં આતા, કુછ ઔર કરો.’ શંકર-જયકિશન વિચારમાં પડી ગયા. શું કરવું એની ચર્ચા કરતા હતા ત્યાં બાંસુરીવાદક સુમંતરાજે કહ્યું, ‘એક નવો રિધમિસ્ટ આવ્યો છે. બહુ સરસ વગાડે છે. તેનું નામ છે લાલાભાઉ. તેને બોલાવીએ તો કેવું?’
અમે સૌ વિચારમાં પડી ગયા. આટલું સિરિયસ ડિસ્કશન ચાલે એમાં એક મ્યુઝિશ્યન ખલેલ પાડે એ કેવું લાગે? શંકર-જયકિશન કહે, ‘કોણ છે તે? કેવું વગાડે છે? તેને કોઈ જાણે છે?’ રાજસા’બે સુમંતરાજને પૂછ્યું, ‘તે શું વગાડે છે?’ જવાબ મળ્યો, ‘ઢોલકી.’ મેં કહ્યું, ‘હાં, ગાંવ મેં જો તમાશા હોતા હૈ ઉસમેં ઢોલકી બજતી હૈ.’ રાજસા’બ કહે, ‘ઉસકો અભી લા સકતે હો?’ જવાબ મળ્યો હા. રાજસાબે પોતાની ગાડી મોકલાવીને તેને સ્ટુડિયોમાં બોલાવ્યો. અડધા કલાક બાદ એક ભરાવદાર, હૃષ્ટપુષ્ટ, મોટા વાળ અને પરસેવાથી તરબતર વ્યક્તિ સ્ટુડિયોમાં આવી. તેને જોઈ સૌને થયું કે આ શું વગાડશે.’ રાજસા’બે તેને ઠંડું પીવડાવ્યું. જેવી તેણે થાપ મારીને ઢોલકી વગાડવાની શરૂઆત કરી ત્યાં મારાથી બોલાઈ ગયું, ‘વાહ લાલાભાઉ, ક્યા બાત હૈ.’ રાજસા’બ અત્યંત ખુશ થયા. થોડી વાર તેણે રિહર્સલ કર્યું. ત્યાર બાદ લતા મંગેશકરના સ્વરમાં આ ગીતનું રેકૉર્ડિંગ પૂરું થયું ત્યારે રાતના બે વાગ્યા હતા.’
એક આડવાત. દત્તારામ જે લાલાભાઉ ગંગાવણેની વાત કરે છે તેમનું રિધમની દુનિયામાં મોટું નામ થયું. વર્ષો બાદ તેમણે બીજા રિધમિસ્ટ સત્તાર સાથે જોડી બનાવી અને લાલા સત્તારના નામે સંગીતકાર તરીકે ‘સંગ્રામ’ (૧૯૬૫)માં ‘મૈં તો તેરે હસીન ખયાલોં મેં ખો ગયા’ (મોહમ્મદ રફી) રેકૉર્ડ કર્યું જે બેહદ લોકપ્રિય થયું. તેમના સ્વ. પુત્ર સુશીલ ગંગાવણે કાબિલ રિધમિસ્ટ અને ગાયક હતા. સંગીતપ્રેમીઓએ અમારી સંસ્થા ‘સંકેત’ના અનેક કાર્યક્રમોમાં તેમને માણ્યા છે. મારી લાઇબ્રેરીમાં સંગીતકાર દત્તારામ ઉપર ફિલ્મ વિવેચક અને અભ્યાસુ મિત્ર અશોક રાણેએ બનાવેલી એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ છે. એમાં આર. કે. ફિલ્મ્સ સાથેનાં અઢળક સંભારણાં શૅર કરતાં દત્તારામ કહે છે, ‘અમે ‘શ્રી 420’ના એક ગીતની ચર્ચાવિચારણા કરતાં બેઠા હતા. શંકરજી કહે, અહીં બહુ અવાજ છે, શાંતિ નથી. ચાલો આપણે ખંડાલા જઈએ. એટલે રાજસા’બ, નર્ગિસ, જયકિશન, શૈલેન્દ્ર, હસરત અમે સૌ ખંડાલા પહોંચ્યાં. ત્યાં ગાર્ડનમાં ચાદર પાથરી હાર્મોનિયમ, ઢોલક, તબલા લઈને બેઠા હતા. રાજસા’બે ડાન્સની એક સિચ્યુએશન સમજાવી અને કહ્યું, આને અનુરૂપ કોઈ ધૂન છે? જયકિશન કહે, ‘હમણાં તો કાંઈ રેડી નથી, સમય આપો.’ શંકરજી કહે, ‘હું કંઈક સંભળાવું છું.’ મને કહે, ‘તું દાદરા ઠેકા લગા.’ મેં બીટ શરૂ કરી અને તેમણે ‘રમૈયા વસ્તાવૈયા, રમૈયા વસ્તાવૈયા’ ગાવાનું શરૂ કર્યું. આટલું જ બોલ્યા કરે. રાજસા’બ કહે, ‘પર આગે ક્યા? તરત શૈલેન્દ્ર બોલ્યા, ‘મૈંને દિલ તુઝકો દિયા.’ રાજસા’બ તો ઊઠીને નાચવા માંડ્યા.’
‘એક દિવસ અમે ચેમ્બુર આર. કે. સ્ટુડિયો જતા હતા. જયકિશન ગાડી ચલાવે. હું તેમની સાથે બેઠો હતો. પાછળ શંકરજી, શૈલેન્દ્ર અને હસરત જયપુરી બેઠા હતા. એ જમાનામાં ચેમ્બુર હજી ડેવલપ નહોતું થયું. થોડાં નવાં બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ હતી. હું આગળ-પાછળ જોયા કરું એટલે શૈલેન્દ્ર કહે, ‘અરે દત્તુ, મૂડ મૂડ કે ક્યા દેખ રહા હૈ?’ મેં કહ્યું, ‘નવાં -નવાં સરસ બિલ્ડિંગ બની રહ્યાં છે એ જોઉં છું.’ એક જગ્યાએ ખાસું મોટું બિલ્ડિંગ બંધાતું હતું. એ પસાર થયું એટલે ધ્યાનથી જોવા મેં પાછળ જોયું એટલે પાછા શૈલેન્દ્ર બોલ્યા, ‘યે દેખો, વાપસ મૂડ મૂડ કે દેખ રહા હૈ.’ પછી કહે, ‘યાર ‘મૂડ મૂડ કે ના દેખ’ મ્યુઝિકલ ફ્રેઝ હૈ.’ તેમણે રાજ કપૂરને વાત કરી અને આમ આ ગીત લખાયું.’ ‘અબ દિલ્હી દૂર નહીં’નું સંગીત લોકપ્રિય થયું એટલે મને નિર્માતા મહિપતરાય શાહની ઑફર આવી. તેમણે મને બોલાવ્યો. મેં સ્ટોરી સાંભળી. મને પસંદ આવી. મેં કહ્યું, ‘આમાં રાજ કપૂર હીરો તરીકે ફિટ રહેશે.’ પ્રોડ્યુસર કહે, ‘તમે મદદ કરો.’ મેં રાજસા’બને સ્ટોરી સંભળાવી. તેમને ગમી. પ્રોડ્યુસરને કહે, ‘હું કામ કરીશ પણ હિરોઇન તરીકે માલા સિંહાને લો. તે બહુ બિઝી છે પણ હું તેની ડેટ અપાવીશ.’ આમ એક મોટો પ્રોજેક્ટ બન્યો અને ‘પરવરિશ’ બની. દરેક ધૂન રાજસા’બ ઓકે કરે પછી જ ગીત રેકૉર્ડ થતું. ફિલ્મનું સંગીત હિટ થયું અને મને બીજી ઑફર્સ મળવા લાગી.’
‘શંકર-જયકિશન ઉપરાંત સલિલ ચૌધરી, રોશન, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાન્ત પ્યારેલાલ અને બીજા અનેક સંગીતકારો સાથે મેં રિધમિસ્ટ તરીકે કામ કર્યું છે. સૌએ મને ખૂબ ઇજ્જત આપી છે. રેકૉર્ડિંગમાં જાઉં એટલે કહે, ‘આપકો કયા સિખાએંગે? આપ ગાના સુનિએ ઔર ખુદ હી રિધમ ફિક્સ કર લીજિએ.’ સંગીતકાર રોશનની ‘અજી બસ શુક્રિયા’ના ‘સારી સારી રાત તેરી યાદ સતાએ’ના રેકૉર્ડિંગમાં ઢોલકવાળો નહોતો આવ્યો. કોઈએ કહ્યું, ‘દત્તારામ નજીકમાં જ રહે છે. તેમને બોલાવો.’ હું આવ્યો એટલે આભાર માનતાં રોશન કહે, ‘તમે સમય સાચવી લીધો.’ મેં કહ્યું, ‘સંગીત મારું જીવન છે.’ ‘થોડા સમય પહેલાં બીમાર હતો ત્યારે ધોબી તળાવ પાસેની એક હૉસ્પિટલમાં હતો. એક દિવસ રસ્તા પર પ્રોસેશન નીકળ્યું એમાં બૅન્ડવાજાવાળા આ ગીત વગાડતા હતા. એ સાંભળી મારી અડધી બીમારી જતી રહી. જીવન સફળ થયેલું લાગ્યું. સંગીતે મને શું નથી આપ્યું? હું એ માટે ઈશ્વરનો ઋણી છું.’ ૧૯ હિન્દી, એક મરાઠી, એક મગધી અને એક ભોજપુરી ફિલ્મના સંગીતકાર દત્તારામ ૨૦૦૭ની ૮ જાન્યુઆરીએ ગોવામાં દિવંગત થયા ત્યારે તેમની આર્થિક હાલત બહુ સારી નહોતી. ચાલતી કલમે તેમનાં સ્વરબદ્ધ કરેલાં થોડાં ગીતો યાદ આવે છે.
‘તુમ્હે હુસ્ન દે કે ખુદાને સિતમગર બનાયા’ (મોહમ્મદ રફી/ મન્ના ડે/ લતા મંગેશકર/ આશા ભોસલે- જબ સે તુમ્હે દેખા હૈ), ‘દિલ ઢૂંઢતા હૈ સહારે સહારે’ (મુકેશ - કાલા આદમી), ‘હમ આપ કી મહેફિલ મેં ભૂલે સે ચલે આએ’ (મોહમ્મદ રફી - જબ સે તુમ્હે દેખા હૈ), ‘ન જાને કહાં તુમ થે, ન જાને કહાં હમ થે’ (મન્ના ડે / સુમન કલ્યાણપુર - ઝિંદગી ઔર ખ્વાબ). સમય કાઢીને આ ગીતો સાંભળજો. એક-એક ગીત સો ટચનું સોનું છે. લિસ્ટ લાંબું છે. લયકારીના કુશળ પરંતુ અલ્પપ્રસિદ્ધ સંગીતકારને કોઈ યાદ નથી કરતું એ મહેણું ભાંગવા માટે આટલાં ગીતો પૂરતાં છે? એનો જવાબ સંગીતપ્રેમીઓએ જ આપવો પડે.

