Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણી પાસે જેટલું છે એટલું પર્યાપ્ત છે, કશું જ ખૂટતું નથી એવી સમજણ એટલે સ્વતંત્રતા

આપણી પાસે જેટલું છે એટલું પર્યાપ્ત છે, કશું જ ખૂટતું નથી એવી સમજણ એટલે સ્વતંત્રતા

Published : 06 July, 2025 04:10 PM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

જો સામાન્ય કહેવાય એવાં બ્રેડ-બટર જ આપણે શાંતિથી ન ખાઈ શકીએ તો આ જીવની તમામ દોડધામ નિરર્થક છે અને જો એ બ્રેડ-બટર શાંતિથી ખાઈ શકીએ એટલા સક્ષમ અને લાયક છીએ તો પછી બીજું શું જોઈએ છે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)


થોડા સમય પહેલાં એક અદ્ભુત પુસ્તક ‘ધ કમ્ફોર્ટ બુક’માં એક અફલાતૂન રેસિપી વાંચી. પીનટ બટર અને ટોસ્ટની રેસિપી. આપણે ત્યાં બધા રેસિપીના શોખીન છે. નવું બનાવવાની તક મળે એટલે રાજી થઈને આપણે એ દિશામાં ભાગતા થઈ જઈએ. આ વખતે પણ એવું જ કરવાનું છે. પીનટ એટલે કે સિંગદાણાને ક્રશ કરી એમાંથી નીકળતા બટર અને ટોસ્ટની રેસિપી વાંચવાની નથી, એને તમારે ઘરે બનાવવાની છે અને એ બનાવશો એટલે ગૅરન્ટી સાથે કહું છું, અગાઉ ક્યારેય નહીં કર્યો હોય એવો ટેસ્ટ મળશે.


શરૂ કરીએ પીનટ બટર અને ટોસ્ટ બનાવવાની પ્રોસેસ.



આ વ્યંજન બનાવવા માટે સૌપ્રથમ તમારે બે ઘટકો જોઈશે.


બ્રેડની બે સ્લાઇસ અને પીનટ બટર.

આ વ્યંજન બનાવવાની પદ્ધતિ :


૧. બ્રેડની બન્ને સ્લાઇસને ટોસ્ટરમાં મૂકો.

૨. એકાદ મિનિટ રાહ જુઓ. બ્રેડ વધારે બળી ન જાય એની કાળજી લો. બ્રેડને સમયસર ટોસ્ટરમાંથી બહાર કાઢો અને એક પ્લેટમાં મૂકો.

૩. પીનટ બટરને ચપ્પુ વડે બહુ ઉદારતાથી બ્રેડની એક સ્લાઇસ પર પાથરી દો. બ્રેડ પર બટર પાથરતી વખતે ચપ્પુ કોઈ એક જ દિશામાં ફેરવવું. આમ કરવાનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી પણ આવું કરવાથી મજા આવશે એની ગૅરન્ટી.

૪. બટર પાથરવામાં બિલકુલ ઉતાવળ કરવી નહીં. બ્રેડનો કોઈ ભાગ કોરો ન રહી જાય એની કાળજી લેવી.

૫. બટર લગાડેલી સ્લાઇસ પર હળવેથી બીજી બ્રેડ મૂકવી. હવે એ બ્રેડ-બટરને પ્લેટમાં લઈને ઘરના કોઈ એવા ખૂણામાં બેસી જવું જે જગ્યા તમારી ફેવરિટ છે. લિવિંગ રૂમના સોફા, બાલ્કની, હીંચકો કે ફળિયામાં મૂકેલી ખુરશી.

૬. સંપૂર્ણ સજાગતા અને સભાનતાથી એ બ્રેડ-બટરને હાથમાં પકડો. એ રિયલાઇઝ કરો કે તમે એક મનુષ્ય તરીકે જીવિત છો એટલું જ નહીં, એક એવા મનુષ્ય તરીકે જીવિત છો જેના નસીબમાં બ્રેડ-બટર પણ છે.

૭. આંખો બંધ કરીને પહેલું બટકું ભરો. બ્રેડ-બટરનો સ્વાદ માણતી વખતે તમારી તમામ ચિંતાઓ અને અસલામતીઓને મુક્ત કરી દો. બસ, એ બ્રેડ-બટરના સ્વાદ અને સંતૃપ્તિમાં ખોવાઈ જાઓ.

જો તમને બટર ન ભાવતું હોય તો આ પ્રક્રિયા તમે ફ્રૂટ-જૅમ સાથે પણ કરી શકો. બ્રેડ ન ભાવતી હોય તો ભાખરી સાથે અને ધારો કે ભાખરી ચાવી ન શકતા હો તો આ આખી પ્રક્રિયા રોટલી સાથે પણ કરી શકો. અહીં મહત્ત્વની નથી પણ મહત્ત્વની છે પદ્ધતિ. આ રીતે બ્રેડ-બટર કે પછી તમને જે ભાવે, જે ફાવે એ ખાવાની પદ્ધતિને ‘ગ્રેટિટ્યુડ રિચ્યુઅલ’ એટલે કે ‘કૃતજ્ઞતાની વિધિ’ કહે છે અને આપણે ત્યાં જો કોઈ કમી હોય તો એ કૃતજ્ઞતાની છે. ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવામાં આપણે સતત ઊણા પુરવાર થઈએ છીએ અને એ જ કારણ છે મનમાં પ્રસરતા અસંતોષનું. અસંતોષ આજની આ ક્ષણને માણવા નથી દેતો. અસંતોષ આજની આ પળને, આજની આ સેકન્ડને જીવવા નથી દેતો.

ગ્રેટિટ્યુડ રિચ્યુઅલની આ જે વિધિ કે રેસિપી છે એના મુખ્ય બે ફાયદા છે.

ફાયદો પહેલો, ગ્રેટિટ્યુડ રિચ્યુઅલને કારણે માઇન્ડફુલનેસ એટલે કે વર્તમાન ક્ષણમાં જીવવાની પ્રૅક્ટિસ, જે આપણી દરેક તકલીફ માટે જરૂરી છે.

ફાયદો બીજો, ગ્રેટિટ્યુડ રિચ્યુઅલ એ પ્રતીતિ કરાવે છે કે કે આપણા જીવનમાં રહેલી તમામ દોડધામ, ચિંતા, તકલીફો, હરીફાઈઓ અને મથામણો અંતે તો બસ આ બ્રેડ-બટર મેળવવા માટેની જ છે. જો એ બ્રેડ-બટર જ આપણે શાંતિથી ન ખાઈ શકીએ તો આ જીવની તમામ દોડધામ નિરર્થક છે. જો એ બ્રેડ-બટર શાંતિથી ખાઈ શકીએ એટલા સક્ષમ અને લાયક છીએ તો પછી બીજું શું જોઈએ જીવનમાં?

આપણી પાસે આ ક્ષણમાં જે છે એનાથી જો આપણે સંતુષ્ટ નથી તો એવી કોઈ ગૅરન્ટી નથી કે આપણને જે જોઈએ છે એ મળી ગયા પછી ભવિષ્યમાં આપણે સંતુષ્ટ હોઈશું.

ચાઇનીઝ ફિલોસૉફર લાઓત્સેનો એક અદ્ભુત ક્વોટ છે, ‘When you realize there is nothing lacking, the whole world belongs to you.’ આપણી પાસે જેટલું છે એટલું પર્યાપ્ત છે, કશું જ ખૂટતું નથી એવી સમજણ એટલે સ્વતંત્રતા. જે નથી મળ્યું એની ચિંતા કે મથામણમાં પડ્યા વગર, જેઓ પોતાના ભાગે આવેલાં બ્રેડ-બટરને ઊજવી અને માણી શકે છે તેઓ જ આ સ્વતંત્રતા ભોગવી શકે છે. બાકીના... છેલ્લા શ્વાસ સુધી ગુલામી કર્યા કરે છે અને જો તમારે પણ કરવી હોય તો તમને એનો પૂરો હક છે પણ ગુલામી સ્વીકારો ત્યારે લાઓત્સેનો આ ક્વોટ યાદ કરી લેશો તો તમને સમજાઈ જશે, નિરર્થક દોટમાં જોતરાઈને આપણે જીવવા જેવું જીવન વેડફી રહ્યા છીએ અને વેડફાયેલું આ જીવન છેલ્લે તો એક ફોટોફ્રેમમાં ચહેરો બનીને રહી જવાનું છે. છેવટે જો ફોટોફ્રેમ જ બનવાનું હોય તો શું કામ ગ્રેટિટ્યુડ રિચ્યુઅલને ફૉલો ન કરીએ?

વિચારજો શાંતિથી અને જો એમાં પણ સૂઝે નહીં તો એક વખત આ રેસિપીને શાંત ચિત્તે અપનાવજો. ખાતરી સાથે કહું છું, સમજી જશો.

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2025 04:10 PM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK