Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ચાલો આજે જઈએ જોવા મુંબઈનાં કેટલાંક ઐતિહાસિક ચર્ચ

ચાલો આજે જઈએ જોવા મુંબઈનાં કેટલાંક ઐતિહાસિક ચર્ચ

Published : 27 December, 2025 06:25 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

કવિ કાન્તે જેમની સ્તુતિ આ પ્રાર્થનાગીતમાં કરી છે એ ઈસુ ખ્રિસ્તના પ્રાગટ્યનું ટાણું નાતાલ કહેતાં ક્રિસમસ. તે દનથી માંડીને નવા વરસના પહેલા દહાડા સુધીના દિવસો એટલે જૂનાના ગમન અને નવાના આગમનના દિવસો.

મલબાર હિલ પરનું ચર્ચ

મલબાર હિલ પરનું ચર્ચ


આપ જ આવા તો જોયા પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
મેં તો માનેલું કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!
દુર્બલ, દીન, નિરાશ, વળેલો,
દૂરથી દેખી શું રોયા? પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા.

આપણા એક બહુ મોટા ગજાના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ. ઝટ્ટ ન ઓળખ્યાને! પણ કવિ કાન્ત કહીએ તો આજે પણ ઘણા તરત કહે : ‘અરે, પેલા ‘સાગર અને શશી’ કાવ્યવાળાને! તો કોઈ કહેશે ‘વસંત વિજય’ અને ‘ચક્રવાક મિથુન’ જેવાં અમર ખંડકાવ્યો લખેલાં એ જ કવિને! હા એ જ અને તેમણે આખા ગુજરાતમાં ચકચાર જગાવેલી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીને. એ પછી તેમણે ખ્રિસ્તી ધર્મભાવનાનાં જે થોડાં કાવ્યો-ગીતો લખ્યાં એમાંનું જ આ એક : આપ જ આવા તો જોયા પિતા પ્રભુ!




રેવદંડા ચર્ચ – અસલ નહીં, આજનું 


કવિ કાન્તે જેમની સ્તુતિ આ પ્રાર્થનાગીતમાં કરી છે એ ઈસુ ખ્રિસ્તના પ્રાગટ્યનું ટાણું નાતાલ કહેતાં ક્રિસમસ. તે દનથી માંડીને નવા વરસના પહેલા દહાડા સુધીના દિવસો એટલે જૂનાના ગમન અને નવાના આગમનના દિવસો. પોતાની આગવી ભાષાશૈલીથી ગુજરાતી ભાષાને રળિયાત કરનાર સ્વામી આનંદ આ પર્વ વિશે ‘ઈશુ ભાગવત’ પુસ્તકમાં કહે છે, ‘લાખુંલાખ વશવાસીયુંના તારણહારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વરસોવરસ આ પરબ ઊજવે. દેવળુંના ઘંટ વાગે, ભજનભગતી થાય, નાનાં છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખશાંતિ થાય, ને માણસું તમામ હૈયાનાં ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને ખમાવે. છોકરાંવને સાટું તો આ નાતાળ કેટલાંય વરસથી મોટો ભાભો થઈ ગ્યો છે. ઈશુ ભગતને ગભરુડાં બાળ બહુ વા’લાં હતાં અટલેં આ નાતાળ ભાભો ભગતના જલમદંનની આગલી રાતેં ટાઢવેળાનો રૂ-રજાઈની ડગલી પેરીને ને ગોદડિયું વીંટીને વનવગડાનાં હરણિયાં જોડેલ ગાડીમાં વરસોવરસ નીકળી પડે. ગાડીમાં ગોળધાણા, સાકરટોપરાં, કાજુદરાખ ને સક્કરપારાની કોથળિયું ને મઠાઇયુંનાં પડા ખડક્યા હોય. પછેં ગામેગામનાં છોકરાંવ ઊંઘતાં હોય તી ટાણે મધરાતેં ઘરે-ઘરે જઈને કોઢારાની ગમાણ્યુંમાં, ચૂલાની આગોઠ્યમાં, ભીંતનાં ગોખલામાં કે નેવાને ખપેડે, એવાં એ ઘરેઘરનાં ભૂલકાંભટુડાં સંધાવેં વાટકી, નળિયું, કોરું કોડિયું, જી કાંય મેલી રાખ્યું હોય તીમાં કાંય ને કાંય ઓલ્યાં પડીકા ને કોથળિયુંમાંથી કાઢી-કાઢીને ભાભો સારાં શકનનું મેલી જાય! એકોએક છોકરાંવ જી વશવાસ રાખે તી સંધાયને સવારને પો’ર ઈ જડે. ચોકિયાત થઈને પારખાં લેવા સાટુ જાગરણ કરે ને બેશી રે તીને ના જડે. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. ભાભો એવાં ચબાવલાં છોકરાંવનું ઘર તરીને હાલે.’
(ભાષા-જોડણી મૂળ પ્રમાણે) હા. ઈમ કાંય સાચાખોટાનાં પારખાં દેવુંનાં નો કરાય. દેવુંનાં તો દર્શન કરાય, 
પૂજા-અર્ચન કરાય. અત્યારે આપણી આ મુંબઈ નગરીમાં એક બાજુથી શિયાળાની શીત લહરો પ્રસરી છે તો બીજી બાજુ જુદી-જુદી ચર્ચમાંથી ઊઠતી પ્રભુપ્રાર્થનાઓની સુરાવલિની ઉષ્મા ફેલાઈ રહી છે. અને ક્રિસમસથી નવા વરસ સુધીના દિવસો એટલે ભગવાન ઈસુને ભજવાના દિવસો. 


દાદર પોર્ટુગીઝ ચર્ચ – નવો અવતાર


પણ આ ખ્રિસ્તી ધર્મ મુંબઈમાં આવ્યો ક્યાંથી? ક્યારથી? સાધારણ રીતે ઘણા માને છે કે અંગ્રેજો આવ્યા અને સાથે ખ્રિસ્તી ધર્મ લાવ્યા. પણ ના, આ ધર્મ તો ઘણો વહેલો અહીં આવી ગયો હતો. કોસ્માસ ઇન્ડિકોપ્લેસ્ટસ નામનો એક ગ્રીક વેપારી. વેપાર માટે રાતો સમુદ્ર અને હિન્દી મહાસાગર ખૂંદી વળેલો. દેશ-દેશનાં પાણી પીધેલાં. પરિણામે જે અનુભવો થયા, જે જાણકારી મળી એને આધારે લખ્યું સચિત્ર પુસ્તક ‘ક્રિશ્ચિયન ટોપોગ્રાફી’. આ પુસ્તક લખાયું ઈ. સ. ૫૫૦ની આસપાસ. હિન્દુસ્તાનની મુસાફરી દરમ્યાન એ મુસાફરે પશ્ચિમ કાંઠાનાં ઘણાં બંદરની મુલાકાત લીધેલી. એ વખતે થાણે, કલ્યાણ, સોપારા, રેવદંડા વગેરે મોટાં બંદર. દેશી-પરદેશી વહાણો વિદેશ સુધી આવન-જાવન કરે. આ પ્રવાસીએ તેના પુસ્તકમાં લખ્યું છે કે કલ્યાણ બંદરે તેણે ખ્રિસ્તીઓની વસાહત જોઈ હતી અને તેમના બિશપની નિમણૂક પર્શિયાથી થતી હતી. એટલે કે છેક છઠ્ઠી સદીમાં પણ મુંબઈ નજીક ખ્રિસ્તીઓની વસ્તી હતી. એ પછી બીજો ઉલ્લેખ મળે છે ઈ. સ. ૧૩૨૧માં. ફ્રેન્ચ પાદરી જોર્ડાનસ ઑફ સેવેરાક નોંધે છે કે એ વખતે થાણેમાં ૧૫ ખ્રિસ્તી કુટુંબો વસતાં હતાં. તેઓ પોતે સોપારા (મૂળ નામ શૂર્પારક, આજનું નામ નાલાસોપારા)ની ખ્રિસ્તી વસાહતમાં રહીને ધર્મપ્રચાર કરતા હતા. 


બોરીવલીનું ચર્ચ – અંદરથી 

૧૫૩૪માં પોર્ટુગીઝોએ વસઈ, સાલસેટ, થાણે અને મુંબઈ પર કબજો જમાવ્યો. તેમનાં વહાણોમાં સૈનિકોની સાથોસાથ પાદરીઓ પણ હતા. આ પાદરીઓ આસપાસના મુલકમાં પથરાઈ ગયા અને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચારનું કામ શરૂ કર્યું. તેમણે હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારા પરનું સૌથી પહેલું પોર્ટુગીઝ ચર્ચ ચૌલ રેવદંડા ખાતે ઊભું કર્યું. આ ચૌલ આવેલું આજના અલીબાગ નજીક. એના કિલ્લાના અવશેષો માંડ બચ્યા છે. અસલ ચર્ચનું તો નામોનિશાન જોવા મળતું નથી, પણ એક નાનકડા ઝૂંપડા જેવા મકાન પર મરાઠીમાં લખેલું બોર્ડ ઝૂલે છે: 
माय-द-देऊस, चर्च रेवदंडा. 
રેવદંડાથી સીધા જઈએ બોરીવલી. એક જમાનામાં અહીં બહુ મોટા પ્રમાણમાં બોરનાં ઝાડ હતાં. એટલે નામ પડ્યું બોરીવલી એમ મનાય છે. ૧૫મી સદીથી ૧૭મી સદી સુધીમાં મરાઠીમાં લખાયેલ ગ્રંથ ‘મહિકાવતીચી બખર’માં बोरीवळी, बोरीयली ग्राम નામ જોવા મળે છે. એક જમાનામાં અહીં આદિવાસીઓ અને ઈસ્ટ ઇન્ડિયનોની મુખ્ય વસ્તી. આ બોરીવલીમાં છેક ૧૫૪૭માં Our Lady of Immaculate Conception Churchની સ્થાપના થઈ હતી. આ ચર્ચ જ્યાં આવેલું છે એ માઉન્ટ પોઇસર એ વખતે આ આખા પ્રદેશનું મધ્યબિંદુ  હતું. જોકે ૧૭૩૯થી આ ચર્ચની પડતી દશા થઈ હતી. આ વિસ્તાર પર મરાઠાઓએ ચડાઈ કરી ત્યારે તેમણે આ ચર્ચને જમીનદોસ્ત કરી નાખ્યું હતું. પછીનાં ૧૫૦ વર્ષ એ માત્ર ખંડિયેર બની રહ્યું હતું. ૧૮૮૮માં મૂળ ચર્ચનાં ખંડિયેરો જેમનાં તેમ રાખીને એની બાજુમાં ચર્ચનું નવું મકાન બાંધવામાં આવ્યું હતું. ફરી ૧૯૧૨ પછી એ મુંબઈનાં પરાંઓનું એક મહત્ત્વનું ચર્ચ બની રહ્યું છે. 
મુંબઈના જૂનામાં જૂના ચર્ચમાં જેની ગણના થાય છે એવું એક ચર્ચ એ વાન્દરે (વાંદરા)માં દરિયાકિનારે આવેલું સેન્ટ ઍન્ડ્રુઝ ચર્ચ. ૧૫૩૪માં વાંદરા પોર્ટુગીઝોના તાબામાં આવ્યું. ૧૫૬૮માં તેમણે એ પોર્ટુગીઝ પાદરીઓ (જેસુઈટ)ને સોંપ્યું. ૧૫૭૫ સુધીમાં એક ભવ્ય ચર્ચનું બાંધકામ શરૂ થઈ ગયું. એ જમાનામાં આ ચર્ચ બાંધવાનો અધધધ ખરચ થયો હતો રૂપિયા ૪૫,૩૫૪. અને એ બધા પૈસા આપ્યા હતા એક અનામી શ્રદ્ધાળુ સ્ત્રીએ. બંધાયા પછી ઘણા વખત સુધી આ ચર્ચની ગણના મુંબઈના સૌથી મોટા અને ભવ્ય ચર્ચ તરીકે થતી હતી. 
મુંબઈનાં બીજાં બધાં ચર્ચ કરતાં બાહ્ય દેખાવમાં તદ્દન નોખું તરી આવે એવું એક ચર્ચ એ દાદરનું પોર્ટુગીઝ ચર્ચ. હાલની ઇમારતની ડિઝાઇન બનાવી હતી વિશ્વવિખ્યાત સ્થપતિ ચાર્લ્સ કોરિયાએ. ચર્ચની ઇમારતનાં મૂળભૂત તત્ત્વોને જાળવીને તેમણે આખા પરિસરને એકદમ મૉડર્ન લુક આપ્યો છે. આ નવી ઇમારત બાંધવાનું કામ ૧૯૭૪માં શરૂ થયું અને ૧૯૭૭માં પૂરું થયું. પણ આજની આ ઇમારત પાછળ ૪૦૦ કરતાં વધુ વર્ષોનો ઇતિહાસ રહેલો છે. એનું નામ ચર્ચ ઑફ અવર લેડી ઑફ સાલ્વેશન. સ્થાપના થયેલી છેક ૧૫૯૬માં. પોર્ટુગીઝ ફ્રાન્સિસ્કન સંપ્રદાયે બાંધેલું. જોકે કેટલાકના મતે એની સ્થાપના ૧૫૧૨માં થયેલી અને એટલે એ મુંબઈનું સૌથી જૂનું ચર્ચ છે. 


બાંદરાનું ચર્ચ – અસલ અને આજે 

હવે જઈએ કોલ્હે કલ્યાણ. મરાઠીમાં કોલ્હે એટલે શિયાળ. એમની અહીં હતી ઝાઝી વસ્તી. ચોમાસામાં મીઠી નદી બેઉ કાંઠે ઊભરાતી હોય ત્યારે એમાં મગર પણ તણાઈ આવે. જે થોડાઘણા લોકો અહીં વસતા તે કાં ખેતી કરે કાં માછીમારી. ઈ. સ. ૧૬૦૦ પછી એ જ મીઠી નદીમાં મછવાઓમાં બેસીને પોર્ટુગાલી પાદરીઓ અહીં આવ્યા. તેમણે અસલ નામ બદલીને નવું નામ રાખ્યું કાલિના. ફાધર માનોએલ દ મેથિયાસે ૧૬૦૬માં અહીં ‘ચર્ચ ઑફ અવર લેડી ઑફ ઇજિપ્ત’ની સ્થાપના કરી. ૧૮૮૨ના બૉમ્બે ગૅઝેટિઅરમાં જણાવ્યું છે કે આ ચર્ચનું મકાન ૯૧ ફીટ લાંબું, ૪૦ ફીટ પહોળું અને ૨૯ ફીટ ઊંચું હતું. જોકે પછીથી વખતોવખત અસલ ઇમારતમાં ફેરફાર થતા રહ્યા છે. 
આજે એ સ્ટેશનની એકાદ ઈંટ પણ જોવા મળતી નથી, પણ એક જમાનામાં અંધેરીથી ટ્રૉમ્બે જતી GIP રેલવેની સાલસેટ ટ્રૉમ્બે રેલવેલાઇન પર કાલિના સ્ટેશન આવેલું હતું. જોકે આ લાઇન માત્ર છ વર્ષ જ ચાલી હતી. ૧૯૨૮માં એ શરૂ થઈ અને ૧૯૩૪માં બંધ થઈ. કારણ? સાંતાક્રુઝ ઍરપોર્ટ બાંધવા માટે એ જગ્યાની જરૂર હતી પણ એ ટ્રેન ચાલુ હતી ત્યારે નવેમ્બરની શરૂઆતથી જાન્યુઆરીના અંત સુધી અંધેરી-સાંતાક્રુઝના પારસી જમીનદારો અને બીજા કેટલાક શેઠિયાઓ એ ટ્રેનમાં બેસીને શિયાળનો શિકાર કરવા કોલ્હે કલ્યાણ જતા. વહેલી સવારથી સવારના સાડાઆઠ સુધી શિયાળનો શિકાર કરીને એ જ ટ્રેનમાં ઘરે પાછા આવતા. 
મુંબઈના ગવર્નર મલબાર હિલ રહેવા ગયા એ પછી બીજા પણ ઘણા અંગ્રેજ અમલદારો ત્યાં રહેતા થયા. એ વખતનું મલબાર હિલ એટલે અસ્સલ હિલ સ્ટેશન જોઈ લો. ચડતા-ઊતરતા ઢોળાવો પર વાંકીચૂંકી કેડી જેવા રસ્તા. આજુબાજુ પુષ્કળ ખુલ્લી જગ્યાવાળા બંગલા. 
નોકર-ચાકરનું સુખ, પણ એક વાતનું મોટું દુ:ખ. ગોરા રહેવાસીઓએ રવિવારે પ્રાર્થના કરવા આઠ કિલોમીટર દૂર આવેલા એલ્ફિન્સ્ટન સર્કલ પાસેના સેન્ટ થોમસ કૅથીડ્રલ સુધી જવું-આવવું પડે! ૧૮૮૦થી ૧૮૮૫ સુધી મુંબઈના ગવર્નર હતા સર જેમ્સ ફર્ગ્યુસન 
(૧૮૩૨-૧૯૦૭). તેમણે અને તેમનાં પત્ની લેડીસાહેબાએ નક્કી કર્યું કે મલબાર હિલ પર જ એક ચર્ચ બાંધવું જોઈએ. રૉયલ એન્જિનિયર્સના મેજર મન્ટને સોંપી જવાબદારી. લિટલ ગીબ્સ રોડ પર ૧૮૮૧માં ઑલ સેન્ટ્સ ચર્ચનું બાંધકામ શરૂ થયું. લેડી ફર્ગ્યુસનના હાથે પાયાનો પથ્થર મુકાયો. અને ૧૮૮૨ના જાન્યુઆરીની ૧૬મી મેથી એ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું. કાયદે આઝમ મહંમદ અલી ઝીણાની એકમાત્ર દીકરી દીના ઝીણાએ આ જ ચર્ચમાં ૧૯૩૮ના નવેમ્બરની ૧૬મી તારીખે નેવિલ વાડિયા સાથે લગ્ન કર્યાં હતાં. અને એક જમાનાની જાણીતી અભિનેત્રી પરવીન બાબીએ ૧૯૯૭ના જૂનની ૨૧મીએ આ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.
આજની વાતની શરૂઆત આપણે કવિ કાન્તના એક કાવ્યની થોડી પંક્તિઓથી કરી હતી. અંતે પણ તેમના બીજા એક કાવ્યની પંક્તિઓ ગણગણીએ:
ઊંચાં પાણી મને આ સતાવે પિતા!
પ્રભુ તારક! સત્વર ઉધ્ધારી લ્યો!
મારાં પાપ તણો અરે પાર નથી:
મારા અંતરમાં કશો સાર નથી:
ભાવસાગરે અન્ય આધાર નથી:
પ્રભુ તારક! સત્વર ઉધ્ધારી લ્યો!
ચાલો, આવજો ૨૦૨૫. ફરી મળીશું ૨૦૨૬ના પહેલા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2025 06:25 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK