વ્યક્તિ ધારે તો શું ન કરી શકે? તમારા મોઢામાંથી આ શબ્દો સર્યા વગર નહીં રહે જ્યારે તમે ચર્ની રોડમાં રહેતાં ૩૫ વર્ષનાં નીતુ મહેતાના જીવન-સંઘર્ષ વિશે જાણશો.
નીતુ મહેતા
નૅશનલ લેવલ વ્હીલચૅર ફેન્સિંગ પ્લેયર એવાં ચર્ની રોડમાં રહેતાં ૩૫ વર્ષનાં નીતુ મહેતા શારીરિક રીતે અક્ષમ છે, પણ તેમનામાં એટલી ક્ષમતાઓ ભરેલી છે કે ભલભલા વિચારમાં પડી જાય. જીવનનાં ૩૦ વર્ષ તેમણે ઘરમાં જ વિતાવ્યાં છે પણ છેલ્લાં પાંચ વર્ષમાં તેમણે જીવનમાં એટલું બધું અચીવ કરી લીધું છે કે જે મેળવતાં કદાચ આપણને વર્ષો લાગી જાય. એવામાં આજે આપણે નીતુ મહેતા પાસેથી જ તેમના સંઘર્ષથી સફળતા સુધીની જર્ની વિશે જાણીએ.
૩૦ વર્ષ અને ઘરની ચાર દીવાલ
ADVERTISEMENT
૩૦ વર્ષ સુધી કોઈએ બહારની દુનિયા જોઈ જ ન હોય એ કઈ રીતે બને? જોકે નીતુ મહેતાના જીવનની વાસ્તવિકતા છે. જીવનમાં એવા કયા સંજોગો હતા કે તેમનું ૩૦ વર્ષનું જીવન ઘરની ચાર દીવાલો વચ્ચે જ પસાર થયું એ વિશે જણાવતાં નીતુ કહે છે, ‘હું એક વર્ષની હતી ત્યારે મને તાવમાં પોલિયો થઈ ગયેલો એવું મારી મમ્મીએ મને કહેલું. નીચેથી મારું આખું શરીર પૅરૅલાઇઝ્ડ છે એટલે મારું હરવા-ફરવાનું પ્રભાવિત થાય એ સ્વાભાવિક છે. મારી આવી સ્થિતિને કારણે હું કોઈ દિવસ સ્કૂલ જઈ શકી નથી. હા, થોડુંઘણું હોમસ્કૂલિંગ થયું છે. પ્રાઇવેટ ટીચર ટ્યુશન લેવા આવતા. આમ તો મારાં ભાઈ-બહેન હતાં એટલે તેમની સાથે રમીને, વાતો કરીને અને ટીવી જોઈને મારો દિવસ પસાર થતો. અમારું ઘર ચોથા માળે હતું. બિલ્ડિંગમાં લિફ્ટ પણ નહોતી એટલે આટલાં વર્ષોમાં આંગળીના વેઢે ગણાય એટલી જ વાર હું ઘરની બહાર ગઈ છું. એ પણ દેશમાં જવાનું હોય કે લગ્નપ્રસંગમાં જવાનું હોય એ વખતે. ઘરના સભ્યો મને ઊંચકીને નીચે ઉતારે. થોડી મોટી થઈ એટલે કોઈ સંસ્થા પાસેથી ભાડા પર વ્હીલચૅર લઈ આવતા અને એના પર બેસાડીને મને ફરવા લઈ જતા.’
નીતુ મહેતાનો બહારની દુનિયા સાથે ત્યારે સંપર્ક થયો જ્યારે તેમના હાથમાં મોબાઇલ આવ્યો. આ મોબાઇલે તેમના માટે ઘરની બારી જેવું કામ કર્યું કે જ્યાંથી તેઓ બહારની દુનિયાને જોઈ શકે. આ વિશે વાત કરતાં નીતુ મહેતા કહે છે, ‘મોટા થયા પછી જ્યારે હાથમાં મોબાઇલ આવ્યો ત્યારે મેં યુટ્યુબમાં વિડિયો જોવાનું શરૂ કર્યું. એના માધ્યમથી મેં ડિસેબલ્ડ પર્સનની મદદ માટે કયાં ગૅજેટ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, અમે કઈ-કઈ ઍક્ટિવિટીઝ કરી શકીએ એ બધા વિશે મેં જાણવાનું શરૂ કર્યું. યુટ્યુબમાંથી જ વિડિયો જોઈને હું હૅન્ડમેડ ઍક્સેસરીઝ બનાવતાં શીખી અને એ ઘરે બનાવીને વેચવાનું શરૂ કર્યું. મારો સમય એમાં વીતી રહ્યો હતો. જોકે મને બહાર નીકળીને કંઈક કરવાની ઇચ્છા હતી. એ કઈ રીતે અને કેવી રીતે થશે એ ખબર નહોતી. દરમિયાન મને ડિસેબલ વ્યક્તિ માટે યુનિક ડિસેબિલિટી ID કાર્ડ બનતાં હોવાની જાણ થઈ. એટલે એક દિવસ હું એ બનાવવા માટે ઘરની બહાર નીકળી. એ સમયે કોઈએ સલાહ આપી કે તું કૅલિપર્સ પહેરીને નીચે ઊતરી શકે છે. સમય લાગશે, પણ થઈ જશે. એટલે પછી મેં મારા માટે કૅલિપર બનાવ્યું. મને પ્રૅક્ટિસ કરાવવા માટે ફિઝિયોથેરપિસ્ટ આવતા હતા પણ કોરોનામાં લૉકડાઉનને પગલે તેમનું આવવાનું બંધ થઈ ગયું. હું બ્રેક લઈ શકું એમ નહોતી એટલે મેં યુટ્યુબ પર વિડિયો જોઈને ઘરે જ પ્રૅક્ટિસ ચાલુ રાખી. કૅલિપર્સ પહેરીને દાદરા ચડતાં-ઊતરતાં હું શીખી. એ પછી તો મેં મારી પોતાની એક વ્હીલચૅર પણ ખરીદી. કૅલિપર્સ પહેરીને દાદરા ઊતરી જાઉં એ પછી વ્હીલચૅર પર હું મારી રીતે મુસાફરી કરી લઉં.’
શરૂ થઈ સ્પોર્ટ્સ જર્ની
નીતુમાટે બહાર નીકળવાનું થોડું સરળ બન્યું એ પછીથી તેમની સ્પોર્ટ્સ જર્નીની શરૂઆત થઈ. એ વિશે માહિતી આપતાં તેઓ કહે છે, ‘મને સોશ્યલ મીડિયા પર એક જણે સલાહ આપી કે તારે ફિટનેસ માટે બાસ્કેટબૉલ રમવું જોઈએ. કલીના કૅમ્પસમાં જવું જોઈએ, ત્યાં વ્હીલચૅર બાસ્કેટબૉલની પ્રૅક્ટિસ થાય છે. હું ત્યાં ગઈ અને ટીમમાં જોડાઈ અને એ રીતે મેં બાસ્કેટબૉલ રમવાની શરૂઆત કરી. એનાથી મારી સ્ટ્રેન્ગ્થ વધી ગઈ. મને મારા જેવા બીજા ફ્રેન્ડ્સ મળવા લાગ્યા. હું ખુશ રહેવા લાગી. ઘણા લોકો મને પૂછતા કે તારું એજ્યુકેશન કેટલું છે તો હું તેમને કહેતી કે હું તો સ્કૂલમાં ભણવા જ નથી ગઈ. હું જે પ્રમાણે તેમની સાથે વાતો કરતી એ જોઈને તેમને વિશ્વાસ જ નહોતો બેસતો કે હું બિલકુલ ભણી જ નથી. એ પછી કોઈએ મને કહ્યું કે તારે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગથી SSCની પરીક્ષા આપવી જોઈએ. એટલે મેં પછી ઘરે જ ઑનલાઇન અભ્યાસ કરીને પરીક્ષા પાસ કરી, જેનું રિઝલ્ટ હજી ૨૦૨૪માં જ આવ્યું છે. બાસ્કેટબૉલ તો હું રમતી જ હતી જે ટીમ સ્પોર્ટ્સ છે, પણ મને એવી સ્પોર્ટ્સમાં આગળ વધવાની ઇચ્છા હતી જેમાં હું એકલી રમી શકું. એટલે પછી મેં તલવારબાજીમાં આગળ વધવાનું નક્કી કર્યું. એ માટેની ટ્રેઇનિંગ લેવાની શરૂ કરી. પહેલી વારમાં જ ઔરંગાબાદમાં થયેલી રાષ્ટ્રીય પૅરા ફેન્સિંગ સિલેક્શન ટ્રાયલ ૨૦૨૩-’૨૪માં મને ફર્સ્ટ રૅન્ક મળ્યો. એ પછી કોઇમ્બતુરમાં થયેલી ૧૬મી નૅશનલ વ્હીલચૅર ફેન્સિંગ ચૅમ્પિયનશિપ ૨૦૨૪માં હું રમવા માટે ગઈ જ્યાં મેં આઠમી પ્લેસ સિક્યૉર કરી હતી. ફેન્સિંગમાં હજી મેં શરૂઆત જ કરી છે અને આગળ જઈને નૅશનલ લેવલ પર મેડલ જીતવાની મારી ઇચ્છા છે. એ માટે હું દરરોજ પ્રૅક્ટિસ કરું છું.’
ખરી કસોટી
નીતુ મહેતા કહે છે સ્પોર્ટ્સમાં મારે જેટલી મહેનત નથી કરવી પડતી એટલી મહેનત મારે ટ્રેઇનિંગ માટે અથવા તો ચૅમ્પિયનશિપ માટે બધી જગ્યાએ ટ્રાવેલ કરવું પડે ત્યારે થાય છે. પોતાનો અનુભવ શૅર કરતાં તે કહે છે, ‘બાસ્કેટબૉલ માટે મારે સાંતાક્રુઝ જવાનું હોય. શરૂઆતમાં હું કૅબમાં જતી, પણ લાંબા સમય સુધી પોસાય એમ નહોતું એટલે મેં ટ્રેન ટ્રાવેલિંગ શરૂ કર્યું. એટલે હું પહેલાં ચર્ની રોડથી ચર્ચગેટ ટૅક્સીમાં જતી. ચર્ચગેટ વ્હીલચૅર ઍક્સેસિબલ છે અને ત્યાં ટ્રેન વધારે સમય માટે રોકાય. હું હંમેશાં મોટરમૅનની કૅબિન પાછળનો પહેલો લેડીઝ ડબ્બો હોય એમાં જ ચડતી એટલે વ્હીલચૅર ઉપાડીને ટ્રેનની અંદર ચડાવવામાં મને મોટરમૅન અને બીજા પૅસેન્જર્સ મદદ કરે. હું બાંદરાના પ્લૅટફૉર્મ-નંબર એક પર ઊતરી જતી જેથી બ્રિજ ચડવાની જરૂર ન પડે અને સીધેસીધું બહાર નીકળી શકાય. એ પછી ત્યાંથી હું રિક્ષા પકડીને સાંતાક્રુઝ પહોંચતી. સાંતાક્રુઝમાં ડાયરેક્ટ ઊતરું તો પ્લૅટફૉર્મ ચેન્જ કરવા સીડીઓ ચડવી પડે. લિફ્ટ અને ઍક્સેલરેટરની ફૅસિલિટી નહોતી. એવી જ રીતે સાંતાક્રુઝથી રિટર્ન ચર્ચગેટ આવતી વખતે બાંદરાથી જ આગળની બાજુ અંધેરી, બોરીવલી જતી ટ્રેન પકડી લેતી. એ જ ટ્રેનમાં હું બેઠી રહેતી અને પછી ચર્ચગેટ રિટર્ન આવતી. અત્યારે અમારી બાસ્કેટબૉલની પ્રૅક્ટિસ ગોરેગામ સ્પોર્ટ્સ ક્લબમાં થતી હોવાથી હું મહિનામાં એકાદ વાર જઈને મારા ફ્રેન્ડ્સને મળી આવું છું. મારી ફેન્સિંગની પણ જે પ્રૅક્ટિસ છે એ પહેલાં સાંતાક્રુઝ થતી અને એ પછી ઘાટકોપર પણ જવું પડતું. એ સિવાય ફેન્સિંગ કૉમ્પિટિશન માટે ઔરંગાબાદ પણ હું એકલી જ ગઈ હતી. મેં વંદે ભારતમાં ટિકિટ બુક કરી હતી જે સંપૂર્ણ રીતે વ્હીલચૅર-ફ્રેન્ડ્લી છે એટલે મને વૉશરૂમ યુઝ કરવામાં કે બીજી કોઈ સમસ્યા નહોતી આવી. અત્યારે વરસાદના મહિનાઓમાં ટ્રાવેલિંગ અઘરું પડી જાય એટલે હું ઘરે જ ફેન્સિંગની પ્રૅક્ટિસ કરું છું.’
બધી રીતે સક્રિય
નીતુ મહેતા સારાં ડાન્સર પણ છે. તે કોરિયોગ્રાફર શ્યામક દાવરના વિક્ટરી આર્ટ્સ ફાઉન્ડેશન તરફથી અપાતી ડાન્સ ટ્રેઇનિંગમાં પણ જાય છે. તેમણે ઘણા ડાન્સ શોઝમાં પણ પાર્ટિસિપેટ કર્યું છે. એ સિવાય નીતુ મહેતા ઇન્સ્ટાગ્રામ પર પણ ઍક્ટિવ છે. ડિસેબલ વ્યક્તિને પડતી સમસ્યા, પોતાની ડે-ટુ-ડે સ્ટ્રગલ કે પછી અવેરનેસ વિડિયો પોસ્ટ કરતાં રહે છે. આ વિડિયોઝ ઘણી વાર તેઓ જાતે ટ્રાઇપૉડ પર શૂટ કરે. ઘરમાં શૂટ હોય તો ફૅમિલી મેમ્બર હેલ્પ કરે અને બહાર હોય તો પબ્લિક પાસેથી તેઓ મદદ માગી લે. વિડિયોઝના એડિટિંગનું કામ તેઓ જાતે કરી લે છે. એ સિવાય તેઓ મૅરથૉનમાં પણ પાર્ટિસિપેટ કરે છે. નીતુ મહેતાનો લાઇફમાં એક જ ફંડા છે, સતત કંઈને કંઈ નવું શીખતા રહેવું અને આગળ વધતા રહેવું.

