સામાન્ય રીતે મીઠાઈ કે ડિઝર્ટનું નામ પડે એટલે નજર સામે મેંદો અને ખાંડ જ આવે, પરંતુ વડાલાનાં ઈશિતા શાહ ઠક્કરે આ રૂઢિચુસ્ત માન્યતાને તોડી નાખી છે
ઈશિતા શાહ ઠક્કર અને તેમણે બનાવેલ શુગર-ફ્રી ડિઝર્ટ્સ શુગર-ફ્રી સ્ટ્રૉબરી ચીઝ ક્રીમ, મોલ્ટન ચૉકલેટ કેક, જોઅર કૂકી ક્રીમ
આજકાલ જ્યારે બજારમાં શુગર-ફ્રીના નામે પ્રોસેસ્ડ ફૂડ શું, પ્રોટીન પાઉડર અને પ્રોટીન બારમાં પણ સાકરની ભેળસેળ થઈ રહી છે ત્યારે મુંબઈના વડાલા વિસ્તારમાં રહેતાં ૩૭ વર્ષનાં ઈશિતા શાહ ઠક્કરે સ્વાદના શોખીનો માટે ડિઝર્ટની વ્યાખ્યા બદલી નાખી છે. શું તમે ક્યારેય એવી કેકની કલ્પના કરી છે જે ડાયાબિટીઝના દરદી કે ફિટનેસપ્રેમી પણ મન ભરીને ખાઈ શકે? જોકે ઈશિતા આ કલ્પનાને હકીકત બનાવી રહી છે. તે એવાં ડિઝર્ટ્સ બનાવે છે જેમાં મેંદો, ઘઉંનો લોટ કે સાકરનો વપરાશ થતો નથી તેમ છતાં એનો સ્વાદ હાઈ-એન્ડ બેકરીને ટક્કર આપી શકે એવો છે.
ફિટનેસ-ફ્રેન્ડ્લી ડિઝર્ટ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો એ વિશે વાત કરતાં મૂળ અમદાવાદની ઈશિતા કહે છે, ‘ઍક્ચ્યુઅલી આજથી ૧૨-૧૫ વર્ષ પહેલાં મને ફિટનેસ કેમ જાળવવી એનું જ્ઞાન નહોતું અને હું કંઈ એના પર ધ્યાન પણ નહોતી આપતી. જ્યારે હું ૨૬ વર્ષની થઈ ત્યારે મારી કઝિનનાં લગ્ન લેવાયાં અને એ સમયે શૉપિંગ દરમિયાન મને આઉટફિટની સૌથી મોટી સાઇઝ ટ્રાય કરવા આપી એમાં પણ હું ફિટ ન બેસી શકી. એ સમયે મારું વજન ૯૫ કિલો હતું. આ વાત મને હિટ કરી ગઈ અને મેં લગ્ન માટે વજન ઓછું કરવા જિમ શરૂ કર્યું અને ત્રણ મહિનામાં ૨૦ કિલો વજન ઓછું કર્યું. પછી મારાં લગ્ન માટે મેં હજી ૧૭ કિલો ઓછું કર્યું. મારાં મમ્મીનું ઘર અમદાવાદમાં અને સાસરું મુંબઈમાં છે. અહીં આવીને મારું ધ્યાન ફિટનેસ પરથી હટી ગયું અને પાછી ૭૦ કિલો પર આવી ગઈ. મારા હસબન્ડ અને જેઠ મહારાષ્ટ્ર લેવલ પર ક્રિકેટ રમતા હોવાથી તેઓ પણ ફિટનેસ જાળવે જ છે અને એ બન્નેએ મારી મુલાકાત તેમના કોચ નાસિર કાઝી સાથે કરાવી. અત્યારે મારા ગ્રોથમાં તેમનો બહુ મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમની સાથે હું ઘાટકોપરમાં આવેલું એક ખાનગી જિમ અને નેરુલ જિમખાના મૅનેજ કરું છું. તેમની પાસેથી ફિટનેસ-ટ્રેઇનિંગ લીધા બાદ ન્યુટ્રિશનનો કોર્સ કરવાની ઇચ્છા હતી અને રસોઈ તો મારું પૅશન હતી જ. એટલે મને થયું કે હું એવી વાનગી બનાવું કે ફિટનેસ-ફ્રીક લોકો એનો આનંદ મન મૂકીને માણી શકે. ડિઝર્ટ એવી ચીજ છે જેને ખાવાની ઇચ્છા બધાને થાય પણ એમાં રહેલી મીઠાશ અને ગ્લુટનને લીધે ફિટનેસ જાળવતા લોકોએ એ ટાળવું પડે છે. આથી મેં શુગર-ફ્રી અને ગ્લુટન-ફ્રી ડિઝર્ટ્સ બનાવવાનું નક્કી કર્યું. ૨૦૨૧થી ૨૦૨૫નાં ચાર વર્ષમાં ઘણી ટ્રાયલ ઍન્ડ એરર કરી અને ફાઇનલી હું અત્યારે ૩૦થી ૪૦ વરાઇટીનાં ડિઝર્ટ્સ બનાવું છું. આ રેસિપીઝ ડેવલપ કર્યા બાદ મને એવું લાગ્યું કે મારે લોકો સુધી પણ આ ડિઝર્ટ્સ પહોંચાડવાં જોઈએ એટલે પૅશનને પ્રોફેશનમાં પરિવર્તિત કરીને ઑક્યુપેશનલ થેરપિસ્ટ નિધિ શાહ સાથે મળીને ફક્ત પર્સનલ કૉન્ટૅક્ટ્સના બળે મારાં ડિઝર્ટ્સ બનાવું છું. ડિઝર્ટ ખાધા બાદ લોકો બીજા બે નવા કસ્ટમર લઈને મારી પાસે આવે છે. આ પ્રોસેસ તન અને મનને ઘણો સંતોષ આપે છે.’
ADVERTISEMENT
શા માટે ફિટનેસ જરૂરી?
ફિટનેસ-ફ્રીક ઈશિતા ફિટનેસ જાળવવી શા માટે જરૂરી છે એ વિશે પોતાના કેટલાક અનુભવો શૅર કરતાં કહે છે, ‘ઓબેસિટીને કારણે સ્ત્રીઓને ઘણા પ્રૉબ્લેમ્સ આવે છે. PCOD અને PCOSની સમસ્યા અત્યારે બહુ જ કૉમન થઈ ગઈ છે, પણ આગળ જતાં એ ઘણી તકલીફ આપે છે. મેં આટલું વજન ઓછું કર્યું હોવા છતાં મને કન્સીવ કરવામાં બહુ પ્રૉબ્લેમ આવ્યો હતો. મિસકૅરેજ અને IVF ફેલ થવું ટ્રૉમેટિક ફીલ થાય. હું આ સ્થિતિમાંથી પસાર થઈ હોવાથી મને ખબર પડી કે હેલ્થ જ ખરી વેલ્થ છે. હેલ્થ સારી હશે તો જીવન સારું બનાવી શકશો. આજે હું જિમ મૅનેજ કરવાની સાથે-સાથે હેલ્ધી અને ડિલિશિયસ ડિઝર્ટ્સ બનાવીને લોકોની હેલ્થ પણ સુધારી રહી છું એનો સંતોષ થઈ રહ્યો છે.’


