પારંપરિક વાસ્તુશાસ્ત્ર રસોડાની દિશાઓ પર ભાર મૂકે છે, જ્યારે કૉન્શિયસ વાસ્તુ રસોઈ બનાવનાર વ્યક્તિની ઊર્જા રસોઈના સ્વાદ અને અભિગમ વિશે વાત કરે છે.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` (Vaastu Vibes) જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
વાસ્તુ જગતમાં, રસોડું માત્ર જમવાનું બનાવવાની જગ્યા જ નથી પણ તે એક એવી પવિત્ર જગ્યા છે જ્યાં એનર્જી તમારા આહારમાં અને પોષણમાં પરિવર્તિત થાય છે. પારંપરિક વાસ્તુશાસ્ત્ર રસોડાની દિશાઓ પર ભાર મૂકે છે, જ્યારે કૉન્શિયસ વાસ્તુ રસોઈ બનાવનાર વ્યક્તિની ઊર્જા રસોઈના સ્વાદ અને અભિગમ વિશે વાત કરે છે. રસોડું "યોગ્ય" દિશામાં છે કે કેમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, આ અભિગમ આપણને જગ્યાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ અને રસોઈ કરતી વખતે આપણને કેવું લાગે છે તે વિશેના મહત્ત્વ પર ધ્યાન આપે છે.
ADVERTISEMENT
તમે એ વાર્તા તો બધાંએ જ સાંભળી હશે કે જ્યારે મમ્મી જમવાનું બનાવે છે, ભલે બધી જ વસ્તુઓ અને તેના માપ મમ્મીના વાપરવા જેવા જ હોય પણ સ્વાદમાં તેમ છતાં કંઈક અલગ હોય છે, તેની પાછળનું કારણ છે મમ્મીએ તે વાનગી જે ભાવથી, જે લાગણીથી બનાવી તે. એને વિજ્ઞાનની કે વાસ્તુની ભાષામાં કહીએ તો એ પૉઝિટિવ એનર્જી હોય છે જે મમ્મીના મનના ભાવ તે ખોરાકમાં પોરવાય છે. આમ મનથી બનાવેલી રસોઈ હંમેશાં સ્વાદિષ્ટ બને છે અને હેલ્ધી પણ રહે છે.
એક ખૂબ જ સામાન્ય લોકવાયકા છે કે જો ખેડૂત દુઃખી મને અનાજ ઉગાવે, શાકભાજી અને મસાલામાં તેનો ખરાબ ભાવ ઉમેરાય અથવા ટ્રાન્સપોર્ટર જબરજસ્તી તે માલ વિક્રેતા સુધી લાવે અને રસોઈયા પાસે તે આવે અને ત્યારે જો કોઈનું પણ મન દુઃખી હોય તો તે ખોરાક ખાધા પછી માણસ શાંતિ અનુભવી શકે નહીં, અને તેની સામે જો આ બધું જ આનંદથી થયું હોય, ખુશીથી થયું હોય તો તમે એ ખોરાકને આનંદથી માણીને તૃપ્ત થાઓ છો. આથી જ તો ખોરાકને મન સુધીનો માર્ગ કહેવામાં આવે છે.
તમે જે પણ જમો છો તે પંચતત્વો - પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશનો સાર છે. જ્યારે આપણે આ સમજીએ છીએ ત્યારે રસોઈને જોવાનો આપણો દ્રષ્ટિકોણ હજી વધારે આદર-ભાવ ધરાવે છે. આથી જ કૉન્શિયસ વાસ્તુ શીખવે છે કે માત્ર રસોડાની ભૌતિક વસ્તુઓ જ નહીં પણ તેની સાથે જે રસોઈ બનાવે છે તેની ઉર્જા (એટલે કે તેનો ભાવ પણ એટલો જ) મહત્વની હોય છે.
• આનંદથી રસોઈ કરવાથી ખોરાકનો સ્વાદ અને ઉર્જા વધે છે
• જ્યારે રસોઈ પ્રેમથી કરવામાં આવે છે, ત્યારે તે ફક્ત શરીરને જ નહીં પણ મનને પણ પોષણ આપે છે.
• શાંત અને ફોકસ્ડ મન તમારા આહારમાં સ્પષ્ટતા અને સંતુલન લાવે છે.
• ઉત્સાહથી, મનથી રસોઈ કરવાથી આખા રસોડાની ઉર્જા વધે છે.
• પરિવારના સભ્યો સાથે રસોઈ શૅર કરવાથી ખોરાકમાં સુમેળ અને એકતા વધે છે.
રોજિંદા જીવનમાં રસોઈનું મહત્વ
ઘરમાં મદદ માટે આવતા રસોઈ કરનારને પણ આ સમજણ આપવી જોઈએ, જેથી તેમના દ્વારા બનાવવામાં આવતો ખોરાક પણ તમને આનંદ આપે, સંતોષ આપે અને તમારા જીવનમાં સ્પષ્ટતા લાવી શકે. રેસ્ટૉરન્ટ કે હોટેલમાં પણ રસોઇયા અને સ્ટાફ ખુશ હોય તો તેમના ગ્રાહકોનો અનુભવ પણ વધારે સારો રહી શકે છે, જેને કારણે તેઓ વારંવાર તમારે ત્યાં જમવા આવી શકે. હવે જ્યારે તમે બહાર જમવા જાઓ ત્યારે શેફના વખાણ કરવા માટે થોડોક સમય કાઢો, એમ કરવાથી તેમને આનંદ થશે અને તેમને વધુ સારું ભોજન બનાવવા માટે પ્રોત્સાહન મળશે.
રસોઈ એ માત્ર એક કામ નથી, પણ તે જીવનનો ઉત્સવ છે. જ્યારે આપણે મનથી રસોઈ કરીએ છીએ, ત્યારે આપણે એવા ભોજન બનાવીએ છીએ જે ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. કોન્શિયસ વાસ્તુ પ્રમાણે રસોડામાં જે ઉર્જા આવે છે તે આપણે જે સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ તેટલી જ મહત્વપૂર્ણ છે. આગળ આપણે વાત કરીશું રસોઈની એક એવી પ્રથા વિશે જે જાગૃતિ અને ગ્રેટિટ્યૂડને દર્શાવે છે. તો મળીએ આવતા સોમવારે.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com


