Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ક્યોંકિ હર એક ફ્રેન્ડ ઝરૂરી હોતા હૈ

ક્યોંકિ હર એક ફ્રેન્ડ ઝરૂરી હોતા હૈ

Published : 02 August, 2026 09:42 PM | IST | Mumbai
Darshini Vashi

પરંતુ ટાર્ગેટ, વર્ક-સ્ટ્રેસ અને કૉમ્પિટિશનની વચ્ચે પણ એવી દોસ્તી ખીલી શકે છે જે કામને વધુ એન્જૉયેબલ બનાવી દે છે અને ક્યારેક તો જૉબ બદલ્યા પછી પણ કાયમ રહે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સ્કૂલ-કૉલેજના દોસ્તો સાથે ભલે નોખું બૉન્ડિંગ હોય, પરંતુ મોટા થયા પછી જાગ્રત અવસ્થાના મોટા ભાગના કલાકો કામના સ્થળ પર વીતે છે ત્યારે ઑફિસના દોસ્તોની એક અલગ દુનિયા બની જાય છે. ભલે અહીં તમે પ્રોફેશનલ ડ્યુટી નિભાવવા માટે ભેગા થયા છો; પરંતુ ટાર્ગેટ, વર્ક-સ્ટ્રેસ અને કૉમ્પિટિશનની વચ્ચે પણ એવી દોસ્તી ખીલી શકે છે જે કામને વધુ એન્જૉયેબલ બનાવી દે છે અને ક્યારેક તો જૉબ બદલ્યા પછી પણ કાયમ રહે છે

વર્કપ્લેસ એટલે કે ઑફિસ જેની બહાર તમારા ફ્રેન્ડ ન હોય તો પણ એક વખત ચાલશે, પણ ઑફિસની અંદર તમારા ફ્રેન્ડ હોવા ખૂબ જરૂરી છે. કહેવાય છે કે એક મિત્ર દવાનું કામ કરે છે અને જ્યાં કામનું ભારણ ઘણું બધું હોય છે એ વર્કપ્લેસમાં તો આવી દવાની ખૂબ જરૂર હોય છે. ઑફિસમાં કામ કરીને થાકી ગયા હોઈએ ત્યારે કોઈ આવીને ખભા પર હાથ મૂકીને કહે કે ચાલ, ચા પીવા જઈએ ત્યારે ઘણું સારું લાગે છે. ઑફિસ-અવર્સ પૂરા થઈ ગયા પછી પણ કોઈ તમારી સાથે નીકળવાની રાહ જોતું હોય ત્યારે એકલાપણું નથી લાગતું. આવા મિત્રો ઑફિસમાં મળી જાય તો તહેવારમાં પણ ઑફિસ જવાનું મન થાય. આજે આપણે એવા જ વર્કપ્લેસ-ફ્રેન્ડની વાત કરવાના છીએ જેમની દોસ્તી સાથે કામ કરતાં-કરતાં થઈ હતી અને જેને લીધે તેઓ આજે ગાઢ મિત્રો બની ગયા છે.



ઑફિસમાં અમારી ત્રણ જણની ટીમ બની ગઈ છે


કાંદિવલીમાં રહેતી અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં કામ કરતી મનસ્વી દેસાઈ કહે છે, ‘તમે નવી જૉબ જૉઇન કરો ત્યારે તમારા મગજમાં સૌથી પહેલાં એ વાત આવે કે ત્યાંનો સ્ટાફ કેવો હશે? મને સહકાર આપશે કે નહીં? સિનિયર લોકો સાથે કેવી રીતે મિક્સ થઈ શકીશ? મારી સાથે પણ એવું જ થયું. મેં દોઢ વર્ષ પહેલાં નવી જૉબ જૉઇન કરી ત્યારે મને ખબર નહોતી કે અહીં કામ કરતા બે લોકો જનક અને મનોજ સાથે મારી ગાઢ દોસ્તી થઈ જશે અને અમે ૩ જણ પાક્કા ફ્રેન્ડ્સ બની જઈશું. હવે અમારી દોસ્તી એટલી ગાઢ છે કે આજે મારી ફૅમિલી અને તેમની ફૅમિલી એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખે છે. અમે એકબીજાના ઘરે પણ હકથી જઈને જે ખાવું હોય એ લઈ શકીએ છીએ. ત્યાં સુધી કે અમારાં ત્રણેનાં લગ્ન પણ એક જ વર્ષે થયાં હતાં. ઑફિસમાં પણ સાથે જવાનું અને સાથે નીકળવાનું. જમવા પણ સાથે જ જઈએ. સાંજે ૬ વાગે એટલે અમે એકબીજાને ઇશારો કરીને કહી દઈએ કે હવે નીકળીએ. અમારા મૅનેજર પણ કહેતા હોય છે કે આ ત્રણની ટીમને કોઈ તોડી શકે એમ નથી. અમારી એજ અલગ-અલગ છે. તેઓ થર્ટી-પ્લસ છે અને હું જેન-ઝી. અમારા વિચારો અલગ-અલગ હોવા છતાં અમારી વચ્ચે દોસ્તી છે. તેઓ સિનિયર છે એટલે મને કામ કરવામાં પણ ઘણી મદદ કરે છે. મને ક્યાંક કંઈ ખબર પડતી ન હોય તો તેઓ આવીને મને સમજાવે છે અને ઑફિસના પૉલિટિક્સથી બચવામાં મદદ કરે છે.’


વર્કપ્લેસ પર મહિલા મિત્ર હોય તો તહેવારમાં મજા આવે

મહિલા-સ્ટાફ હોય તો તમને તહેવારોમાં ખાલીપો ન લાગે એમ જણાવતાં અંધેરીમાં રહેતી બિનલ સોલંકી કહે છે, ‘CAની એક્ઝામ ક્લિયર કર્યા બાદ મેં મૅન્યુફૅક્ચરિંગ કંપનીમાં કામ શરૂ કર્યું હતું. એ સમયે વિભૂતિએ પણ CA પૂરું કરીને મારી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આમ અમારી વચ્ચે દોસ્તી શરૂ થઈ હતી. અમે બન્ને એક જ કૉલેજમાં હતાં, પરંતુ ક્યારેય વાત કરવાનો ચાન્સ મળ્યો નહોતો, પણ નોકરી કરતાં-કરતાં દોસ્તી થઈ ગઈ. ઑફિસમાં જેન્ટ્સ સ્ટાફ વધારે હતો એટલે સાથે લેડીઝ હોય તો સારું લાગે. તે સાથે હતી ત્યારે અમે તહેવારમાં સરસ તૈયાર થઈને આવતાં. નવરાત્રિમાં અમે દિવસ પ્રમાણે કલરવાળાં કપડાં પહેરીને આવતાં. તમને લેડીઝની કંપની મળે તો આવા તહેવારોમાં મજા પણ આવે. અમે કામ તો સાથે થોડાં વર્ષ જ કર્યું હતું, પરંતુ દોસ્તી એવી થઈ ગઈ હતી જાણે બાળપણથી મિત્રો હોઈએ. આજે ભલે અમે પર્સનલ કૉન્ટૅક્ટમાં એટલાં બધાં નથી; પણ બર્થ-ડે, લગ્ન કે કોઈ પ્રસંગ હોય ત્યારે અમારું મળવાનું થાય જ. અમે રોજ એકબીજાને એક મેસેજ તો કરી જ લઈએ છીએ. હું હજી ઑફિસમાં કામ કરું છું, પણ આજેય મને યાદ આવે તો હું તરત તેને ફોન કરી લઉં છું.’

ફ્રેન્ડ ન આવ્યા હોય તો ઑફિસ જવાનું મન નથી થતું

હવે એવું થઈ ગયું છે કે ઑફિસના ફ્રેન્ડ્સ વર્ક ફ્રૉમ હોમ કરવાના હોય તો હું પણ ઑફિસમાં જવાનું માંડી વાળું છું અને વર્ક ફ્રૉમ હોમ કરવાનું પસંદ કરું છું એમ જણાવીને મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતો લક્ષિત પરમાર કહે છે, ‘ઑફિસમાં કામ કરવાનું વધારે ગમે જ્યારે ઑફિસ-ફ્રેન્ડ પણ હાજર હોય. હું, મારો ફ્રેન્ડ ધવલ અને મિતુલ છેલ્લાં ૧૦ વર્ષથી સાથે કામ કરીએ છીએ. પહેલાં અમે એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા એટલે અમારી વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી. પછી અમે અલગ-અલગ ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા છતાં અમારી ફ્રેન્ડશિપ એવી જ છે. ચા પીવા જવું હોય કે નાસ્તો કરવા અમે સાથે જ જઈએ. ઑફિસનો કોઈ ઇશ્યુ હોય કે પછી પર્સનલ ઇશ્યુ, અમે એકબીજા સાથે દરેક વાત શૅર કરીએ છીએ અને એમાંથી અમને કોઈ રસ્તો પણ મળી જાય છે. ઑફિસની ઇવેન્ટ હોય કે સ્પોર્ટ્સ, અમારા ત્રણમાંથી એક જણ પણ જો એમાં ભાગ ન લે તો બાકીના પણ માંડી વાળે છે. એવી જ રીતે અમારા ત્રણમાંથી એકાદ જણ પણ જો રજા પર હોય તો બાકી મિત્રોને ઑફિસમાં કંટાળો આવે છે. હવે અમારી દોસ્તી ઑફિસ સુધી સીમિત નથી રહી. અમે બહાર ફરવા પણ સાથે જઈએ છીએ. ઘણી વખત વીક-એન્ડમાં પણ બહાર નીકળી પડીએ છીએ.’

મૅટરનિટી વખતે ઑફિસ-ફ્રેન્ડ જ કામ આવી

બોરીવલીમાં રહેતી અને સિક્યૉરિટી કંપનીમાં કામ કરી ચૂકેલી કાજલ વીસરિયા કહે છે, ‘ઑફિસ મેં એક ફ્રેન્ડ કા હોના ઝરૂરી હોતા હે. આ વાતનો અહેસાસ મને ત્યારે થયો જ્યારે મારી ફ્રેન્ડ મૅટરનિટી લીવ પર હતી. તે રજા પર હતી ત્યારે મેં તેનું કામ સંભાળી લીધું હતું. તે પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ હું તેનું ખૂબ ધ્યાન રાખતી હતી. તે હંમેશાં મને કહેતી કે કાજલ, તું છે તો મને નિરાંત લાગે છે. નોકરીની શરૂઆતના દિવસોની વાત કરું તો હું અને ભૈરવી અંધેરીમાં રહેતાં હતાં અને એક જ ટ્રેનમાં લોઅર પરેલ જતાં હતાં, પરંતુ ક્યારેય એકબીજા સાથે વાત કરતાં નહોતાં. પછી ધીરે-ધીરે અમે એકબીજા સાથે વાત કરવા લાગ્યાં અને પછી ક્યારે ખાસ ફ્રેન્ડ્સ બની ગયાં એ ખબર પણ ન પડી. અમારી વચ્ચે સારુંએવું બૉન્ડિંગ થઈ ગયું હતું. જોકે આજે અમે સાથે કામ નથી કરતાં. મને દીકરી આવી એ પછી મેં નોકરી મૂકી દીધી હતી. આજે એ વાતને પણ ૧૦ વર્ષ થઈ ગયાં હોવા છતાં આજે પણ અમે એટલા જ ખાસ ફ્રેન્ડ્સ છીએ. રોજ અમે કૉન્ટૅક્ટમાં રહીએ છીએ અને પેટછૂટી વાતો પણ કરીએ છીએ. એવો એક પણ દિવસ નથી હોતો જ્યારે અમે વાત કરી ન હોય. આજે પણ તે ઑફિસમાં હોય અને કામના પ્રેશરમાં હોય તો મને ફોન કરીને મન હળવું કરી લે છે. અમારી વર્ક-ફ્રેન્ડશિપને ૨૧ વર્ષ થઈ ગયાં છે.’

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 09:42 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK