CJP Founder Abhijeet Dipke: સુરતના માહિતી અધિકાર (RTI) એક્ટિવિસ્ટ અમિત તિવારીએ અભિજિત દીપકેના પિતાની ફાયનાન્શિયલ કન્ડિશન અને કાનૂની બચાવ માટે મળેલા લાખો રૂપિયાના ફંડિંગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
અભિજિત દીપકેની ફાઇલ તસવીર
જંતરમંતર પર નીટ પરીક્ષા લીક કેસમાં ઝેન-ઝી સાથે વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવેલ ક્રૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે (CJP Founder Abhijeet Dipke)ને માથે નવી મુશ્કેલી આવી હોય તેવા સમાચાર મળી રહ્યા છે. આમ તો આ વિરોધ પ્રદર્શન થયું ત્યારથી અભિજિત દીપકેને વિદેશમાંથી ફંડિંગ મળતું હોવાની વાતોએ વેગ પકડ્યો હતો. હવે અહેવાલો મળી રહ્યા છે કે સુરતના માહિતી અધિકાર (RTI) એક્ટિવિસ્ટ અમિત તિવારીએ અભિજિત દીપકેના પિતાની ફાયનાન્શિયલ કન્ડિશન અને કાનૂની બચાવ માટે મળેલા લાખો રૂપિયાના ફંડિંગ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અને તેમણે આ મામલે ઇલેક્શન કમિશન અને સેન્ટ્રલ જીએસટી સમક્ષ તપાસ કરવાને માટે પત્ર લખીને માગણી કરી છે.
અભિજિતના પિતાની ફાયનાન્શિયલ કન્ડિશન તપાસવાની માગ
ADVERTISEMENT
અભિજિત (CJP Founder Abhijeet Dipke)ના પિતા ભગવાનરાવ દીપકે મહારાષ્ટ્ર સરકારના સેવાનિવૃત્ત કર્મચારી છે. RTI એક્ટિવિસ્ટ અમિત તિવારીએ ભગવાનરાવ દીપકેની સંપત્તિ અને નાણાકીય સ્ત્રોતોની ઊંડાણથી તપાસ થવી જોઈએ તેવી માગ કરી છે. અમિત તિવારી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક સામાન્ય સરકારી સેવાનિવૃત્ત કર્મચારી પોતાના પુત્રને હાયર એજ્યુકેશન માટે ફોરૅન ભણવા મોકલવાનો ખર્ચ કઈ રીતે ઉઠાવી શકે? આ સાથે જ તેમણે અભિજિત (CJP Founder Abhijeet Dipke)ને જંતરમંતર પરના વિરોધ-પ્રદર્શન માટે વિદેશથી ફંડિંગ મળ્યું હોવાની શંકા વ્યક્ત કરી છે. તેટલું જ નહીં તેમણે તો CJPના સંગઠનાત્મક માળખા અને તેને મળેલા ફંડિંગ અંગે પણ ચૂંટણીપંચનું ધ્યાન દોર્યું છે. CJP એક અન-રજિસ્ટર્ડ સંગઠન હોવા છતાં રાજકીય પક્ષ તરીકે કામ કરી રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. CJP લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ રજિસ્ટર્ડ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવાની માગ ઇલેક્શન કમિશન પાસે કરી છે.
કપિલ સિબ્બલે નીટ પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા CJP આંદોલનકારીઓની કાનૂની મદદ માટે ₹1 કરોડનું ફંડ આપવાની જાહેરાત કરી હતી. જો સંગઠન રજિસ્ટર્ડ ન હોય, તો આટલી મોટી રકમનું ફંડિંગ કાયદાકીય રીતે કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ સવાલો કરવામાં આવ્યા છે.
અભિજિતની હેલ્થ પર અસર
બીજી બાજુએ અભિજિત દીપકે (CJP Founder Abhijeet Dipke) ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તાજેતરમાં તેણે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપ તરફથી તેને પક્ષમાં જોડાવા માટે મોટી ઓફર આપવામાં આવી હતી. જોકે, આ તમામ લીગલ અને રાજકીય વિવાદો વચ્ચે અભિજિતની હેલ્થ પર પણ અસર પડી હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ તે પોતાને વતન છત્રપતિ સંભાજીનગરમાં આવ્યો છે. શનિવારે ડોક્ટર્સની ટીમે તેનું હેલ્થ-ચેકપ કર્યું હતું. ભારે માનસિક તણાવ અને ગભરાટના કારણે અભિજિતને ચક્કર તેમ જ ઝાડા-ઊલટીની તેમ જ લૉ બ્લડ-પ્રેશરની તકલીફ થઇ રહી છે. આ અગાઉ પણ વિરોધ પ્રદર્શન દરમિયાન પણ તેને ટાઈફોઈડ થયો હતો.
