આજે બીજી ઑક્ટોબર. આ લખતાં-લખતાં હરીન્દ્ર દવેનું કાવ્ય ‘આજે બાપુનો જન્મદિન’ યાદ આવી ગયું. ગાંધીની કક્ષાના એક રાષ્ટ્રનેતાનો જન્મદિવસ દેશવાસીઓ માટે કેવી રીતે માત્ર એક ‘રજા’ બનીને રહી ગયો છે એનું વ્યંગ્યાત્મક ચિત્રણ કરતું એ ગદ્યકાવ્ય છે.
કોઈ પણ વિભૂતિને દરેક પેઢી પોતપોતાના માપદંડથી મૂલવે છે
આજે બીજી ઑક્ટોબર. આ લખતાં-લખતાં હરીન્દ્ર દવેનું કાવ્ય ‘આજે બાપુનો જન્મદિન’ યાદ આવી ગયું. ગાંધીની કક્ષાના એક રાષ્ટ્રનેતાનો જન્મદિવસ દેશવાસીઓ માટે કેવી રીતે માત્ર એક ‘રજા’ બનીને રહી ગયો છે એનું વ્યંગ્યાત્મક ચિત્રણ કરતું એ ગદ્યકાવ્ય છે. એંશીના દાયકાના આરંભમાં લખાયેલું એ ગીત છે. આજથી લગભગ સાડાચાર દાયકા પહેલાંનું. કવિ નિખાલસતાથી કબૂલે છે કે જ્યારથી સરકારે બાપુના જન્મદિવસની રજા જાહેર કરી છે ત્યારથી બાપુનો જન્મદિન ભુલાતો નથી અને પછી જન્મદિન નિમિત્તે બાપુને કઈ-કઈ રીતે યાદ કરીશું કે અંજલિ આપીશું વગેરેની યોજના ઘડે છે અને વિખેરે છે.
ગીતાના થોડા શ્લોક વાંચવા વિચારે છે, પણ યાદ આવે છે કે રજા છે અને પિક્ચર જોવા જવાનો કાર્યક્રમ બન્યો છે તો સમય જ ક્યાંથી મળશે ગીતાવાંચનનો. બાપુની સ્મૃતિમાં ઉપવાસ કરવાનું વિચારે છે, પણ એય કૅન્સલ, કેમ કે એમ જીવ દુભાવવાનું બાપુને ક્યાં ગમતું’તું. પ્રાર્થના? પણ શબ્દો યાદ નથી. ત્યાંય બાપુનો હવાલો આપીને છટકી જાય છે : બાપુ તો સદાય કહેતા કે હૃદય પ્રાર્થતું હોય તો એ સાચી પ્રાર્થના છે. આમ છેવટે બધા વિકલ્પો પડતાં મૂકીને રેડિયોગ્રામ પર નવી રેકૉર્ડ ચડાવી મોજથી પોતાનું પ્રિય ગીત સાંભળતાં-સાંભળતાં બાપુનો જન્મદિવસ ઊજવી લે છે. દિવસ કેટલો જલદી પૂરો થઈ ગયો એનો ખ્યાલ જ નથી રહેતો.
એ કાવ્ય યાદ કરતાં-કરતાં મનોમન વિચારતી હતી કે જમાનો બદલાય છે પણ માનવપ્રકૃતિ અને વૃત્તિમાં કેટલું સાતત્ય છે. બાપુને પોતાની સગવડ મુજબ યાદ કરવાનો સિલસિલો આજે પણ ચાલુ જ તો છે. દરેક પ્રકારના વિરોધને બાપુના સત્યાગ્રહ સાથે અને આંદોલનને બાપુની અસહકારની ચળવળ સાથે સરખાવવામાં આવે છે. ગાંધીજીની વિચારધારા સાથે સહમત હતા એ કે અસહમત હતા એ, પણ ગાંધીના નામનો ઉપયોગ(?) કરવાનું ભાગ્યે જ ચૂકે છે.
આ વર્ષે NEET અને અન્ય પરીક્ષાઓનાં પેપર-લીક થવાના મુદ્દે જૂન-જુલાઈમાં વિદ્યાર્થીજગતમાં ખાસ્સો ખળભળાટ મચ્યો. કેટલાક વિદ્યાર્થીઓએ હતાશામાં આત્મહત્યા જેવું આઘાતજનક પગલું ભરીને જિંદગી ગુમાવી. આ બધાને પગલે વિદ્યાર્થીઓએ જંતર મંતરમાં વિરાટ વિરોધ-પ્રદર્શન કર્યું અને સરકાર સમક્ષ શિક્ષણપ્રધાનના રાજીનામાની માગણી સહિત શિક્ષણ અને પરીક્ષાપદ્ધતિમાં સુધારા કરવાની માગણી રજૂ કરી. આખરે સરકારે તેમની માગણી સ્વીકારી અને વિરોધ-આંદોલન પાછું ખેંચાયું. આ ઘટનાને કેટલાક લોકોએ ગાંધીચીંધ્યા માર્ગની ચળવળ કહી છે, પરંતુ દિવસો સુધી આ આંદોલનકારીઓના પ્રદર્શનને જેમણે જોયું હશે તેમને ખબર હશે કે એમાં કેટલી હિંસા, અસહિષ્ણુતા અને અભદ્રતાનાં દર્શન થતાં હતાં. હકીકતમાં એ વિદ્યાર્થીઓ કરતાં કૉક્રૉચ જનતા પાર્ટી અને બીજા રાજકીય પક્ષોનું આંદોલન વધુ લાગતું હતું. વિપક્ષી નેતાઓ માટે તો વિદ્યાર્થીઓની સમસ્યા જાણે અચાનક હાથમાં આવી ગયેલો મોકો બની ગઈ.
એ સમગ્ર મામલામાં વિદ્યાર્થીઓના પ્રશ્નો રાષ્ટ્રીય મંચ પર આવ્યા અને દેશના યુવા વર્ગનો અવાજ સત્તાસ્થાને બેઠેલાઓને સંભળાયો એ વાત આવકાર્ય હતી, પરંતુ વિદ્યાર્થીઓની આ લડતને તન-મન-ધનથી ટેકો આપનારા વિદ્યાર્થીજગતના જંતર મંતરિયા હિતૈષીઓ લગભગ એ જ અરસામાં ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ અને સરકારી નિમણૂકોમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝારખંડમાં આંદોલન કરતા વિદ્યાર્થીઓના સમર્થનમાં કેમ ન ઊતરી આવ્યા? તેમને સાથ આપવાથી કેમ દૂર રહ્યા? તેઓ પણ વિદ્યાર્થીઓ જ હતા, તેમની માગણી પણ યોગ્ય જ હતી; પરંતુ કૉક્રૉચ જનતા પાર્ટી, કૉન્ગ્રેસ કે અન્ય રાજકીય પક્ષોના નેતાઓનો અવાજ તેમના સમર્થનમાં કેમ બુલંદ ન થયો? જંતર મંતરમાં જમા થયેલા વિદ્યાર્થીઓ અને ઝારખંડના વિદ્યાર્થીઓ પ્રત્યેના એ કહેવાતા વિદ્યાર્થીપ્રેમીઓના અભિગમમાં ઘણું અંતર હતું. શા માટે? સૌ સમજે છે. કેટલાક સમીક્ષકોએ તો જંતર મંતર વિરોધ-પ્રદર્શક આંદોલનકારીઓને ગાંધીજીએ ચીંધેલા માર્ગ પર ચાલનારા મહાન ક્રાન્તિકારી ગણાવ્યા. તેમણે લખ્યું, ‘દેખાવકારો સંસદ પર શાંત મોરચો લઈ જતા હતા ત્યારે પોલીસોએ તેમને બળપૂર્વક અટકાવ્યા; પણ પ્રદર્શનકારીઓએ તો પોલીસોના આક્રોશ સામે સંયમ વર્ત્યો, અનુકંપા દર્શાવી; તેમણે પોલીસોને મેલડી ચૉકલેટ આપી. શું કહેવું આ ‘સમીક્ષકો’ને? નો કમેન્ટ્સ. ગાંધીને પોતપોતાની રીતે ઉપયોગમાં લેવાની વૃત્તિનું સાતત્ય, બીજું શું?
ખેર, એક બાજુ આપણે ત્યાં ગાંધીજીના નામને આ રીતે જણસ સમજીને વાપરતો વર્ગ છે તો બીજી બાજુ દુનિયાભરના વિદ્વાનો અને અગ્રણીઓએ સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ભારતને બ્રિટિશ શાસનની જંજીરોમાંથી મુક્તિ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગાંધીજીની કદર દિલથી કરી છે. વિખ્યાત વૈજ્ઞાનિક આઇનસ્ટાઇને ૧૯૩૯માં ગાંધીજી વિશે કહેલું કે ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે આના જેવો હાડમાંસનો બનેલો માણસ ખરેખર ક્યારેક આ પૃથ્વી પર ચાલ્યો હતો.’ આ તો ખૂબ જ જાણીતું છે, પરંતુ આજેય દેશ અને દુનિયાના અનેક કર્મશીલો ગાંધીજી માટે ઊંડો આદર ધરાવે છે અને ગાંધીચીંધ્યા માર્ગે જીવે છે.
અને છેલ્લે...
આપણે ત્યાંનો એક ત્રીજો વર્ગ જે ગાંધીનું નામ સાંભળતાં જ ઊકળી ઊઠે છે. ગાંધીના અહિંસાના ખ્યાલો અને કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવાની વાત સાથે તેઓ અને બીજા ઘણા લોકો સહમત નથી. ગાંધીજીનું સૌ પ્રત્યે સમાનતા અને સમભાવનું વલણ, ખાસ કરીને મુસલમાનો પ્રત્યેની ગાંધીજીની ઉદારતા તેમની નારાજગીનું કારણ છે. ભારતના ભાગલા માટે તેઓ ગાંધીજીને જવાબદાર માને છે, પરંતુ દેશના વિભાજને ગાંધીજીને કેટલી અસહ્ય પીડા આપી હતી એનો ખ્યાલ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ તથા ગાંધીજી વિશેના દેશ-વિદેશના વિદ્વાન લેખકોનાં અને રાજકીય સમીક્ષકોનાં લખાણોમાંથી પસાર થનારને મળ્યા વિના રહેતો નથી. બાકી દુનિયામાં કોઈ પણ મહાન વિભૂતિ કે નેતાના વિચારો કે નિર્ણયોને દરેક પેઢી પોતપોતાના માપદંડથી મૂલવવા મુક્ત છે અને રહેશે એ સત્ય સ્વીકારવું જ પડે.
