Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈનું એ મંદિર જ્યાં ઠંડા લાવાનો ખડક પૂજાય છે

મુંબઈનું એ મંદિર જ્યાં ઠંડા લાવાનો ખડક પૂજાય છે

Published : 10 January, 2026 10:07 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ભાયખલામાં આવેલા શ્રી ઘોડપદેવ મંદિરમાં સ્થાનિક લોકો આ ખડકોને ઘોડપદેવ રૂપે પૂજે છે. ઘોડપદેવ એટલે ઘોડા પર બેસેલા દેવ. એમના નામ પરથી જ વિસ્તારનું નામ પણ ઘોડપદેવ પડ્યું છે

ઠંડા લાવાના ખડકમાંથી બનેલા ઘોડપદેવ

ઠંડા લાવાના ખડકમાંથી બનેલા ઘોડપદેવ


ઇતિહાસ, આસ્થા, ભૂ-વિજ્ઞાન અને સાંસ્કૃતિક વારસાનો અનોખો સંગમ એટલે ભાયખલાના ઘોડપદેવ વિસ્તારમાં આવેલું એક નાનું, પણ ઐતિહાસિક શ્રી ઘોડપદેવ મંદિર. આ મંદિરની ખાસિયત એ છે કે અહીં પૂજવામાં આવતી શિલા ઠંડા લાવાનો ખડક હોવાનું માનવામાં આવે છે. એટલે આ મંદિરનું ધાર્મિક મહત્ત્વ તો છે જ અને ભૂવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આ મંદિર અનોખું છે. 
ઘોડપદેવનું મહત્ત્વ
આપણને બધાને ખબર છે કે મુંબઈ સાત આઇલૅન્ડનો સમૂહ છે. આ આઇલૅન્ડ પહેલાં અલગ- અલગ જમીનના ટુકડા હતા. પછીથી લૅન્ડ રેક્લેમેશનના માધ્યમથી બધાને એકબીજા સાથે જોડવામાં આવ્યા અને આજનું મુંબઈ બન્યું. જમીન તો જોડાઈ ગઈ, પણ દરેક આઇલૅન્ડની પોતાની એક આધ્યાત્મિક ઓળખ હજી પણ જીવતી છે. મુંબઈના આ સાત હિસ્ટોરિકલ આઇલૅન્ડ એટલે બૉમ્બે આઇલૅન્ડ, કોલાબા, માઝગાવ, પરેલ, વરલી, માહિમ, ઓલ્ડ વિમેન્સ આઇલૅન્ડ/ લિટલ કોલાબા. દરેક આઇલૅન્ડના એક પોતાના સ્થાનિક ગામદેવતા હતા. સાત આઇલૅન્ડનાં આરાધ્ય પાંચ દેવીઓ અને બે દેવતા છે. એમાં મુમ્બાદેવી, કાલબાદેવી, ગામદેવી, શિતળાદેવી, પ્રભાદેવી આ પાંચ દેવીઓ અને તાડદેવ, ઘોડપદેવ આ બે દેવતાઓનો સમાવેશ છે. 
મંદિર વિશે 
આ મંદિરનો ઇતિહાસ કોઈ ઐતિહાસિક દસ્તાવેજો સાથે નહીં પણ લોકપરંપરા સાથે જોડાયેલો છે. આ વિશે માહિતી આપતાં મંદિરનું સંચાલન કરતા બોરકર કુટુંબના અમેય બોરકર કહે છે, ‘ઘણાં વર્ષો પહેલાં અમારા પૂર્વજ અંબાજી બોરકરને એક સપનું આવેલું. સ્વપ્નમાં તેમને દેખાતું કે ઘોડા પર સવાર કોઈ તેજસ્વી પુરુષ આ જગ્યા પર આવીને ગાયબ થઈ જાય છે. શોધ કરતાં એ જગ્યા પરથી પથ્થર મળ્યો, જેને ઘોડપદેવ તરીકે માન્યતા મળી.’
ઘોડપદેવ શબ્દનો અર્થ ઘોડા પર બેસેલા દેવ એવો થાય છે. ઘોડપદેવ ભગવાન શિવનું એક રૂપ છે. એ સમયે આ વિસ્તાર સમુદ્રથી ખૂબ નજીક હતો. એટલો નજીક કે હાઈ ટાઇડમાં પાણી મંદિર પરિસર સુધી પહોંચી જતું હતું. લૅન્ડ રેક્લેમેશન બાદ સમુદ્ર દૂર થઈ ગયો. ઘોડપદેવ મંદિર કોઈ ટ્રસ્ટ કે સરકાર દ્વારા સંચાલિત નથી. એને બોરકર પરિવાર દ્વારા ચલાવવામાં આવે છે. મંદિરની પૂજાવિધિ, ઉત્સવ, દૈનિક વ્યવસ્થા બધું જ પારિવારિક પરંપરા મુજબ ચાલે છે. અહીં દર વર્ષે પોષ મહિનાની પૂર્ણિમાએ શ્રી ઘોડપદેવનો દીપોત્સવ થાય છે જે આ વર્ષે હજી બીજી જાન્યુઆરીએ જ થયો હતો. એ દિવસે મંદિરને શણગારવામાં આવે. સવારે ભગવાનનો અભિષેક થાય, પૂજા થાય. સાંજના સમયે મંદિરની બહાર જે દીપસ્થંભ છે એની પૂજા થાય. દીપસ્તંભ પર દીવડાઓ પ્રગટાવવામાં આવે. મોડી રાત સુધી અહીં દર્શનાર્થીઓની ભીડ હોય છે. આ મંદિર ખાનગી માલિકીનું હોવા છતાં સામાન્ય જનતા માટે ખુલ્લું હોય છે. આ સાતમી પેઢી છે જે મંદિરને સંભાળી રહી છે. શ્રી ઘોડપદેવ મંદિર ભવ્ય કહેવાય એવું નથી પણ સાધારણ અને પારંપરિક છે. મંદિરમાં શિલારૂપે બિરાજમાન ઘોડપદેવ છે જેના પર સિંદૂરનો લેપ છે. મંદિરની અંદર ગણપતિ બાપ્પા, શિવલિંગ બિરાજમાન છે; જ્યારે મંદિરના પ્રાંગણમાં મહિષાસુરમર્દિની, હનુમાનદાદા અને શિતળાદેવીની મૂર્તિ છે. સાથે જ એક તુલસી ક્યારો પણ છે. 
લાવા આવ્યો ક્યાંથી?
કરોડો વર્ષ પહેલાં ભારત આજે જ્યાં છે ત્યાં નહોતું. એ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સ્થિત હતું અને મૅડાગાસ્કર સાથે જોડાયેલું હતું. જ્યારે ભારતીય ટેક્ટોનિક પ્લેટ ઉત્તરની તરફ (એશિયાની તરફ) ખસકી રહી હતી ત્યારે હિન્દ મહાસાગરમાં એક હૉટસ્પૉટ ઉપરથી પસાર થઈ. હૉટસ્પૉટ પૃથ્વીની સપાટી નીચે એક એવી જગ્યા હોય છે જ્યાં મૅગ્મા (પીગળેલો લાવા) બહુ ગરમ હોય છે અને ભારે દબાવ સાથે ઉપરની તરફ ધક્કો આપે છે. આપણે એને જમીનની નીચે સ્થાપિત એક કુદરતી ભઠ્ઠીની જેમ સમજી શકીએ છીએ. જ્યારે ભારતીય પ્લેટ આ રીયુનિયન હૉટસ્પૉટ પર આવી (લગભગ ૬.૬ કરોડ વર્ષ પહેલાં) ત્યારે ધરતીની અંદર ભેગું થયેલું ભયંકર દબાણ અચાનક ફાટી નીકળ્યું. લાવા જમીનની લાંબી તિરાડોમાંથી બહાર વહેવા લાગ્યો. એ એટલો વિશાળ હતો કે એણે પશ્ચિમી અને મધ્ય ભારતના લગભગ પાંચ લાખ વર્ગ કિલોમીટર ક્ષેત્રને ઢાંકી દીધો. આ ઘટનાને આપણે ડેક્કન ટ્રૅપ્સ કહીએ છીએ. જ્યારે લાવા ઠંડો પડ્યો ત્યારે કઠણ પથ્થર બની ગયો, જેને બેસાલ્ટ કહેવાય છે. મુંબઈ શહેર જે જમીન પર ઊભું છે એ હકીકતમાં આ જ લાવાના ઊંડા થર છે. જ્યારે ભારતની ટેક્ટોનિક પ્લેટ મૅડાગાસ્કરથી અલગ થઈ રહી હતી ત્યારે પશ્ચિમ કિનારા પર ભારે ખેંચાણ પેદા થયું. આ ખેંચાણને કારણે બેસાલ્ટના વિશાળ ખડકોમાં તિરાડો પડી, જમીનના કેટલાક ભાગો નીચે બેસી ગયા અને કેટલાક ભાગો સમુદ્રમાં ધસી ગયા. જ્યારે જમીનનો મોટો વિસ્તાર સમુદ્રમાં ડૂબી ગયો ત્યારે જે ભાગો ઊંચા હતા એ પાણીની સપાટી ઉપર રહી ગયા. આ રીતે પાણીની ઉપર બચેલા બેસાલ્ટના ઊંચા ભાગો જ પછી ટાપુઓ તરીકે ઓળખાયા. મુંબઈના સાત ટાપુઓ હકીકતમાં આ જ બેસાલ્ટ ખડકોના બચેલા અંશો છે. 
ઘોડપદેવ વિસ્તાર વિશે
ઘોડપદેવ વિસ્તાર માઝગાવ ટાપુનો ભાગ હતો. શરૂઆતમાં ઘોડપદેવ વિસ્તાર દરિયાઈ ખાડીઓ અને કાદવવાળી જમીનથી ઘેરાયેલો હતો. જ્યારે બ્રિટિશરોએ સાતેય ટાપુઓને જોડવાનું કામ શરૂ કર્યું ત્યારે માઝગાવ અને રેલ વચ્ચેના નીચાણવાળા ભાગોને પૂરી દેવામાં આવ્યા. આ પ્રક્રિયામાં ઘોડપદેવ એક સળંગ જમીનનો ભાગ બની ગયો. ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં ઘોડપદેવ મુંબઈના ટેક્સટાઇલ હબ તરીકે ઊભરી આવ્યો. અહીં ઘણી મોટી કાપડની મિલો અને લોખંડનાં કારખાનાંઓ સ્થપાયાં. એને કારણે લોકો કામની શોધમાં અહીં આવીને વસવા લાગ્યા. મિલ-કામદારોના રહેવા માટે ઘોડપદેવમાં મોટી સંખ્યામાં ચાલીઓ બનાવવામાં આવી. ૧૯૮૦ના દાયકા પછી મિલો બંધ થવા લાગી અને ઘોડપદેવનો ચહેરો બદલાયો. જૂની ચાલીઓ અને મિલોની જગ્યાએ હવે મોટા ટાવરો બની ગયા છે. એમ છતાં કેટલીક જૂની ગલીઓમાં હજી પણ મુંબઈની એ જૂની ઔદ્યોગિક વસાહતની ઝલક જોવા મળે છે.  
મુંબઈની ઊંચી ઇમારતો વચ્ચે આ એક એવું મંદિર છે જ્યાં હાથેથી બનાવેલી મૂર્તિ નહીં પણ કુદરત પોતે દેવ બનીને પૂજાય છે, જ્યાં આસ્થા અને ભૂ-વિજ્ઞાન એકબીજાને સ્પર્શે છે. ઘોડપદેવ કોઈ શાસ્ત્રીય પુરાણોમાં વર્ણવાયેલા દેવતા નથી પરંતુ મુંબઈના પ્રાચીન ટાપુઓની લોકપરંપરામાંથી ઊપજેલા દેવતા છે. આજે જ્યારે મુંબઈ ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે ઘોડપદેવ મંદિર શહેરની ભુલાઈ રહેલી સ્મૃતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. 
ઇતિહાસ સાથે કનેક્શન
અમેય બોરકરનું કહેવું છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પણ આ મંદિરમાં આવી ચૂક્યા છે. તે કહે છે, ‘અમારા પૂર્વજ પાંડુરંગ લક્ષ્મણ બોરકરના ભાઈ કેશવ લક્ષ્મણ બોરકર ફ્રીડમ ફાઇટર હતા. તેમના સમયમાં ફ્રીડમ-ફાઇટરોની જે બેઠકો થતી એમાં કેટલીક બેઠકો આ મંદિરમાં પણ થઈ છે. મંદિરમાં બેઠક કરે તો કોઈને વધારે શક ન જાય. બેઠકમાં ગુપ્ત રીતે ત્યાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પણ આવેલા. આનું અમારી પાસે કોઈ લેખિતમાં પ્રૂફ નથી, પણ અમે અમારા પૂર્વજોના મોઢેથી આમ સાંભળ્યું છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2026 10:07 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK