આપણે આપણી જાતને સલાહ લેનાર કરતાં વધુ હોશિયાર, કાબેલ અને જ્ઞાની ફીલ કરીએ છીએ. આનાથી વધુ માણસને જોઈએ શું? આ કામ તો ગરીબ માણસને પણ ગમે એવું છે.
પ્રતીકાત્મક તસવીર
કોઈને પણ સલાહ આપવાનું આપણને કેમ ગમતું હોય છે? સાવ સાદો અને સામાન્ય સવાલ છે અને એનો સાવ સીધો-સરળ જવાબ એ છે કે સલાહ આપવાનું કામ સૌથી સિમ્પલ છે અને સલાહ આપવામાં આપણા અહંકારને અઢળક સંતોષ મળે છે. આપણે આપણી જાતને સલાહ લેનાર કરતાં વધુ હોશિયાર, કાબેલ અને જ્ઞાની ફીલ કરીએ છીએ. આનાથી વધુ માણસને જોઈએ શું? આ કામ તો ગરીબ માણસને પણ ગમે એવું છે.
એક વાર એક માણસ મકાનના કમ્પાઉન્ડમાં બેઠો હતો અને પોતાને કોઈ ચોક્કસ બાબતમાં સમજ પડતી નથી અને તેથી કોઈ તેને સમજાવે એવી ઇચ્છા તેણે આસપાસના લોકો સમક્ષ પ્રગટ કરી. સેવાભાવી સલાહકારોની મજા તો જુઓ, થોડી જ વારમાં તેને સમજાવવા લાઇન લાગી ગઈ. એક પછી એક માણસ તેને સમજાવવામાં લાગી ગયા. એ બધાને એમ હતું કે તેઓ પેલા માણસ કરતાં વધુ સમજુ-શાણા-સ્માર્ટ છે. આ દરેકને પોતાને પણ કોઈ ને કોઈ સમસ્યા તો હતી જ જેને તેઓ પોતે ઉકેલી શકતા નહોતા. પણ બીજાની સમસ્યા માટે બીજાને સમજાવવા તેઓ ઊછળી રહ્યા હતા.
ADVERTISEMENT
થોડા દિવસ બાદ ફરી એ જ માણસ મકાનના કમ્પાઉન્ડમાં બેઠો હતો અને પોતાને કોઈ સમજે એવી વાતો કરવા આતુર હતો, કોઈ પોતાનું દર્દ સાંભળીને તેને સમજે એવી તેની અપેક્ષા હતી. જોકે આ માણસને સમજવાની બાબત માટે કોઈ આગળ આવ્યું નહીં. આપણે માણસો સલાહ આપવાની વાત હોય તો દેશના વડા પ્રધાનને પણ સલાહ આપી દઈએ, સમજાવવાની વાતો હોય તો ભલભલાને સમજાવવા તૈયાર થઈ જઈએ; પરંતુ કોઈને સમજવાની વાત હોય તો? આપણી ન કોઈ તૈયારી હોય અને ન કોઈ ઉત્સુકતા.
બીજો કોઈ એકલો હોય કે સમાજ હોય, માણસો દરેકને સલાહ આપવા સદા સજજ રહે છે, કોઈ પણ સવાલ પૂછો. કોઈ પણ સવાલના જવાબ આપવા તૈયાર માણસો ખરેખર તો મૂર્ખની કૅટેગરીમાં આવે, પણ તે વળી પોતાને સ્માર્ટની કૅટેગરીમાં મૂકતો હોય છે. આજકાલ સોશ્યલ મીડિયા અને વૉટ્સઍપ ગ્રુપમાં સવાર-સાંજ માણસો એકબીજાને ઉધાર જ્ઞાન આપતા હોય છે. જેનું પાલન તેમણે જીવનભર કર્યું નથી અને કરવા રાજી પણ નથી એવી સમજણની ડાહી-ડાહી વાતો માણસ બીજાઓને રોજેરોજ મોકલતો (ફૉર્વર્ડ કરતો) રહે છે. વૉટ્સઍપ યુનિવર્સિટીમાં સતત વહેતી જ્ઞાનની ગંગામાં નાહીને-નવડાવીને લોકો પોતાને પવિત્ર અને ડાહ્યા માનવા લાગે છે.
એક માણસ બીજા માણસને સમજે એ વિષય અઘરો છે, કારણ કે બીજાને સમજવા માટે માણસે તેને માત્ર પોતાની દૃષ્ટિએ નહીં બલકે એ માણસની દૃષ્ટિએ પણ જોવો પડે. માણસ ખરેખર બીજાને ત્યારે જ સમજી શકે જ્યારે તે પોતાને સમજી શકે, પોતાને સમજવામાં જિંદગી પસાર થઈ જતી હોય છે. વાસ્તવમાં જાતને સમજવામાં જ સાર અને સાર્થકતા સમાયેલાં છે.

