બૉમ્બે પોલીસની ટીમ બૉમ્બે હાઈ કોર્ટના જજમેન્ટની નકલ અને વૉરન્ટ સાથે આઇએનએસ કુન્જાલીમાં આવેલી નેવલ પોલીસની જેલના બારણે પહોંચી ગઈ અને અદાલતનો હુકમ તથા વૉરન્ટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી.
પંડિત જવાહરલાલ નેહરુ, પાર્લમેન્ટમાં
“In exercise of the powers conferred on me by Article 161 of the Constitution of India, I, Shri Prakasha, Governor of Bombay, am pleased hereby to suspend the sentence passed by the High Court of Bombay on Commander K. M. Nanavati...”
બૉમ્બે પોલીસની ટીમ બૉમ્બે હાઈ કોર્ટના જજમેન્ટની નકલ અને વૉરન્ટ સાથે આઇએનએસ કુન્જાલીમાં આવેલી નેવલ પોલીસની જેલના બારણે પહોંચી ગઈ અને અદાલતનો હુકમ તથા વૉરન્ટ બતાવી કમાન્ડર નાણાવટીને પોતાના તાબામાં સોંપવા નેવલ પોલીસને તાકીદ કરી. ત્યારે એના જવાબમાં નેવલ પોલીસના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીની સોંપણી કરવાને બદલે બૉમ્બે પોલીસના હાથમાં એક કાગળ મૂક્યો. એ કાગળના શરૂઆતના શબ્દો ઉપર પ્રમાણે હતા. ભારતના બંધારણની કલમ ૧૬૧ દ્વારા ગવર્નરને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ગવર્નર શ્રી પ્રકાશે બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘સસપેન્ડ’ કર્યો હતો. ક્યાં સુધી? નાણાવટી તરફથી સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાને કરવામાં આવેલી અપીલ દાખલ ન થાય ત્યાં સુધી. અને સાથોસાથ ત્યાં સુધી કમાન્ડર નાણાવટીને આઇએનએસ કુન્જાલીમાં આવેલી નેવલ જેલમાં રાખવાનો આદેશ ગવર્નરે આપ્યો હતો.
ADVERTISEMENT
ગવર્નર શ્રી પ્રકાશનો જન્મ ૧૮૯૦ના ઑગસ્ટની ત્રીજીએ વારાણસીમાં. અવસાન ૧૯૭૧ના જૂનની ૨૩મી તારીખે. ઉચ્ચ અભ્યાસ કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં. આઝાદી પછી તરત ૧૯૪૭થી ૧૯૪૯ સુધી તેઓ પાકિસ્તાન ખાતેના ભારતના હાઈ કમિશનરના પદે રહ્યા. ત્યાર બાદ આસામ અને મદ્રાસ રાજ્યોના ગવર્નર બન્યા. ૧૯૫૬માં એ વખતના બૉમ્બે સ્ટેટના ગવર્નર બન્યા. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં એ પછી તેઓ ૧૯૬૨ સુધી મહારાષ્ટ્રના ગવર્નરપદે રહ્યા.
બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો જાહેર થયો એ પછી બીજી જ મિનિટથી ઇન્ડિયન નેવીનાં ચક્રો ગતિમાન થઈ ગયાં હતાં. આ વિશે નેવીના વડા નામદાર ગવર્નરને અપીલ કરવા માગે છે એમ સૌથી પહેલાં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણને જણાવવામાં આવ્યું. તેમણે તો મંજૂરી આપી પણ તાકડો એવો થયો કે એ વખતે ગવર્નર મુંબઈમાં નહોતા, ગુજરાતના પ્રવાસે ગયા હતા. એટલે ગોધરામાં તેમનો સંપર્ક કરીને બધી વિગતો જણાવાઈ અને ગવર્નરે વટહુકમ પર સહીસિક્કા કર્યા અને કમાન્ડર નાણાવટીની ધરપકડ કરવા આવેલી. બૉમ્બે પોલીસના હાથમાં આ વટહુકમની નકલ પકડાવી દેવામાં આવી.
આઇએનએસ કુન્જાલીની બહાર અને આર્થર રોડ જેલના દરવાજા બહાર લોકોની જબરદસ્ત ભીડ જામી હતી. તેમને આશા હતી એક જેલમાંથી બીજી જેલમાં લઈ જવાતા નાણાવટીનાં અલપઝલપ ‘દર્શન’ કરવાની. અખબારોના રિપોર્ટર ‘સાચા’ સમાચાર મેળવવા દોડાદોડી કરી રહ્યા હતા અને ફોટોગ્રાફરો કૅમેરાનું નિશાન બન્ને જેલોના દરવાજા પર તાકીને ઊભા હતા. પણ મુંબઈ પોલીસ, મુંબઈ સરકાર અને ઇન્ડિયન નેવીના બધા જ અફસરો મોઢે તાળાં મારીને બેસી ગયા હતા. આ ઘટના વિશે બોલવાનો અધિકાર કેવળ નેવીના રિયર ઍડ્મિરલ બી.એસ. સોમણને જ આપવામાં આવ્યો હોવાની જાણ થતાં રિપોર્ટરોએ તેમની ઑફિસ તરફ દોટ મૂકી. પણ પત્રકારોના ઢગલાબંધ સવાલોના જવાબમાં રિયર ઍડ્મિરલ સોમણ માત્ર એક જ વાક્ય બોલ્યા: ‘આ વિશે અત્યારે તમને આપવા માટે મારી પાસે કશી જ માહિતી નથી.’
પણ બીજા દિવસે વિરોધ પક્ષના સભ્યોએ પાર્લમેન્ટમાં ‘દેકારો બોલાવ્યો’ (એ જમાનાનાં છાપાંનો પ્રિય પ્રયોગ) અને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પોતે જવાબ આપવા ઊભા થયા. તેમણે જણાવ્યું કે આવું પગલું લેતાં પહેલાં મુંબઈના ગવર્નર દ્વારા કેન્દ્ર સરકારનાં લાગતાંવળગતાં ખાતાંનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. એ ખાતાંએ એ વિશે મને જણાવ્યું હતું અને મારો અભિપ્રાય માગ્યો હતો. મુંબઈ રાજ્યના ગવર્નરને કેન્દ્ર સરકાર દ્વારા જે સલાહ આપવામાં આવી અને એ સલાહને અનુસરીને ગવર્નરે જે અધ્યાદેશ પર સહી કરી એ માટેની પૂરેપૂરી જવાબદારી દેશના વડા પ્રધાન તરીકે હું સ્વીકારું છું. ગવર્નરે જે અધ્યાદેશ બહાર પાડ્યો એ બંધારણની દૃષ્ટિએ પૂરેપૂરો વાજબી છે, એમાં કશું જ અજુગતું થયું નથી અને આવો અધ્યાદેશ જારી કરવાથી ન્યાયતંત્રનો કોઈ રીતે અનાદર થયો નથી. આવું પગલું શા માટે ભરવાનું જરૂરી બન્યું હતું એ સમજાવતાં વડા પ્રધાન નેહરુએ જણાવ્યું કે જો થોડા દિવસ માટે પણ કમાન્ડર નાણાવટીને પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવે તો ઇન્ડિયન નેવીના નિયમોને કારણે કમાન્ડર નાણાવટીની નેવીની નોકરી પર ઘણી માઠી અસર થાય. આ વિશે ઇન્ડિયન નેવીના વડા ઍડ્મિરલ કટારીએ અને નહીં કે કમાન્ડર નાણાવટીના કોઈ સંબંધીએ, મુંબઈ રાજ્યના ગવર્નરને દખલ કરવાની અપીલ કરી હતી. કેન્દ્ર સરકાર સાથે વાતચીત કર્યા પછી મુંબઈના ગવર્નરે અધ્યાદેશ પર સહી-સિક્કા કર્યા હતા જેની નકલ બને તેટલી જલદી લાગતાવળગતા સૌને પહોંચાડવામાં આવી હતી. પંડિત નેહરુએ ઉમેર્યું કે મુંબઈના ગવર્નરને જવાબ આપતાં પહેલાં મેં કાયદા પ્રધાન શ્રી અશોક સેન સાથે ચર્ચા કરી હતી. તેમણે અભિપ્રાય આપ્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ થાય ત્યાં સુધી બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદાને કામચાલાઉ ધોરણે સ્થગિત કરવામાં ભારતના બંધારણની કોઈ પણ જોગવાઈનો ભંગ થતો નથી. વળી ગવર્નરને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે અધ્યાદેશ પર સહી કરતાં પહેલાં તેમણે એ વિશે રાજ્યના મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણ સાથે વાતચીત કરવી. ગવર્નરે આ પ્રમાણે કર્યું હતું અને મુખ્ય પ્રધાને ગવર્નરને આપવામાં આવેલી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. છેવટે પંડિત નેહરુએ કહ્યું કે આ આખા મામલા વિશે ભારત સરકારે અને વડા પ્રધાન તરીકે મેં જે કાંઈ કહ્યું એ મુંબઈ રાજ્યના ગવર્નર અને મુખ્ય પ્રધાનને ‘સલાહ’ આપવાના રાહે અને નહીં કે આદેશ આપવાના રાહે કહ્યું હતું. અને એ બન્નેએ અમારી સલાહ સ્વીકારવાનું સૌજન્ય બતાવ્યું હતું. તેમને જે સલાહ આપવામાં આવી એ ‘અનૌપચારિક’ હતી. અને એટલે એ સલાહને બંધારણની કલમ ૨૫૬ લાગુ પડતી નથી અને એટલે વિરોધ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી સભામોકૂફીની દરખાસ્ત દાખલ થઈ શકે એમ નથી. મુંબઈ રાજ્યના ગવર્નરે અમારી સલાહથી જે અધ્યાદેશ જારી કર્યો એની પાછળ બૉમ્બે હાઈ કોર્ટનો, એના માનનીય ન્યાયાધીશોનો કે દેશના ન્યાય તંત્રનો અનાદર કરવાનો હેતુ મુદ્દલ નથી.
ગવર્નરના વટહુકમ વિશે વધુ સ્પષ્ટતા કરતાં પંડિત નેહરુએ કહ્યું કે હાઈ કોર્ટના હુકમની અમલબજાવણીને સ્થગિત કરવામાં આવી છે તે માત્ર કમાન્ડર નાણાવટી તરફથી કરવામાં આવનાર અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ થાય ત્યાં સુધીની મુદત માટે જ છે. એ પછી આ આખા પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટ અથવા બોમ્બે હાઈ કોર્ટ યોગ્ય નિર્ણય લેશે.
વિરોધ પક્ષના કેટલાક સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે કમાન્ડર નાણાવટીને વડા પ્રધાન નેહરુ અને તેમના કુટુંબ સાથે અંગત સંબંધો હોવાને કારણે ભારત સરકારે અધ્યાદેશ જારી કરવાની સલાહ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગવર્નરને આપી હતી. આ વાતનો રદિયો આપતાં વડા પ્રધાન નેહરુએ કહ્યું કે હું અંગત રીતે કમાન્ડર નાણાવટીને નહીં જેવું ઓળખું છું. બીજા સિનિયર ઑફિસરોને મળવાનું થાય તેમ હું કમાન્ડર નાણાવટીને પણ મળ્યો છું. તેમના વિશેના જે અહેવાલો મને મળ્યા છે એ ઉપરથી મારા મનમાં એવી છાપ ઊભી થઈ છે કે તેઓ એક કાર્યદક્ષ અને વફાદાર અફસર છે. પણ તેમને મદદરૂપ થવાનો નથી મારો આશય કે નથી એવી કોઈ જરૂર. મેં અને ભારત સરકારે જે કાંઈ કર્યું એને કદાચ ‘અસાધારણ’ કહી શકાય, પણ કોઈ રીતે ‘અયોગ્ય’ કે ‘અવૈધ’ કહી શકાય એમ નથી.
વિરોધ પક્ષના સભ્યોને, વડા પ્રધાન નેહરુને, અન્ય પ્રધાનોને તથા અન્ય સભ્યોને સાંભળ્યા પછી સ્પીકરે વિરોધ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી સભામોકૂફીની દરખાસ્ત ખારીજ કરી હતી.
પણ પાર્લમેન્ટમાં ચર્ચા થઈ ગઈ એટલે વાત પૂરી થઈ એમ ન માની લેવું. બૉમ્બે હાઈ કોર્ટની જસ્ટિસ શેલત અને જસ્ટિસ નાયકની ડિવિઝન બેન્ચે આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો અને કમાન્ડર નાણાવટીને આજીવન કારાવાસની સજા કરી હતી. ઉપરાંત તેમને નેવલ જેલમાંથી કાઢીને આર્થર રોડ જેલમાં ખસેડવા માટે વૉરન્ટ જારી કર્યું હતું. પણ ઇન્ડિયન નેવીના અધિકારીઓએ કમાન્ડર નાણાવટીનો કબજો બૉમ્બે પોલીસને સોંપવાની ના પાડી એટલે ન તો હાઈ કોર્ટે કરેલી સજાની કે ન તો જારી કરેલા વૉરન્ટની અમલબજાવણી થઈ શકી. કોઈ ‘કૉમ્પિટન્ટ ઑથોરિટી’એ બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદાને ‘ઓવર રૂલ’ કર્યો નહોતો. પરિણામે હાઈ કોર્ટનો ચુકાદો અને હાઈ કોર્ટે લીધેલા નિર્ણયો ‘અધ્ધર લટકતા’ રહ્યા હતા. આ સંજોગોમાં હવે શું થઈ શકે એ વિશે બૉમ્બે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચના બન્ને નામદાર ન્યાયાધીશોએ બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખી તેમની સલાહ માગી. પરિણામે સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલાં નાણાવટી મર્ડર કેસ ફરી પહોંચ્યો બૉમ્બે હાઈ કોર્ટ પાસે. પણ આ વખતે ડિવિઝન બેન્ચ પાસે નહીં, પણ ફુલ બેન્ચ પાસે.
એ વખતે શું થયું? એ વિશે વાત હવે પછી.

