Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ધ કર્મા ફાઇલ્સ પ-૪-૩-૨-૧‍ (પ્રકરણ ૫)

ધ કર્મા ફાઇલ્સ પ-૪-૩-૨-૧‍ (પ્રકરણ ૫)

Published : 17 April, 2026 05:51 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

માલતીએ વીજળીની ઝડપ સાથે ડૉક્ટર મહેતાની ગરદન પર બખૂબી વાર કરી લીધો અને મહેતાના ગળામાંથી લોહીનો ફુવારો ઊડ્યો. માલતીનો બુરખો જ નહીં, તેનો ચહેરો પણ લોહીના એ ફુવારામાં રક્તરંજિત થયો. ઇન્સ્પેક્ટર સાવંત માટે આ શૉકિંગ હતું.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘જાદવ તું... માલતી, આ બધું શું...’ ઇન્સ્પેક્ટર સાવંત બિલકુલ ડઘાઈ ગયા હતા, ‘મને... મને કંઈ સમજાતું નથી. આ બધું... આ બધું છે શું?’
‘એ જે મારે બહુ પહેલાં કરવાની જરૂર હતી...’ જવાબ માલતીએ આપ્યો હતો, ‘જો પહેલાં જ મેં આ રસ્તો વાપરી લીધો હોત તો કદાચ અહીં સુધી પહોંચવાનો વારો ન આવ્યો હોત.’
‘તું અત્યારે... એ બધું... છોડ, મૂક...’ સાવંતને શબ્દો શોધવામાં પણ સાંસા પડતા હતા, ‘આપણે પછી વાત કરીએ. તું... તું આ લોકોને છોડી દે...’
‘પાક્કું?’ માલતીએ પૂછ્યું તો ખરું પણ પછી તરત ડિમાન્ડ પણ મૂકી દીધી, ‘મૂકી દઉં... તારા આ ડૉક્ટરને, તારા આ ઠક્કરના પિલ્લાને મૂકી તો દઉં પણ એક શરતે...’
‘અમને ધ્વનિ પાછી આપ...’ સબ-ઇન્સ્પેક્ટર જાદવ આગળ વધ્યો, ‘ધ્વનિ આપી જા, આ બન્નેને લઈ જા...’
‘ધ્વનિ હવે ક્યાંથી પાછી આવવાની? તે તો...’
‘તો આ પણ ગયો ત્યાં...’
માલતીએ વીજળીની ઝડપ સાથે ડૉક્ટર મહેતાની ગરદન પર બખૂબી વાર કરી લીધો અને મહેતાના ગળામાંથી લોહીનો ફુવારો ઊડ્યો. માલતીનો બુરખો જ નહીં, તેનો ચહેરો પણ લોહીના એ ફુવારામાં રક્તરંજિત થયો. ઇન્સ્પેક્ટર સાવંત માટે આ શૉકિંગ હતું. જે પત્નીને તેણે કાંદા-બટાટા કાપતી જોઈ હતી એ જ પત્નીએ તેની આંખ સામે એક જીવતા માણસની ગરદન વેતરી નાખી હતી.
‘માલતી તું... આ બધું... શું કામ...’
‘તારા પાપનો હિસાબ સરભર કરવા વસંત...’ માલતીની આંખો લાલઘૂમ હતી, ‘એ પાપનો હિસાબ સરભર કરવા જે પાપ કરતી વખતે તારું રૂંવાડું પણ ફરક્યું નહીં. તેં... તેં... પૈસાની લાલચમાં મારા ભાઈ...ની દીકરી...’
‘તારો ભાઈ... કોણ?’
‘તારો નામેરી... વસંત મારુ. ભૂલી ગયો તું? ભૂલી જ જાયને, તને તો પૈસા સિવાય ક્યાં કંઈ યાદ રહે છે.’
‘વસંત મારુ...’ ઇન્સ્પેક્ટર સાવંતનાં નેણ આજ્ઞાચક્ર પાસે એકત્રિત થયાં, ‘તે કેવી રીતે તારો ભાઈ...’
‘યાદ કર વાપી... મારું જૂનું ઘર... મારા પાડોશી...’
‘વાપી, તારા જૂના પાડોશી...’ અચાનક સાવંતને બધું યાદ આવી ગયું, ‘અરે હા, તારી બાજુમાં રહેતો પેલો છોકરો... જે... જે...’
‘જેણે મને બહેન બનાવી એટલું જ નહીં, મારે લીધે પોતાનું એન્જિનિયરિંગ પણ પૂરું કરી શક્યો નહીં...’
ઇન્સ્પેક્ટર સાવંતની આંખ સામે એ આખી ઘટના આવી ગઈ જે માલતીએ મૅરેજની શરૂઆતનાં વર્ષોમાં તેને કહી હતી.
lll
‘અરે, પ્રિન્સિપાલનો દીકરો છે તો શું થઈ ગયું? મારી બેન સામે નજર બગાડે એ હું નહીં ચલાવું...’
‘વસંત, પ્લીઝ... જવા દે.’
‘માલતી, તું... તું મને રોકીશ?’ 
માલતીને એક બાજુએ કરીને વસંત આગળ વધવા ગયો, પણ માલતીએ વસંતનો હાથ પકડી લીધો.
‘વસંત, તારું ફાઇનલ યર છે. તું રોહિત સાથે લડીશ તો પ્રિન્સિપાલ તારું વર્ષ બગાડશે...’
‘એ મને ચાલશે, પણ મારી બેનની સામે જો કોઈ નજર બગાડે એ મને નહીં ચાલે.’
એ જ સમયે રોહિતની બાઇક કૉલેજના કૅમ્પસમાં એન્ટર થઈ અને વસંતની આંખોમાં ખુન્નસ આવી ગયું. તેણે જોરથી રાડ પાડી...
‘એ રોહિત... ઊભો રહે.’
બાપની સત્તાના નશામાં મસ્ત એવા રોહિતે બાઇક ઊભી રાખવાની બદલે વસંત, માલતી અને બીજા ફ્રેન્ડ્સ ઊભાં હતાં એ તરફ લીધી અને બાઇકની ઝડપ વધારી. સામેથી આવતી બાઇકની ઝડપ વધતી જોઈને તે બધા સાઇડ પર હટી ગયા અને સહેજ આગળ જઈને બાઇક રોકીને રોહિતે વસંતની સામે મિડલ-ફિંગર દેખાડી...
‘તું ને તારી આ આઇટમ...’
માલતી માટે ‘આઇટમ’ શબ્દ સાંભળીને વસંતના ભેજાનો બાટલો ફાટ્યો અને તેણે આજુબાજુમાં જોયું. કૅમ્પસમાં ગાર્ડનિંગનું કામ ચાલુ હતું અને વસંતથી થોડે દૂર માટી ખોદવાનો નાનો પાવડો પડ્યો હતો. વસંતે એ પાવડો ઊંચકી લીધો. કોઈ કંઈ સમજે કે વસંતને અટકાવે એ પહેલાં તો વસંતે ૧૦ ડગલાં દૂર ઊભેલી બાઇક તરફ દોટ મૂકી અને હાથમાં રહેલો પાવડો સીધો રોહિતના માથા પર ફટકારી દીધો.
હાજર રહેલા સૌકોઈ આ જોઈને સ્તબ્ધ રહી ગયા.
lll
‘૩ મહિનામાં તે હરામખોર રોહિત તો હૉસ્પિટલમાંથી બહાર આવી ગયો, પણ આ ઘટનાએ વસંતની આખી જિંદગી બગાડી નાખી. યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ લાવી શકે એવો હોશિયાર વસંત ક્યારેય એન્જિનિયરિંગ કરી શક્યો નહીં. તેને કૉલેજમાંથી બરતરફ કરવામાં આવ્યો...’ માલતીની આંખમાં આંસુ હતાં, ‘એ સમયે મારી સામે બે ઑપ્શન હતા. એક, મેં સ્ટેટમેન્ટ આપ્યું હોત તો રોહિતને જેલ થઈ હોત, પણ સાથોસાથ વસંતને પણ જેલ થઈ હોત અને જો સ્ટેટમેન્ટ ન આપું તો રોહિત અને વસંત બન્ને છૂટી જાય. રોહિતને મારે સજા અપાવવી હતી, પણ વસંત છૂટી જાય એટલે મેં સ્ટેટમેન્ટ આપ્યું નહીં અને...’
‘એ વસંત... આ જ વસંત મારુ. એ તો તેં મને ક્યારેય કહ્યું જ નહીં.’
‘કહું ક્યાંથી? મને ખબર પડી ત્યાં સુધીમાં તો તેં તારી બધી કળા કરી લીધી હતી.’ માલતીએ કહ્યું, ‘મને મારી જૂની એક ફ્રેન્ડ પાસેથી ખબર પડી કે વસંતની દીકરી ગુજરી ગઈ અને મેં વસંતનો પહેલી વાર નંબર લીધો. વર્ષો પછી મેં તેની સાથે વાત કરી અને તેની વાત પરથી ખબર પડી કે ધ્વનિને મારવામાં તું નિમિત્ત બન્યો છે...’
‘અરે માલતી, મને ખબર હોત તો હું... હું આવું થોડું થવા દેત...’
‘આ તો સાહેબ, પેલી વાત જેવું થયું. ડાકણ એક ઘર છોડે...’ જાદવ આગળ વધ્યો, ‘તમારો ઓળખીતો કોઈ હોય તો કાયદો અને બાકી... તમારા બાપાનું રાજ!’
‘જાદવ, તું તો સમજ...’ સાવંત ફરી માલતી સામે ફર્યો, ‘જાદવ કેવી રીતે તારી સાથે જોડાયો?’
‘હું તો પહેલા દિવસથી સત્યની સાથે જોડાવા તૈયાર હતો, પણ સાલ્લું સત્ય ક્યાંય મળતું નહોતું... જે ફાઇનલી ભાભીના રૂપમાં સામે આવ્યું અને મેં તેને સાથ આપ્યો.’ જાદવના ચહેરા પર સ્માઇલ હતું, ‘તમે જે ખોટાં કામો કરતાં હતાં એ તો આખા ડિપાર્ટમેન્ટને ખબર હતી એટલે એ બધું શોધવામાં મને તકલીફ પડી નહીં.’
‘જાદવ, તું... તું પોતે પણ તારો ભાગ લેતો એનું શું?’
‘એ મારી મજબૂરી હતી, ડિપાર્ટમેન્ટમાં ટકી રહેવા માટેની... બાકી જો તમારો વિરોધ કર્યો હોત તો તમે લોકો તો મને ક્યારનો ઝુમરી તલૈયા ફેંકી દેત...’ જાદવે ખિસ્સામાંથી કાગળની નાની થપ્પી કાઢી, ‘તમે જેને ભાગ કહો છો એને હું દાન કહું છું. તમારી પાસેથી આવેલો એકેએક પૈસો મેં દેવનારના કતલખાનામાંથી ગાયો છોડાવનારાઓની સંસ્થાને દાનમાં આપી દીધો છે. આ રહી એ બધી પહોંચ...’
જાદવે એ રસીદ સાવંતના મોઢા પર ફેંકી.
‘એ પછી પણ મેં ઑલરેડી મારું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધું છે, જેમાં તમારી પાસેથી લીધેલી તમામ લાંચનો મેં ઉલ્લેખ કર્યો છે.’
‘શું કામ, તું હાથે કરીને...’ ઇન્સ્પેક્ટર સાવંતની કમાન છટકવા માંડી હતી, ‘આપણે... આપણે આ બધું હૅન્ડલ કરી લઈશું... અત્યારે ચાલ ઘરે જઈએ.’
‘વસંત મારુનું મર્ડર તું કેવી રીતે હૅન્ડલ કરશે?’
‘એ, એ હું પછી કહું છું... અત્યારે તું ચાલ.’
‘ના, મને બધી વાતનો સ્વીકાર જોઈએ છે. અત્યારે ને અત્યારે જ...’ માલતીના અવાજમાં દૃઢતા હતી, ‘વસંત મારુને કોણે માર્યો?’
‘એ... એ... હું તને બધી વાત કહું. અત્યારે...’
‘અત્યારે...’ માલતી રીતસર ચિલ્લાઈ, ‘અત્યારે જ કહે. વસંત મારુને કોણે માર્યો?’
‘એ ઠક્કરસાહેબ... એમાં એવું છેને, રાજીવને વસંતે કિડનૅપ કર્યો હતો.’
‘વસંત આમાં ક્યાંય હતો જ નહીં... ક્યાંય નહીં.’ 
માલતીની આંખોમાં આંસુ આવ્યાં. જોકે આ વખતે આવેલાં આ આંસુમાં આક્રોશની માત્રા ભારોભાર હતી.
‘તે મને માત્ર ટેક્નિકલ સપોર્ટ આપતો હતો. તેને જ્યારે ખબર પડી કે તું મારો હસબન્ડ છે ત્યારે તે તો પોતાની દીકરી સાથે થયેલો અન્યાય ભૂલવા પણ તૈયાર હતો. માત્ર ને માત્ર મારા લગ્નજીવનને લીધે... એક તરફ તે માણસ છે ને બીજી તરફ તારા જેવો નરાધમ...’ 
સાવંત કંઈ સમજે એ પહેલાં માલતીનો ઘા તેની છાતી પર આવ્યો અને છરીએ સાવંતની છાતીમાં લાંબો કાપો મૂકી દીધો.
‘માલતી, તું... તું મને...’
‘હા, તને... તારા જેવાની પત્ની તરીકે ઓળખાવા કરતાં મને વિધવા તરીકે ઓળખાવું વધારે ગમશે...’ 
માલતી બીજો ઘા કરવા ગઈ પણ કસાયેલા બાંધાવાળા સાવંતે બીજી જ સેકન્ડે માલતીનો હાથ પકડી, હાથ મચકોડી તેના હાથમાં રહેલી છરી પડાવી લીધી.
‘સાલ્લું ક્યારની તારી લવારી સાંભળું છું...’ સાવંતે માલતીની ગરદન પર છરી મૂકીને જાદવની સામે જોયું, ‘એય લંપટ, ફેંકી દે રિવૉલ્વર... હવે તમારી ગેમ પૂરી.’
‘નહીં જાદવ...’
‘ભાભી, તમે...’
‘એય, ભાભીવાળા... કહું એટલું કર. જલદી... ફેંક રિવૉલ્વર...’
જાદવે જમીન પર રિવૉલ્વર મૂકી કે તરત જ સાવંતે બીજો ઑર્ડર કર્યો.
‘હવે જલદી રાજીવને ભાનમાં લાવ...’
‘પણ તે...’
‘જલદી... બકવાસ સાંભળવાનો મારી પાસે ટાઇમ નથી.’
‘સાવંત, તે નહીં જાગે...’
‘એટલે તમે લોકોએ તેને...’
‘હા, તારા આવતાં પહેલાં તે ઉપર, તેના બાપ પાસે પહોંચી ગયો છે.’
ઇન્સ્પેક્ટર સાવંત કંઈ સમજે એ પહેલાં રૂમના દરવાજા પાસેથી અવાજ આવ્યો.
‘અને એ કામ મેં કર્યું છે...’
દરવાજે દેવાંશ હતો અને તેની વાત સાંભળીને ઇન્સ્પેક્ટર સાવંતનું દિમાગ હૅન્ગ થઈ ગયું.
‘તમે બધા એક છો અને હું એકધારો ટેન્શનમાં છું!’ સાવંતના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘આખી ગૅન્ગ મારા ઘરની જ છે ને મને ૪ દિવસથી એમ કે...’
‘૪ નહીં, પાંચ દિવસ...’ જવાબ દેવાંશે આપ્યો, ‘પાંચમો દિવસ શરૂ થઈ ગયો છે અને તમારી ડેડલાઇન પૂરી થવા આવી છે.’
‘શેની ડેડલાઇન ને કેવી ડેડલાઇન...’
‘કર્મોની ડેડલાઇન... પપ્પા, તમારાં કર્મોની ફાઇલ આજે બંધ કરવાની છે ને એ હું બંધ કરવાનો છું.’ દેવાંશે દાંત ભીંસ્યા, ‘જો કૃષ્ણ પોતાના પાપી મામાનો હિસાબ પૂરો કરે તો હું ઍટ લીસ્ટ મારા પાપી બાપનો હિસાબ તો...’
‘બેટા...’
ઢીંચિયાઉઉઉ...
દેવાંશના હાથમાં રહેલી પિસ્તોલમાંથી ગોળી છૂટી.
ગોળી સીધી સાવંતના માથાની આરપાર નીકળી ગઈ અને તેનાં કર્મોનો હિસાબ પૂરો થયો.
lll
‘તમે લોકો જલદી નીકળો... હું અહીં બધું મૅનેજ કરું છું...’
‘પણ ભાઈ...’ માલતીએ લાગણી સાથે કહ્યું, ‘જઈએ તો આપણે સાથે જેલમાં જઈએ, તમે શું કામ એકલા સજા...’
‘આ પાપીઓને મારવાની સજા થોડી હોય ભાભી, આ તો પુણ્યનું કામ કર્યું છે.’ જાદવે કહ્યું, ‘જેલમાં કોઈએ નહીં જવું પડે, તમે મારો વિશ્વાસ રાખો અને અત્યારે અહીંથી નીકળો... પ્લીઝ...’
lll
બીજા દિવસના ન્યુઝપેપરની હેડલાઇન હતી.
રાજીવ ઠક્કરે દારૂના નશામાં ફાયરિંગ કરતાં ઇન્સ્પેક્ટર સાવંતનું મોત. ફાયરિંગ પછી રાજીવ ઠક્કરે કરી આત્મહત્યા.
lll
‘તમે તો કહ્યું હતું કે રાજીવ મરી ગયો. તો પછી આ બધું...’
ન્યુઝપેપરમાં સમાચાર વાંચીને માલતીએ જાદવની સામે જોયું અને જાદવના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘અસત્ય માટે વેચાવું પડે ને સત્ય માટે સ્વીકારવું પડે. મેં કમિશનરને બધી વાત કરી, બધા પુરાવા દેખાડ્યા એટલે તેમણે જ આ પ્લાન બનાવ્યો. પોસ્ટમૉર્ટમમાં રાજીવના મોતનો સમય ચેન્જ કરવાથી આખી વાત બંધ બેસી જતી હતી, તેમણે એ કામ કરી લીધું અને મને એટલું કહ્યું કે આવા હરામીઓને ડિપાર્ટમેન્ટમાંથી આ રીતે હટાવવા બદલ હું તને ઇનામ-અકરામ તો નહીં આપી શકું પણ આટલી હેલ્પ તો કરી જ શકું...’ જાદવની આંખના ખૂણા ભીના થયા, ‘ભાભી, જો ખરાબ કર્મ પોતાનો હિસાબ લેવા આવે તો સારાં કર્મો પોતાનો હિસાબ આપવા આવે જને...’

(સંપૂર્ણ)


Whatsapp-channel Whatsapp-channel

17 April, 2026 05:51 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK