મહારાષ્ટ્ર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ઍક્ટ હેઠળ ફી રિવિઝન કમિટીની ફરી રચના
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રાજ્યની પ્રાઇવેટ સ્કૂલોમાં મનસ્વી રીતે થતા ફીવધારાને અંકુશમાં લેવા માટે મહારાષ્ટ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી નિષ્ક્રિય રહેલી મહારાષ્ટ્ર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ (રેગ્યુલેશન ઑફ ફી) ઍક્ટ ૨૦૧૧ હેઠળની રિવિઝન કમિટીની સરકારે પુનઃ રચના કરી છે. બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એમ. જી. ગાયકવાડને આ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમિતિ ફી-વિવાદોમાં અંતિમ અપેલેટ ઑથોરિટી તરીકે કામ કરશે, જેને ફી રેગ્યુલેશન પૅનલોના નિર્ણયોની તપાસ કરવાની અને જરૂર જણાયે ફીના માળખામાં ફેરફાર કરવાની સત્તા રહેશે. આ સાથે જ પ્રાદેશિક સ્તરે મુંબઈ, પુણે, નાગપુર અને છત્રપતિ સંભાજીનગર માટે પણ ડિવિઝનલ ફી રેગ્યુલેટરી કમિટી (DFRC)ની રચના કરવામાં આવી છે જેના વડા તરીકે નિવૃત્ત જિલ્લા-ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
ફીવધારો ૧૫ ટકાથી વધુ હોય તો ૭૬ ટકા પેરન્ટ્સની સંમતિ લેવી ફરજિયાત
નિર્ણય ન આવે ત્યાં સુધી નિયમ અનુસાર સ્કૂલો દર બે વર્ષે વધુમાં વધુ ૧૫ ટકા સુધીનો ફીવધારો કરી શકે છે અને જો ફીવધારો ૧૫ ટકાથી વધુ હોય તો ૭૬ ટકા પેરન્ટ્સની સંમતિ લેવી ફરજિયાત છે તેમ જ ફીનું સ્ટ્રક્ચર નોટિસ બોર્ડ અને વેબસાઇટ પર મૂકવું જરૂરી છે. કોઈ પણ ફીવધારાનો પ્રસ્તાવ ઓછામાં ઓછા ૬ મહિના અગાઉ PTA (પેરન્ટ્સ-ટીચર્સ અસોસિએશન) સમક્ષ મૂકવો પડશે તેમ જ ફીવધારાને પડકારવા ઓછામાં ઓછા પચીસ ટકા પેરન્ટ્સ મળીને ગ્રુપ બનાવી શકે છે. જો સ્કૂલો નિયમોનું ઉલ્લંઘન કરે તો પેરન્ટ્સ ચર્ની રોડ પર આવેલી ડેપ્યુટી ડિરેક્ટર ઑફ એજ્યુકેશનની ઑફિસ દ્વારા સમિતિનો સંપર્ક કરી શકશે.
