Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બાજી : ઘટના-દુર્ઘટના (પ્રકરણ ૫)

બાજી : ઘટના-દુર્ઘટના (પ્રકરણ ૫)

Published : 06 November, 2026 05:03 PM | Modified : 07 November, 2026 11:01 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

હા...શ! પ્લેન મુકાઈ ગયું છે, બોર્ડિંગ માટે પૅસેન્જરો ક્યુમાં ઊભા છે, અમુક વળી લાઉન્જમાં બેઠા છે... અરે! આ તો પેલો... જેન-ઝીવાળો લીડર સારંગ મહાજન! સેલિબ્રિટીની જેમ લોકો તેની સાથે સેલ્ફી લેવા આવે તો સ્મિતસહ પોઝ પણ આપે છે!

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘સ્મિતાભાભી, હૅપી દિવાળી!’

દિવાળીની સાંજે અચ્યુતે ફોન રણકાવીને તહેવારની વધાઈ આપી, લેટ ફોન કરવા બદલ માફી માગીને પૂછી લીધું, ‘મોસમને પણ વધાઈ દેવી હતી... તે ફોન નથી લેતી. તે ઠીક તો છેને? ક્યાંક બહાર છે?’



ખરેખર તો અક્ષતની ડ્યુટી એક્સચેન્જ કરવામાં પોતે ઇનકાર કર્યો ત્યારથી મોસમ સાથે વાત કરવાની પણ હિંમત થતી નથી... તહેવારના બહાને સેતુ સંધાય એ આશાએ ફોન જોડવાની મોડે-મોડે હામ ભીડી, પણ તે કૉલ નથી લેતી એટલે ભાભીને પકડવા પડ્યાં.


સ્મિતાભાભીને અચ્યુત-અક્ષત-મોસમની ધરીની ભનક નહોતી. તે સહજભાવે બોલી ગયાં : ‘મોસમ ઠીક છે. ઍરપોર્ટ પર કદાચ સિગ્નલ નહીં મળતું હોય...’

‘ઍરપોર્ટ!’ અચ્યુતે આંચકો અનુભવ્યો.


‘જુઓને, અક્ષત-મોસમની આ પહેલી દિવાળી. એમાં આજે અક્ષતની ડ્યુટી છે એટલે પછી તેઓ સજોડે ફેસ્ટિવલ મનાવી શકે એ માટે એવું નક્કી થયુ કે બન્ને ફૅમિલી પણ એ જ ફ્લાઇટમાં ન્યુ યૉર્ક જાય!’

હેં!

‘બધાના વીઝા તો હતા જ, અક્ષતના પ્રયાસથી તેની જ ફ્લાઇટમાં ટિકિટ પણ મળી ગઈ.’

ઓહ નો! અચ્યુતનું હૈયું ડૂબવા લાગ્યું. જે ફ્લાઇટ અક્ષતના મોતનું કારણ બનવાની હતી એમાં મોસમ ક્યાં જોડાઈ! મને અક્ષતનું મોત જોઈએ છે, પણ મોસમ તો કોઈ પણ હિસાબે જીવવી જ જોઈએ!

- અને એ એક જ રીતે શક્ય છે... તેને અમેરિકા જતી રોકીને!

- અને ચોથી મિનિટે તેની કાર ઍરપોર્ટ તરફ ભાગતી હતી.

lll

૪ સિગ્નલ તોડીને, ચેક-ઇન કાઉન્ટરવાળા જોડે બાઝીને અચ્યુત ફ્લાઇટના ૭૩ નંબરના ગેટ પર પહોંચ્યો ત્યારે...

હા...શ! પ્લેન મુકાઈ ગયું છે, બોર્ડિંગ માટે પૅસેન્જરો ક્યુમાં ઊભા છે, અમુક વળી લાઉન્જમાં બેઠા છે... અરે! આ તો પેલો... જેન-ઝીવાળો લીડર સારંગ મહાજન! સેલિબ્રિટીની જેમ લોકો તેની સાથે સેલ્ફી લેવા આવે તો સ્મિતસહ પોઝ પણ આપે છે!

અને અચ્યુતની બહાવરી નજર
ચમકી : પેલી રહી મોસમ... અક્ષત સાથે કૉફી પી રહી છે!

તેણે ઝડપથી કૉફીહાઉસ તરફ કદમ ઉપાડ્યાં.

‘આપણે દરેક તહેવાર આમ જ મનાવીશુ!’ અક્ષતે મોસમના હાથના અંકોડા ભીડ્યા.

મોસમ મલકી. ફેસ્ટિવલ સાથે મનાવવા અમે સૌ અમેરિકા જઈએ એવો આઇડિયા અક્ષતને જ સૂઝે!

ત્યાં તો કોઈનો હાથ તેમના અંકોડા પર પડ્યો, ‘મોસમ અમેરિકા નહીં જાય.’

હેં!

અક્ષત-મોસમ ચમક્યાં. આ તો અચ્યુત!

‘વૉટ ધ હેલ.’ મોસમનો હાથ છોડીને અક્ષત અચ્યુતનું કાંડું પકડીને ૪ ડગલાં દૂર ખેંચી ગયો, ‘બિહેવ યૉરસેલ્ફ અચ્યુત. તમાશો ન બનાવ. મોસમ મારી વાગદત્તા છે, તારી કંઈ જ નથી.’

અક્ષતના વાક્યે મર્મસ્થાન પર
છરકો કર્યો.

‘ભલે મોસમ તારી વાગદત્તા હોય, તેને અમેરિકા તો હું નહીં જ જવા દઉં...’

અચ્યુતે ઝટકાભેર અક્ષતની પકડ છોડાવી વળી મોસમ તરફ જઈને તેની કલાઈ પકડી, ‘ચલ, તારા ઘરે તને મૂકી દઉં. તારા પેરન્ટ્સને પણ લઈ લે.’

‘ઇનફ.’

હવે અક્ષતનો પિત્તો ખરેખર હટ્યો. ઊંચા અવાજે અચ્યુતને પડકારીને તેણે તેનો કૉલર પકડીને હડસેલો માર્યો, ‘તારી મર્યાદામાં રહે.’

બે જુવાન વચ્ચે એક છોકરી માટે ઝઘડો થઈ રહ્યો છે... ચણભણાટ પ્રસરી ગયો. હવે તો આજુબાજુના ગેટ આગળ ઊભેલા-બેઠેલા યાત્રીઓ પણ ડોક ફેરવીને જોવા લાગ્યા. ઍરલાઇનનો સ્ટાફ અચંબિત બન્યો. મોસમ-અક્ષતનાં માવતર દોડી આવ્યાં. સારંગ મહાજન પણ ટાંપી રહ્યો. સિખના વેશમાં પાઘડી હેઠળ હથિયાર છુપાવીને બેઠેલા જેહાદી અબ્દુલ-ઉસ્માન જરા અકળાયા. અત્યાર સુધી બધું સમુંસૂતરું પાર ઊતર્યું, હવે ફ્લાઇટમાં ચડવાના ટાણે લવસ્ટોરીનું લફરું ક્યાં ફૂટ્યું! કેટલાકે તો વિડિયો ઉતારવાનું ચાલુ કરી દીધું.

અચ્યુત એથી ડગ્યો નહીં, ‘મેં કહ્યુંને, મોસમ અમેરિકા નહીં જાય – આ ફ્લાઇટમાં તો નહીં જ!’

‘કેમ...’ હવે મોસમ આગળ આવી, ‘ફ્લાઇટ અક્ષત ઉડાડવાનો છે એટલે?’

‘નહીં, એ કારણ નથી.’

‘મતલબ કોઈ બીજું કારણ છે!’ મોસમની કીકી ચમકી, ‘બોલો અચ્યુત, શું કારણ છે?’

કારણ! અચ્યુત ગમ ખાઈ ગયો. મોસમને રોકવાની ધૂનમાં કયા કારણે તેને રોકવી એ તો વિચાર્યું જ નહીં! તેના હોઠ ભીંસાયા.

‘કારણ એટલું જ કે આજે જવામાં જોખમ છે.’

જોખમ! હવે સારંગ-અબ્દુલ-ઉસ્માન અંદરખાને ચમક્યા. રાજશેખરે હાયર કરેલા હાઇજૅકર્સની ઓળખ સારંગને કોડવર્ડથી ઍરપોર્ટમાં જ થઈ હતી. ત્રણેએ જોકે એકબીજાથી છૂટા અને અજાણ જ રહેવાનું હતું. સારંગને બ્લાસ્ટની જાણ કરવાની નથી એ સૂચના પણ બીજા બેઉને યાદ હતી.

‘જોખમ?’ મોસમના હોઠ વ્યંગમાં વંકાયા, ‘મને તો પ્રીતમને મૂકીને એવા પુરુષ સાથે જવામાં વધુ જોખમ લાગે છે જેની નજર મારા પર છે!’

અચ્યુત ઘા ખાઈ ગયો. ઘડીક પછી તેનાં જડબાં તંગ થયાં, ‘તારે જાણવું જ છે તો સાંભળ. તને રોકવાનું કારણ એ છે કે હું તને જીવતી જોવા માગું છું, કારણ કે આ ફ્લાઇટમાં જનારું કોઈ જીવતું રહેવાનું નથી એ હું જાણું છું.’

ખળભળાટ મચી ગયો. ઉસ્માન-અબ્દુલ અલર્ટ થઈ ગયા. સારંગ અકળાયો. કેટલાકે લાઇવ સ્ટ્રીમ કરતાં વંટોળ જેવું ફેલાયું. ઍરપોર્ટના હથિયારધારી ગાર્ડ્‍સ દોડતા થઈ ગયા.

‘કોઈ જીવતું રહેવાનું નથી એવું તમે કહી જ કેમ શકો?’ સારંગને થયું કે રાજનેતાએ તો આવા પ્રસંગે હાજરી દેખાડવી જ જોઈએ. જોખમ સાંભળીને લોકો માંડવાળ કરે તો-તો હાઇજૅકિંગના પ્લાનનો ફિયાસ્કો થઈ જાય!

‘તમે જ્યોતિષી છો કે મનઘડંત વાર્તાકાર?’ સારંગના વ્યંગે કેટલાકે હસી લીધું. એમાં મોસમ પણ હતી એ જોઈને અચ્યુતનો આપો તૂટ્યો...

‘તમારે જાણવું જ છે મહાશય તો આપ સૌ પણ સાંભળો.’

મારિયાએ જ્યારે રાજશેખર-યુસુફની વાત પર કાન માંડેલા એ વખતે સારંગનો ઉલ્લેખ નહોતો થયો, એટલે અચ્યુત પણ તેના રોલથી અજાણ હતો. બલ્કે તેની ટકોરનો જવાબ વાળવા અચ્યુતે જનસમૂહ તરફ નજર ફેંકી અવાજ ઊંચો કર્યો, ‘આ ફ્લાઇટ ઉડાનના કલાકમાં હાઇજૅક થવાની છે, ઢાકા ઍરપોર્ટ પર ડાઇવર્ટ થવાની છે...’

આટલું સાંભળતાં જ સારંગના કપાળે પ્રસ્વેદ ફૂટ્યો. અબ્દુલ-ઉસ્માન અકળાયા.

‘અને ઢાકા લૅન્ડ થયાની થોડી જ વારમાં હાઇજૅકર્સ પ્લેનને બૉમ્બ-બ્લાસ્ટથી ઉડાવી દેશે...’ અચ્યુત ફેફસાં ફાડીને બોલતો હતો, અક્ષત સ્તબ્ધ હતો, મોસમ અવાક. ના, આ મજાક નથી, મોસમને રોકવા માટેનું બહાનું પણ નથી... કોઈક રીતે અચ્યુતને આતંકવાદી પ્લાનની જાણ થઈ, અક્ષતની ડ્યુટી એક્સચેન્જના ઇનકારનું ખરું કારણ હવે સમજાય છે; પણ...

‘પણ અફસોસ એટલો છે અચ્યુત કે પ્લેનના ૩૯૫ ઉતારુઓમાંથી તમને કેવળ એકની ચિંતા થઈ, તમારી જ ઍરલાઇનના ક્રૂને તમે મરવા કેમ છોડી શકો?’ મોસમે અચ્યુત સાથે નજરો મેળવી, ‘મને ચાહનારો આવો સંકુચિત હોઈ શકે, પણ એવાને પછી હું ચાહી ન શકું!’

અચ્યુત ઝંખવાયો. મોઘમમાં મોસમે સમજાવી દીધું કે અક્ષત અને અચ્યુતમાં ફરક શું છે!

‘મહાશય, તમે પ્લેન ઉડાડવાનું બોલી ગયા... આનો કોઈ પુરાવો પણ છે?’ સારંગે ડારો આપ્યો. તેને હજી એમ જ હતું કે કોઈક રીતે હાઇજૅકનો ભેદ જાણીને આ આદમીએ બ્લાસ્ટનું છોગું પોતાની કલ્પનાશક્તિથી ઉમેરી દીધું.

‘પુરાવો!’ અચ્યુત તાડૂક્યો, ‘પુરાવો માગો દિલ્હીમાં બેઠેલા ‘જનભારત’ના અવતાર સિંહ અને તેના સચિવ પાસેથી! જેમણે બૅન્ગકૉકમાં બંગલાદેશના જેહાદી યુસુફ ખાન...’

ધાંય.

ક્યાંકથી એક ગોળી છૂટી અને ગણતરીની સેકન્ડ્સમાં ઍરપોર્ટના એ હિસ્સામાં કેટલું કંઈ બની ગયું...

lll

ઉસ્માને પાઘડી હેઠળ છુપાવેલી ગન કાઢીને કરેલા ફાયરિંગથી ગોળી અચ્યુતનું ફેફસું વીંધી ગઈ. ઢળી પડતા અચ્યુતને અક્ષત-મોસમે સંભાળ્યો.

‘ખબરદાર!’ ઉસ્માને બીજું ફાયરિંગ હવામાં કરતાં અફરાતફરી મચી ગઈ.

‘આણે કહ્યું એમ અમારે તો આમ પણ મરવાનું જ હતું... ઢાકાને બદલે મુંબઈ!’

‘વૉટ!’ સારંગે છેતરાયાના આવેશમાં જીભ કચરી, ‘પણ અવતાર સાથે તો અમારી પાર્ટીની કેવળ હાઇજૅકની ડીલ થઈ હતી... મતલબ, બ્લાસ્ટમાં તે મને મરાવવા માગતો હતો?’

સારંગ માટે અવતારની ગણતરી હવે સાફ હતી : હાઇજૅક કરેલી ફ્લાઇટમાંથી મારો મેસેજ પ્રસારિત કરીને હું દુનિયાનું ધ્યાન ભારતમાં ચાલતી તાનાશાહી પરત્વે દોરું ને તરત જ પ્લેન ઉડાવીને, આમાં ત્રિવેદી સરકારનો હાથ હોવાનું ગાણું ગાઈને અવતાર સિંહ આગામી ઇલેક્શનની બાજી મારી જાય! લાયર. ડબલ ક્રૉસ!

‘હા, પણ તારું મોત ઢાકાને બદલે મુંબઈમાં જ લખાયું હશે...’

ઉસ્માને છોડેલી ગોળી સારંગનું કપાળ વીંધી ગઈ. અણધાર્યા અંજામનો આઘાત તેની ખુલ્લી આંખોમાં અંજાઈ ગયો.

એ જ ક્ષણે આવી પહોંચેલા ઍરપોર્ટના ગાર્ડ્‍સમાંથી એકે મારેલું ચાકુ ઉસ્માનના ગળામાં ખૂંપી ગયું. એ જોઈને અબ્દુલ પાઘડી ઊંચકીને ગન કાઢવા જાય છે કે બીજા ગાર્ડે તરાપ મારીને તેને દબોચી લીધો!

lll

ઇટ્સ ઑલ ઓવર!

ફ્લાઇટ હાઇજૅકના ન્યુઝ સાંભળવા પાર્ટીના કાર્યાલયની કૅબિનમાં ટીવી ચાલુ કરીને ગોઠવાયેલા અવતાર સિંહ-રાજશેખર અચાનક મુંબઈ ઍરપોર્ટનું લાઇવ જોઈને ડઘાયા હતા. પોતાના નામ સાથે કાળિયા આદમી (અચ્યુતે)એ ફોડેલો ભાંડો સમસમાવી ગયો. બ્લાસ્ટ થનારું વિમાન ઊડ્યું જ નહી! યુસુફ ખાનના આદમીએ સુસાઇડ કરવાને બદલે ગોળીબાર કર્યો, સારંગને માર્યો, પોતે મર્યો અને બીજો તો જીવતો પકડાયો! એના દ્વારા સબૂત મેળવીને ત્રિવેદી અમને નહીં બક્ષે!

અમારા ખેલમાં આશિકોની એન્ટ્રી બાજી જ બદલી નાખશે એવું કોણે ધાર્યું હોય!

અને બન્નેને આગળની સ્ટ્રૅટેજી ઘડવાનો મોકો મળે એ પહેલાં તપાસટીમ તેમના સુધી પહોંચી ગઈ...

lll

‘અચ્યુત... ચિંતા ન કર, યુ વિલ બી ઑલરાઇટ!’

ઍરપોર્ટથી નીકળેલી ઍમ્બ્યુલન્સમાં અક્ષત તેને કહેતો રહ્યો. મોસમ મૂંગાં આંસુ સારતી હતી. ભલે પોતાના એકતરફા ઇશ્કને કારણે, પણ અચ્યુતે આવીને ચેતવ્યા ન હોત તો શું થાત એ વિચારે કાંપી જવાય છે.

જેનું મોત મેં ઇચ્છ્યું તે અક્ષત મને જિવાડવા મથી રહ્યો છે, મોસમની પાંપણ છલકાય છે! ખોળિયામાંથી જતા જીવને આનાથી વધુ શાતા શું હોય! અચ્યુતનાં અશ્રુ છલકાયાં, ‘મેં સિક્યૉરિટીને અગાઉથી જ બાતમી આપી હોત તો! મને મારા સ્વાર્થની સજા મળી...’ અચ્યુતને શ્રમ પડ્યો તોય યત્નપૂર્વક હાથ ઉઠાવીને અક્ષતનો હાથ મોસમના હાથમાં મૂક્યો અને ડોક ઢાળી દીધી.

અચ્યુત મારા જીવનમાં મને ઉગારવા જ આવ્યો હતો? મોસમે તેની પાંપણ બંધ
કરી : અલવિદા મિત્ર!

અને પછી અક્ષતના ખભે માથું
ઢાળી રહી.

lll

મહિનાઓ સુધી આ વિષય ગાજતો રહ્યો. આપણી ગુપ્તચર સંસ્થાના જાંબાઝ જાસૂસોએ ડૅમેજ કન્ટ્રોલ કરવા માંડ્યું. વટાણા વેરી ચૂકેલા અબ્દુલે જેલની કોટડીમાં રહસ્યમય સુસાઇડ કર્યું, શ્રીલંકાના રિસૉર્ટના પૂલમાં યુસુફની લાશ મળી. સારંગની જેન-ઝી પાર્ટીનું પિલ્લું વળી ગયું. હાઇજૅકની બાતમી યુસુફ તરફથી જ લીક થઈ હોવાનું અનુમાન બાંધી બેઠેલા રાજશેખરને મારિયાનો તો વિચાર પણ ન થયો, બલ્કે અવતારના ગુપ્ત વિડિયો સત્તાપક્ષને સોંપીને પોતાની ચામડી બચાવી લીધી! અને એ વિડિયોના પ્રતાપે અવતારે ‘તાજેતરના મિથ્યા આરોપોથી વ્યથિત’ થઈને સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે એટલે લાંબા સમયે ‘મુંબઈ ઍરપોર્ટ કેસ’માંથી તેમને ક્લીન ચિટ મળી જાય પણ ખરી.

આખરે રાજકારણની બાજી આમ જ રમાતી આવી છેને.

lll

અચ્યુતને કાવતરાની જાણ ક્યાંથી થઈ એ રહસ્ય કોઈ જાણી ન શક્યું, પણ તેના અંજામની ગાથા ઍરપોર્ટના વાઇરલ વિડિયો દ્વારા બૅન્ગકૉકમાં મારિયા સુધી પણ પહોંચી હતી. પોતાની માશૂકા બાબત અચ્યુતે કદી કહ્યું નહોતું, પણ છેવટે તો મરતાં પહેલાં બીજા કેટલાયને ઉગારી ગયો એનું જ આશ્વાસન લેવું રહ્યું!

lll

ખરેખર!

પોતાના પ્યારવશ અક્ષત હવે પરસ્ત્રી સાથે સૂતો નથી એ રહસ્ય હકની રાતે તેણે કબૂલતાં મોસમ મહોરી ઊઠી. દૂર ક્યાંક લતાનું ગીત ગુંજ્યું : જીવન કી બગિયા મહેકેગી...

અને અક્ષત-મોસમની સંસારવાડી પણ મહેકતી જ રહી એ ઉમેરવાની જરૂર ખરી.

(સમાપ્ત)

 

Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 11:01 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK