Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પામ બીચ રોડ પર ગુટકાની પિચકારી મારનારા કૅબ-ડ્રાઇવરને મહિલાએ પાઠ ભણાવ્યો

પામ બીચ રોડ પર ગુટકાની પિચકારી મારનારા કૅબ-ડ્રાઇવરને મહિલાએ પાઠ ભણાવ્યો

Published : 07 November, 2026 09:31 AM | IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું થૂંક્યો જ નથી એવું રટણ કરતો રહ્યો, પણ તેની પાસેથી રસ્તા પરનો ડાઘ ધોવડાવીને જ જંપી

પામ બીચ રોડ પર ગુટકાની પિચકારી માર્યા બાદ સાફ કરતો કૅબ-ડ્રાઇવર.

પામ બીચ રોડ પર ગુટકાની પિચકારી માર્યા બાદ સાફ કરતો કૅબ-ડ્રાઇવર.


નવી મુંબઈના પૉશ ગણાતા પામ બીચ રોડ પર ચાલુ ગાડીએ ગુટકાની પિચકારી મારવી એક કૅબ-ડ્રાઇવરને ભારે પડી ગઈ હતી. એક જાગૃત મહિલા રહીશે ડ્રાઇવરને રંગેહાથ પકડીને જાહેરમાં બરાબરનો પાઠ ભણાવ્યો હતો. શરૂઆતમાં પોતે થૂંક્યો જ નથી એવી આનાકાની કરતા ડ્રાઇવરે મહિલાના આકરા વલણ અને સિક્યૉરિટી ગાર્ડ્સની દરમ્યાનગીરી બાદ આખરે પાણીની બૉટલ કાઢીને રસ્તા પર પડેલો ગુટકાનો ડાઘ સાફ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.

રિચા સમિત નામની સોશ્યલ મીડિયા યુઝર દ્વારા શૅર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળે છે કે કૅબના ડ્રાઇવર-સાઇડના દરવાજા નીચે જ ડામરના રસ્તા પર ગુટકાનો તાજો ડાઘ પડેલો હતો. આ બાબતે મહિલા અને ડ્રાઇવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મહિલાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેણે ડ્રાઇવરને જાતે જ થૂંકતો જોયો હતો. જોકે ડ્રાઇવર સતત પોતાની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કરતો રહ્યો હતો અને કહેતો સંભળાયો હતો કે મેં આ નથી કર્યું એટલે હું સાફ નહીં કરું. રસપ્રદ વાત એ હતી કે કૅબના દરવાજા પર પણ ગુટકાના લાલ ડાઘ સ્પષ્ટ નજરે પડતા હતા.



દરમ્યાન નજીકમાં તહેનાત બે સિક્યૉરિટી ગાર્ડ્સ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પણ ડ્રાઇવરની પૂછપરછ કરી હતી. મહિલાએ ડ્રાઇવરને કાયદાનું ભાન કરાવતાં યાદ અપાવ્યું હતું કે જાહેર સ્થળોએ થૂંકવા બદલ ભારે દંડ અને કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ચારેય તરફથી ઘેરાઈ ગયેલા ડ્રાઇવરે આખરે પીછેહઠ કરવી પડી હતી. તેણે પાણીની બૉટલમાંથી પાણી રેડીને રસ્તા પરનો ડાઘ સાફ કર્યો હતો. જોકે એ દરમ્યાન પણ તે મહિલા સાથે દલીલો કરતો રહ્યો હતો.


જાહેર સ્થળો પર ગુટકા, પાન કે તમાકુની પિચકારી મારવા બદલ સ્થાનિક પાલિકા અને જાહેર આરોગ્ય નિયમો હેઠળ કડક દંડની જોગવાઈ છે. મુંબઈમાં પહેલી વારના આવા ગુના માટે ૧૦૦૦ રૂપિયાનો દંડ અને એક દિવસની સામાજિક સેવા (કમ્યુનિટી સર્વિસ)ની જોગવાઈ છે, જ્યારે બીજી વાર પકડાય તો ૩૦૦૦ રૂપિયા દંડ સાથે ૩ દિવસની સામાજિક સેવા અને ત્રીજી વારના ગુના માટે ૫૦૦૦ રૂપિયા દંડ તેમ જ પાંચ દિવસ સુધી જાહેર સેવા કરવાની શિક્ષા થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 09:31 AM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK