Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આગ ઓલવવામાં ‌વિલંબ પાછળ સાંકડી ગલી અને આડેધડ પા‌ર્કિંગ જવાબદાર હોવાનો આક્ષેપ

આગ ઓલવવામાં ‌વિલંબ પાછળ સાંકડી ગલી અને આડેધડ પા‌ર્કિંગ જવાબદાર હોવાનો આક્ષેપ

Published : 07 November, 2026 09:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘાટકોપરમાં ‌બિ‌લ્ડિંગના ઓગણીસમા માળે લાગી આગ, એક જણ દાઝવાને પગલે અને બે જણ ગૂંગળામણને લીધે હૉ‌સ્પિટલમાં

ઘાટકોપર-ઈસ્ટમાં વલ્લભબાગ લેન એક્સટેન્શનમાં આવેલા રૉયલ અલ્ટેઝા નામના બિલ્ડિંગમાં લાગેલી આગ અને એને ઓલવી રહેલી ફાયર-બિગ્રેડની વૅન.

ઘાટકોપર-ઈસ્ટમાં વલ્લભબાગ લેન એક્સટેન્શનમાં આવેલા રૉયલ અલ્ટેઝા નામના બિલ્ડિંગમાં લાગેલી આગ અને એને ઓલવી રહેલી ફાયર-બિગ્રેડની વૅન.


આગની ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ, ફાયર-બ્રિગેડનાં વાહનોને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડતાં બિલ્ડિંગની મંજૂરી અને પાર્કિંગ-વ્યવસ્થા સામે ઊઠ્યા સવાલો

ઘાટકોપર-ઈસ્ટમાં વલ્લભબાગ લેન એક્સટેન્શન પર આવેલા રૉયલ અલ્ટેઝા નામના બહુમાળી બિલ્ડિંગની B વિંગમાં શુક્રવારે સાંજે આશરે ૭.૩૦ વાગ્યે ઓગણીસમા માળે આગ લાગવાની ઘટના બની હતી. પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ દિવાળીના પ્રસંગે પ્રગટાવવામાં આવેલો દીવો પડદાના સંપર્કમાં આવતાં આગ લાગી હોવાનું મનાય છે. આગ બુઝાવવાના પ્રયાસ દરમ્યાન એક કામદાર ગંભીર રીતે દાઝ્યો હતો, જ્યારે બિલ્ડિંગના ડેવલપરના બે ભાઈઓને ધુમાડાને કારણે ગૂંગળામણ થતાં ઈજા પહોંચી હતી.
સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગ લાગતાં જ બિલ્ડિંગમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે કામ કરતો ડેવલપરનો એક કર્મચારી સાંઈનાથ આવળે આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો ચહેરો અને બન્ને હાથ દાઝી ગયા હતા. તેને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને વધુ સારવાર માટે કસ્તુરબા હૉસ્પિટલમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.’
પંતનગર પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગની આ ઘટનામાં બિલ્ડિંગના ડેવલપર નીતેશ લોડયાના ભાઈ નીરવ અને રાજેશને પણ ધુમાડાને કારણે ગૂંગળામણ થઈ હતી અને તેમને સામાન્ય ઈજા થઈ હતી. બન્નેને ઘાટકોપર-વેસ્ટની ઝાયનોવા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.’
આગે સ્થાનિક વિસ્તારમાં 
ફાયર-સેફ્ટી અને ટ્રાફિક-વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે લાવી છે. સાંકડી ગલીની બન્ને બાજુ આડેધડ પાર્ક કરાયેલાં વાહનોને કારણે ફાયર-બ્રિગેડનાં વાહનોને ઘટનાસ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હોવાનો સ્થાનિક રહેવાસીઓએ આક્ષેપ કર્યો છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ફાયર-બ્રિગેડનાં અનેક વાહનો ગલીમાં આગળ વધી શક્યાં નહોતાં અને બિલ્ડિંગથી આશરે છથી ૭ બિલ્ડિંગ દૂર અટવાઈ ગયાં હતાં. બાદમાં વાહનોને રિવર્સમાં બહાર કાઢવાની ફરજ પડી હતી. ત્યાર પછી ઊંચાં બિલ્ડિંગોમાં આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાતું ખાસ હાઇડ્રોલિક સાધન મગાવવામાં આવ્યું હતું. આગ પર કાબૂ મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં આશરે બે કલાક પંદર મિનિટનો સમય લાગ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોએ એને તંત્રની સફળતા નહીં પરંતુ બદનસીબી ગણાવી છે. સાંકડી ગલીમાં ૨૦ માળનાં બિલ્ડિંગોને મંજૂરી આપતી વખતે ફાયર-બ્રિગેડનાં વાહનોની અવરજવર માટે પૂરતી જગ્યા હતી કે નહીં, ૧૯૫ ફ્લૅટ ધરાવતા બિલ્ડિંગમાં પાર્કિંગની વ્યવસ્થા કેટલી પૂરતી છે અને રસ્તા પરના ગેરકાયદે પાર્કિંગ સામે નિયમિત કાર્યવાહી કેમ થતી નથી જેવા સવાલો ઊઠ્યા છે.
સ્થાનિક લોકોએ મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો પાસે આ વિસ્તારનું ફાયર-સેફ્ટી ઑડિટ કરાવવા, રસ્તાઓ પરનું દબાણ દૂર કરવા તથા ફાયર-બ્રિગેડનાં વાહનો સરળતાથી પહોંચી શકે એવી વ્યવસ્થા નિશ્ચિત કરવાની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK