વાર્તાનું પહેલું પ્રકરણ વાંચો અહીં
ઇલસ્ટ્રેશન
લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. વેજલગઢના રાજમહેલમાં સવાર આમ જ ઊગે છે... પાછલા છએક મહિનાથી - મારો કુંવર, મારા લોહીનો અંશ અમારા જીવનમાં પાછો આવ્યો ત્યારથી!
મહેલના મંદિર પરિસરમાં બેઠા હિઝ હાઇનેસ ભરતસિંહના હોઠ હસી પડ્યા, અંતરમાં હેતની હેલી ઊભરાઈ. સદ્ગત પત્નીને સંભારી લીધી : સૂર્યા, તમે તો જવાની બહુ ઉતાવળ કરી... પણ કુંવરના પુનરાગમનના જોગે સૂકાભઠ વીતેલા વિજોગનાં વરસોનું સાટું વાળી દીધું છે!
ADVERTISEMENT
‘કેમ એકલો-એકલો મલકાય છે!’
માતાના સાદે ભરતસિંહનું સ્મિત પહોળું થયું, પડખે બેઠક લેતાં વેજલગઢનાં રાજમાતા દેવયાનીબાને પાયલાગણ કરી ભરતસિંહે ઉમળકાને વાચા આપી, ‘ઈશ્વરની મહેરનો હું તો ઓશિંગણ છું, દેવીબા! અનિરુદ્ધનાં પગલાંએ તારા, મારા, આપણા આ મહેલમાં પ્રવર્તતા સૂનકારાને, ખાલીપાને જાકારો આપ્યો.’
દીકરાની હોંશે દેવયાનીબાએ નિસાસો ખાળ્યો : મારા ભરતે કંઈ ઓછું દુખ જોયું છે!
ના, ના. દીકરાને સજ્જનગઢની કુંવરી સૂર્યાકુમારી સાથે પરણાવ્યો, લગ્નના પહેલા જ વરસે વહુએ દીકરો જણ્યો ત્યાં સુધી તો મહેલમાં, અમારા જીવનમાં સુખ જ સુખ છલકાતું હતું. ભરતના પિતા મહારાજા ઉદયસિંહ પણ ત્યારે હયાત. નાનકડો અનિ તો તેમનો કેવો લાડકો!
દેવયાનીબા સંભારી રહ્યાં.
અનિરુદ્ધ હતો પણ કેવો ગોળમટોળ ને મીઠડો! તેના જમણા ગાલે ષટ્કોણ આકારનું લાખું જોઈ રાજજ્યોતિષીએ ભવિષ્ય ભાખેલું કે વેજલગઢની રાજગાદીનો વારસ યશ-કીર્તિનો ધણી બનશે, બાપા-દાદાનું નામ રોશન કરશે!
આની ખુશાલીમાં ઉદયે ગળામાંથી સાચાં હીરા-પન્નાની માળા ઉતારી વિઠ્ઠલનાથને ભેટ ધરી હતી! પૌત્રની પહેલી વરસગાંઠ પણ ઉદયે એવી ધામધૂમથી ઊજવી કે આખા વેજલગઢમાં ચાર દહાડા કોઈના ઘરે ચૂલો નહોતો સળગ્યો!
ત્યારે ક્યાં જાણ હતી કે પૅલેસમાં હવે પછી વરસો સુધી કોઈ ઉજવણી નહીં થાય!
અનિની પહેલી વરસગાંઠના ત્રીજા મહિનાની વાત.
ચોમાસાના દિવસો હતા ને એ વરસે મેઘમલ્હારે આમેય માઝા મૂકી હતી. આખા પંથકને જાણે બાનમાં લીધો હોય એમ વાદળ વરસતાં હતાં. એ અરસામાં મારા ભાઈની તબિયત ઠીક નહોતી એટલે હું અને ભરત તેમની ખબર પૂછવા મારા પિયર ગયાં હતાં અને અઠવાડિયું રોકાવાનાં હતાં. આવામાં એક રાતે અહીં પૅલેસનો ફોન રણક્યો...
દેવયાનીબા સમક્ષ દૃશ્ય ઊપસ્યું :
સૂર્યાના પિયરથી ફોન હતો.
‘કુંવરીબા, મહારાજશ્રીની તબિયત અચાનક બગડી છે. બેહોશીમાં તમારું ને કુંવરનું નામ લે છે. ડૉક્ટર કહે છે તમે અત્યારે નીકળી આવો તો જ કદાચ આખરી મોં-મેળાપ થાય...’
હેં! પિતાને ત્યાંથી નોકર દયાળે આપેલા અણધાર્યા ખબરે સૂર્યા ફફડી ગઈ, ‘સવારે મારી વાત થઈ ત્યારે બાપુજી સાજાનરવા હતા... એકદમ શું થઈ ગયું? અને રણમલભાઈ ક્યાં છે?’
સજ્જનગઢ રિયાસતના દીવાન રણમલ મહારાજના વિશ્વાસુ ગણાતા.
‘દીવાનજી ઍમ્બ્યુલન્સની વ્યવસ્થામાં પડ્યા છે, કુંવરીબા! તેમણે જ તમને ફોન કરવા કહ્યું. જલદી નીકળો તો સારું. અહીં વરસાદ પણ ખૂબ છે, નદીનાળાં ઊભરાય છે. લાઇટ સાંજથી નથી.’
‘હલો!’ સૂર્યા ક્રેડલ મચડી હલો-હલો કહેતી રહી, પરંતુ સામા છેડે ટેલિફોન પણ ડેડ થઈ ચૂકેલો.
અને રડતી સૂર્યાના માથે શ્વશુરજીનો વહાલભર્યો હાથ ફર્યો, ‘ચિંતા ન કરો વહુ, વેવાઈને કંઈ નહીં થાય. આપણે હમણાં જ નીકળીએ, હું જીવણને ગાડી કાઢવા કહી દઉં છું...’
નીકળવાની તૈયારી કરી ઉદય મને ફોન કરી ખબર આપે છે...
દેવયાનીબાએ કડી સાંધી :
‘સાચવીને જજો ઉદય, અહીંથી હું અને ભરત પણ સજ્જનગઢ જવા નીકળીએ છીએ. અહીં એટલો વરસાદ નથી...’
મળસકાના સુમારે અમે મા-દીકરો વેવાઈના મહેલ પહોંચ્યાં ત્યારે ઉદય વગેરે હજુ આવ્યા નહોતા, અને ખબર મળેલા એમ સૂર્યાના પિતા હિઝ હાઇનેસ મનોહરસિંહના આખરી શ્વાસ ચાલતા હતા. પૅલેસ કૉમ્પ્લેક્સની હૉસ્પિટલના સ્પેશ્યલ કક્ષમાં તેમની ચાકરીમાં ડૉક્ટર-નર્સ ખડેપગે હતાં. જોકે ડૉક્ટરે ભરતને કહી દીધું કે મહારાજ સવાર પણ કદાચ જ જોવા પામે... તેમનો જીવ દીકરી-દોહિત્રને જોવા તરસતો હતો, દમ જાણે એટલા પૂરતો જ ટક્યો હતો.
‘મારી સૂર્યાને માનું સુખ ન મળ્યું... ચાર વરસની હતી ત્યારે મહારાણીનો દેહાંત થયો અને...’
ભરતને પાસે બેસાડી, તેનો હાથ હાથમાં લઈ તે ઉઘાડબંધ થતી આંખે બોલતા રહ્યા. અંતઘડીએ હૈયું ઠાલવવા જેવી તેમની ચેષ્ટા હતી. ડૉક્ટરે એમાં રુકાવટની જરૂર ન જોઈ. દીવાન રણમલ અમને એકાંત આપવાની સમજદારી દાખવી નર્સ-નોકરવર્ગને લઈ બહાર નીકળી ગયા.
‘તમે તો બધું જાણો છો, જમાઈરાજ! નમાયી દીકરીના માથે મારે સાવકી મા થોપવી નહોતી, એટલે હું ફરી પરણ્યો નહીં. પરંતુ દાસી મણિ સાથેના સંબંધથી દીકરો થયો...એ રીતે સૂર્યાથી ત્રણ વરસ નાનો લલિત તેનો સાવકો નાનો ભાઈ થયો.’
મહારાજ ત્રૂટકપણે કહેતા રહ્યા એ કહાણી અમારાથી અજાણી ઓછી હતી?
પત્નીના અકાળ અવસાને કે પછી ક્યારેક તો પત્નીની હયાતીમાં જ રાજાનો દાસી સાથે સૂવાનો સંબંધ બંધાય એવું બનતું આવ્યું છે. આના પરિણામે સંતાન થાય તો તે અનૌરસ જ ગણાય છે, તેને કુંવર કે કુંવરીના અધિકાર તો દૂર, માનપાન પણ મળતાં નથી. ક્યાંક જ કોઈ અપવાદ હોય.
મહેલની વિશ્વાસુ દાસી મણિ સાથેના મહારાજના સંબંધથી જન્મેલા લલિત સાથે એટલો અપવાદ સર્જાયો કે લલિત સમજણો થાય અને નાજાયઝ હોવાનો ડંખ અનુભવે એ પહેલાં મહારાજે મણિને થોડી જાગીર આપી ફરજમાંથી છૂટી કરી. અને મણિ પણ એવી ખાનદાન કે ફરી મહેલની દિશામાં જોયું નહીં.
‘છ માસ અગાઉ મણિ અવસાન પામી....’ મહારાજનો સ્વર ધ્રૂજ્યો, ‘મણિના ગયાના બીજા મહિને
લ...લિ...ત...’
મહારાજની છાતી હાંફવા લાગી, શ્વાસની દોર તૂટવા લાગી. મણિના દેહાંતના બીજા મહિને લલિતને સાંકળતું કંઈક તો બન્યું, પણ શું એ તો મહારાજ કહે તો ખબર પડે!
પરંતુ એવી અવસ્થા ન રહી. તેમની તકલીફે ભરતે દોડીને ડૉક્ટરને તેડાવ્યા... પછી મહારાજની વાચા ખૂલી જ નહીં!
કિસ્મતના અણધાર્યા પલટાએ જીવનના ઘણા ભેદ વણખૂલ્યા રહી જાય છે. સવારે સાજોનરવો માણસ સાંજ પડતાં આમ પથારી પકડી સાવ જ મરણને આરે આવી જશે એવું તો કોણે ધાર્યું હોય!
હશે. પણ હજુ ઉદય સૂર્યા-અનિને લઈ આવ્યાં કેમ નહીં!
અમને હવે તેમની ચિંતા થવા લાગી. ત્યાં કોઈ ખબર લાવ્યું : રૂખી નદીનો પુલ તૂટ્યો!
વેજલગઢની હદ બહાર વહેતી રૂખી નદી ગાંડીતૂર થઈ હતી. નદી પર નવો જ બંધાયેલો બ્રિજ તૂટવાના ખબરે અમારાં કાળજાં ચિરાયાં.
અને છેવટે એ જ નીકળ્યું જેનો ડર હતો.
દેવયાનીબાની પાંપણે ભીનાશ છવાઈ.
કોણ જાણે કયા કાળ ચોઘડિયે ઉદય વહુ-પૌત્રને લઈ નીકળ્યા કે તેમની સવારી સજ્જનગઢ પહોંચી જ નહીં! વરસાદનું તોફાન તેમનો કોળિયો કરી ગયું! સંભવત: પૅલેસની ગાડી પસાર થાય છે ત્યારે જ રૂખી નદી પરનો પુલ તૂટે છે અને...
... અને ચોથા દહાડે પૂર ઓસર્યા પછી તેમના કોહવાયેલા મૃતદેહ જ મળ્યા! એના બે દિવસ પછી ક્રેનથી કાદવમાં ખૂંપેલી કાર કઢાવાઈ, પણ એ ખાલી નીકળી. સવા વરસના અનિરુદ્ધનો કોઈ પત્તો ન મળ્યો. અને મળે પણ કેમ? દાદા કે વહુ તેને છાતીસરસો ચાંપી ડૂબતી કારમાંથી નીકળ્યાં હશે, પણ પૂરના જોશ સામે માનવીનું જોર કેટલું ચાલે! બાળક છૂટું પડી ગયું હશે. પૂરમાં ઢસડ્યે જતાં માટી-કાંપમાં વેજલગઢનો કુંવર ક્યાંય દટાઈ ગયો હશે કે મગરનો શિકાર થઈ ગયો હશે... મોટેરાં પૂરમાંથી બચી ન શક્યાં તો બાળકની શું વિસાત!
આખું વેજલગઢ શોકના દરિયામાં ડૂબ્યું હતું. સજ્જનગઢમાં પણ એવો જ શોક હતો. દીકરી-દોહિત્રની વાટ જોતા મહારાજે પરોઢિયે જીવનલીલા સંકેલી લીધી હતી, પણ તેમના અંતિમ સંસ્કાર સૂર્યા વગેરેની ભાળ મળ્યા પછી એકસાથે જ થયા.
ઓહ, કેવા એ દિવસો!
ખેર, ભરતને સંભાળવા મારે કઠણ કાળજું કરી દુખમાંથી ઊભરવું પડ્યું.
આમ તો વિલીનીકરણ પછી લોકશાહી દેશમાં રાજા-રજવાડાંનું ચલણ રહ્યું નથી, પરંતુ રાજપૂતાનાની આગવી પ્રથા તો આજેય પળાતી આવી છે. એટલે ભલે સાદગીભેર, વેજલગઢના રાજા તરીકે ભરતની તાજપોશી કરી : રાજગાદીનું ખાલી રહેવું અપશુકન ગણાય!
ભરતને આનો કોઈ હરખ નહોતો. પિતા-પત્ની-પુત્રની વિદાયે ભરતના જીવનમાંથી રસ, હોંશ ગાયબ થઈ ગયાં. તે હસવાનું ભૂલી ગયેલો.
આવામાં અનિની બીજી વરસગાંઠે રાજજોશી વિઠ્ઠલનાથ મળવા આવ્યા : મારી વિદ્યાના સોગંદ પર કહું છું, રાજમાતા, અનિરુદ્ધકુંવરનું અશુભ થયું હોય એ સંભવ જ નથી.
તેમણે જ્યોતિષના ચોપડા કાઢી ગ્રહ-નક્ષત્રોની ચાલ સમજાવી : ઉદયસિંહજીની, વહુરાણીની ગ્રહદશા માઠી હતી, પણ કુંવરની કુંડળી દોષરહિત છે. તેને આયુષ્યની ઘટ કે ઘાત છે જ નહીં. મારી વિદ્યાનો વિશ્વાસ કરો રાજમાતા, કુંવર જીવિત છે!
બસ, એ સાંભળી ભરતની કીકીમાં ચમકારો પ્રગટ્યો ને મેં દલીલ કરવાનું ટાળ્યું.
પુત્ર જીવંત છે, અને ખાનદાનનું નામ રોશન કરવા ક્યારેક તો પાછો ફરશે એ આશાવાદ ભરતના અસ્તિત્વનો આધાર બની ગયો. વહેવારમાં તપસ્વી જેવી સાદગી અપનાવી લીધી. વાર-તહેવારે, મેળા-ઉત્સવમાં તે આસપાસના પંથકમાં માણસો દોડાવતો: મારા દીકરાને જમણા ગાલે પત્તામાં ચર્કટના નિશાન જેવું લાખું છે... ક્યાંક એવી નિશાનીવાળો કોઈ છોકરો મળે તો માનભેર તેડી લાવો!
વિજોગનાં વરસો વીતતાં ગયાં. ક્યાંયથી કોઈ વાવડ ક્યારેય મળ્યા નહીં અને છ-સાત મહિના અગાઉ, ધુળેટીના દિવસે ઘેરૈયાની ટોળી મહેલના પ્રાંગણમાં સજાવેલા શામિયાણામાં પરંપરાગત નાચ રજૂ કરે છે. એમાં ચોવીસ-પચીસનો લાગતો જુવાન તેના ગોરા કામણગારા રૂપરંગ ને આકર્ષક કદ-કાઠીને કારણે દૂરથી જોનારાની દૃષ્ટિ જકડી લે છે. તેના નર્તનમાં પણ કેવો લય છે!
નૃત્ય પત્યું, મહારાજની દક્ષિણા લેવા ટોળી શામિયાણાના સ્ટેજનાં પગથિયાં ચડી ઉપર આવી અદબથી ઊભી રહે છે.
‘તમારું નૃત્ય અદ્ભુત હતું, પણ એમાં રંગ જુવાન, તેં રાખ્યો!’
ભરતે તે જુવાનને નજીક તેડાવ્યો. અને જેવો તે લગોલગ આવી ઊભો કે ભરતની મુખરેખામાં સળવળાટ થયો : જુવાન, પહેલાં પાણીથી તારો ચહેરો સાફ કર!
હેં! આ વળી કેવો આદેશ!
પણ રાજાના હુકમ સામે દલીલ ન હોય. સ્ટેજ પર જ વ્યવસ્થા થતાં જુવાને ચહેરો ધોતાં હોળીનો લીલો-પીળો રંગ ઊતરવા લાગ્યો. છેવટે નૅપ્કિનથી ચહેરો લૂછી તે અમારી તરફ ફરે છે કે -
સીધું જ જમણા ગાલ પરનું લાખું નજરે ચડ્યું ને ભરતની આંખો વરસી પડી : મા, મારો-આપણો અનિરુદ્ધ! રાજનો કુંવર!
આખી સભાની જેમ હું પણ સ્તબ્ધ હતી, અવાક હતી... ના, એ નિશાન બનાવટી કે ઊપજાવેલું નહોતું. આવું સરખું નિશાન બીજી વ્યક્તિને હોય એવી સંભાવના પણ નહીંવત્ હતી. પછીથી ડીએનએ ટેસ્ટથી કન્ફર્મ થયું કે એ જુવાન જ ભરતનો પુત્ર, મારો પૌત્ર અને વેજલગઢની રાજગાદીનો વારસ અનિરુદ્ધ છે! રાજજોશી હયાત હોત તો હરખપદૂડા થઈ ગયા હોત : મારું ભાખેલું સાચું ઠર્યુંને...
અને છતાં...
‘પ્રણામ, રાજમાતા!’
રણકભર્યા સ્વરે દેવયાનીબા ઝબક્યાં. વિચારવમળો સમેટી લીધાં. જોયું તો પૂજામાંથી પરવારી અનિરુદ્ધ પાયલાગણ કરી રહ્યો છે. પીળું પીતાંબર, પહોળા ખભા પર રેશમી ખેસ અને કપાળે ચંદનનું તિલક. જોતાં જ મોહી પડાય એવો રૂપધારી ખરેખર મારો અનિરુદ્ધ છે? કે પછી...
હોઠ કરડતાં દેવીબાની નજર પૌત્રના જમણા પડખે ઊભી રેવા પર પડતાં વાત્સલ્ય ઘૂંટાયું, અને બેઉની પાછળ ઊભી દાસી રંભાને નિહાળી ભીતરની કડવાશ છલકાવાના ડરે પાંપણના પડદા ઢાળી દેવયાનીબાએ ચહેરો ફેરવી, પૌત્રના માથે હાથ આશીર્વાદનો હાથ ફેરવતાં નક્કી કરી લીધું : નહીં, આ વિષયમાં મારે અવઢવમાં નથી રહેવું. મારી આશંકાઓનું સમાધાન આણી શકે એવી એક જ વ્યક્તિ આખા રાજપૂતાનામાં છે - હિંમતગઢનાં રાજમાતા મીનળદેવી!
(ક્રમશઃ)
