આજે છઠપૂજાના પાવન અવસરે કરોડો ભારતીયો સૂર્યદેવની ઉપાસના કરશે ત્યારે સૂર્યઉપાસનાનું મહત્ત્વ જાણીએ અને મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ઇન્દોરમાં આવેલાં બે અર્વાચીન સૂર્યમંદિરની માનસયાત્રાએ જઈએ
ઓડિશાના કોણાર્ક મંદિર જેવું ૭ ઘોડાવાળા રથના શેપમાં બનેલું ગ્વાલિયરનું વિવસ્વાન સૂર્યમંદિર.
હિન્દુ ભાદરવા મહિનાના આદિત્યના પ્રતીક સમાન ગ્વાલિયરનું વિવસ્વાન સૂર્યમંદિર ઓડિશાના પ્રસિદ્ધ મંદિરની હૂબહૂ પ્રતિકૃતિ છે. આજે છઠપૂજાના પાવન અવસરે કરોડો ભારતીયો સૂર્યદેવની ઉપાસના કરશે ત્યારે સૂર્યઉપાસનાનું મહત્ત્વ જાણીએ અને મધ્ય પ્રદેશના ગ્વાલિયર અને ઇન્દોરમાં આવેલાં બે અર્વાચીન સૂર્યમંદિરની માનસયાત્રાએ જઈએ
સેજલ પટેલ
ADVERTISEMENT
feedbackgmd@mid-day.com
છઠપૂજા એટલે સૂર્યદેવ પ્રત્યેની આસ્થા અને કૃતજ્ઞતાને વ્યક્ત કરવાનું પ્રતીક. માત્ર પૌરાણિક ગ્રંથો જ નહીં, વિજ્ઞાન પણ સ્વીકારે છે કે સૂર્યદેવ જીવનદાતા છે, પ્રકાશ અને સકારાત્મક ઊર્જાના દેવ છે. સૂર્યનાં કિરણો અખંડ ઊર્જાનો સ્રોત હોવાથી પ્રકૃતિના પાલનહાર તરીકે એને પૂજવાની પરંપરા હજારો વર્ષ જૂની છે.
સૂર્યદેવનાં મુખ્ય સ્થાનકોની વાત આવે ત્યારે ઓડિશાનું કોણાર્ક, ઉત્તર પ્રદેશમાં તુલસીઘાટ પાસે આવેલો લોલાર્ક કુંડ અને ત્રીજું બિહારના દેવઘરમાં આવેલું દેવાર્ક અચૂક યાદ આવે. વિજ્ઞાન અને સ્થાપત્યના અદ્ભુત સંગમ સમાન કોણાર્ક મંદિરની રેપ્લિકા બની છે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં. સૂર્યની ઉપાસનાની વાત આવે એટલે મોટા ભાગે આપણને બિહાર, ઓડિશા, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો જ યાદ આવે, પરંતુ મધ્ય પ્રદેશનો પણ પ્રાચીનકાળના સૂર્યમંદિર સાથે જૂનો નાતો છે. ભારતમાં સૌથી પ્રાચીન અને લુપ્ત થઈ ગયેલું એક સૂર્યમંદિર મધ્ય પ્રદેશના મંદસૌરમાં હતું. પાંચમી શતાબ્દીમાં ગુપ્તકાળના એક શિલાલેખમાં મંદસૌરમાં એક સૂર્યમંદિરનો ઉલ્લેખ છે. ટીકમગઢના મડખેરામાં આવેલું સૂર્યમંદિર પણ છેક નવમી સદીનો ઇતિહાસ ધરાવે છે. જોકે આજે આપણે મધ્ય પ્રદેશનાં અર્વાચીન સૂર્યમંદિરોની યાત્રાએ જઈશું.
વિવસ્વાન મંદિર, ગ્વાલિયર
કોણાર્કની પ્રતિકૃતિસમાન વીસમી સદીમાં બનેલું ગ્વાલિયરનું અર્વાચીન સૂર્યમંદિર બિરલા પરિવાર દ્વારા બન્યું હોવાથી એને બિરલા મંદિર પણ કહેવાય છે. જોકે એનું સાચું નામ વિવસ્વાન મંદિર છે, જે ભાદરવા મહિનાના સૂર્યનું પ્રતીક છે. આ મંદિર પરિસરમાં વિવિધ ગ્રહો અને દેવી-દેવતાઓની ૩૭૩ મૂર્તિઓ છે. ૨૦,૫૦૦ સ્ક્વેરફુટમાં ફેલાયેલું મુખ્ય સૂર્યમંદિર કોણાર્કની રેપ્લિકા છે જે લગભગ ૭૬ ફુટ ઊંચું છે. મંદિરનું સ્થાપત્ય આધુનિક વાસ્તુશિલ્પનો નમૂનો છે અને પૌરાણિક કોણાર્ક મંદિરની તમામ ખૂબીઓ ધરાવે છે.
મંદિર ભગવાન સૂર્યના રથના આકારનું છે અને એક મોટા ચબૂતરાની વચ્ચે મધ્યમાં ૨૪ ચક્રો અને ૭ ઘોડાના શેપમાં છે. ૨૪ ચક્રો હિન્દુ ધર્મના ૧૨ મહિનાઓ અને શુક્લ-કૃષ્ણ પક્ષનું પ્રતીક છે અને ૭ ઘોડા એ અઠવાડિયાના ૭ દિવસનું પ્રતીક છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં પણ સંગેમરમરમાંથી સાત ઘોડાનો રથ કોતરાયેલો છે જેની લગામ સારથિ અરુણના હાથમાં છે. એ રથ ઉપર ભગવાન વિવસ્વાન એટલે કે સૂર્યદેવની મૂર્તિ બિરાજમાન છે. પદ્માસનમાં બેઠેલા સૂર્યભગવાન કિરીટ, કુંડલ, એકાવલી, હાર, યજ્ઞોપવીત, કંકણ, નૂપુર, મેખલા અને ધોતી ધારણ કરે છે. ચતુર્ભુજદેવની ખભા સુધી ઊંચકાયેલી બે ભુજાઓમાં કમળ છે. સામેની જમણી ભુજામાં ત્રિશૂળ અને ડાબી ભુજામાં માળા છે. હિન્દુ ધર્મના ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શિવના સમન્વિત સ્વરૂપને પ્રસ્તુત કરતું સૂર્યનું સ્વરૂપ છે. કમલપુષ્પ વિષ્ણુનું, ત્રિશૂળ શિવનું અને માળા બ્રહ્માનું પ્રતીક છે.
કોણાર્ક મંદિરની જેમ સૂર્યનું પહેલું કિરણ ગર્ભગૃહમાં પડે એ માટે શિખરની ચારે તરફ ખાસ પ્રકારની સુરંગ બનાવી છે જેમાં કિરણો પરાવર્તિત થઈને સૂર્યની રોશની મૂર્તિના મુગટ પર પડે છે. મંદિરના મુખ્ય સભામંડપને ૩ દ્વાર છે અને દરેક દ્વાર પર ૪-૪ સ્તંભ છે જેના પર નવગ્રહોની મૂર્તિઓ છે. પ્રત્યેક દ્વાર પર સૂર્ય, ચંદ્ર, મંગળ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ-કેતુની મૂર્તિઓની સાથે ચતુર્ભુજી ગણેશ બિરાજમાન છે. મંદિરની દીવાલો પર દ્વાદશા સૂર્ય, દશાવતાર, બ્રહ્મા, વિષ્ણુ, નારદ સપ્તમાતૃકા, નવદુર્ગાનાં વિવિધ સ્વરૂપોની કુલ ૩૭૩ મૂર્તિઓ કંડારેલી છે.
પૂર્વાભિમુખ મંદિર બહારથી લાલ બલુઆ પથ્થરનું છે જ્યારે અંદરથી આરસપહાણથી કંડારેલું છે. ૧૯૮૪માં પ્રસિદ્ધ ઉદ્યોગપતિ ઘનશ્યામ બિરલાની પ્રેરણાથી આ મંદિર બનવાની શરૂઆત થઈ હતી અને ૧૯૮૮માં મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી.
ઇન્દોરનું સૂર્ય નવગ્રહ તીર્થ
ગ્વાલિયરની જેમ જ મધ્ય પ્રદેશમાં આવું જ અર્વાચીન સૂર્યમંદિર ઇન્દોરમાં પણ છે. અહીં નવગ્રહો પણ સ્થાપિત છે. હુજ્જીદેવી રાજદેવ નામનાં એક મહિલાને એક સંતે કહેલું કે ઇન્દોરમાં પ્રાચીનકાળમાં એક સૂર્યમંદિર હતું એનું પુનઃ નિર્માણ કરાવો. હુજ્જીદેવીના દીકરા હમશત રાયે માતાના આદેશને માથે ચડાવીને સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું. દોઢ એકરમાં ફેલાયેલું આ મંદિરનું પ્રવેશદ્વાર કમળ, શંખ, ચક્ર, સ્વસ્તિક અને માછલીનાં શુભ પ્રતીકોથી સજ્જ છે. કમળ પર વિરાજમાન સૂર્યદેવની છબી છે જેની બન્ને તરફ હાથી છે. મંદિરનાં સાત શિખરો છે, જેમાં દરેક સ્તર પર સૂર્યયંત્ર, શ્રીયંત્ર અને ગુરુયંત્ર જેવાં યંત્રો કોતરેલાં છે. સભામંડપમાં સામે ૭ ઘોડા પર દ્વારા ખેંચાતા રથ પર સૂર્યદેવની મૂર્તિ છે. ઓડિશાના મૂર્તિકારોએ સંગેમરમરમાંથી બનાવેલી આ મૂર્તિ ૧૩ ફુટ ઊંચી છે. આ ૭ ઘોડા સાત દિવસોનું પ્રતીક તો છે જ, પણ ઋગ્વેદમાં આ ઘોડાનું નામ છે ગાયત્રી, બૃહતી, ઉષ્ણિક, જગતી, ત્રિષ્ટુપ, અનુષ્ટુપ અને પંક્તિ. અહીં સૂર્યદેવની મૂર્તિએ શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલાં છે. રથની બન્ને તરફ હંસ છે. સૂર્યદેવની મોટી પ્રતિમા સાથે એક ધાતુની મૂર્તિ પણ છે, જેમાં તેમની પત્નીઓ ઉષા અને પ્રત્યુષાની પ્રતિમાઓ પણ છે.
સભામંડપમાં સૂર્યદેવના ૧૨ માસિક સ્વરૂપો અને પ્રતીકોનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. આદિત્યને ચૈત્ર મહિનામાં ધાતા, વૈશાખમાં અર્યમા, જ્યેષ્ઠમાં મિત્ર, અષાઢમાં વરુણ, શ્રાવણમાં ઇન્દ્ર, ભાદરવામાં વિવસ્વાન, અશ્વિનમાં પૂષા, કારતકમાં પર્જન્ય, માગશરમાં અંશુમાન, પોષમાં ભગ, માઘમાં ત્વષ્ટા અને ફાલ્ગુનમાં વિષ્ણુ કહેવાય છે.
મંદિરના પરિક્રમા પથ પર ચારે તરફ નવગ્રહોને સમર્પિત મંદિરો છે. ચંદ્ર ગ્રહ શિવમંદિર, શુક્ર ગ્રહ લક્ષ્મીમંદિર, મંગળ ગ્રહ હનુમાનમંદિર, રાહુ ગ્રહ સરસ્વતીમંદિર, શનિ ગ્રહ કાલભૈરવમંદિર, બુધ ગ્રહ કુબેરમંદિર, કેતુ ગ્રહ ગણેશમંદિર અને ગુરુ ગ્રહ માટે દત્તાત્રેયમંદિર છે. એ ઉપરાંત મંદિર પરિસરમાં બગલામુખી માતાનું મંદિર પણ છે. રવિવાર, મકરસંક્રાન્તિ, છઠપૂજા અને રથસપ્તમી જેવા અવસરોએ મંદિરમાં વિશેષ અનુષ્ઠાન થાય છે.
કેવી રીતે જવાય?
ઇન્દોરનું સૂર્યમંદિર બસ-સ્ટૅન્ડ અને રેલવે-સ્ટેશનથી મંદિર જસ્ટ ૧૦ કિલોમીટર દૂર છે. ત્યાંથી બસ, રિક્ષા બધું જ મળી રહે છે.
ગ્વાલિયરનું વિવસ્વાન મંદિર મેઇન જંક્શનથી પાંચ કિલોમીટર દૂર છે અને મોરારનદી પાસે છે. અહીં મંદિર પરિસરમાં મોબાઇલ અંદર લઈ જવાની પરવાનગી નથી.
ગ્વાલિયર શહેર અને સૂરજકુંડ
લોકકથા કહે છે કે ગ્વાલિયરના કિલ્લામાં પણ એક રહસ્યમય અને ઐતિહાસિક સ્થળ છે, સૂરજકુંડ. ૧૫મી સદીથી અસ્તિત્વ ધરાવતી આ જગ્યા ખૂબ ચમત્કારિક માનવામાં આવે છે. અહીંનું પાણી ઔષધીય છે. ગ્વાલિયર નગરની સ્થાપના કરનારા રાજા સૂરજ સેનને કુષ્ઠરોગ હતો. તેઓ શિકાર કરવા ગયા ત્યારે ખૂબ તરસ લાગેલી. તેમણે વનમાં તપ કરી રહેલા સંત ગ્વાલવ તરીકે જાણીતા ઋષિ ગ્વાલિપાને પાણી ક્યાં મળશે એ પૂછ્યું. એ ઋષિ તેમને નજીકમાં આવેલા એક તળાવ પર લઈ ગયા અને તેમના કહેવા પર સૂરજસેને એ તળાવનું પાણી પીધું અને પછી એ જળથી સ્નાન કરતાં તેમનો કુષ્ઠરોગ સંપૂર્ણપણે ઠીક થઈ ગયો. આ ચમત્કારથી પ્રસન્ન થઈને સૂરજસેને આ તળાવ પાસે કુંડ બનાવવા માટે ખોદકામ કરાવ્યું. એ વખતે અહીં પ્રાચીન સૂર્યમંદિરના અવશેષો મળ્યા. આ મંદિર છઠ્ઠી સદીમાં મિહિરકુળના શાસન દરમ્યાન બનાવાયેલું અતિપ્રાચીન સૂર્યમંદિર હોવાનું મનાય છે. એટલે રાજાએ કુંડને નામ આપ્યું સૂરજકુંડ અને પોતાને આ તળાવ ચીંધીને કુષ્ઠરોગથી મુક્ત કરનારા ઋષિના નામ પરથી નગરનું નામ પાડ્યું ગ્વાલિયર. સૂરજકુંડમાં અલગ-અલગ દેવી-દેવતાઓને સમર્પિત નાનાં મંદિરો છે. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ પણ આ બાવડીને સંરક્ષિત જાહેર કરી છે, કેમ કે એનું આર્કિટેક્ચર જૂના સમયની વૉટર-મૅનેજેમન્ટ સિસ્ટમની ઝલક દર્શાવે છે.
સૂર્યના ઉપાસકો માગા બ્રાહ્મણ
સામ્બપુરાણ અનુસાર સૂર્યના ઉપાસકોને મગ કહેવાય છે. ભારતનાં અનેક પ્રાચીન મંદિરોમાં જે પૂજારીઓ સેવામાં છે એ માગા બ્રાહ્મણ મનાય છે. ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને કુષ્ઠરોગ થયો હતો. એ વખતે સામ્બને સાજો કરવા માટે સૂર્યની ઉપાસના કરવાનું કહેવામાં આવ્યું હતું. તેની શુશ્રૂષા માટે શાકદ્વીપ એટલે કે પ્રાચીન ઈરાન અને મધ્ય એશિયાના ક્ષેત્રમાંથી મગ પુરોહિતોને ભારત બોલાવવામાં આવ્યા હતા. સામ્બપુરાણમાં સૂર્યના ઉપાસકોને માગા કહેવાયા છે. ઇતિહાસ કહે છે કે આર્યભટ્ટ, વરાહમિહિર જેવા મહાન ખગોળવિદો અને ગણિતજ્ઞો પણ માગા બ્રાહ્મણ હતા. હાલમાં બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ગુજરાતમાં મગ બ્રાહ્મણોનો વસવાટ છે.
