Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > નવરાત્રિ: અંતરનાં અમી (પ્રકરણ-૫)

નવરાત્રિ: અંતરનાં અમી (પ્રકરણ-૫)

Published : 23 October, 2026 02:48 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

એ સાંજે બેઉ દરિયાકિનારે બેઠાં છે. હાથના અંકોડા ભિડાયા છે. ઉત્ક્રાંતની આંખો કહી રહી છે : મારા પૂર્વગ્રહોની જંજીર તોડીને તારી પાસે આવ્યો છું લજ્જા! મને સાચવી લેજે...

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


આર્થિક અનિશ્ચિતતા અને મોટા ગોલ્સ પૂરા ન કરી શકવાની નિરાશા વચ્ચે નાની અને પોસાય એવી લક્ઝરીથી તરત સંતોષ મેળવવાની વૃત્તિને ‘લિપસ્ટિક ઇફેક્ટ’ કહેવાય છે. આ પ્રકારનો ખર્ચ ક્યારે સ્વાભાવિક છે અને ક્યારે તમારા ફાઇનૅન્શિયલ ગોલ્સને નુકસાન પહોંચાડવા લાગે છે એ સમજવું જરૂરી છે

‘મંગલમૂર્તિ.’



બીજી સવારે મા-પિતાજી મંદિરના પૂજાપાઠમાં વ્યસ્ત થયાં એટલે આકૃતિ ભાઈની બાજુમાં ગોઠવાઈ, ‘આઇ ઍમ સૉરી ભાઈ. મારે તમને આકુ-આકાર બાબત કહેવું હતું, પણ તમે વેદાંતભાઈના કિસ્સાએ પ્રેમના નામે એવા અસ્પૃશ્ય થઈ જાઓ છો કે મને તમારી પ્રતિક્રિયાની બીક લાગતી.’


ઉત્ક્રાંતે ડોક ધુણાવી. છળની સંભાવના હોય એવા સાથે મારી બહેનનો કોઈ સંબંધ નહીં હોય એવો ફેંસલો સુણાવીને નીકળી આવ્યા પછી રાતે પડખું ઘસતાં ધીરે-ધીરે નવી અણખટ ઊઘડી હતી : એક વરસથી આકુ પ્રેમમાં છે અને મને જ કહ્યું નહીં?

આની રીસ જાગી ત્યાં લજ્જાનો ફોન આવ્યો. તેણે સમજાવ્યું કે તમારા પ્રતિભાવના ડરે આકૃતિ કેટલું પીંખાઈ હશે એ વિચારશો તો બહેન માટે રીસ નહીં જાગે... કહી ઉમેરેલું : ચિંતા ન કરશો ઉત્ક્રાંત, ફરી ફોન કરીને તમારા મનોજગતમાં વિક્ષેપ નહીં નાખું.


આને સમર્પણ કહેવું કે પ્યાર?

આછું મલકીને ઉત્ક્રાંતે નાની બહેનને આશ્વસ્ત કરી, ‘સમજું છું આકુ, મને ખોટું નથી લાગ્યું.’

‘ખરેખર એવું હોય ભાઈ તો તમને આ બહેનની હોંશની આણ, મારું એક વેણ રાખજો. લજ્જાને અરુણાના ઓછાયાથી અળગી કરી દો, તેને અપનાવીને તેની તપસ્યા સાર્થક કરી દો...’

ઘડીક ઉત્ક્રાંત નાની બહેનને નિહાળી રહ્યો. તે આકાર માટે નથી કહેતી, બલ્કે બેઉએ મારો ફેંસલો શિરોમાન્ય રાખ્યો છે... તેના કંઠમાં ભીનાશ છવાઈ, ‘તું સાચે જ મોટી થઈ ગઈ આકુ!’

આમાં ભાઈએ લજ્જા માટે હા જ ભણી કહેવાય અને એના હરખે આકૃતિની આંખો વરસી પડી!

lll

એ સાંજે બેઉ દરિયાકિનારે બેઠાં છે. હાથના અંકોડા ભિડાયા છે. ઉત્ક્રાંતની આંખો કહી રહી છે : મારા પૂર્વગ્રહોની જંજીર તોડીને તારી પાસે આવ્યો છું લજ્જા! મને સાચવી લેજે...

આનો વાયદો પાકો કરતી હોય એમ સ્પર્શની ભીંસ વધારીને લજ્જા ઉત્ક્રાંતના ખભે માથું ઢાળી દે છે.

અને સાંજની રતાશવરણી છાયામાં દૂર ક્યાંક લતાજીનો સ્વર ગુંજે છે : હમને દેખી હૈં ઉન આંખોં કી મહકતી ખુશબૂ...

lll

‘હું આકારની તરફદારી નથી કરતી ઉત્ક્રાંત, પણ છેવટે આકૃતિની આંખ ખોલવા પણ તેની સચ્ચાઈ પારખવી જરૂરી છે...’

આટલા પૂરતું લજ્જા ઉત્ક્રાંતને કન્વિન્સ કરી શકી.

સવાલ એ છે કે આકારનું સત્ય પારખવું કેમ? ઉર્વશી પાસે રવિરાજના જે નંબરો છે એ નૉન-રીચેબલ બતાવે છે... એ સિવાય બીજી કોઈ ક્લુ પણ ક્યાં છે?

‘એ પણ મળશે ઉત્ક્રાંત. આકાર-આકૃતિનો મેળ માતાના ચોકમાં થયો છે, તેમના એક થવામાં માતાજીના આશિષ હશે તો જરૂર કોઈ ચમત્કાર થવાનો!’

lll

અને રવિવારે આઠમના નોરતાની બપોરે લજ્જાનો ફોન રણકી ઊઠ્યો. અજાણ્યા નંબર પરથી વિડિયો-કૉલ!

કદાચ કંપનીના કામનો હશે એમ માનીને તેણે કૉલ રિસીવ કરતાં ચમકવા જેવું થયું.

‘હાય રોહન! આ ડ્રેસ કેવો લાગે છે?’

કેડિયું-ધોતી પહેરેલો જુવાન પૂછી રહ્યો છે.

બિલકુલ એમ જ જેમ ઉર્વશીને પુછાયું હતું... એ જ રોહનનું નામ, એ જ નોરતાંનો પહેરવેશ. ફરક એટલો જ કે ઉર્વશીને પૂછનારો આકાર હતો અને અત્યારે...

લજ્જાએ હોઠ ભીંસેલા રાખ્યા પણ હૈયે પડઘો ઊઠ્યો : ઉત્ક્રાંત તમે!

lll

વિડિયો-કૉલ પતતાં જ લજ્જાએ આકાર, આકૃતિ-ઉત્ક્રાંતને ઘરે તેડાવી લીધાં. કેટલાય દિવસે એકબીજાને ભાળીને આકાર-આકૃતિનાં હૈયાં ભીંજાયાં. લજ્જાના પેરન્ટ્સ સોશ્યલ વિઝિટે આઉટ ઑફ ટાઉન હતા એટલે વાતચીતની મોકળાશ હતી.

લજ્જા પર આવેલા ફોનની વિગતે ચમકી જવાયું. અગમચેતી વાપરીને લજ્જાએ કરેલું રેકૉર્ડિંગ નિહાળીને ઉત્ક્રાંત પણ ડઘાયો : આ હું નથી...

‘ચોક્કસ નથી. પણ હવે વિચારો, આજના ટેક-યુગમાં તમારા જેવું બીજું કોણ હોય?’

અને ઉત્ક્રાંતને ઝબકારો થયો : AI ક્લોન!

‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એટલું ઍડ્વાન્સ અને ઈઝીલી અવેલેબલ થઈ ગયું છે કે અમુકતમુક ઍપ વાપરીને તમે કોઈનો પણ AI ક્લોન સર્જી શકો અને થોડી ઘણી એક્સપર્ટાઇઝ હોય તો એની પાસે આવા વિડિયો-કૉલ સુધ્ધાં કરાવી શકો...’

બોલતાં-બોલતાં ઉત્ક્રાંતના દિમાગમાં પ્રકાશ પથરાતો ગયો, લજ્જા આંખોથી શું જતાવતી હતી એ સમજાઈ ગયું : મારો ક્લોન બનાવનારે આકારનો પણ ક્લોન બનાવ્યો હોઈ શકે!

પણ કોણે?

આના તર્કવિતર્કમાં સૌ ખૂંપ્યાં હતાં ત્યાં લજ્જાનો ફોન રણક્યો.

‘મિસ લજ્જા, હું તમારી હિતેચ્છુ બોલું છું.’ સામેથી અજાણ્યા સ્ત્રીસ્વરમાં કહેવાયું, ‘તમને ચેતવવા ફોન કર્યો છે. તમને વિડિયો-કૉલ કરનાર ઉત્ક્રાંત રિયલ ઉત્ક્રાંત નથી... મારા પતિ તિલકનાથે સર્જેલી AI ક્લોનની માયાજાળ છે.’

તિલકનાથ!

આકાર-ઉત્ક્રાંત એકસરખા ચમક્યા.

‘મને ટ્રાવેલિંગનો શોખ છે. લાસ્ટ યરના મે મન્થની ગોવાની ટ્રિપ દરમ્યાન એક તિલકનાથ મને મળેલો. અમે એક જ હોટેલમાં હતા. હી યુઝ્ડ ટુ ક્લિક નંબર્સ ઑફ ફોટો, વિડિયો...’

‘સેમ હિઅર. મને એક તિલક હમણાં દિલ્હીમાં મળ્યો...’

બન્નેએ તેની તસવીર ખોળતાં કન્ફર્મ થયું : આ તો તે જ!

ક્લોન બનાવનાર પાસે આપણી તસવીર, વિડિયોનું રૉ-મટીરિયલ તો હોવું ઘટે. અમે બન્ને સોશ્યલ મીડિયા પર બહુ ઍક્ટિવ નથી એટલે જ તિલકે તસવીરો લીધી હોય...

ત્યાં સામેથી સંભળાયું, ‘અસલી ઉત્ક્રાંત આવો હોઈ શકે પણ નહીં.’

સ્ત્રીના શબ્દોમાં ભેદ લાગ્યો.

‘તમે ઉત્ક્રાંતને જાણો છો? આઇ મીન, રિયલ ઉત્ક્રાંતને?’

સામે પળની ચુપકી રહી, પછી સંભળાયું, ‘હું પૈસાના મોહમાં તણાઈ ન હોત, પ્યારને પૈસાથી ઉપર ગણ્યો હોત તો ઉત્ક્રાંતની હું ભાભી હોત.’

હેં!

‘અ...રુ...ણા!’ ઉત્ક્રાંત બોલી પડ્યો. જે સ્ત્રીને કારણે વેદાંતે પ્રાણ આપ્યા અને પોતે પ્રીતથી દૂર થયો એ જીવનપ્રવાહમાં આમ ભટકાશે એ કેમ ધાર્યું હોય!

સામે અરુણા પણ સ્તબ્ધ બની. તિલકે ઉત્ક્રાંતનો AI ક્લોન સર્જીને જેને બ્લૅકમેઇલ કરવા ઇચ્છ્યો તે લજ્જાનો પ્રેમી અસલી ઉત્ક્રાંત જ નીકળે એ જોગાનુજોગે તેને અવાક કરી મૂકી.

પછી નિસાસો નાખ્યો, ‘સારું થયું કે તમારો સંપર્ક થઈ શક્યો ઉત્ક્રાંત. આપણે મળ્યાં નથી, પણ વેદાંત તેના પાકીટમાં તમારી સાથેનો ફોટો રાખતો એટલે તમારી ઘનિષ્ઠતા છૂપી નહોતી...’ અરુણાએ પોતાની ગાથા માંડી, ‘મેં નાનપણમાં ગરીબી જોયેલી એટલે અમીરીનું મને ખેંચાણ રહેતું. કૉલેજમાં વેદાંત સામે હું હૈયું હારી એમાં બનાવટ નહોતી. વેદાંત સધ્ધર હતો જ, પણ પછી વડોદરાથી તિલકનું કહેણ આવતાં મને પલટી મારી : તિલક કંઈ એવો રૂપાળો નથી, પણ છેવટે તો લખપતિ કરતાં કરોડપતિને પતિ બનાવવામાં જ સમજદારી છેને!’

તે કહેતી રહી, ‘તિલકને પસંદ કરીને હું ખુશ હતી. સંસારમાં અમે વર-બૈરી બે જ જણ. વેદાંતના સુસાઇડના ખબરે પણ હું વિચલિત નહોતી થઈ, પણ સહજીવન સ્વર્ગ જેવું નહીં હોય એનો અંદાજ બહુ જલદી આવી ગયો.’

સૌ સાંભળી રહ્યાં.

‘તિલકને શરાબ-શબાબ, જુગારની કુટેવ હતી. હું કંઈ કહેવા જાઉં તો ઉતારી પાડે : મને ખબર છે તું મારો પૈસો જોઈને પરણી છે, તારી કિંમત મારા માટે બાંદીથી વધુ નથી!’

તિલકનો પત્ની માટેનો અભિગમ તેનાં વાક્યોમાં પડઘાતો પણ ખરો..

‘જુગારની લતમાં તે ખુવાર થતો ગયો એટલો મારાથી આળો થતો ગયો : તું છે જ બૂંદિયાળ! ધોલધપાટ રોજની બની ગઈ. એમાં બૂરી સોબતમાં માનવી પાવરધો થતો જાય એમ કોણ જાણે ક્યાંથી ક્લોન બનાવવાનું શીખ્યા..’

આજે કોઈનો મોબાઇલ-નંબર મેળવવો મુશ્કેલ નથી. એના આધારે તે શિકાર તરાસતો. એક-બે વિડિયો-કૉલમાં તિલકને શિકારની પહોંચનો અંદાજ આવી જતો, પોતે નેપથ્યમાં રહીને છોકરીઓને બ્લૅકમેઇલ કરવાનો ધંધો ફાવી ગયો...

‘મને હજી હમણાં જ આની જાણ થઈ...’ અરુણાએ નિ:શ્વાસ નાખ્યો, ‘પતિના એકાંત પર નજર રાખતાં તેની રૂમના ટીવી પર ઉત્ક્રાંતનો AI ક્લોન જોઈને મને વેદાંત સાંભરી આવ્યો. હું શું બની શકત અને શું બની ગઈ એના અહેસાસે મને અમુક કદમ લેવા પ્રેરી છે. તને ચેતવવાનું એમાંનું એક સ્ટેપ હતું...’

અરુણાએ સાદ ખંખેર્યો, ‘એ બહાને ઉત્ક્રાંત સાથે કડી સંધાઈ... બને તો મને ક્ષમા કરજે. બાકી વેદાંતની માફી તો હું તેને મળીને માગીશ.’

અને કૉલ કટ થયો.

lll

‘વડોદરાના બંગલામાં અચાનક લાગેલી આગમાં પતિ-પત્ની જીવતાં ભૂંજાયાં!’

બીજી સવારે મીડિયામાં ગાજેલા સમાચારની વિગતે ઉત્ક્રાંત વગેરે સ્તબ્ધ બન્યા : મધરાતે લાગેલી આગમાં ભૂંજાનારાં તો તિલક-અરુણા!

‘વેદાંતની માફી તો હું તેને મળીને માગીશ...’ અરુણાના શબ્દો પડઘાયા. ક્યાંક એવું તો નથીને કે પતિની મારપીટથી, બદનામ ધંધાથી ત્રાસેલી, થાકેલી અરુણાએ જ આગ લગાવીને બધું સ્વાહા કરી નાખ્યું!

ખરેખર એવું જ હતું. પતિના ભોજનમાં ઘેનની દવા નાખીને તેને સુવાડી દીધો ત્યારે તિલકને ભનક પણ નહીં હોય કે પોતે સવાર ભાળવાનો નથી! દીવાની જ્યોતથી બેડરૂમના કર્ટન સળગાવીને અરુણા પલંગ પર પોઢી ગઈ હતી... વેદાંતની આત્મહત્યાની કદાચ આ જ સજા હતી. તિલકની શિકાર બનેલી યુવતીઓ માટે એ ખરા અર્થમા ઉપહાર હતો. અને હા, આગ ચાંપતાં પહેલાં તે એક અગત્યનું કામ પતાવાનું નહોતી ભૂલી...

- અને એ કામ એટલે... 

‘આથી હું તિલકનાથ ઝવેરી એકરાર કરું છું કે....’

આગની ઘટના પહેલાં અરુણાએ પતિના અકાઉન્ટ પરથી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરેલો વિડિયો વાઇરલ થવા લાગ્યો.

ના, પોતાનાં પાપ તિલકે ખુદ કબૂલ્યાં નહોતાં, અરુણાએ પ્રોફેશનલની મદદથી તિલકનો AI ક્લોન બનાવીને એની પાસે કરાવેલી કબૂલાતના વાઇરલ થવાથી વધુ પોએટિક જસ્ટિસ શું હોય!

lll

‘આઇ ઍમ સૉરી...’ ઉર્વશીએ આકાર-આકૃતિની માફી માગી. ઉત્ક્રાંતે ઊલટભેર આકારને સ્વીકાર્યો. આકાર-આકૃતિ, ઉત્ક્રાંત-લજ્જાની જોડી જામવાથી માવતર તો ખુશ હોય જ.

શરદપૂનમની રાતે બન્ને કપલ અને ઉર્વશી દરિયાકિનારે ઉજાણી કરતાં હતાં ત્યાં ઉર્વશી પર નિર્મળાબહેનનો ફોન આવ્યો, ‘તેં કંઈ જાણ્યું? નીરુનો ખૂની પકડાઈ ગયો!’

હેં!

ઉર્વશી ચમકી. બીજાં પણ એકકાન થયાં. ઉર્વશીના હૈયે હજી નિરુના આપઘાતનો ડંખ હતો. એ દૂર થાય એવું કંઈક બન્યું હોય તો રંગ રહી જાય!

‘મા, નિરુએ તો પંખે લટકી આત્મહત્યા કરી હતીને?’

‘એવું તો આપણે માન્યું, પોલીસે સ્વીકાર્યું. ખરેખર તો તેના ધણી રવજીને ધનિયા નામની બાઈ સાથે લફરું હતું. નીરુ છૂટી થવા માગતી નહોતી, ઘર તેના નામે હતું એટલે ધનિયાની ચડામણીએ રવજીએ બૈરીનું ગળું દાબીને પત્તું કાપ્યું અને પંખે લટકાવીને આપઘાત ઊપજાવ્યો. અભણ નીરુ અંતિમ ચિઠ્ઠી જેવું કંઈ લખી ન શકે, તેના વાંઝણીપણાને કારણે સૌએ માની પણ લીધું...’

વાત હજી જાહેર ન થાત, પણ રવજીને તેનો રંગીન સ્વભાવ ભારે પડ્યો. નીરુના નિધન બાદ તે ધનિયાને પરણ્યો ખરો, પણ વસ્તીમાં નવી ભાભી આવતાં તેની સાથે નૈનમટક્કા ચાલુ થયા. એક રાતે ધનિયાએ બેઉને સહશયન કરતાં નરી આંખે જોયાં. તેણે રવજી સાથે ઝઘડો માંડ્યો, બદલામાં માર પડતાં વીફરેલી તે પોલીસથાણામાં હાજર થઈ ગઈ : સાહેબ, મારા કહેવાથી રવજીએ તેની પહેલી બૈરીનું ખૂન કરેલું! નસીબજોગે થાણાના ઇન્ચાર્જે આમાં રસ લીધો, રવજીને પકડ્યો, દમદાટી આપતાં તેણે ગુનો કબૂલતાં અત્યારે તો વર-બૈરી બેઉ જેલભેગાં થયાં છે, નખરાળી ભાભીનું ઘર ભાંગ્યું છે. ધનિયાને જેલનો વાંધો નથી : મારે તો મારો વર સોતનથી દૂર છે એ પૂરતું છે!

માના અહેવાલે ઉર્વશીએ પહાડ જેવો ઊતરતો અનુભવ્યો : નીરુએ મારી કરણીની સજા ઓઢતી હોય એમ આપઘાત નહોતો કર્યો... મારા માથે હવે એ કલંક નથી!

‘એક વાત કહું મા? ઘરેણાં નીરુએ ચોર્યાં જ નહોતાં... એ મેં લીધેલાં.’

માને સઘળું કહેવાતું ગયું એમ ભીતર હળવું થતું ગયું. બધું જાણીને માતાએ મા જેવો જ પ્રતિભાવ પાઠવ્યો : મૂઆ ઘરેણાં. તું ઠીક છે એટલું અમને પૂરતું છે...

ઉર્વશી ખિલ-ખિલ હસી... સાવ
પહેલાં જેવું!

કથાના ઉપસંહારમાં એટલું કે આકાર-આકૃતિ, ઉત્ક્રાંત-લજ્જાનાં રંગેચંગે લગ્ન લેવાયાં અને તેમનું સંસારસુખ મહેકતું જ રહ્યું!

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 02:48 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK