આ ગુરુપૂર્ણિમા નિમિત્તે વાત કરીએ બે એવા ફીલ્ડની વ્યક્તિઓ સાથે જેમની પાસે આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે.
ગુરુપૂર્ણિમા
આ ગુરુપૂર્ણિમા નિમિત્તે વાત કરીએ બે એવા ફીલ્ડની વ્યક્તિઓ સાથે જેમની પાસે આજ સુધીમાં હજારો વિદ્યાર્થીઓ ભણી ચૂક્યા છે. સેંકડો શિષ્યો સાથે પનારો પાડનારા આ ગુરુઓ પોતાના ગુરુ માટે શું વિચારે છે, તેઓ પોતાના સમયના શિષ્યત્વ અને આજના સમયના શિષ્યત્વ વિશે શું વિચારે છે એ જાણીએ
બદલાયેલા સમયમાં ગુરુની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે જીવનના પ્રશ્નોના સમાધાન માટે અથવા કોઈક કલાને હસ્તગત કરવા માટે લોકો ગુરુ પાસે જતા. આજે પ્રશ્નોના સમાધાન માટે હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પાસે જાય છે. ચૅટ GPT જેવાં વિવિધ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનાં સાધનો જે રીતે મનની તમામ મૂંઝવણથી લઈને તમામ પ્રકારની આર્ટિસ્ટિક બાબતો શીખવવાની બાબતમાં પણ જનમાનસ પર હાવી થઈ રહ્યાં છે એ જોતાં ગુરુ પ્રત્યેની દૃષ્ટિ પણ જાણે કે બદલાવી શરૂ થઈ છે. જોકે આજે પણ ઘણી બાબતો છે જેમાં ગુરુનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. એવાં જ બે ક્ષેત્ર અને એ ક્ષેત્રનાં બે અગ્રણી નામ સાથે આજે આપણે ગુફ્તેગો કરવાના છીએ. પરંપરાગત નૃત્ય સાથે સંકળાયેલાં સમીર અને અર્શ તન્ના અને ઇન્ડિયન કુકિંગમાં પહેલા માસ્ટરશેફ તરીકે નામના મેળવનારા સંજીવ કપૂર, જેમની પાસે આજ સુધી હજારો સ્ટુડન્ટ્સ તૈયાર થયા છે. પણ તેમને તેમના મુકામ સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા તેમના ગુરુ કોણ હતા? કઈ રીતે તેઓ ખાસ હતા અને તેમના જીવનને સમૃદ્ધ કરવામાં આ ગુરુઓનો શું રોલ હતો?
ADVERTISEMENT
જો મારા જીવનમાં આટલા લોકો ન હોત તો શેફ તરીકેની મારી યાત્રા કદાચ શરૂ જ ન થઈ હોત : સંજીવ કપૂર, સેલિબ્રિટી શેફ
મોટા ભાઈ રાજીવ સાથે સંજીવ કપૂર
રણવીર બ્રાર, કુણાલ કપૂર, વિકાસ ખન્ના, હરપાલ સિંહ સોખી, અજય ચોપડા જેવા અત્યારે જેટલા પણ ટૉપના શેફ છે એ બધાને જ શીખવવામાં લેજન્ડરી શેફ સંજીવ કપૂરની ભૂમિકા રહી છે. શેફ તરીકે પણ તમે વિખ્યાત બની શકો એ આખો નવો ચીલો ચાતરનારા સંજીવ કપૂરનું બાળપણ દિલ્હી, મેરઠ, અંબાલા જેવા પંજાબનાં જુદાં-જુદાં શહેરોમાં વીત્યું છે. પિતા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા અને પિતાને રસોડામાં જઈને રસોઈ બનાવતા જોયા છે એ સંજીવ કપૂર માટે પહેલું મોટિવેશનલ ફૅક્ટર હતું. તેઓ કહે છે, ‘હું એ જમાનાની વાત કરું છું જ્યારે પુરુષનું રસોડામાં હોવું અસ્વીકાર્ય બાબત ગણાતી. પણ મારા પિતા ભારત-પાકિસ્તાનના ભાગલામાં માતા-પિતાને ખોઈ ચૂકેલા અનાથ હતા. પોતાના માટે જમવાનું પોતે જ બનાવવાની તેમની જરૂરિયાત બની ગઈ હતી. જોકે એ પછી મારાં મમ્મી સાથે લગ્ન થયાં. મમ્મીની રસોઈમાં સાદગી હતી. ઓછી સામગ્રીમાં પણ સ્વાદયુક્ત સિમ્પલ ભોજન બનાવી શકવાની ક્ષમતા મારાં મમ્મીમાં હતી. જોકે મારાં મમ્મી શાકાહારી હતાં એટલે કંઈક નૉનવેજ ખાવું હોય તો પિતા પોતે જ બનાવતા અને એ સમયે મમ્મી કિચનમાં પણ ન જતી. એ સમયે મારા પપ્પા પાસે મેં ઇનોવેશન શીખ્યું કારણ કે તેઓ ખૂબ નવી-નવી યુનિક આઇટમો બનાવતા. મમ્મી પાસે ફૂડમાં સાદગી અને પપ્પા ખાવાના શોખીન હોવાથી નવા-નવા સ્વાદ અને નવી-નવી આઇટમોને એક્સપ્લોર કરતા રહેતા. બન્ને પાસેથી તેમની વિશેષતા હું શીખ્યો છું. ત્રીજા મારા મોટા ભાઈ, જેમણે મને શીખવ્યું કે જે કરવું ગમે છે એની પાછળ પડી જાઓ અને એમાં સફળતા મેળવીને જ રહો. મારી શેફની જર્નીમાં પરિવારના આ ત્રણ સભ્યો મારા ગુરુ જ બની ગયા.’
અનિલ ભંડારી
કે. બી. ખાચરું
સંજીવ કપૂરે કલિનરી આર્ટની ઑફિશ્યલ ટ્રેઇનિંગ પણ લીધી છે. તેઓ કહે છે, ‘હું કૉલેજમાં કંઈ બહુ બધું શીખી ગયો એવું તો નહીં કહું, કારણ કે એનો કોઈ ખાસ ઉપયોગ નથી થયો જીવનમાં. હા, એમાં શેફ એમ. એસ. ગુપ્તા નામના એક હતા જેમને હું આજે પણ ગુરુ તરીકે યાદ કરું છું. તેમની પાસેથી હું ખૂબ શીખ્યો. કિચનનું પ્લાનિંગ, કલાકો સુધી હાર્ડ વર્ક કરવાની પ્રેરણા તેમણે મને આપી. એ પછી અમારી હોટેલના મૅનેજિંગ ડિરેક્ટર અનિલ ભંડારીને પણ હું મારા મેન્ટર માનું છું. તેમણે મને સપનાં જોતાં શીખવ્યું. ‘ખાના ખઝાના’ શો શરૂ થયો ત્યારે તે જ મારા મેન્ટર હતા. તેઓ દૂરનું જોઈ શકતા હતા. તેમણે મને કહ્યું હતું કે તું બસ કામ કર, તને ખબર નથી કે આ શો કેટલો મોટો થશે અને તને ક્યાં લઈ જશે. એ પછી કે. બી. ખાચરું નામના મારા મિત્ર, ટીચર હતા જેમણે મને મૅનેજમેન્ટ શીખવ્યું. રિલેશનશિપનો અર્થ શું, પ્રોફેશનલ લાઇફ, કરીઅર અને રિયલ જીવનમાં સંબંધો કેટલા જરૂરી છે, તમારા જેવો જ ઈગો તમારા હાથ નીચે કામ કરતી વ્યક્તિમાં પણ છે. તમે કોઈના ઈગોને ચોટ પહોંચાડ્યા વિના કામ કરો તો કામ કેવું સરળ થઈ શકે એ બધી જ બાબતો મને ખાચરું સર પાસેથી શીખવા મળી હતી.’
મમ્મી ઊર્મિલા-પપ્પા સુરેન્દર કુમાર
એમ. એસ. ગુપ્તા
સંજીવ કપૂર ઍકૅડેમી દ્વારા તેમ જ અન્ય ઇન્સ્ટિટ્યુશન અંતર્ગત સંજીવ કપૂર આજે પણ વિદ્યાર્થીઓને નિયમિત કુકિંગના પાઠ શીખવે છે. તેઓ કહે છે, ‘હું બેઝિકલી ટીચર છું. ટીચિંગ જ મારું કોર છે અને આજે પણ ટીચર્સ ડે તથા ગુરુપૂર્ણિમાના દિવસે સેંકડો વિદ્યાર્થીઓના મેસેજિસ આવતા હોય છે. શિષ્ય તરીકે આજની પેઢીને જોઉં છું તો એક વસ્તુ સમજાય છે કે આજની પેઢી વધુ સ્માર્ટ છે. વેલ-ઇન્ફૉર્મ્ડ છે. તેમને એકસાથે વધુ વસ્તુઓ આવડતી હોય છે. તેઓ ખૂબ જ ફાસ્ટ લર્નર છે. મને હંમેશાં લાગ્યું છે કે દરેક જનરેશન પોતાની આગલી જનરેશનથી થોડીક વધુ સ્માર્ટ હોય છે, પછી એ ગુરુની બાબતમાં હોય કે શિષ્યની બાબતમાં હોય.’
ત્રણ વ્યક્તિ જેમણે અમારા સર્જનમાં બહુ મોટો ભાગ ભજવ્યો : સમીર અને અર્શ તન્ના, સેલિબ્રિટી કોરિયોગ્રાફર
આજ સુધીમાં દુનિયાભરના લાખો સ્ટુડન્ટ્સને ફોક ડાન્સનો પાઠ ભણાવી ચૂકેલાં સમીર અને અર્શ તન્નાએ છેક ૧૯૯૨માં કલા નિર્જરી નામની ડાન્સ ઍકૅડેમી શરૂ કરી હતી જેનું નામ પણ તેમના ગુરુ અને પિતા અનિરુદ્ધ તન્નાએ પાડ્યું હતું. ગુરુ-શિષ્યના સંબંધના દરેક આયામને જાણનારા સમીરભાઈ કહે છે, ‘મારા પિતા પોતાનામાં જ વન મૅન આર્મી જેવા હતા અને તેમણે પોતાના જીવનકાળમાં ખૂબ કામ કર્યું. તેમની સાથે નૃત્યનાટિકામાં હું અને અર્શ જતાં અને અમે તેમની પાસેથી ખૂબ એટલે ખૂબ શીખ્યાં છીએ. એ પછી અમારી એન. એમ. કૉલેજમાં ડાન્સનાં ગુરુ એટલે દીદી ઇન્દુમતી લેલે. છેલ્લે નૃત્યમાં જરૂરી એવા તાલ શીખવાનું કામ હુસેનભાઈ ઢોલી પાસેથી થયું. મને તબલાં, ઢોલ, તાશા વગાડતાં આવડે છે. ગરબાનાં સ્ટેપ્સમાં તાલનો પોતીકો રોલ છે એની ઝીણવટભરી વાતો અમને હુસેનભાઈ પાસેથી શીખવા મળી.’
ઇન્દુમતી લેલે
હુસેન ઢોલી
અહીં ઉલ્લેખનીય છે કે અર્શ તન્નાએ ખૂબ નાની ઉંમરમાં જ પદ્મશ્રી ડૉ. રોશનકુમારી પાસે કથકની ટ્રેઇનિંગ પણ લીધી છે. પોતે જેમને શીખવ્યું અને આજે પણ તેઓ જેમની સાથે જોડાયેલા છે એવા સ્ટુડન્ટ્સ એટલે ‘ઢોલી તારો ઢોલ બાજે’ ગીતના ડાન્સર્સ. અર્શ તન્ના કહે છે, ‘તોલાની અને એન. એમ. કૉલેજ એમ બે કૉલેજના વિદ્યાર્થીઓને આ ડાન્સ માટે અમે તૈયાર કર્યા હતા. એમાંથી કોઈ જ પ્રોફેશનલ ડાન્સર નહોતું. આજે પણ એ બધા જ અમારી સાથે સંપર્કમાં છે. કોઈ ડૉક્ટર છે, કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે તો કોઈ શૅરબજારનું કામ કરે છે. બધા જ પૅશનેટ ડાન્સર્સ છે અને આજે પણ તેઓ નવરાત્રિમાં ગરબામાં ભાગ લે છે.’
અનિરુદ્ધ તન્ના
છેલ્લે આ કપલ કહે છે, ‘પપ્પા કહેતા કે જીવીએ ત્યાં સુધી શિષ્ય રહીએ. જરૂરી નથી કે એક ઉંમરલાયક વ્યક્તિ જ તમારી ગુરુ હોય. પાંચ વર્ષના બાળક પાસેથી પણ તમે શીખી શકો. કંઈ ને કંઈ નવું શીખીએ જ છીએ. જેવું તમે એવું વિચારવા માંડો કે હું કોઈની પાસેથી નહીં શીખું, અહંકાર આવી ગયો તો કંઈ નહીં થાય. ક્યારેય અહંકાર ન આવવો જોઈએ. આજે જે સ્ટુડન્ટ્સ આવે છે તેમનામાં બે વસ્તુ ખાસ અમે નોટિસ કરી છે. એક તો તેમનું ફોકસ વહેંચાયેલું છે. ડાન્સ શીખવાની સાથે બીજી અઢળક વસ્તુઓ તેમની લાઇનઅપ થયેલી હોય છે. એટલે એક કલાક માંડ આપી શકે. અમારા સમયે ડાન્સ એટલે માત્ર ડાન્સ એ ફિક્સ હતું. ગુરુજી સવારે નવ વાગ્યે બોલાવે તો પાછા ક્યારે જઈશું એ પૂછવાની હિંમત ન ચાલે. એ સમયે અમને ગુરુજી ખિજાશે એનો ડર હતો. હવે એ ડર ગુરુને હોય છે કે ખિજાવાનું નથી. રિસ્પેક્ટ લેવલ ત્યારે ખૂબ હાઈ હતું. રિસ્પેક્ટને કારણે ડર લાગતો. પ્લસ એ સમયે તરત અપ્રિશિએશન પણ નહોતું મળતું, રાહ જોવી પડતી. તરત જ તમારાં વખાણ થવા માંડે એવું ન બને, કારણ કે ગુરુને જોઈતું હતું કે શિષ્ય વખાણથી હવામાં ન આવી જાય અને શીખવાનું બંધ ન કરી દે. આજે તો દર દિવસે સ્ટુડન્ટ્સ અપ્રિશિએશનની અપેક્ષા સાથે ઊભા હોય છે.’

