Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ખુલ્લેઆમ થઈ રહ્યું છે પર્યાવરણનું અને પ્રાણીઓનું શોષણ

અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ખુલ્લેઆમ થઈ રહ્યું છે પર્યાવરણનું અને પ્રાણીઓનું શોષણ

Published : 21 August, 2026 04:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજના સમયમાં સોશ્યલ મીડિયાને કારણે જ્યોતિષ અને ન્યુમરોલૉજીમાં માનવાનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે. પહેલાં આ પ્રમાણ ઓછું હતું, પરંતુ હવે સોશ્યલ મીડિયાની શૉર્ટ રીલ્સ અને ટ્રેન્ડ્સને કારણે લોકો આંખ બંધ કરીને આ બધું ફૉલો કરવા લાગ્યા છે.

ભાવિક ઠક્કર

What’s On My Mind?

ભાવિક ઠક્કર


આજના સમયમાં સોશ્યલ મીડિયાને કારણે જ્યોતિષ અને ન્યુમરોલૉજીમાં માનવાનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે. પહેલાં આ પ્રમાણ ઓછું હતું, પરંતુ હવે સોશ્યલ મીડિયાની શૉર્ટ રીલ્સ અને ટ્રેન્ડ્સને કારણે લોકો આંખ બંધ કરીને આ બધું ફૉલો કરવા લાગ્યા છે. મારી આજુબાજુ જ્યોતિષી મિત્રો પણ છે જેઓ નાના-મોટા ઉપાયો બતાવે છે, પરંતુ આ ચક્કરમાં એક મોટો પ્રૉબ્લેમ ઊભો થઈ ગયો છે. લોકો પુણ્ય કમાવાની લાયમાં પર્યાવરણનું અને પ્રાણીઓનું ભારે અહિત કરી રહ્યા છે.
તમે ક્યારેય તમારા વિસ્તારમાં વડના કે પીપળાના ઝાડ નીચેની જગ્યાઓને ઑબ્ઝર્વ કરી છે? જ્યોતિષીઓના કહેવાથી લોકો કીડીઓને કે પક્ષીઓને ખવડાવવાના નામે થેલા ભરી-ભરીને લોટ, લોટની પૂરીઓ, ખાવાની સામગ્રી, દીવો, દેવ-દેવીઓના ફોટો અને સુકાઈ ગયેલાં હાર-ફૂલ વૃક્ષોના થડ પાસે મૂકીને ચાલ્યા જાય છે. કીડીઓ કે પક્ષીઓ કુદરતી રીતે જીવતા જીવો છે. એમણે ક્યાંથી ખોરાક મેળવવો એ પ્રકૃતિને એમનામાં આરોપેલું જ છે. એમને તમારા દ્વારા મળતા આહારની જરૂર નથી, તેઓ પોતે શોધી લે છે. જોકે જીવદયાના નામે કે અંધવિશ્વાસમાં આવીને આ રીતે રેડીમેડ ખાવાનો એઠવાડ નાખવાથી ત્યાં મોટા-મોટા ઉંદરો થાય છે. આ ઉંદરોને તૈયાર ખાવાનું મળતાં તેઓ ઝાડના રૂટ્સમાં ઊંડા ખાડા કરીને ઘર બનાવે છે. પરિણામે ચોમાસામાં કે પવનમાં ઝાડ ઉપરથી નથી પડતું પણ મૂળમાંથી જ આખેઆખું ઊખડી જાય છે! પૂજા પતી જાય એટલે સામગ્રીને વૃક્ષો નીચે ફેંકીને ગંદવાડો કરવો શું આ ધર્મ છે?
અમારા જ એરિયામાં એક તળાવ છે. ગણપતિ વિસર્જન હોય કે નાગપંચમી જેવા તહેવારો, પાણીમાં માછલીઓ અને કાચબા રહે છે પરંતુ લોકો પૂજાનો દૂધનો સામાન અને પ્રસાદના નામે એઠવાડ પાણીમાં ઠાલવે છે. વિસર્જનની પરંપરાને કદાચ કોઈ રોકી ન શકે, પણ તળાવની સ્વચ્છતા વિશે અવાજ ઉઠાવવો ખૂબ જરૂરી છે.
તમે જો કોઈને કંઈ કહેવા જાઓ તો તેઓ સામું કહે છે કે આપણે મુંબઈ મહાનગરપાલિકાને ટૅક્સ ભરીએ છીએ તો આપણે શું ઉપાડવાની જરૂર છે, તેઓ જ આપણો કચરો ઉપાડશેને. જોકે કચરાને કચરાની જગ્યાએ રાખવાની કે પૂજાની સામગ્રીને એના માટે ડેડિકેટેડ નિર્માલ્ય પૉટમાં નાખવાની બેઝિક સિવિક-સેન્સ આપણે નથી રાખતા. જે નદીઓ અને તળાવોને આપણે પવિત્ર માનીએ છીએ એને જ આપણે એઠવાડથી ભરી દઈએ છીએ. યુરોપ કે અમેરિકામાં નદીઓની પૂજા નથી થતી છતાં ત્યાંનું પાણી એકદમ ક્લીન હોય છે. આપણા દેશમાં પવિત્ર માનવામાં આવતી નદીઓની હાલત જુઓ! સવાલ એ છે કે આપણે ભગવાનના નામે જ કચરો કરીએ છીએ. લોકો માછલીઓને લોટ નાખે છે કે કાગડાઓને ગાંઠિયા ખવડાવે છે, પરંતુ શું આ એમનો નૅચરલ ખોરાક છે? સાયન્સ અને પુસ્તકો ચોખ્ખું કહે છે કે માનવસર્જિત કે તેલ-મેંદાવાળો ખોરાક પ્રાણીઓની ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે સારો નથી, એ એમના આયુષ્યને ઘટાડે છે.
મૂળ વાત આપણા પોતાના વર્તન અને માનસિકતા પર છે. જો આપણામાં બેઝિક હાઇજીન નહીં હોય તો આપણે પુણ્યના ચક્કરમાં પાપ જ કરી રહ્યા છીએ. ભગવાનના નામે થતાં આ ધતિંગો અને અંધશ્રદ્ધામાંથી બહાર આવીને આપણે પર્યાવરણ અને વાઇલ્ડલાઇફનું સાચા અર્થમાં રક્ષણ કરવું પડશે.   


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 04:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK