સમાજસેવા માટે બહાર એક રૂપિયો ડોનેશન માગવા પણ નથી જતા અને આખું ભંડોળ ઇન્ટર્નલી જ ઊભું કરવામાં આવે છે. આ અનોખી સંસ્થા એટલે સન્ડે ફ્રેન્ડ્સ
સન્ડે ફ્રેન્ડ્સના મેમ્બર્સ
આજના ડિજિટલ યુગમાં લોકો નાનીઅમથી મદદ કરીને પણ સોશ્યલ મીડિયા પર એનો ઢંઢેરો પીટીને વાહવાહી લૂંટવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા સમયમાં મુંબઈની એક સંસ્થા અનોખો ચીલો ચાતરી રહી છે. આ સંસ્થાના સ્થાપકોથી લઈને સભ્યો સુધી કોઈને પોતાનું નામ જાહેર કરવામાં કે પબ્લિસિટીમાં રસ નથી, કારણ કે તેમણે જરૂરિયાતમંદો માટે ફક્ત કામ કરવું છે. આ સંસ્થામાં કોઈ પદાધિકારી નથી, કોઈ મોટું કે નાનું નથી. બધા જ પોતાને માત્ર એક સભ્ય માને છે. તેઓ સમાજસેવા માટે બહાર એક રૂપિયો ડોનેશન માગવા પણ નથી જતા અને આખું ભંડોળ ઇન્ટર્નલી જ ઊભું કરવામાં આવે છે. આ અનોખી સંસ્થા એટલે સન્ડે ફ્રેન્ડ્સ
સન્ડે ફ્રેન્ડ્સ સંસ્થાની શરૂઆત પાછળ એક રસપ્રદ કિસ્સો છે. વર્ષો પહેલાં વિલે પાર્લેમાં નાણાવટી હૉસ્પિટલની બહાર એક ભાઈને ગરીબોમાં ફૂડ ડિસ્ટ્રિબ્યુશન કરતા જોઈને માટુંગા-ઈસ્ટની અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલયમાં દસમા ધોરણમાં ભણતા ૪ મિત્રો પ્રેરિત થયા. ચારેય સધ્ધર પરિવારમાંથી આવતા હતા અને તેમના ઘરના વડીલો પણ અગાઉથી સમાજસેવામાં સક્રિય હતા. વડીલોના સંસ્કારો અને પ્રેરણા લઈને આ ૪ ટીનેજર્સે દર રવિવારે સાયન ફોર્ટની નીચે ગરીબોને જમવાનું આપવાની શરૂઆત કરી. શરૂઆતમાં તેઓ ટીનેજર્સ અસોસિએશન નામે કામ કરતા હતા, પણ ૧૯૮૨થી તેમણે ફુલફ્લેજ્ડ કામ શરૂ કર્યું અને સંસ્થાનું નામ બદલીને સન્ડે ફ્રેન્ડ્સ રાખ્યું. સમય સાથે તેમનું કામ ફક્ત ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પૂરતું મર્યાદિત ન રહ્યું. આજે આ સંસ્થા બ્લડ ડોનેશન, સ્કિન ડોનેશન, આઇ ડોનેશન, બૉડી અને ઑર્ગન ડોનેશન તેમ જ જરૂરિયાતમંદોને મેડિકલ અસિસ્ટન્સ અને એજ્યુકેશન પૂરું પાડવાનું મોટું કામ કરે છે. જે લોકોએ આ સંસ્થાનું બીજ રોપ્યું હતું તેમની પણ ઉંમર આજે ૭૫ વર્ષની આસપાસ છે. આજે આ સંસ્થા એક વટવૃક્ષ બની ગઈ છે અને એની સાથે ૮૦થી ૯૦ લોકોનું ગ્રુપ જોડાયેલું છે, જેમાં મોટા ભાગના વેપારીઓ છે. આ ગ્રુપમાં એવા જ લોકો ટકી શકે છે જેઓ કોઈ સ્વાર્થ વગર, સાચા દિલથી મદદ કરવા માગે છે. સંસ્થાના સભ્યો પોતાના કામમાં કોઈ પૉલિટિશ્યનને દખલગીરી કરવા દેતા નથી. નેતાઓ તરફથી તેમને જાત-જાતનાં પ્રલોભનો અને ઑફર્સ પણ આવતાં હોય છે, પણ આ સંસ્થાનો તમામને એક જ રોકડો જવાબ હોય છે કે અમારે સત્તા કે પબ્લિસિટી કશાની જરૂર નથી, અમારે તો બસ સમાજને આપવું છે.
ADVERTISEMENT
બ્લડ ડોનેશન
સન્ડે ફ્રેન્ડ્સ દ્વારા હજી હમણાં જ ૭ જૂને સાયન-વેસ્ટમાં આવેલા માનવ સેવા સંઘ ખાતે ૪૪મા મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેકૉર્ડબ્રેક ૧૫૮૧ બ્લડ-બૅગ કલેક્ટ થઈ હતી. સંસ્થા દર વર્ષે આવો એક મોટો કૅમ્પ યોજીને સરેરાશ ૧૨૦૦થી ૧૫૦૦ યુનિટ લોહી એકઠું કરે છે, જેને કારણે મુંબઈનાં સૌથી મોટાં બ્લડ ડોનેશન અભિયાનોમાં આ સંસ્થાની ગણના થાય છે. ડેન્ગી ફીવરના વધતા કેસ વચ્ચે સાયન હૉસ્પિટલના કહેવા પર ઇમર્જન્સીમાં સંસ્થાએ ૨૦૦૬માં ૨૪ કલાકની અંદર ૪૫૦ યુનિટ જેટલું બ્લડ કલેક્ટ કરીને આપ્યું હતું. એ સિવાય જેમને બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવું હોય તેમને પણ સંસ્થા ગાઇડન્સ અને સપોર્ટ આપે છે. આ વિશે વધુ માહિતી આપતાં સંસ્થાના મેમ્બર કહે છે, ‘અમારા બ્લડ ડોનેશન કૅમ્પમાં ફેસ્ટિવલ જેવો માહોલ હોય છે. બ્લડ આપવા માટે આવનાર ડોનરને કોઈ અસુવિધા ન થાય એ માટે રજિસ્ટ્રેશન, હીમોગ્લોબિન ટેસ્ટથી લઈને બ્લડ ડોનેટ કરવા સુધીની આખી પ્રોસેસ ખૂબ સ્મૂધ અને ઝડપી હોય છે. અમારો આખો હૉલ AC હોય છે, હાઇજીનનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે અને ડોનરને લો એનર્જી ન થાય કે ચક્કર ન આવે એ માટે ખાસ સ્પેશ્યલ રિફ્રેશમેન્ટ આપવામાં આવે છે અને સાથે ગિફ્ટ પણ આપવામાં આવે છે. અમારા બ્લડ ડોનેશન કૅમ્પમાં નાનાં બાળકોથી લઈને યંગસ્ટર્સ અને વડીલો બધા જ સેવા આપે છે. એ સિવાય રેગ્યુલર બેઝિસ પર પણ પેશન્ટને બ્લડની જરૂર હોય તો અરેન્જ કરીને આપવામાં આવે છે, કારણ કે અમે ઘણી બ્લડ-બૅન્ક સાથે અટૅચ્ડ છીએ. કદાચ કોઈ રૅર બ્લડ-ગ્રુપ એમની પાસે ન હોય તો અમે અમારા ડોનર્સના લિસ્ટમાંથી અરેન્જ કરીને આપીએ છીએ.’
અન્ય ડોનેશન પ્રોજેક્ટ્સ
આ સંસ્થાનું કામ ફક્ત બ્લડ ડોનેશન પૂરતું સીમિત નથી. સ્કિન, આઇ, બૉડી અને ઑર્ગન ડોનેશન માટે પણ તેઓ કામ કરી રહ્યા છે. આ વિશે માહિતી આપતાં સન્ડે ફ્રેન્ડ્સના મેમ્બર કહે છે, ‘અત્યાર સુધીમાં અમને ૨૦૨૦ ડોનર પાસેથી સ્કિન કલેક્ટ કરવામાં સફળતા મળી છે. ઐરોલીમાં આવેલા નૅશનલ બર્ન સેન્ટરમાં અમે સ્કિન ડોનેટ કરીએ છીએ. કોઈને ત્યાં ડેથ થયું હોય તો તે અમને કૉલ કરે. અમે તેમની પાસેથી ડેથ સર્ટિફિકેટ માગીએ. અમને ખબર હોય છે કે સ્કિન ડોનેશન માટેના કયા ક્રાઇટેરિયા છે, કોણ ડોનેટ કરી શકે અને કોણ નહીં. એ પછી અમે નૅશનલ બર્ન સેન્ટર સાથે કો-ઑર્ડિનેટ કરીએ. એક સ્પેશ્યલ ટીમ મૃત્યુ પામેલી વ્યક્તિના ઘરે જઈને તેની સ્કિન કલેક્ટ કરે છે. આઇ ડોનેશનમાં પણ ટીમ દ્વારા મૃત્યુ પામેલી વ્યક્તિના ઘરે જઈને કૉર્નિયા કલેક્ટ કરવામાં આવે છે. વડાલામાં આવેલા આઇ બૅન્ક કો-ઑર્ડિનેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર સાથે અમે કનેક્ટેડ છીએ. અમારી મારફત અત્યાર સુધીમાં ૪૦૦૦થી વધુ આઇ ડોનેશન થયું છે. અમે આઇ અને સ્કિન ડોનેશન બન્ને ૨૦૦૭માં જ શરૂ કરેલું. એ સિવાય અમે કે. જે. સોમૈયા મેડિકલ કૉલેજ, ટોપીવાલા નૅશનલ મેડિકલ કૉલેજ ઍન્ડ નાયર હૉસ્પિટલ, લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ મેડિકલ કૉલેજમાં બૉડી ડોનેશન પણ કરીએ છીએ. આ મૃતદેહનો ઉપયોગ મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા માનવશરીરની રચનાનો અભ્યાસ કરવા તેમ જ નવાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને સર્જરીની નવી ટેક્નિકો વિકસાવવામાં મદદ મેળવવા માટે કરવામાં આવે છે. છેલ્લા ૮ મહિનાથી અમે ઑર્ગન ડોનેશનમાં પણ સપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. એ માટે અમે સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના નીલેશ માંડલેવાલા તરફથી ગાઇડન્સ મેળવી રહ્યા છીએ. તેમણે ૧૩૦૦થી વધુ અંગદાન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને હજી થોડા સમય પહેલાં જ તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. અમને બ્રેઇનડેડ દરદીના પરિવાર તરફથી મંજૂરી મળે ત્યારે અમારે ઝોનલ ટ્રાન્સપ્લાન્ટ કો-ઑર્ડિનેશન સેન્ટરનો કૉન્ટૅક્ટ કરવાનો હોય છે. આગળ એ લોકો નક્કી કરે કે વેઇટિંગ લિસ્ટ મુજબ કોને અલૉટ કરવું. અમારી પાસે અત્યાર સુધીમાં બે-ત્રણ ડોનર આવ્યા છે, પણ હજી આ કેસોમાં ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું નથી. ઉપરાંત છેલ્લા ૬ મહિનાથી ટિશ્યુ ડોનેશનની દિશામાં પણ અમે કામ શરૂ કર્યું છે. એ માટે અમે સાંતાક્રુઝમાં આવેલા નોવો ટિશ્યુ બૅન્ક ઍન્ડ રિસર્ચ સેન્ટર સાથે કનેક્ટેડ છીએ. ઑર્થોપેડિક્સ અને પ્લાસ્ટિક સર્જરીમાં એ કામ આવતા હોય છે.’
સાયન હૉસ્પિટલમાં સેવા
સંસ્થાનું કામ ફક્ત આટલેથી અટકી નથી જતું. સાયન હૉસ્પિટલ અને એમાં આવતા દરદીઓને સંસ્થા ઘણી રીતે મદદ કરી રહી છે. આ વિશે માહિતી આપતાં સન્ડે ફ્રેન્ડ્સના મેમ્બર કહે છે, ‘સંસ્થા તરફથી દરરોજ સવારે અને સાંજે સાયન હૉસ્પિટલમાં દાખલ પેશન્ટના રિલેટિવ્સને ગરમાગરમ ભોજન સર્વ કરવાનું કામ થાય છે. આ ભોજન અમે સાયન હૉસ્પિટલની કૅન્ટીનમાં જ બનાવીએ છીએ. સરકારી હૉસ્પિટલમાં દરદીને તો જમવાનું મળે છે, પણ તેમનું ધ્યાન રાખવા માટે સાથે પરિવારનો જે સભ્ય હોય તેણે બહારથી જે મળે એ ખાવાનું ખરીદીને ખાવું પડતું હોય છે. એ ખાઈને ઘણી વાર તેઓ પોતે બીમાર પડી જતા હોય છે. ઉપરથી સરકારી હૉસ્પિટલમાં આવતા મોટા ભાગના લોકો ગરીબ પરિવારમાંથી આવતા હોય છે એટલે તેમને બહારથી જમવાનું ખરીદીને ખાવું પણ ન પરવડે. એમાં પણ જો બીમાર પડનાર જ ઘરની કમાનાર વ્યક્તિ હોય તો આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઈ જતી હોય છે. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે હૉસ્પિટલમાં ફૂડ ડિસ્ટ્રિબ્યુશન શરૂ કરેલું. એ સિવાય વ્હીલચૅરની જરૂર હોય એવા દરદીઓને અમે એ પણ આપીએ છીએ. નજીવી ડિપોઝિટ તેમણે ભરવાની હોય છે, જે તેઓ વ્હીલચૅર રિટર્ન કરે ત્યારે અમે પાછી આપી દઈએ છીએ. એ સિવાય લૅબોરેટરીમાં તેમની ૭૦ ટકાના ડિસ્કાઉન્ટમાં સસ્તામાં ટેસ્ટ થઈ જાય એ રીતની વ્યવસ્થા કરી આપીએ છીએ. દવાઓ પણ મફતના ભાવે આપીએ છીએ. ઘણી વાર હૉસ્પિટલમાં પણ લાખો-કરોડો રૂપિયાનાં ઇક્વિપમેન્ટ્સની જરૂર પડતી હોય છે. અમે પોતે કંપની સાથે નિગોશિએટ કરીને ઍડ્વાન્સ ચૂકવીને વહેલી તકે હૉસ્પિટલમાં એની વ્યવસ્થા કરી આપીએ છીએ. ઘણી વાર મશીનનો કોઈ પાર્ટ ખરાબ થઈ ગયો હોય તો રિપેર પણ કરાવી આપીએ. એ સિવાય વૉર્ડ કે ઑપરેશન થિયેટરનું રિનોવેશન કરાવવાનું હોય તો એ પણ કરાવી આપીએ. આ બધું કરવાનો ઉદ્દેશ એટલો જ કે ગરીબ પેશન્ટની જલદી સારવાર થાય અને તેઓ સાજા થઈને વહેલી તકે ઘરે જાય.’
એજ્યુકેશન
આ સંસ્થા ઝૂંપડપટ્ટીનાં ગરીબ બાળકોને એજ્યુકેશન પણ આપે છે. એમાં પાંચ વર્ષથી લઈને ૧૫ વર્ષ સુધીના સુધરાઈની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને રવિવારે ભણાવવામાં આવે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અહીં આવતા વિદ્યાર્થીઓ એવા માહોલમાંથી આવે છે જ્યાં કંકાસ થતો હોય, ખરાબ લત લાગેલી હોય. આ બાળકો ખરાબ રસ્તે ન વળે, ભણી-ગણીને સારાં કામકાજ કરે, પોતાના પરિવારની આર્થિક સ્થિતિ સુધારે અને સમાજમાં સારી વ્યક્તિ બનીને બહાર આવે એ માટે અમે આ કામ કરીએ છીએ. આટલાં વર્ષોમાં અમે જોયું છે કે ખરાબ રસ્તે વળી ગયેલા યંગસ્ટર્સ પણ અમારી સાથે જોડાઈને સારાં કામ કરતાં થયા છે. આજે અમે બ્લડ ડોનેશન કૅમ્પ રાખીએ તો એમાં તેઓ મદદ કરવા આવે છે.’
સંસ્થાનું મિશન-સૉન્ગ
છેલ્લે સન્ડે ફ્રેન્ડ્સના મેમ્બર ખૂબ જ સરસ વાત કહે છે, ‘અમારી સંસ્થાની ઍન્થમ જ છે : કિસી કી મુસ્કુરાહટોં પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર... સંસ્થા સાથે જોડાયેલા મોટા ભાગના મેમ્બરોની હવે ઉંમર થઈ ગઈ છે એટલે અમે સાથે-સાથે યંગ જનરેશને પણ ટ્રેઇન કરી રહ્યા છીએ જેથી અમે ન હોઈએ તો પણ સંસ્થાનું કામ ચાલતું રહે. અમારી લોકોને એટલી જ અપીલ છે કે વધુમાં વધુ ઑર્ગન ડોનેશન માટે આગળ આવે. સ્વર્ગમાં ભગવાનને તમારાં અંગોની જરૂર નથી, પણ પૃથ્વી પર ઘણા એવા લોકો છે જેમને એ નવું જીવન આપી શકે છે.’
છેલ્લે આ મેમ્બરનું બસ એટલું જ કહેવું છે કે...
દાનધર્મની જ્વલંત જ્યોતિ
જગમાં નિશદિન જલ્યા કરે
ટમટમ થાતા દીવડાઓને
નવી જિંદગી મળ્યા કરે
