બસના ડ્રાઇવરોની બેદરકારી અને રફ ડ્રાઇવિંગ પર લગામ કસવા માટે નવો પ્રયોગ
ફાઇલ તસવીર
દાદરમાં થયેલા જીવલેણ અકસ્માત બાદ BESTની વેટ લીઝની એટલે કે કૉન્ટ્રૅક્ટ પરની બસના ડ્રાઇવરોની બેદરકારી અને રફ ડ્રાઇવિંગ પર લગામ કસવા માટે સાદાં કપડાંમાં સિક્યૉરિટી ઑફિસરો અને ડેપો-સ્ટાફ બસમાં મુસાફરી કરશે.
મુંબઈના તમામ ૨૭ ડેપોમાંથી અધિકારીઓની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોના સભ્યો સામાન્ય મુસાફરોની જેમ વેટ લીઝ બસની ટિકિટ ખરીદીને બસમાં મુસાફરી કરશે. ડ્રાઇવર કે કન્ડક્ટરને ખબર પણ નહીં પડે કે આ વ્યક્તિ BESTનો ઑફિસર છે. ગુરુવારથી શરૂ થયેલા આ સરપ્રાઇઝ ઇન્સ્પેક્શનનો મુખ્ય ઉદ્દેશ ચાલુ બસે ડ્રાઇવરોના વર્તન અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન પર સીધી નજર રાખવાનો છે.
ADVERTISEMENT
આ ગુપ્ત ટીમો બસમાં મુસાફરી કરતી વખતે અમુક મહત્ત્વની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કરશે અને એનો રિપોર્ટ તૈયાર કરશે. બસ ડ્રાઇવ કરતી વખતે ડ્રાઇવર મોબાઇલ પર વાતો કરે, વિડિયો જુએ કે ઇઅરફોન/હેડફોન લગાવીને ગીતો સાંભળે તો તેની સામે કાર્યવાહી થશે. ડ્રાઇવિંગ-સીટ પર ડ્રાઇવર કેવી રીતે બેઠો છે એ પણ જોવામાં આવશે. ચાલુ બસે ડ્રાઇવર પાછળ વળીને કન્ડક્ટર અથવા અન્ય મુસાફરો સાથે નકામી વાતો કરીને ધ્યાન ભટકાવે એવી બાબતો પર નજર રાખવામાં આવશે.
દરેક ડ્રાઇવરની ભૂલનો વિડિયો કે પુરાવા સાથે તૈયાર થયેલા વિગતવાર રિપોર્ટના આધારે સંબંધિત ખાનગી વેટ લીઝ ઑપરેટર કંપની સામે ભારે દંડ અને બ્લૅકલિસ્ટ કરવા સહિતની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
