Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈના મહેલો જોયા પછી જોવા જઈએ મુંબઈની જેલો

મુંબઈના મહેલો જોયા પછી જોવા જઈએ મુંબઈની જેલો

Published : 10 January, 2026 09:40 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

આપણે જોયા મુંબઈના મહેલ. હવે શું જોશું? મુંબઈની જેલ. ગભરાતા નહીં, જેમ મહેલમાં રહેવા નહોતા ગયા એમ જેલમાં પણ રહેવા નહીં જઈએ. ફક્ત જોઈશું, જાણીશું. મુંબઈની પહેલી જેલ બંધાવી હતી મુંબઈના બીજા ગવર્નર જેરલ્ડ ઍન્જરે. ખરા અર્થમાં મુંબઈનો ઘડવૈયો.

બોરા બજાર સ્ટ્રીટ, ૧૮૭૫માં

બોરા બજાર સ્ટ્રીટ, ૧૮૭૫માં


આપણે જોયા મુંબઈના મહેલ. હવે શું જોશું? મુંબઈની જેલ. ગભરાતા નહીં, જેમ મહેલમાં રહેવા નહોતા ગયા એમ જેલમાં પણ રહેવા નહીં જઈએ. ફક્ત જોઈશું, જાણીશું. મુંબઈની પહેલી જેલ બંધાવી હતી મુંબઈના બીજા ગવર્નર જેરલ્ડ ઍન્જરે. ખરા અર્થમાં મુંબઈનો ઘડવૈયો. પણ નથી મળતી તેની જન્મતારીખ. ઈ. સ. ૧૬૪૦ના કોઈક દિવસે જન્મ. જેમ જન્મતારીખ મળતી નથી, એમ નથી મળતું ક્યાંય તેમનું બાવલું કે તેમનું ચિત્ર જોવા. ૧૬૭૭ના જૂનની ૩૦ તારીખે તેમનું અવસાન થયું. ક્યાં ભણ્યા, શું ભણ્યા? નથી ખબર. ૧૬૬૧ના નવેમ્બરમાં સુરત ખાતેની અંગ્રેજોની ‘કોઠી’ (ઑફિસ)માં કારકુન તરીકે નિમાયા. પછી બન્યા સ્ટોર-કીપર. પછી નોકરીમાં કેટલાં પગથિયાં, ક્યારે ચડ્યા એ જાણવા મળતું નથી પણ ૧૬૬૯ના જુલાઈની ૧૪ તારીખે સુરત-મુંબઈના પહેલા ગવર્નર સર જ્યૉર્જ ઑક્સેન્ડનનું મૃત્યુ થયું એ પછી ઍન્જરની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. ૧૬૭૦ના જાન્યુઆરીની ૧૧ તારીખે ઍન્જર સુરતથી વહાણમાં બેઠા અને થોડા દિવસ પછી મુંબઈ પહોંચ્યા.
તે મુંબઈ આવ્યા ત્યારે મુંબઈમાં લગભગ જંગલરાજ હતું. ચોર-લૂંટારા ધોળે દિવસેય લોકોને રંજાડતા. ખુદ ડેપ્યુટી ગવર્નર કૅપ્ટન હેન્રી યંગ લાંચ-રુશવત માટે નામચીન. ઍન્જરે એ વિશે તપાસ કરીને યોગ્ય પગલાં લીધાં. પછી વળી મુંબઈમાંના ગોરા લશ્કરની એક ટુકડીએ બળવો કર્યો. ઍન્જરે કડક હાથે બળવો દબાવી દીધો એટલું જ નહીં, બળવાખોરોના નેતા કૉર્પોરલ ફેકને ફાંસીની સજા કરી અને જાહેરમાં એ સજાનો અમલ કરાવ્યો.
મુંબઈ આવ્યા પછી ઍન્જરને સમજાયું કે અહીં કોટ વિસ્તારમાં એક વિશાળ મકાન બાંધવાની જરૂર છે; મકાનમાં મુંબઈની કોર્ટ બેસી શકે એવી સગવડ હોય; મુંબઈના લશ્કર અને અંગ્રેજ રહેવાસીઓ માટે જરૂરી એવો ખાધાખોરાકીનો સામાન રાખવાનાં ગોદામ પણ હોય; લશ્કર માટેનો દારૂગોળો, હથિયારો અને બીજો સરંજામ પણ રાખી શકાય એવી સગવડ હોય; અને ગુનેગારોને રાખવા માટેની જેલ પણ હોય. આજની ભાષામાં એક ‘મલ્ટિપર્પઝ’ મકાન. એ વખતે ઓળખાતું ‘જનરલ હાઉસ’ તરીકે. ઍન્જરની પોતાની ઑફિસ પણ એ જ મકાનમાં. અને જ્યારે તે ઑફિસમાં હોય ત્યારે બારણાં સતત ખુલ્લાં જ રહે. મુંબઈનો કોઈ પણ રહેવાસી – ગોરો કે ‘દેશી’ – આવીને ગવર્નરને મળી શકે. 
ટાઉન હૉલ બંધાયો ત્યારે લંડનમાં બેઠેલા ખેરખાંઓએ ખર્ચ વિશે કેટલા વાંધાવચકા કાઢેલા એ આપણે અગાઉ જોયું છે. પણ ઍન્જરે તો લંડનમાં કોઈને પૂછ્યા વગર બૉમ્બે ગ્રીન (આજનું હૉર્નિમન સર્કલ)થી થોડે દૂર, ગનબો સ્ટ્રીટ અને બોરા બજાર સ્ટ્રીટ જ્યાં કાટખૂણે મળે છે ત્યાં જગ્યા પસંદ કરી લીધી. ત્યાં બાંધવાના મકાનનો પ્લાન જાતે બનાવી લીધો. અને એ પ્રમાણે મકાન બંધાવી પણ લીધું. બધું થઈ ગયા પછી હિસાબ મોકલ્યો લંડનના ડિરેક્ટરોને. તરત ભડક્યા : આટલોબધો ખર્ચ? અને એય અમને પૂછ્યા-ગાછ્યા વગર? ઍન્જરે ઠંડે કલેજે જવાબ મોકલ્યો: આ ખર્ચ તમને ન પોસાતો હોય તો બધો ખર્ચ હું અંગત રીતે ભોગવી લઈશ. પણ પછી જ્યાં સુધી આ મકાન કોઈ પણ સરકારી કામ માટે વપરાતું રહે ત્યાં સુધી હું માગું તેટલું ભાડું સરકારે મને ચૂકવવું પડશે. કહેવાની જરૂર ખરી કે લંડનના સાહેબોએ ખર્ચની પૂરેપૂરી રકમ મંજૂર કરી દીધી.
એક બાજુ ગનબો સ્ટ્રીટ (આજનું નામ રુસ્તમ સીધવા સ્ટ્રીટ) અને બીજી બાજુ બોરા બજાર સ્ટ્રીટ. એક જમાનામાં આ સ્ટ્રીટ પરની ઘણીખરી દુકાનો બોરા (વહોરા)ઓની હતી એટલે આ નામ. અને હજી આજે પણ આ નામ બદલાયું નથી. પણ ગનબો સ્ટ્રીટનો કિસ્સો મજેદાર છે. ૧૯મી સદીના મુંબઈના જ્યોતિર્ધરોમાંના એક તે જગન્નાથ શંકરશેટ તેમનું કુટુંબ મૂળ કોકણનું. જગન્નાથજીના દાદા ગણબાશેટ કોકણથી મુંબઈ આવીને વસ્યા. વેપાર-વણજ ખૂબ ખીલ્યો. કોટ વિસ્તારમાં પોતાનો બંગલો બાંધ્યો. અંગ્રેજો સાથે મીઠા સંબંધ. એટલે જે રસ્તા પર તેમનો બંગલો હતો એને અંગ્રેજોએ તેમનું નામ આપ્યું. પણ ‘ગણબા’ના અંગ્રેજી ઉચ્ચાર પ્રમાણે નામ આપ્યું Gunbow Street. વખત જતાં આ વાત વિસરાઈ ગઈ. કેટલાક માનવા લાગ્યા કે આ કોઈ અંગ્રેજનું નામ હશે. આઝાદી પછી જ્યારે મુંબઈના રસ્તાઓનાં પાટિયાં પરથી અંગ્રેજોનાં નામ ભૂંસીને નવાં નામ લખાવા લાગ્યાં ત્યારે આ રસ્તો બની ગયો રુસ્તમ સીધવા માર્ગ. નામ બદલવાની નેતાઓની હોંશમાં એક મરાઠી માણૂસનું નામ ભૂંસીને એની જગ્યાએ એક પારસીનું નામ લખાઈ ગયું.
ખેર, સમયના રસ્તે આપણે ઘણા આગળ નીકળી ગયા. પાછા જઈએ જેરલ્ડ ઍન્જરે બંધાવેલા વિશાળ મકાન પાસે. બોરા બજાર સ્ટ્રીટ પર આવતા-જતા લોકોને રોજ દેખાય જેલમાં પુરાયેલા ગુનેગાર કેદીઓ. કારણ કે જેલના આગલા ભાગમાં સળિયા જડેલા હતા અને એ સળિયા પાછળ ઊભેલા કેદીઓ રસ્તા પરથી આવતા-જતા લોકો પાસે ભીખ માગતા. પણ કેમ? કારણ એ વખતે અહીં જ નહીં, ગ્રેટ બ્રિટનમાં પણ નિયમ એવો હતો કે જેલમાં રહેવા-ખાવાનો ખર્ચ કેદીઓએ પોતે સરકારને ચૂકવવો પડે. એ સળિયાવાળી જગ્યાની પાછળ નાની ઓરડીઓ હતી જેમાં કેદીઓ રાતે સૂઈ શકતા. એની પાછળ બે હૉલ હતા જેમાં કેદીઓ જમતા, કસરત કે મજૂરીના કામ કરતા. 
જેલની પાછળના ભાગમાં હતું વિશાળ કોર્ટ હાઉસ જ્યાં બ્રિટિશ શાસનની પહેલી અદાલત બેસતી. એ અદાલતમાં બાર અંગ્રેજ ન્યાયાધીશોની નિમણૂક ઍન્જરે કરેલી અને તેઓ પોતે ગવર્નર ઉપરાંત ચીફ જસ્ટિસ પણ હતા. કોર્ટ હાઉસની પાછલી બાજુએ વિશાળ પોર્ચ બાંધેલો હતો જેમાં થઈને કોર્ટ હાઉસમાં દાખલ થવાતું. છેલ્લા પાછલા ભાગમાં નાનાં-મોટાં ગોડાઉન હતાં જેમાં જાતભાતનો સરકારી સામાન સંઘરાતો. પાછલી બાજુના દરવાજામાંથી આ સામાનની આવજા થતી. ૧૮૦૩ની આગમાં આ વિશાલ ઇમારતનો ઘણોખરો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. એમાંનો કેટલોક ભાગ ફરીથી બાંધવામાં આવેલો.
ક્યારે અને શા માટે એ તો ચોક્કસ જાણવા મળતું નથી પણ આ બધી ઇમારતો સરકારે વેચી નાખી અને એ ખરીદનાર હતા મૂસા માપલા નામના ધનાઢ્ય વેપારીના વડવાઓ. આ મૂસા માપલા હતા એ જમાનાના મોટા વેપારી. અંગ્રેજોના માનીતા. કહેવાય છે કે એક વખત કોટ વિસ્તારની ઘણીખરી જમીન આઠ જમીનદારોની માલિકીની હતી અને એ આઠમાંના એક હતા મૂસા માપલા. તેમણે આ જગ્યામાં નાનાં-મોટાં મકાનો બાંધીને માપલાઓને મોટી સંખ્યામાં વસાવ્યા. તેથી એ મકાનો ‘માપલા પોર’ તરીકે ઓળખાયા. આજની ભાષામાં કહીએ તો આ માપલા પોર એક Gated Community હતું. અને હા, તેના નામમાંના ‘પોર’નો સંબંધ સંસ્કૃતના ‘પુર’ સાથે નહીં, પણ ગુજરાતીના ‘પોળ’ શબ્દ સાથે છે. 
ઍન્જરે બંધાવેલા વિશાળ મકાનમાંથી જેલ ક્યારે અને શા માટે ખસેડવી પડી એ જાણવા મળતું નથી પણ ત્યાંની જેલ બંધ થયા પછી કેદીઓને ડોંગરીના કિલ્લામાં રાખવામાં આવેલા. ૧૭૨૮માં મુંબઈના ન્યાયાધીશોએ સરકારને દરખાસ્ત મોકલી કે ૨૦૦૦ રૂપિયાના ખર્ચે ડોંગરીના કિલ્લાના એક ભાગને જેલ બનાવી શકાય એમ છે. અલબત્ત, લંડનમાં બેઠેલા બડેખાંઓએ આવો ખર્ચ કરવાનો નનૈયો ભણી દીધો. એટલે મુંબઈના ગોરા અને બીજા કેટલાક રહેવાસીઓ પર ટૅક્સ નાખીને આ રકમ ઊભી કરવાનું નક્કી થયું. જોકે પછી કોઈક કારણસર ડોંગરીના કિલ્લાને જેલ તરીકે વાપરવાને બદલે ૫૦૦૦ રૂપિયાના ખર્ચે કિલ્લાની બાજુમાં જેલ માટે નવું મકાન બાંધવામાં આવ્યું.  
પણ ૧૭૩૯માં મરાઠા લશ્કર ડોંગરીના કિલ્લા પર ચડાઈ કરે એવો ભય ઊભો થયો ત્યારે એ મકાન ખાલી કરવામાં આવ્યું. મોદી નામના કોઈ માણસ પાસેથી તેનું મકાન મહિને ૨૫ રૂપિયાના ભાડે રાખીને કેદીઓને ત્યાં ખસેડવામાં આવ્યા. કેદીઓને ખાધાખોરાકી પૂરી પાડવાની જવાબદારી પણ એ મકાનમાલિકને સોંપવામાં આવી. વખત જતાં ભાડાપેટે ૧૭૪૨ રૂપિયા અને ખાધાખોરાકી પૂરી પાડવા પેટે ૧૦૩૬ રૂપિયાનું બિલ મોદીએ સરકારને મોકલ્યું. પણ સરકારે આ બિલ પેટે ફક્ત ૩૯૮ રૂપિયા ૩ આના ૯ પાઈની જ રકમ ચૂકવી. જોકે લાંબી લખાપટ્ટી પછી સરકારે બાકીની રકમ પણ ચૂકવી દીધી. પણ ૧૭૪૫માં આ મકાન જર્જરિત થઈ ગયું છે અને એને રિપેર કરવાની જરૂર છે એમ સરકારને લાગ્યું. પણ સમારકામ પેટે એક ફદિયું પણ ખરચવાની મકાનમાલિક અને સરકાર બન્નેએ ના પાડી દીધી. એટલે જેલને મરીન યાર્ડમાં ખસેડવાનું નક્કી થયું. પણ બ્રિટિશ નૌકાદળના અધિકારીઓએ આ બાબતે નનૈયો ભણી દીધો. એટલે પછી કેદીઓને ડોંગરીના કિલ્લાના એક જર્જરિત ભાગમાં રાખવામાં આવ્યા. ૧૭૬૯માં એ કિલ્લો તોડી પાડવાનું નક્કી થયું ત્યારે નછૂટકે નૌકાદળના અધિકારીઓ કેદીઓને મરીન યાર્ડમાં રાખવા તૈયાર થયા. પણ એ જગ્યા બહુ નાની હોવાથી ફોર્ટ જ્યોર્જના અમુક ભાગને જેલ તરીકે વાપરવાની દરખાસ્ત રજૂ થઈ. આ બાબતના ખર્ચનો અંદાજ તૈયાર કરવા માટે સરકારી ઇજનેરને જણાવાયું. ૧૭૭૮માં ઇજનેરે ૧૬,૨૫૨ રૂપિયા અને ૩ આનાનો અંદાજ આપ્યો જે જોતાંવેંત એ દરખાસ્તને અભરાઈએ ચડાવી દેવાઈ. હવે સરકારને તુક્કો સૂઝ્યો કે આટલા ખર્ચમાં તો શહેરમાં ક્યાંક સારી જગ્યાએ જેલનું મકાન બાંધી શકાય. છેવટે ૧૭૯૯માં સરકારે ઉમરખાડી ખાતે જમીનનો પ્લૉટ ખરીદ્યો અને ત્યાં જેલનું નવું મકાન બાંધવાનું શરૂ કર્યું. ૧૮૦૪માં એ પૂરું થયું.
આ બધી જેલોમાં ગુનેગારોને 
કેવી-કેવી સજા થતી એની વાતો હવે પછી. 


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2026 09:40 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK