ડોનલ્ડ ટ્રમ્પના જમણા હાથ સમા ઇલૉન મસ્ક પણ ઇમિગ્રન્ટ જ છે. તે મૂળ સાઉથ આફ્રિકાના વતની હતા
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના બીજી વાર ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના મતે ઇમિગ્રન્ટોએ અમેરિકાને ‘કચરાનો ડબ્બો’ (ગાર્બેજ કૅન) બનાવી નાખ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ ઇમિગ્રન્ટોની સખત વિરુદ્ધ છે. આમ છતાં એ એક હકીકત છે કે અમેરિકાને ઇમિગ્રન્ટોની પુષ્કળ જરૂરત છે. વાર્ષિક ૮૫,૦૦૦ના ક્વોટા ધરાવતા, સ્પેશ્યલિટી ઑક્યુપેશન વર્કરો માટેના H-1B વીઝા માટે પાંચથી છ લાખ પિટિશનો દાખલ કરવામાં આવે છે. આ દર્શાવી આપે છે કે પાંચથી છ લાખ અમેરિકન કંપનીઓને ભણેલાગણેલા સ્પેશ્યલિટી ઑક્યુપેશન વર્કરો, જેઓ પરદેશી છે, તેમની જરૂર છે. આ વાતનો વધુ એક પુરાવો જે હમણાં H-1B મૉડર્નાઇઝેશન રૂલ ઘડવામાં આવ્યો છે, જેનો અમલ ૧૭ જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે. આ H-1B મૉડર્નાઇઝેશન રૂલ હેઠળ વીઝાધારકો માટે અનેક પ્રકારની સરળતાઓ બક્ષવામાં આવી છે.
અમેરિકા ઇમિગ્રન્ટોનો દેશ છે. આજે અમેરિકામાં વસતી દરેકેદરેક વ્યક્તિ જાતે ઇમિગ્રન્ટ છે યા તો તેના પિતા, દાદા, પરદાદા યા પૂર્વજો અન્ય દેશોમાંથી અમેરિકામાં આવીને વસ્યા હતા. તેઓ ઇમિગ્રન્ટ હતા. આમ અમેરિકા ઇમિગ્રન્ટોનો જ દેશ છે. એના મૂળ વતનીઓ, જેમને કોલંબસે રેડ ઇન્ડિયન તરીકે ઓળખાવ્યા છે તે તો આજે નહીંવત્ જેટલા છે. ઇમિગ્રન્ટોએ અમેરિકાને વિશ્વનો સૌથી આગળ પડતો દેશ બનાવ્યો છે. ડોનલ્ડ ટ્રમ્પના જમણા હાથ સમા ઇલૉન મસ્ક પણ ઇમિગ્રન્ટ જ છે. તે મૂળ સાઉથ આફ્રિકાના વતની હતા, ત્યાંથી કૅનેડા અને કૅનેડામાંથી અમેરિકામાં આવ્યા હતા. પટેલ કોમના લોકોને આપણે સૌ તેઓ અમેરિકા માટે ઘેલા છે એવું કહીને વગોવીએ છીએ, પણ આજથી થોડાં વર્ષા પૂર્વે અમેરિકન ઇમિગ્રેશન લૉયર્સ અસોસિએશને એમની સૅન ફ્રાન્સિસ્કોમાં ભરાયેલી ઍન્યુઅલ કૉન્ફરન્સમાં પટેલોનું અમેરિકામાં જે યોગદાન છે એ માટે સન્માન કર્યું હતું. અમેરિકામાં જે સેંકડો મોટેલો આવેલી છે, એ સર્વે એક સમયે જ્યુ જાતિના લોકોની માલિકીની હતી. આજે એમાંની નેવું ટકા પટેલોના હસ્તક છે. અમેરિકાની હૉસ્પિટલોમાં સંખ્યાબંધ તબીબો ઇમિગ્રન્ટો છે, સેંકડો નર્સો પણ ઇમિગ્રન્ટ છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાં શિક્ષણ આપતા પ્રોફેસરો અને શિક્ષકો પણ ઇમિગ્રન્ટો છે. મોટા ભાગના જે પહેલાં ‘મૉમ ઍન્ડ પૉપ સ્ટોર’ તરીકે ગણાતા હતા એ રસ્તાના ખૂણામાં આવેલા, રોજિંદા જીવનની જરૂરિયાતની ચીજો વેચતા, કન્વિનિયન સ્ટોરો આજે ઇમિગ્રન્ટોના હસ્તક છે. અમેરિકાનાં અગણિત ગૅસ-સ્ટેશનો અને લિકર સ્ટોર ઇમિગ્રન્ટો ચલાવે છે. આમ ઇમિગ્રન્ટો અમેરિકામાં છવાયેલા છે અને અમેરિકાને એમની ખૂબ-ખૂબ જરૂર છે. તેમના કારણે જ અમેરિકા આજે વિશ્વમાં સર્વપ્રથમ સ્થાન ભોગવી રહ્યું છે.

