તામિલનાડુ સરકારે કાચાં ઈંડાંમાંથી બનાવવામાં આવતા મેયોનીઝ પર એક વર્ષ માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે. આવા મેયોનીઝના સેવનથી લોકોમાં ફૂડ-પૉઇઝનિંગનું જોખમ ઊભું થઈ રહ્યું છે. એટલે ઘરે બેસીને જ શાકાહારી પદ્ધતિથી મેયોનીઝ કેમ બનાવવું એની રીત જાણી લઈએ
પ્રતીકાત્મક તસવીર
તામિલનાડુ સરકારે હજી થોડા દિવસ પહેલાં જ કાચાં ઈંડાંમાંથી બનેલા મેયોનીઝના મૅન્યુફૅક્ચરિંગ, સ્ટોરેજ અને વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દ્વારા આ આકરાં પગલાં લેવાનું કારણ એ છે કે કાચાં ઈંડાંમાંથી બનેલું મેયોનીઝ એક હાઈ રિસ્ક ફૂડ છે. મેયોનીઝ બનાવતી વખતે હાઇજીનનું ધ્યાન ન રાખવાથી તેમ જ એનું સ્ટોરેજ સરખી રીતે ન થતું હોવાથી એમાં સાલ્મોનેલા, ઈ. કોલી અને લિસ્ટેરિયા મોનોસાઇટોજીન્સ જેવા ખતરનાક બૅક્ટેરિયા થઈ જાય છે. આવું મેયોનીઝ ખાવાથી ફૂડ-પૉઇઝનિંગનું જોખમ વધી જાય છે. લોકોને ઝાડા, ઊલટી, તાવની સમસ્યા થાય છે.
એમ પણ કાચાં ઈંડાંમાંથી બનેલું મેયોનીઝ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. એમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે. એટલે લાંબો સમય સુધી એનું સેવન કરવામાં આવે તો સ્થૂળતા, ડાયાબિટીઝનું જોખમ વધી શકે છે. એની જગ્યાએ ઘરે જ ઈંડાંનો ઉપયોગ કર્યા વગરનું ઑઇલ-બેઝ્ડ મેયોનીઝ બનાવી શકો. શાકાહારી લોકો માટે તેમ જ જેમને ઈંડાંથી ઍલર્જી હોય એ લોકો માટે આ એક સારો વિકલ્પ છે.
ADVERTISEMENT
ઘરે આ રીતે બનાવો મેયોનીઝ
મેયોનીઝ બનાવવા માટે એક કપ તેલ લો. ૧/૪ કપ ઠંડું દૂધ લો. દોઢ ટેબલસ્પૂન વિનેગર અથવા લીંબુનો રસ લો. હાફ ટીસ્પૂન રાઈનો પાઉડર લો. બે ટીસ્પૂન પીસેલી સાકર લો અને મીઠું સ્વાદ અનુસાર. આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરીને બ્લેન્ડરની મદદથી એને સરખી રીતે ફેંટી નાખો. એટલે તમારો સૉસ બનીને રેડી છે. સામાન્ય રીતે મેયોનીઝ બનાવવા માટે એવા ઑઇલનો ઉપયોગ થાય છે જેની પોતાની કોઈ સ્ટ્રૉન્ગ ફ્લેવર ન હોય જેમ કે સનફ્લાવર કે પછી ઑલિવ ઑઇલ.
મેયોનીઝ એક પ્રકારનો ક્રીમી સૉસ છે જેને ઈંડાંની જરદી, તેલ અને વિનેગર મિક્સ કરીને બનાવવામાં આવે છે. સૅન્ડવિચ, રોલમાં લગાવીને તેમ જ ફ્રેન્ચ ફ્રાઇસ, સૅલડ સાથે એને ખાવામાં આવે છે. મેયોનીઝ એક રીતે જોવા જઈએ તો હેલ્ધી છે, કારણ કે એમાં હેલ્ધી ફૅટ્સ હોય છે જે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે સારી છે. જોકે એનું વધુપડતું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એમાં કૅલરી અને સૅચ્યુરેડેટ ફૅટ હોય છે.
અવાકાડો મેયોનીઝ
અવાકાડોની મદદથી તમે ઓછા તેલનો ઉપયોગ કરીને લો ફૅટવાળું મેયોનીઝ પણ ઘરે બનાવી શકો. એ માટે એક મૅશ કરેલું અવાકાડો, બે ટીસ્પૂન વિનેગર અથવા લીંબુનો રસ, બેથી ત્રણ ટેબલસ્પૂન તેલ, આદુંનો એક નાનો છીણેલો ટુકડો અને મીઠું સ્વાદ અનુસાર. આ બધી જ સામગ્રીને બ્લેન્ડરની મદદથી સરખી રીતે ફેંટી નાખશો તો તમારું હેલ્ધી અવાકાડો મેયોનીઝ બનીને તૈયાર થઈ જશે.

