આદર આપવામાં પાછાં પડે તો મા-બાપ પણ પોતાની જીવનભરની કમાઈ આવાં સંતાનોને આપવાને બદલે સારા કામમાં વાપરી શકે
પ્રતીકાત્મક તસવીર
સંતાનો જ્યારે મા-બાપની પૂરતી કાળજી રાખવામાં કે તેમને આદર આપવામાં પાછાં પડે તો મા-બાપ પણ પોતાની જીવનભરની કમાઈ આવાં સંતાનોને આપવાને બદલે સારા કામમાં વાપરી શકે એવો દાખલો તાજેતરમાં એક નિવૃત્ત આર્મી ઑફિસરે પોતાની ચાર કરોડની પ્રૉપર્ટી મંદિરને દાનમાં આપીને સાબિત કર્યો. આજે નિષ્ણાતો સાથે વાત કરીને જાણીએ કે વડીલોએ પોતાના વિલની બાબતમાં ક્યાં સાવધાની રાખવાની જરૂર છે
ઓ. પી. નૈયરનો ક્લાસિક કેસ છે. આ લેજન્ડરી સંગીતકાર પોતાની જીવનભરની કમાણી પરિવારને આપીને ખાલી હાથે ઘરમાંથી નીકળી ગયા. થોડોક સમય હોટેલમાં રહ્યા અને પછી થાણેના મરાઠી પરિવારને ત્યાં પેઇંગગેસ્ટ તરીકે રહ્યા. જીવ્યા ત્યાં સુધી ગુજરાન ચલાવવા માટે પોતે બનાવેલાં ગીતોમાંથી મળતી રૉયલ્ટીનો સહારો લીધો. અંતિમ શ્વાસ લેતાં પહેલાં જ પોતાની અંતિમ ક્રિયામાં ફૅમિલીના કોઈ પણ મેમ્બરનો પડછાયો પણ ન પડે એવી જાહેરાત કરતા ગયા હતા. છેલ્લા દિવસો જેમની સાથે રહ્યા તેમને જ પોતાના પછી રૉયલ્ટીનો હક પણ આપતા ગયા અને થોડીઘણી જે મિલકત બચી હતી એ પણ આ પરિવારના નામે કરી હોવાનું મનાય છે. દુનિયાભરમાં જાણીતા અને મહાન દરજ્જાના એક સંગીતકારના જીવનનું આ કથન જગજાહેર છે. જાણીતા ઍડ્વોકેટ ભરત જોશીએ આ પ્રસંગથી વાતની શરૂઆત કરીને પોતાની પ્રોફેશનલ જર્નીમાં જોયેલા આવા અઢળક કિસ્સાઓ વિશે પણ વાતો કરી જેની આપણે આગળ ચર્ચા કરવાના છીએ. આજે આ વિષય નીકળ્યો એની પાછળનું કારણ હમણાં જ બનેલી એક ઘટના છે. સાઉથ ઇન્ડિયામાં એક પિતાએ પોતાની ૪ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી મિલકત પોતાનાં સંતાનોને ન આપી. તામિલનાડુના તિરુવનમલાઈ જિલ્લામાં રહેતા નિવૃત્ત આર્મીના અધિકારી એસ. વિજયને પોતાની ૪ કરોડની પ્રૉપર્ટી ત્યાંના એક લોકલ મંદિરના નામે કરી નાખી. અખબારી અહેવાલો મુજબ વર્ષો સુધી દીકરીઓ તરફથી અવગણના અને અવહેલનાનો શિકાર બનેલા આ પિતા સાથે વારસાને લઈને દીકરીઓ પણ ઝઘડી રહી હતી. પોતાની જરાય કાળજી ન રાખનારી દીકરીઓને બદલે પિતાએ બધું જ ભગવાનને આપવાનું ઉચિત સમજ્યું અને આખો કેસ બહાર આવ્યો. અત્યારે તેમની દીકરીઓ આ પ્રૉપર્ટી પાછી મેળવવાની જદ્દોજહદમાં લાગી છે. વડીલો સાથે સંતાનોના દુર્વ્યવહાર અને તેમની સંપત્તિને લઈને તેમના પર લાદવામાં આવતા પ્રેશર વિશેના સમાચારો અવારનવાર વાંચવા મળતા હોય છે ત્યારે આવું બોલ્ડ ડિસિઝન લેવું ખરેખર સંભવ છે? વડીલો પોતાની હયાતીમાં અને હયાતી પછી પણ લીગલી એવું શું કરી શકે જેમાં તેમણે છતી સંપત્તિએ સંતાનોના ત્રાસનો ભોગ ન બનવું પડે? કાયદાકીય અને સામાજિક દૃષ્ટિએ આ આખા મુદ્દાને સમજીએ.
ADVERTISEMENT
બહુ જ ટફ ડિસિઝન
સામાન્ય રીતે આપણે ત્યાં વડીલો સંતાનોથી ત્રાહિત હોય તો પણ પોતાની પ્રૉપર્ટી સંતાનો સિવાય બીજાને આપવાની હિંમત નથી કરી શકતા. પોતે ૮૫ વર્ષની ઉંમર ધરાવતા, બૅન્કના નિવૃત્ત મૅનેજર અને હવે જ્યેષ્ઠ નાગરિક સેવા કેન્દ્રના પ્રેસિડન્ટ તરીકે વડીલોના હક માટે લડતા વિજય ઔંધે કહે છે, ‘વડીલો હેરાન થઈ રહ્યા છે. સંતાનો તેમની કદર નથી કરતાં અથવા તો તેમને પૂરતું ખાવાનું નથી આપતાં એવી ફરિયાદો લઈને ઘણા વડીલો અમારી પાસે આવે છે, પરંતુ એ બધું જ સહન કર્યા પછી પોતાના નામે રહેલી વસ્તુઓ બીજા કોઈને આપવાનું તેઓ નથી વિચારી શકતા. સંતાનો મનમાંથી ઊતરી ગયાં હોય, એવો કોઈ પ્રેમ કે મોહ પણ ન રહ્યો હોય અને છતાં પોતાની મિલકતના વારસદાર તો તેઓ જ છે એવી સજ્જડ માન્યતા તેમના મનમાં ધરબાયેલી હોય છે. દુનિયાનો ડર હોય છે, સમાજ શું કહેશે એની ચિંતા હોય છે એટલે મનમાં ભયંકર પીડા હોય, સંતાનો ઢોર માર મારતાં હોય તો પણ પોતાની ઓછી-વત્તી જે સંપત્તિ, ધન કે સોનું હોય એ તેમને જ આપીને જાય. પોતાના માટે હયાતીમાં ખર્ચીને પોતાને સુવિધા કરાવે એવું કરનારાઓ પણ ખૂબ ઓછા હોય છે. એવા સમયમાં આવા કિસ્સા સાંભળવા મળે એ ખરેખર સારી બાબત છે. આવું થવું જોઈએ. મા-બાપમાં પણ એ હિંમત અને ડેરિંગ આવવી જોઈએ. તેઓ કોઈના મોહતાજ નથી અને ધારો કે સંતાને તેમની સાથે વ્યવહાર સારો ન રાખ્યો તો મા-બાપની પ્રૉપર્ટીની એક કોડી તેમને નહીં મળે એ ડર પણ સંતાનોમાં હોવો જોઈએ. કમસે કમ એના ભયથી પણ તેઓ મા-બાપની થોડીઘણી ચાકરી કરશે.’
હવે બદલાઈ રહ્યો છે સમય
છેલ્લાં ઘણાં વર્ષોથી વકીલ તરીકે અઢળક વડીલોનાં વિલ બનાવી ચૂકેલા ઍડ્વોકેટ ભરત જોશી પાસે એવા કિસ્સા આવ્યા છે જેમાં વડીલોએ પોતાના જીવતેજીવ પોતાની ચાકરી કરશે તો જ પોતાની મિલકતમાં પુત્રનો હક રહેશે એવું સ્પષ્ટ લખાવ્યું હોય. ભરતભાઈ કહે છે, ‘બહુ જ ઓછી માત્રામાં પણ હવે કમસે કમ વડીલોમાં એ બોલ્ડનેસ આવી રહી છે જે સારી નિશાની છે. મારી પાસે એવા ઘણા કિસ્સા આવ્યા છે જેમાં વિલમાં સંતાનોને પોતાની ગેરહાજરીમાં શું આપવું અને શું નહીં એનો નિર્ણય સંતાનોએ કરેલા વ્યવહાર પર નિર્ભર કરતો હોય છે. ૮૦ ટકા પેરન્ટ્સ પોતાના દીકરાઓને જ પ્રૉપર્ટી આપે છે, પરંતુ ૨૦ ટકા એવા છે જેમાંથી અડધોઅડધ દીકરીને પણ અમુક હિસ્સો આપવા ઇચ્છતા હોય છે. જોકે ૨૦ ટકા વડીલો સંતાનો મને રાખશે તો આપીશ નહીં તો મને જે રાખશે તેને મારી મિલકત આપીશ એ બાબતને લઈને સ્પષ્ટ છે. એક કિસ્સો કહું તમને. એક ફૅમિલીમાં હસબન્ડ-વાઇફને ચાર સંતાનો. બે દીકરીઓનાં લગ્ન થઈ ગયાં હતાં. ખમતીધર ઘર હતું. હસબન્ડ પોતાની વિલમાં પોતાના ગયા પછી જે સંતાન મારી પત્નીને સુખી રાખશે તેના નામે પ્રૉપર્ટી કરતા ગયા. તેઓ પોતાના નાના દીકરાના ઘરે જ રહેતા હતા એટલે વિલમાં એ સ્પષ્ટ હતું કે બધી જ મિલકત નાના દીકરાને અને ૨૦-૨૦ લાખની રોકડ રકમ બન્ને દીકરીઓને આપવાની હતી. મોટા ભાઈએ જીવનભર મા-બાપને સાચવ્યાં નહીં પણ પ્રૉપર્ટી માટે કોર્ટે ચડ્યો. જોકે વિલમાં જે લખ્યું હતું એમાં સાક્ષીદારોનાં સ્ટેટમેન્ટ્સ પછી કોર્ટે એ જ માન્ય રાખ્યું. કોર્ટમાં ગયા પછી પણ કંઈ વળ્યું નહીં. એવો જ એક બીજો કિસ્સો હતો જેમાં વિધવા પુત્રવધૂએ સાસુનું જરાય ધ્યાન ન રાખ્યું. ઊલટું તેમને ધુતકારતી હતી. સાસુ કોઈક બીજા દૂરના રિલેટિવના ઘરે રહેતાં હતાં. સાસુએ પોતાના વિલમાં પોતાની પ્રૉપર્ટી જેમના ઘરે રહેતાં હતાં એ દૂરના રિલેટિવના નામે કરી દીધી. તેમના ગયા પછી જ્યારે આ વાતની ખબર પડી તો પુત્રવધૂ અને પૌત્રીઓ ખૂબ લડી; પણ છેલ્લે સાસુના વિલ પ્રમાણે કોર્ટમાં ગયેલી પુત્રવધૂને ઠપકો આપીને રવાના કરાઈ, કારણ કે એ પ્રૂવ થયું હતું કે તેમણે પૂરા સાનભાનમાં આ વિલ બનાવ્યું હતું એમાં મીનમેખ બદલાવ ન કરી શકાય. ઘણા વડીલોએ બનાવેલા વિલમાં સંતાનોના વ્યવહારને ધ્યાનમાં રાખીને ઉમેરો કરાવ્યો હોય જેને પુરવણી કહેવાય. એ પણ કોર્ટમાં માન્ય હોય છે.’
બૅન્કના નિવૃત્ત મૅનેજર વિજય ઔંધે
તમારી સંપત્તિ વાપરો
વડીલોમાં જોવા મળતી એક ખૂબ સામાન્ય આદત સામે ટકોર કરતાં ઍડ્વોકેટ ભરત જોશી કહે છે, ‘ઘણા વડીલો એવું માને છે કે એક વાર વિલ બનાવી દીધું એટલે પછી તેઓ એ પ્રૉપર્ટીના હકદાર નથી રહેતા. એટલે તેઓ છતા પૈસે ગરીબડા બનીને અને લાચારી સાથે જીવતા હોય છે. એક વાત ખાસ સમજી લો કે જ્યાં સુધી તમે હયાત છો ત્યાં સુધી એ પ્રૉપર્ટી તમારી છે, ભલે તમે વિલમાં કોઈના નામે લખી છે. તમારા ગયા પછી જે વધ્યું હશે એ જ વિલના હકદારને મળશે. એ વિલ તમારી ગેરહાજરી માટે બનેલો દસ્તાવેજ છે. તમારી હાજરીમાં તમે તમારી મિલકત વિલમાં કોઈકને આપી દીધી હોય તો પણ એનો દિલ ખોલીને વપરાશ કરી શકો છો. બીમારી આવે કે ફરવા જવું હોય તો એ પ્રૉપર્ટી વેચી પણ શકો છો. એમાં તમને કોઈ રોકી નહીં શકે. એ તમારો જ હક છે અને તમારી જ મિલકત છે. તમે ગયા પછી એ કોઈકની માલિકી બનશે, પણ એ પહેલાં એનો વપરાશ તમે કરી લીધો હશે તો એમાં કોઈ વાંધો નથી. બીજું, દરેક પુરુષ વડીલને કહેવાનું કે જો પ્રૉપર્ટી તમારા નામે હોય તો તમારા વિલમાં ખાસ લખો કે તમારી પત્ની જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પત્નીનું બરાબર ધ્યાન રખાશે તો જ એ સંતાનને મળશે. પત્ની માટે અમુક રકમ અલાયદી મૂકીને જાઓ. મેં ઘણા કિસ્સા જોયા છે જેમાં શ્રીમંત ઘરની મહિલાઓ પતિના ગુજરી ગયા પછી મંદિરમાં પૈસા મૂકતાં પણ ખચકાતી હોય છે, કારણ કે તેમની પાસે પૈસા જ નથી હોતા. તેમને પુત્ર સામે હાથ લંબાવતાં સંકોચ થતો હોય છે. આખી જિંદગી એક શબ્દ બોલ્યા વિના તે આ રીતે મનોમન પીસાઈને કાઢી નાખતી હોય છે. તમારી ગેરહાજરીમાં તમારી પત્નીની પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે એ વાત ભુલાય નહીં.’
ઍડ્વોકેટ ભરત જોશી
આ વળી એક નવું સ્કૅમ છે!
આજકાલ ઘણાં મંદિરો અને આશ્રમો તેમને ત્યાં રહેવા જતા વડીલો પાસે પ્રૉપર્ટીના પેપર લખાવી લે છે. આવા અઢળક કિસ્સા મારી પાસે આવ્યા છે એમ જણાવીને ઍડ્વોકેટ ભરત જોશી કહે છે, ‘ઘણા એવા વડીલો હોય છે જેઓ કોઈ ધર્મગુરુમાં માનતા હોય તો ઢળતી ઉંમરે ગુરુના સાંનિધ્યમાં તેમના આશ્રમમાં રહેવા ઇચ્છતા હોય છે. ઘણા આશ્રમવાળા એવી શરત મૂકતા હોય છે કે અમે તમને જીવનભર રાખીશું, કોઈ વાતની કમી નહીં આવવા દઈએ, અહીં તમારી બધી જ વ્યવસ્થા સચવાઈ જશે; પણ તમારે એ પછી તમારી સંપત્તિ આશ્રમને દાન કરવાની રહેશે. વડીલોનું એ રીતે બ્રેઇનવૉશ કરે કે વડીલો ત્યાં ગયા પછી તેમની હયાતીમાં જ તેમની પાસે વિલમાં તેમનું બધું આશ્રમના નામે કરાવી દેવાની ટ્રિક તેઓ અજમાવતા હોય છે, જેમાં પછી લીગલી કંઈ જ ન કરી શકાય.’

