વિલે પાર્લેમાં રહેતાં ૮૭ વર્ષનાં વંદના દેસાઈની નૃત્ય ઍકૅડેમી ‘કલા સંગમ’ની આ વર્ષે સ્વર્ણિમ જયંતી ઊજવાઈ રહી છે
વંદના દેસાઈ
મુંબઈના ગુજરાતી કલાજગતમાં પોતાના ભરતનાટ્યમના ક્લાસિસ અને ગરબાના સ્ટેજ-શો માટે ખાસ્સાં જાણીતાં વંદના દેસાઈની ઇન્સ્ટિટ્યૂટ ‘કલા સંગમ’ને આ વર્ષે ૫૦ વર્ષ પૂરાં થયાં છે. કલામાં પોતાની કલાત્મકતા અને સૂઝબૂઝ માટે માન મેળવનાર વંદના દેસાઈ બે વર્ષ પહેલાં આવેલા સ્ટ્રોક પછી પણ અડીખમ રહીને આજે પણ વિદ્યાર્થીઓને ડાન્સ શીખવે છે. આજે જાણીએ નૃત્યક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન વિશે અને ડોકિયું કરીએ તેમની આજમાં
જેમની રગેરગમાં લોહીને બદલે નૃત્ય વહે છે, જે ૫૦ વર્ષથી પોતાની ઍકૅડેમી દ્વારા અઢળક વિદ્યાર્થીઓને પોતાના નૃત્યનો વારસો આપી ચૂક્યાં છે, જે ગુજરાતી ગરબાની લઢણને પોતાની ક્રીએટિવિટીનો ટચ આપીને નિખારી ચૂક્યાં છે એ વંદના દેસાઈ મુંબઈના કલાજગતનું અત્યંત જાણીતું નામ છે. વિલે પાર્લેમાં રહેતાં ૮૭ વર્ષનાં વંદના દેસાઈની નૃત્ય ઍકૅડેમી ‘કલા સંગમ’ની આ વર્ષે સ્વર્ણિમ જયંતી ઊજવાઈ રહી છે ત્યારે જાણીએ નૃત્યક્ષેત્રે તેમણે આપેલા પ્રદાન વિશે.
ADVERTISEMENT
પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે વંદના દેસાઈ.
શરૂઆત
વિલે પાર્લેની ગોકળીબાઈ સ્કૂલમાં ભણેલાં વંદનાબહેને વિલ્સન કૉલેજ અને સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ૧૯૬૩માં MAની ડિગ્રીઓ મેળવી હતી. ૧૯૬૪માં તેમણે BEdની ડિગ્રી મેળવી અને અંધેરીની એમ. એ. હાઈ સ્કૂલમાં ગુજરાતી શિક્ષિકા તરીકેની નોકરી સ્વીકારી. ત્યાં સમય જતાં તેઓ સુપરવાઇઝર અને વાઇસ પ્રિન્સિપાલ પણ બન્યાં. પોતાના નૃત્યના શોખ વિશે આંખમાં ચમક સાથે વંદનાબહેન કહે છે, ‘મને નાનપણથી જ નૃત્યનો ભારે શોખ. કોઈ પણ ગુજરાતીની જેમ જ ગરબા રમવાનું મને ખૂબ જ ગમતું. ભરતનાટ્યમ જેવા શાસ્ત્રીય નૃત્યની તાલીમ મેં ગુરુ મણિ, ગુરુ વેણુગોપાલ અને ગુરુ રાજલક્ષ્મી પાસેથી લીધી હતી. સ્કૂલમાં હતી એ દરમિયાન આકાશવાણી, દૂરદર્શન અને સ્ટેજ પરના નૃત્યના પ્રોગ્રામ હું કર્યા કરતી. સ્કૂલમાં પણ બાળકોને ખૂબ નૃત્ય શીખવ્યું. પણ મને લાગ્યા કરતું હતું કે મારો નૃત્યનો વારસો હું વિદ્યાર્થીઓ સુધી યોગ્ય રીતે પહોંચાડી શકું એવું એક માધ્યમ હોવું જોઈએ. અને જન્મ થયો ‘કલા સંગમ’નો.’
ગરબાના સ્ટેજ-શો
ભરતનાટ્યમમાં પારંગત એવાં વંદના દેસાઈએ ૧૯૭૫માં વિદ્યાર્થીઓને નૃત્ય શીખવવા માટે ‘કલા સંગમ’ નામની ઍકૅડેમીની શરૂઆત કરી. તેમની હેઠળ લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભરતનાટ્યમ શીખ્યું હશે, જેમાંથી આરંગેત્રમ સુધી આગળ વધનારા વિદ્યાર્થીઓ પણ ઘણા છે. જુદી-જુદી જગ્યાએ તેમની પાસે નૃત્ય શીખનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૦૦ જેટલી ગણી શકાય. ૧૯૯૦માં ‘કલા સંગમ’ના નેજા હેઠળ તેમણે ગરબાના સ્ટેજ-શો કરવાની શરૂઆત કરી. એ વિશે વાત કરતાં વંદના દેસાઈ કહે છે, ‘એ સમયે ગરબાનું વ્યવસાયીકરણ થઈ ચૂક્યું હતું. લોકો ગરબાને બદલે ડિસ્કો-દાંડિયા કહેવા લાગ્યા હતા. આ સમયે પારંપરિક ગરબાઓ શોધવા પડે એવી હાલત હતી. ત્યારે અમને એવું થયું કે લોકનૃત્યને સ્ટેજ પર ભજવીએ. પારંપરિક રીતે તો ખરા જ પરંતુ અમે શાસ્ત્રીય ઢબને પણ ગરબામાં જોડી. કથક, ભરતનાટ્યમ અને ઓડિસી જેવાં ડાન્સ-ફૉર્મના અમુક ભાગને અમે ગરબામાં જોડ્યા. ભારતના ૬ પ્રદેશને એક ગરબામાં સમાવી શકાય એવી થીમ સાથે અમે ગરબો કોરિયોગ્રાફ કર્યો. પતંગની થીમ પર એક ગરબો કર્યો જેમાં છોકરીઓ ખુદ પતંગ પહેરીને એટલે કે ખુદ પતંગ બનીને ગરબા કરી રહી હતી. મને ખુશી એ વાતની છે કે લોકોને મારી આ ક્રીએટિવિટી ખૂબ ગમી. અમે ઋતુઓનો એક ગરબો કરેલો. અમે કેટલાક કવિઓની રચનાઓને ગરબાના રૂપે રજૂ કરેલી. આ ગરબાના ટિકિટ-શોઝ એ સમયે એટલા પૉપ્યુલર થયા કે અમે દર વર્ષે નવરાત્રિ સમયે એ કરવા લાગ્યા. ૨૦૧૫ સુધી અમે એ કર્યા.’
સાથે જોડાયેલા કલાકારો
ગરબાના તેમના એ સ્ટેજ-શોએ તેમને કળાજગતમાં સારુંએવું નામ અને માન અપાવ્યું. આ શોઝમાં નીનુ મઝુમદાર, કૌમુદી મુનશી, રાજુલ મહેતા, ઉદય મઝુમદાર, સુરેશ જોશી, રેખા ત્રિવેદી જેવા કલાકારોનો સાથ વંદના દેસાઈને મળ્યો. આ સિવાય આ કાર્યક્રમોમાં શાસ્ત્રીય સંગીતનાં જાણીતાં ગાયક કલાકાર અશ્વિની ભીડે-દેશપાંડે, શુભા જોશી અને રવીન્દ્ર સાઠેએ પણ પોતાનો કંઠ આપ્યો હતો. ગ્રૅમી અવૉર્ડ વિજેતા ફાલ્ગુની શાહ, જેમને ફાલુના નામે ઓળખવામાં આવે છે તેમણે પણ આ કાર્યક્રમોમાં ગરબા ગાયા હતા. એ વિશે ઉત્સાહપૂર્વક વાત કરતાં વંદના દેસાઈ કહે છે, ‘લોકનૃત્યને એ સમયે એક નવી દૃષ્ટિ સાથે જોવાનું શરૂ થયું હતું. મને ઇચ્છા હતી કે આ કલાકૃતિઓને ભારતની બહાર પણ લઈ જાઉં જેથી એનો વ્યાપ વધે, પણ એ કામ રહી ગયું. એ સમયે કરેલી ઘણી કૃતિઓ મેં કલાસંગમ વંદના દેસાઈ નામની યુટ્યુબ ચૅનલ પર રાખી છે જેથી વધુ ને વધુ લોકો સુધી એ પહોંચી શકે. આ સ્ટેજ-શોઝમાં જે છોકરીઓ મારી પાસે ગરબા શીખીને પર્ફોર્મ કરતી એ બધી ગુજરાતી છોકરીઓ નહોતી, પરંતુ બધી દીકરીઓએ ગરબા ખૂબ સારી રીતે નિભાવ્યા હતા.’
કળામાં બંધન નથી
મોટા ભાગના શાસ્ત્રીય સંગીત કે નૃત્યના કલાકારો પોતાની પારંપરિક કળાને એના નિયમો અનુસાર જ બાંધીને રાખવામાં માનતા હોય છે. કેટલાક જ એવા કલાકારો હોય છે જે એ કલાને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે એક જુદો ઓપ આપીને સમય પ્રમાણે એમાં બદલાવ લાવવાનું વિચારે છે અને એ ક્ષમતા સાથે એને બદલી પણ શકે છે. વંદનાબહેન એ પ્રકારના કલાકારોમાંના એક છે. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘કળા તમને મુક્ત કરે છે, બાંધીને રાખતી નથી. કાયદામાં રહીને, જે સ્થાપિત ફૉર્મ છે એને નુકસાન ન પહોંચે એ રીતે કલાત્મક ફેરફારો એ કળાને વધુ સુંદર બનાવે છે. જે ઝરણા કે નદીની માફક વહેતી રહે એ કળા જીવંત ગણાય પણ તળાવની જેમ એક જગ્યાએ સ્થિર થઈ જાય ત્યારે એ સુંદર તો રહે છે પણ જીવંતતા નથી અનુભવાતી. મેં આવા જરૂરી લાગતા ઘણા પ્રયોગો કર્યા. જેમ કે મારી એક જૈન વિદ્યાર્થિની હતી જેના આરંગેત્રમ વખતે નવકાર મંત્ર પર મેં તેને ભરતનાટ્યમ પર્ફોર્મ કરાવ્યું હતું. કલામાં તમે કરેલા કોઈ પણ પ્રકારના બદલાવનો સહજ સ્વીકાર થાય એ જોવું પણ કલાકાર માટે જરૂરી છે. હું લોકોની નજરમાં એ સ્વીકાર જોઈ શકી અને થયેલા એ બદલાવની ભરપૂર પ્રશંસા પણ સાંભળી શકી એ બદલ ખુશી અનુભવું છું.’
હજી પણ ઍક્ટિવ
વંદનાબહેન અત્યારે તેમના દીકરા મેહુલ અને વહુ કરુણા સાથે વિલે પાર્લેમાં જ રહે છે. તેમના પતિ ૨૦૨૧માં મૃત્યુ પામ્યા. તેમના પૌત્ર અંકિત દેસાઈને દાદીના કલાકાર તરીકેના ગુણો વિરાસતમાં મળ્યા હોય એમ એ સ્વીડનમાં સ્નાફુ રેકૉર્ડ્સ નામના રેકૉર્ડ લેબલ અને મ્યુઝિક ટેક કંપનીનો CEO છે. આજે ૮૭ વર્ષની ઉંમરે વંદના દેસાઈની ‘કલા સંગમ’ હજી પણ ચાલુ જ છે. એક સમયે તેઓ ચાર અલગ-અલગ જગ્યાએ અને પર્સનલ ક્લાસિસ પણ લેતાં. હવે તેઓ ઘરે જ ક્લાસ ચલાવે છે. કોવિડ વખતે તેઓ ઑનલાઇન ક્લાસિસ લેતાં હતાં. એ પછી આજે પણ ઘણી વાર ઑનલાઇન ક્લાસ લે છે અને ઑફલાઇન ક્લાસમાં ઘરે છોકરીઓને ડાન્સ શીખવે છે. અલબત્ત, અત્યારે તેમની શિષ્યા-કમ-અસિસ્ટન્ટ તેમની મદદ માટે રહે છે. આ સિવાય તેમના વિદ્યાર્થીઓનો સ્ટેજ-શો હોય તો વંદનાબહેનના પૂરા ગાઇડન્સ હેઠળ એ કાર્યક્રમ થતા હોય છે. રાત્રે ૧૦-૧૧ વાગ્યા સુધી ગ્રૅન્ડ રિહર્સલ હોય તો છેલ્લે સુધી રોકાઈને પોતાના શિષ્યો અને તેમના શિષ્યોને પણ માર્ગદર્શન પૂરું મળી રહે, કાર્યક્રમમાં પર્ફેક્શન જળવાઈ રહે એનું ધ્યાન વંદનાબહેન રાખતાં હોય છે.
દિનચર્યા
તેમની દિનચર્યા વિશે જાણીએ તો વંદનાબહેન અઠવાડિયાના પાંચ દિવસ યોગ-અભ્યાસ કરે છે. તૈયાર થવું અને વ્યવસ્થિત રહેવું તેમને ગમે એટલે ઘરમાં હોય તો પણ સાડીને વ્યવસ્થિત પિન-અપ કરીને જ પહેરે. તેમના વિશે વાત કરતાં તેમનાં વહુ કરુણાબહેન કહે છે, ‘મમ્મી ફુલ ઑફ લાઇફ છે. અત્યંત જીવંત અને એનર્જીથી ભરપૂર. નૃત્ય તેમની જીવનરેખા છે. એટલે નૃત્ય વગર તેમનો દિવસ જાય નહીં. ફિલ્મો, ટીવી અને વેબ-સિરીઝનો પણ તેમને ખાસ્સો શોખ છે. આ ઉંમરે પણ સોશ્યલ મીડિયા અને યુટ્યુબ વાપરતાં તેમને આવડે છે. કશું ન આવડે કે ક્યાંક અટકે તો તરત જ શીખી લેવું હોય તેમને. આજુબાજુ જે પણ મળે એ વ્યક્તિને પૂછી લે અને શીખી લે. સમય સાથે ચાલતાં તેમને આવડે છે. જીવનને ખરી રીતે જીવી લેતાં તેમને આવડે છે.’
તકલીફો
વંદનાબહેનને ૨૦૨૦માં કોવિડને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એ પછી ૨૦૨૩માં તેમને માઇલ્ડ સ્ટ્રોક આવ્યો હતો, જેને લીધે તેમની બોલવાની શક્તિ પર અસર થઈ હતી. થેરપી પછી ઘણું ઇમ્પ્રૂવમેન્ટ છે પણ હજી થોડી અસર તો રહી ગઈ છે. તેમને સાંભળવામાં પણ થોડી તકલીફ છે એટલે હિયરિંગ એઇડ વાપરે છે. ૨૦૨૧માં જ તેમણે તેમના જીવનસાથીને ગુમાવી દીધા. આ બધી જ વિપરીત પરિસ્થિતિઓએ પણ તેમને ક્યાંય અટકાવ્યાં નથી. એ વિશે વાત કરતાં કરુણા દેસાઈ કહે છે, ‘મમ્મી હંમેશાં ખુશ રહેનારી વ્યક્તિઓમાંનાં એક છે. સતત તેમને કાર્યો કરતાં રહેવાં છે. આજકાલ ઘરે જ રહે છે પણ ઘરેથી પણ તેમનાથી જેટલું થાય એટલું કામ તેમને કરવું જ છે. જીવની શરૂઆતમાં નૃત્ય તેમનો શોખ હતો અને જીવનના આ પડાવમાં નૃત્ય જ તેમનું જીવન છે. એના વગર તેમને નથી ગમતું.’
વિદ્યાર્થીઓ
પોતાના વિદ્યાર્થીઓ વિશે વાત કરતાં વંદના દેસાઈ કહે છે, ‘એક ગુરુ માટે તેના વિદ્યાર્થીઓ તેનો પરિવાર હોય છે. તેનાં પોતાનાં બાળકો જેટલો પ્રેમ એક ગુરુ પોતાના શિષ્યોને આપે છે. મારા વિદ્યાર્થીઓ એક વખત મારી સાથે જોડાયા એટલે તેઓ જીવનભર જોડાયેલા રહે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમની પોતાની ડાન્સ-સ્કૂલ છે. કેટલાક તો એટલા જૂના છે કે તેમના વિદ્યાર્થીઓએ પણ પોતાની ડાન્સ-સ્કૂલ ખોલી છે. મને એ વાતની ખુશી છે કે પેઢી દર પેઢી આ પરંપરા અને કલાવારસો આગળ વધી રહ્યાં છે.’

