રડવું આવે છે તો રડો, નારાજગી વ્યક્ત કરવી છે તો કરો, પિન્ક ગમે છે તો પહેરો...
ઇન્ટરનૅશનલ મેન્સ ડે
પ્રતીકાત્મક તસવીર
હંમેશાં પરિવારના પાલક તરીકેની ભૂમિકા અદા કરવાનું ભારણ રાખીને ચાલતા પુરુષો જ્યારે ખુલ્લા મને ઉદ્વેગ શૅર નથી કરી શકતા, હેલ્પ માગી નથી શકતા કે પોતાની ઇચ્છાઓને પ્રાયોરિટી નથી આપી શકતા ત્યારે એની આડઅસર તેમના જીવન અને જીવનશૈલી પર સતત પડે છે. જમાનો બદલાયો છે ત્યારે આવો જાણીએ જાણીતા સાઇકિયાટ્રિસ્ટ અને સેલિબ્રિટીઝ પાસેથી કે લાગણીઓ છુપાવતા અને સતત સુપરમૅન હોવાનો દેખાવ કરતા પુરુષોએ ખરા અર્થમાં એ મહોરું ઉતારીને જીવન માણતાં કેમ શીખવું જરૂરી છેહિતેન કુમાર, ઍક્ટર
It’s OK to cry
ADVERTISEMENT
It’s OK to be hurt
It’s OK to be emotional
It’s OK to feel vulnerable
It’s OK to seek help
It’s OK to put own priorities at first
It’s OK to like pink
It’s OK to be a human
સોશ્યલ મીડિયા પર કહેવાયેલી આ વાત પણ પુરુષો માટે જ છે અને આ વાત હવે પુરુષોએ સ્વીકારવાનું શરૂ કરવું પણ જોઈએ, જે સંપૂર્ણપણે પુરુષોના હિતમાં પણ છે પણ પુરુષો એવું કેમ નથી કરતા કે શું કામ નહોતા કરતા એ વિશે પહેલાં વાત કરવાની જરૂરી છે. જાણીતાં સાઇકોલૉજિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘પુરુષોએ ક્યારેય પોતાના મનની વાત કહેવાનું કે પછી પોતાને પ્રાથમિકતા આપવાનું કામ નથી કર્યું. હા, હવેની જે જનરેશન છે તેને આ વાત સંપૂર્ણપણે લાગુ નથી પડતી પણ અફસોસ સાથે કહેવું પડે કે અમુક અંશને બાદ કરતાં હજી પણ નેવું ટકા પુરુષો એવા જ છે જે પોતાની જાતને લાગણીઓના બહાવમાં ખેંચી જવાનું ટાળે છે, જેનું કારણ છે તેમણે જે જોયું છે એ. કહે છેને, તમે એવા જ બનતા હો છો જેની સાથે તમે રહ્યા હો. પુરુષો મૅક્સિમમ પુરુષો સાથે રહેતા હોવાને લીધે પણ તેમનો સ્વભાવ એવો અકબંધ રહ્યો છે તો નાનપણમાં તેમણે જોયું છે કે પપ્પા ક્યારેય રડતા નથી. પપ્પા ક્યારેય પોતાને પ્રાધાન્ય આપતા નથી કે પપ્પા ક્યારેય પોતાની ઇચ્છા કહેતા નથી. આ વાત પણ પપ્પાએ ક્યારેય અન્ડરલાઇન કરીને નથી કહી એટલે ‘મેકિંગ ઑફ મૅન’ની પ્રોસેસ દરમ્યાન જ બાળકના મનમાં એવી છાપ ઊભી થવા માંડે છે કે આપણે પણ આમ જ રહેવાનું હોય, પુરુષોનો આ જ ધર્મ છે.’
મુકુલ ચોકસીની વાતની સાથે સહમત થતાં જાણીતા સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘પુરુષોને હંમેશાં લાગ્યું છે કે આપવું એ આપણી જવાબદારી છે અને આપણે એ જવાબદારીને ધર્મ માનીને આગળ વધવાનું હોય. આ જે ઇમોશન્સ છુપાવવાની વાત છે કે એના પર કન્ટ્રોલ કરવાની વાત છે એને પણ પુરુષો પોતાની જવાબદારી માનતા થઈ ગયા છે. જમવા બેઠા હોઈએ અને એક જ રોટલી વધી હોય તો મા કહી દે કે મને ભૂખ નથી. આ વાતને જેમ સ્ત્રીદાયિત્વ ગણવામાં આવી છે, માની મમતા તરીકે જોવામાં આવી છે એવી જ રીતે મારી કોઈ ઇચ્છા નથી કે હું જાતને પ્રાધાન્ય આપતો નથી એ વાતને પણ દરેક ફૅમિલીમાં પુરુષોના દાયિત્વ તરીકે જ જોવાતી હોય છે. તમે પોતે યાદ કરો, તમારા પપ્પાએ આપેલા સૅક્રિફાઇસને એક સમય પછી તમે પોતે પણ રિસ્પેક્ટથી જોતા થઈ જતા હો છો. નૅચરલી, એને લીધે ધીમે-ધીમે તમે પણ એવું ઇચ્છતા થઈ જાઓ કે મારે પણ એવા થવું છે અને પછી જાણતાં-અજાણતાં વ્યક્તિ એ પ્રોસેસને ઇમ્પ્લિમેન્ટ કરી દે અને પછી આ આખી ઘટનાની કન્ટિન્યુઇટી પેઢીઓ સુધી અકબંધ રહી.’
મલ્હાર ઠાકર, ઍક્ટર
It’s OK to be emotional
‘જે રીતે લાગણી અને પ્રેમ દર્શાવવાં એ સ્ત્રીઓનો હક છે એવી જ રીતે લાગણી અને પ્રેમને કન્ટ્રોલમાં રાખીને જવાબદારીઓ નિભાવવી એ પુરુષોનો હક છે.’ જાણીતા પ્રોડ્યુસર-ઍક્ટર સિર્દ્ધાથ રાંદેરિયા કહે છે, ‘પુરુષોની આંખો ભરાય એમાં કશું ખોટું નથી અને લાગણી કે પ્રેમ કે તકલીફ વ્યક્ત કરવા માટે પુરુષો રડી પણ લેતા હોય છે પણ પુરુષોની આંખો નાની-નાની વાતે ભરાતી નથી એ પણ એટલું જ સાચું છે. મે બી એમાં બૉડીનું મેકૅનિઝમ પણ મહત્ત્વનો ભાગ ભજવતું હશે. મારી વાત કરું તો મેં મારા પપ્પા મધુકર રાંદેરિયાને બહુ નજીકથી ઑબ્ઝર્વ કર્યા છે એટલે મને ખબર છે કે તેમની વાતોમાં નહીં પણ તેમના વ્યવહારમાં પ્રેમ હતો. મા પોતાના સંતાનને ગળે વળગાડીને લાડથી ‘મારો દીકરો’ કે ‘મારી દીકરી’ એવું કહી, બોલી શકે પણ પિતા એવું કર્યા કે કહ્યા વિના પણ પોતાના વ્યવહારમાં દેખાડી દે. હું અહીં માનાં ઇમોશન્સને ડિસ્કાઉન્ટ નથી કરતો પણ કહેવા માગું છું કે પિતા ઇમોશન્સ દેખાડે નહીં તો એમાં કશું ખોટું નથી, એ તમારા બિહેવિયરમાં હોય અને સામેની વ્યક્તિ સુધી પહોંચી જતાં હોય તો પણ ઘણું છે.’
આ વાત જેટલી સાચી છે એમ બીજી તરફ એ પણ વિચારવું જરૂરી છે કે ક્યાંક ‘હું પુરુષ છું એટલે લાગણીવેડા ન કરાય’ એવું મનમાં ક્યાંક ઊંડે-ઊંડે ઘર કરી ગયું કે પુરુષ પોતાનાં ઇમોશન્સને પણ સમજી નથી શકતા. પોતાનાં ઇમોશન્સ બાબતે સભાન થવું અને જે પણ ઇમોશન્સ હોય એને વહેવા દેવાં એ કેમ જરૂરી છે એ વિશે ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘સ્ત્રી-પુરુષની ઇમોશન્સ દેખાડવાની પ્રક્રિયા અલગ-અલગ હોય એ સ્વાભાવિક છે પણ જો ઇમોશન્સને દબાવી રાખવામાં આવતાં હોય તો એ ખોટું છે. પુરુષોને પૂરતો હક છે કે તે ઇચ્છે કે ધારે તો મા જેવાં જ વાણી-વર્તન કે વ્યવહાર દર્શાવી શકે. અહીં મને સોસાયટીનો ઇશ્યુ મોટો લાગે છે. જો કોઈ પિતા મન ખોલીને પોતાનાં ઇમોશન્સને દેખાડે તો તરત જ તેને બાયલો કહી કે મનોમન ગણીને ઉતારી પાડવામાં આવશે અને અફસોસની વાત એ છે કે બધા પુરુષોના મનમાં આ વાત સ્ટોર થયેલી છે એટલે લાગણી દર્શાવવામાં બહુ સહજતા સાથે તેમના પર કન્ટ્રોલ આવે છે. સામા પક્ષે ખુશીની વાત એ છે કે સોશ્યલ મીડિયાના કારણે હવે સોસાયટીની મેન્ટાલિટીમાં ચેન્જ આવ્યો છે પણ એ ચેન્જ હજી નાની માત્રામાં છે એટલે એની પૂરી અસર દેખાવામાં હજી કદાચ દસ-પંદર વર્ષ લાગશે એવું લાગે છે પણ હા, એ પાક્કું કે જો ઇમોશન્સ દેખાડવામાં આવે તો એ ચોક્કસપણે પુરુષોને માનસિક હળવાશ આપવાનું કામ કરે.’ડૉ. પ્રકાશ કોઠારી, સેક્સોલૉજિસ્ટ
હસીમજાકમાં કહેવાતું રહ્યું છે કે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોને વધારે હાર્ટ-અટૅક આવે છે, જે સાચું પણ છે, પણ એની પાછળનું કારણ પણ આ જ છે. પુરુષોનાં ઇમોશન્સ બહાર આવતાં નથી, જે તેને શારીરિક ડૅમેજ કરે છે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે, ‘એક સાયન્ટિફિક રિસર્ચમાં પ્રૂવ થયું છે કે પુરુષ પોતાનાં બધાં ઇમોશન વ્યક્ત કરી દે એ પછી તેનું બ્લડપ્રેશર નૉર્મલ થાય છે. આપણે ત્યાં પુરુષો વાત નથી કરતા, જેની તેમણે ફિઝિકલ હેરાનગતિ સહન કરવી પડે છે.’
It’s OK to cry
ગુજરાતી ફિલ્મોના જાણીતા ઍક્ટર મલ્હાર ઠાકર કહે છે, ‘રડવું ખોટું હોય એવું હું માનતો જ નથી અને મારું માનવું છે કે કદાચ કોઈ પુરુષ એવું નહીં માનતો હોય પણ મને લાગે છે કે રડવું આવવાની જે પ્રોસેસ છે એ કદાચ બધાને નહીં મળતી હોય. જો અમુક ઘટનાઓ બને તો ઈઝીલી મારી આંખમાં આંસુ આવી જાય અને હું એ છુપાવતો પણ નથી કારણ કે મને નથી લાગતું રડવાથી તમે વેવલા લાગો. અમારી જનરેશન તો માને છે કે રડી શકે એ વ્યક્તિ મનની વધારે સાફ હોય છે.’
ડૉ. હરીશ શેટ્ટી, સાઇકિયાટ્રિસ્ટ
ફિલ્મના અમુક સીન્સ એવા હોય છે જેમાં મલ્હારે આંખમાં ગ્લિસરીન પણ લગાડવું નથી પડતું. મલ્હાર કહે છે, ‘બસ, એ ઇમોશન જ મારી આંખો ભીની કરે દે અને મને આ વાત મારા કૅરૅક્ટરનું જમા પાસું લાગે છે.’
ડૉક્ટર પ્રકાશ કોઠારી કહે છે, ‘મારું માનવું છે કે દરેક પુરુષ રડે છે, પણ તેની આ જે રડવાની પ્રોસેસ છે એ મર્યાદિત છે અને બીજું કે તે જાહેરમાં નથી રડતો. વાતાવરણ કે આજુબાજુનો માહોલ સ્ત્રીઓની આંખો ભીની કરવામાં વધારે અસર નથી કરતો એનાથી ઊલટું પુરુષોનું હોય છે. તે સહજ રીતે રડી નથી શકતા પણ રડી લેવું ખોટું પણ નથી. રડી લેવાથી મનમાં હળવાશ આવે છે. મેં તો ઘણા પુરુષો એવા જોયા છે જે તેમનાં માબાપથી ખૂબ કનેક્ટેડ હોય અને એ પછી પણ તેમના મૃત્યુ વખતે તેમની આંખો ભીની ન થઈ હોય. રડવાનું અટકાવવા માટે તે પોતાના કામ પર તરત લાગી જાય, જે ખોટું છે. રડવું એ બ્લૅકમેઇલ કરનારી પ્રક્રિયા નથી પણ રડવાથી મનમાં હળવાશ આવે છે, બ્રેઇનની ઘણી સેન્સિસ ક્લિયર થઈ જાય છે, જેને કારણે રડ્યા પછી અનેક મૂંઝવણમાં સ્પષ્ટતા આવી જાય છે, જે નિર્ણય લેવામાં ક્લૅરિટી આપે છે.’
It’s OK to be hurt
અહીં હર્ટ એટલે દુખાવાની જ વાત નહીં પણ દુભાયેલા મનની વાત પણ કહેવાય છે અને પુરુષો એ બાબતમાં પણ પરંપરાગત રીતે મીંઢા થઈ ગયા છે. જાણીતા ઍક્ટર સંજય ગોરડિયા કહે છે, ‘મને એવું લાગે છે કે દુનિયાને જે વાત ખરાબ લાગે છે કે એ જ વાત કદાચ પુરુષ માટે પ્લસ પૉઇન્ટ જેવી બની રહેતી હશે. હર્ટ થયા પછી તે એ વાતને મનમાં પણ નથી રાખતો અને સહજ રીતે આગળ વધી જાય છે. આ જ કારણ હશે કે પુરુષોના અબોલા બહુ લાંબા સમયના હોતા નથી અને જે વ્યક્તિથી તે બહુ હર્ટ થયો હોય છે એ વ્યક્તિ સાથે કદાચ પછી આખી જિંદગી એ વાત કરતો નથી.’
ડૉ. મુકુલ ચોકસી, સાઇકિયાટ્રિસ્ટ
સંજય ગોરડિયાની વાતથી ડૉ. મુકુલ ચોકસી સહમત થતા નથી. મુકુલ ચોકસી કહે છે, ‘જ્યારે ખરાબ લાગ્યું હોય ત્યારે એ કહી દેવાથી રિલેશનમાં ટ્રાન્સપરન્સી આવે છે, જે મનને બાંધીને નથી રાખતું. ઊલટાનું ફ્રી-બર્ડ જેવા બનાવી દે છે. બ્રેકઅપ પછી છોકરીઓ કેમ થોડા સમયમાં સરળતાથી આગળ વધે છે અને છોકરાઓ કેમ આગળ વધી નથી શકતા? આ જ કારણ એનો જવાબ છે. એ હર્ટ થયા પછી પણ તેનો ભાર મનમાં અકબંધ રાખીને બેસે છે, જે ગેરવાજબી છે. કુટુંબમાં પણ યોગ્ય માન-સન્માન ન મળવાની ફીલ પુરુષો સહન કરતા હોય છે અને ચૂપ રહેતા હોય છે, જેને લીધે ઘણી વાર એવું પણ બને કે નાની અમસ્તી વાતમાં પણ મોટો બ્લાસ્ટ થઈ જાય. નરી આંખે એવું લાગે કે આ તો નાની વાત હતી, પણ કોઈ અગાઉ વ્યક્તિ કેટલો હર્ટ થયેલો એ જોતું નથી એટલે અહીં પણ પુરુષોના ભાગમાં તકલીફ ભોગવવાની વાત આવે છે અને તેને સોશ્યલી ડૅમેજ થાય છે. સાઇકોલૉજિકલી પ્રૂવ થયું છે કે મનમાં રહેલી વાત જો કહેવામાં ન આવે તો એ ક્યારેક ને ક્યારેક વર્તનમાં આવે જ આવે. બહેતર છે કે એ વાત વર્તનમાં વિચિત્ર સ્વરૂપે દેખાવાની શરૂ થાય એ પહેલાં એને વાણીના રૂપમાં જે-તે વ્યક્તિ સામે મૂકી દેવામાં આવે.’
સિદ્ધાર્થ રાંદેરિયા, ઍક્ટર
It’s OK to like pink
‘શું આવાં છોકરી જેવાં કપડાં પહેર્યાં છે?’
જો ભૂલથી પણ પિન્ક શર્ટ પહેરવામાં આવ્યું હોય તો તરત આ પ્રકારનો ટૉન્ટ સાંભળવા મળે અને એવો ટૉન્ટ સાંભળવો ન પડે એવી ઇચ્છાથી જ પુરુષ નાનો હોય છે ત્યારથી જ તેને કાં તો શીખવી દેવામાં આવે છે કે અને કાં તો તે જાતે શીખી જાય છે કે અમુક પ્રકારની પસંદગીઓ તેણે નહીં કરવાની. ડૉ. પ્રકાશ કોઠારીનું આ બાબતમાં બહુ સરસ ઑબ્ઝર્વેશન છે. તે કહે છે, ‘પુરુષને પોતાની વાઇફ પાસેથી અન્ડરગાર્મેન્ટ્સ માગવામાં શરમ નથી આવતી પણ તમે જો-જો, મોટા ભાગની મહિલાઓ તેના હસબન્ડ પાસે અન્ડરગાર્મેન્ટ્સ માગશે નહીં. અરે, કેટલાક કિસ્સામાં તો તમને દેખાશે કે વાઇફ હસબન્ડથી પણ પોતાનાં અન્ડરગાર્મેન્ટ્સ છુપાવશે. આ વાત પેલી પિન્કવાળી વાત સાથે કનેક્ટેડ છે. પુરુષોનું ઘડતર જ એવું થયું છે કે તેણે સૉફ્ટનેસ રિફ્લેક્ટ થતી હોય એવી કોઈ વાત કે વસ્તુ પસંદ નહીં કરવાની, નહીં તો તેની પર્સનાલિટી પર અસર પડે.’
સંજય ગોરડિયા, ઍક્ટર
ગુજરાતી ફિલ્મોના જાણીતા ઍક્ટર હિતેનકુમાર કહે છે, ‘ફૉર્ચ્યુનેટલી હું પહેલેથી એ ઇન્ડસ્ટ્રીમાં રહ્યો છું જ્યાં મને આ પ્રકારનાં પિન્ક કે લાલ-લીલાં-પીળાં કપડાં પહેરવા મળે જે હું રૂટીન લાઇફમાં પણ પહેરી શકું છું. પણ મેં ઑબ્ઝર્વ કર્યું છે કે હું બીજા કોઈને એવું પહેરવાનું કહું તો મારા એ ફ્રેન્ડ્સ તરત ના પાડી દે. કહી દે કે એ બધું તને શોભે, અમને નહીં. તેને કલર ગમતો પણ હોય તો પણ તે ના પાડે. વાત પસંદ-નાપસંદની છે, એનાથી આગળ કોઈ વાત નથી અને છતાં પણ એ અવૉઇડ કરવામાં આવે. અરે ઘણા સ્ટ્રૉબેરી કે વૅનિલા જેવી ફ્લેવરના આઇસક્રીમ પણ ખાવાનું અવૉઇડ કરે. કારણ પૂછો તો ખબર પડે કે એ તો છોકરીઓની ફ્લેવર છે.’
ફ્લેવર કે કલરને ક્યાંય કોઈ જેન્ડર સાથે સંબંધ નથી. અહીં પણ સોસાયટી જ મહત્ત્વનો રોલ ભજવી ગઈ છે એમ જણાવતાં ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘જેને પુરુષોએ ગંભીરતા સાથે પકડી લીધી. આપણે બહુ અફસોસ સાથે કહેવું પડે કે હવે સમય આવી ગયો છે જ્યારે મહિલાઓ પુરુષસમોવડી હોવાની વાત ગર્વ સાથે કરે છે તો આપણે પુરુષોએ ગર્વ સાથે કહેવું પડશે કે તે સ્ત્રીસમોવડિયો છે અને એનું તેને ગૌરવ છે. એવું થવા માંડ્યું છે અને એટલે જ હવે પુરુષ શેફને માનભેર જોવામાં આવે છે. પણ એમાં હજી થોડી વાર લાગશે એવું મને લાગે છે. પુરુષ જ્યારે માનશે કે સ્ત્રીઓ જેવી ભાવનાઓ દર્શાવવી શરમજનક નથી ત્યારે તે સુપરમૅન હોવાના ખોટા ભ્રમને છોડી શકશે. સરળતા સાથે જો પસંદ હોય તો પિન્ક શર્ટ અને ગ્રીન પૅન્ટ પહેરી શકશે. જાહેરમાં રડી પણ શકશે અને ફિઝિકલી વીક થતું હશે તો બાઇકની કિક મારવા માટે કોઈની હેલ્પ પણ માગી શકશે, પણ એ માટે પુરુષોએ ગર્વભેર નક્કી કરવું પડશે કે તે સ્ત્રીસમોવડિયો બની શકે છે અને સ્ત્રીઓને સમકક્ષ ઊભો રહી શકે છે. જે દિવસે એવું થયું એ સમયે ચોક્કસપણે પુરુષો પોતાની તમામ પ્રકારની લાગણીઓ દર્શાવવામાં કોઈ ખચકાટ નહીં રાખે અને એવું બન્યું તો પુરુષ શારીરિક અને માનસિક રીતે શ્રેષ્ઠ જીવન જીવી શકશે.’