બે દિવસ પહેલાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલો ઘાટકોપરનો ૪૩ વર્ષનો ભાવિક ત્રિવેદી કહે છે કે મારે દેશ પ્રત્યેની ફરજ પણ બજાવવી હતી
ભાવિન ત્રિવેદી
ઘાટકોપર-ઈસ્ટની સમતા કૉલોનીની વિશ્રામ સોસાયટીમાં રહેતા અને હજી બે દિવસ પહેલાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે આવેલા ૪૩ વર્ષના ભાવિન ત્રિવેદીએ પરિવાર અને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવાના ઉદ્દેશથી ડૉક્ટર અને પરિવારના સભ્યોની ઉપરવટ જઈને વ્હીલચૅર પર મતદાનમથક પર જઈને મતદાન કર્યું હતું.
આ બાબતની માહિતી આપતાં ભાવિનની પત્ની ભૂમિકા ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાવિનને એક વર્ષ પહેલાં જીભનું કૅન્સર થયું હતું. એમાંથી હજી તે માંડ-માંડ ઊભો થઈને તેના ટ્રાવેલિંગના કામને મૅનેજ કરી રહ્યો હતો ત્યાં જ તેને ઑક્ટોબર મહિનામાં પેટમાં ઍપેન્ડિક્સની ગાંઠ થઈ હતી. ગાંઠ ફાટી જતાં તેને પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. એના માટે તેને વારંવાર હૉસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ થવું પડે છે. છેલ્લા બે મહિનામાં એ અનેક વાર હૉસ્પિટલમાં જઈને પાછો આવ્યો છે. છઠ્ઠી નવેમ્બરે તેની તબિયત લથડતાં અને ઇન્ફેક્શનની સાથે તેને કમળો, ન્યુમોનિયા થઈ જતાં ફરીથી હૉસ્પિટલમાં ઍડ્મિટ થવું પડ્યું હતું. એ દિવસથી જ તે મને અને મારાં સાસુને તેમ જ અમારા પડખે ઊભાં રહેતાં સ્થાનિક સામાજિક કાર્યકર પ્રીતિ ઉપાધ્યાયને સતત કહેતો હતો કે કોઈ પણ સંજોગોમાં મારે ૨૦ નવેમ્બરે મતદાન તો કરવું જ છે. આ રટણ તેનું બે દિવસ પહેલાં પણ ચાલુ જ હતું. એના માટે તે સામેથી ડિસ્ચાર્જ લેવા માટે પણ તૈયાર હતો. જોકે તેના નસીબે તેને બે દિવસ પહેલાં જ ડિસ્ચાર્જ મળી ગયો હતો, પણ ઇન્ફેક્શન અને નાજુક તબિયતને લીધે તેને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. આમ છતાં ગઈ કાલે મારી અને મમ્મી પાસે જીદ કરીને પ્રીતિબહેનનો સાથ લઈને તે મતદાન કરીને જ રહ્યો હતો.’
ADVERTISEMENT
મારી તબિયતનો કોઈ ભરોસો નથી, એક વર્ષથી અનેક તોફાનોનો સામનો કરી રહ્યો છું એમ જણાવતાં ભાવિન ત્રિવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પર નાની ઉંમરમાં આવી પડેલી તબિયતની તકલીફોની સાથે મારી મમ્મી, પુત્રી, પત્ની અને દેશ પ્રત્યેની મારે ફરજ નિભાવવાની છે. આમાંથી એક પણ ફરજ મારે ચૂકી નથી જવી. એ ફરજ નિભાવવા માટે મને ઈશ્વર શક્તિ આપશે.’