Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શ્રીકૃષ્ણ તો પ્રેમ અને પરાક્રમનો અદ્ભુત સમન્વય છે

શ્રીકૃષ્ણ તો પ્રેમ અને પરાક્રમનો અદ્ભુત સમન્વય છે

Published : 02 September, 2026 12:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રીકૃષ્ણ તો પ્રેમ અને પરાક્રમનો અદ્ભુત સમન્વય છે; રોજિંદા જીવનના તડકો અને છાંયડો, સંઘર્ષો અને ગૂંચવાયેલા સંબંધોમાં જીવવાનો વ્યવહારુ દૃષ્ટિકોણ છે

શ્રીકૃષ્ણ તો પ્રેમ અને પરાક્રમનો અદ્ભુત સમન્વય છે

શ્રીકૃષ્ણ તો પ્રેમ અને પરાક્રમનો અદ્ભુત સમન્વય છે


નંદ ઘેર આનંદ ભયો, જય જશોદા લાલ કી...
હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી...
દર વર્ષે જન્માષ્ટમી આવે એટલે 
શેરીએ-શેરીએ આ મંગલ પંક્તિઓ ગુંજી ઊઠે છે. મુશળધાર વરસાદ અને કડાકા-ભડાકા વચ્ચે મથુરાના કારાગૃહમાં મધ્યરાત્રિએ પ્રગટેલા એ દિવ્ય તેજની ઉજવણી હજારો વર્ષો વીતી ગયાં હોવા છતાં આજે પણ એટલા જ ઉમંગ, ઉત્સાહ અને ભક્તિભાવથી સમગ્ર વિશ્વમાં થાય છે. જન્મતાંની સાથે જ પિતા વસુદેવનાં લોખંડી બંધનો તૂટી જવાં, પહેરેદારોનું ઘોર નિદ્રામાં સરી પડવું, ઊછળતી યમુનાનું શાંત થઈને માર્ગ કરી આપવો અને ગોકુળ સુધીની એ રોમાંચક યાત્રા - આ બધું સંકેત આપતું હતું કે આ કોઈ સામાન્ય શિશુ નહોતું પરંતુ સમગ્ર સૃષ્ટિમાં ધર્મસ્થાપના અને યુગપરિવર્તનનો મંગલ પ્રારંભ હતો.
આજે આપણે શ્રીકૃષ્ણને માત્ર પારણામાં ઝુલાવવા, માખણ-મિસરીનો ભોગ ધરાવવા કે મંદિરમાં આરતી ઉતારવા પૂરતા સીમિત કરી દીધા છે. ખરેખર તો શ્રીકૃષ્ણ પ્રેમ અને પરાક્રમનો અદ્ભુત સમન્વય છે; રોજિંદા જીવનના તડકા-છાંયડા, સંઘર્ષો અને ગૂંચવાયેલા સંબંધોમાં જીવવાનો વ્યવહારુ દૃષ્ટિકોણ છે.
ગોકુળની ગલીઓમાં માતા યશોદાના લાડકા કાનુડાએ માખણ ચોરીને માત્ર બાળલીલા નહોતી કરી, સૌની સાથે નિર્દોષ અને સહજ આત્મીયતાનો અતૂટ સેતુ બાંધ્યો હતો. એ જ બાળકે જ્યારે ગોવર્ધન પર્વત ટચલી આંગળી પર ઉપાડ્યો કે કાળિયા નાગનું મર્દન કર્યું ત્યારે જગતને જીવનમંત્ર આપ્યો કે જ્યાં નિર્દોષ પ્રેમની જરૂર હોય ત્યાં વાંસળીના મધુર સૂર રેલાવવા અને જ્યાં અન્યાય સામે રક્ષણ આપવાનું હોય ત્યાં પૂરી તાકાતથી ઊભા રહેવું. આ બન્ને પરસ્પરવિરોધી લાગતા ભાવોનું અદ્ભુત સંતુલન એટલે કૃષ્ણ. પૂતના, બકાસુર કે કંસ જેવા અત્યાચારીઓ સામે લડત આપીને તેમણે દર્શાવ્યું કે અનિષ્ટો સામે જરૂર પડ્યે પરાક્રમ દાખવવું અનિવાર્ય છે.
મામા કંસનો વધ કર્યા પછી માતા દેવકી, પિતા વસુદેવ અને નાના ઉગ્રસેનને કારાવાસમાંથી મુક્ત કરાવ્યાં. સમગ્ર બ્રહ્માંડના સ્વામી હોવા છતાં ગુરુ સાંદીપનિના આશ્રમમાં એક સામાન્ય શિષ્યની જેમ જંગલમાંથી લાકડાં કાપવાથી લઈને વેદાભ્યાસ સુધીની કઠોર શિસ્ત પાળી. તેમણે ક્યારેય પોતાના ઈશ્વરીય અસ્તિત્વનો દાવો કરીને કોઈ વિશેષાધિકાર નહોતો માગ્યો. ત્યાર બાદ જરાસંધનાં સતત આક્રમણોથી મથુરાની પ્રજા ત્રસ્ત થઈ રહી હતી ત્યારે તેમણે ‘રણછોડ’ કહેવડાવવાનું સામાજિક જોખમ વહોરીને પણ સમગ્ર યાદવો સાથે મથુરાથી દ્વારિકા સ્થળાંતર કરવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો. આ કોઈ કાયરતા કે પલાયનવાદ નહોતો, પ્રજાના હિત અને સુરક્ષા ખાતર પોતાના અહંકારને બાજુ પર મૂકીને લેવાયેલો પરિપક્વ રાજદ્વારી નિર્ણય હતો.
દ્વારિકાના વૈભવી સુવર્ણ મહેલમાં બેઠા પછી પણ જ્યારે બાળપણનો નિર્ધન મિત્ર સુદામા ચીંથરેહાલ હાલતમાં આવે છે ત્યારે દ્વારિકાધીશ સિંહાસન પરથી ઊતરીને દોટ મૂકે છે અને મિત્રના પગ પોતાનાં આંસુઓથી ધૂએ છે. આ પ્રસંગ સાબિત કરે છે કે પદ, પ્રતિષ્ઠા કે વૈભવ ક્યારેય બાળપણના નિઃસ્વાર્થ સંબંધો અને સાચી મિત્રતા કરતાં મોટાં ન હોઈ શકે.
મહાભારતના યુદ્ધ પહેલાં શ્રીકૃષ્ણ જ્યારે પાંડવોના શાંતિદૂત બનીને હસ્તિનાપુર પહોંચ્યા ત્યારે તેમણે કૌરવોના છપ્પનભોગ અને રાજસી વૈભવને ઠુકરાવીને સાદાઈથી જીવતા વિદુરજીના ઘરે સાત્ત્વિક ભાજી ખાવાનું પસંદ કર્યું. રાજસભામાં દુર્યોધને જ્યારે શાંતિપ્રસ્તાવ ફગાવીને ખુદ નારાયણને સાંકળોથી બાંધવાની મૂર્ખતા કરી ત્યારે ભગવાને પોતાનું વિરાટ વિશ્વરૂપ પ્રગટ કરીને સમગ્ર સભાને સ્તબ્ધ કરી દીધી. તેમણે દર્શાવ્યું કે પળવારમાં કૌરવ સેનાનો નાશ કરવાની અસીમ શક્તિ હોવા છતાં નિર્દોષોનો રક્તપાત ટાળવા અંતિમ ક્ષણ સુધી શાંતિ અને સમાધાનનો માર્ગ પસંદ કર્યો. આ પ્રસંગ શીખવે છે કે શક્તિ હોવી અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ બન્ને વચ્ચે સંયમની મોટી ભેદરેખા છે.
કુરુક્ષેત્રના ભયાનક રણમેદાનમાં ત્રિલોકના નાથે સમગ્ર યુદ્ધ દરમ્યાન શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી અને અર્જુનના સારથિ બનવાનું સ્વીકાર્યું. આજના સામાજિક નેતૃત્વ માટે આનાથી ઉત્કૃષ્ટ ઉદાહરણ બીજું કયું હોઈ શકે? સાચો આગેવાન એ નથી જે હંમેશાં ઊંચા આસન પર બેસીને હુકમો ચલાવે. સાચો નેતા એ છે જે સમય આવ્યે પોતાના સાથીદારનો વિજય સુનિશ્ચિત કરવા સ્વયં લગામ પકડવાની વિનમ્રતા દાખવે છે.
યુદ્ધના પ્રારંભે સગાં-સંબંધીઓ અને ગુરુજનોને સામે જોઈને અર્જુન વિષાદ, ભય અને મૂંઝવણમાં મુકાઈ ગયો. ત્યારે શ્રીકૃષ્ણે આપેલો ગીતાનો ઉપદેશ માત્ર ધાર્મિક પ્રવચન નહોતો, માનવમનનાં ઊંડાણોને તાગીને અપાતું અદ્ભુત મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને કર્મયોગનું દર્શન હતું. અર્જુનની એ મૂંઝવણ આજે પણ દરેક માણસ અનુભવે છે. જ્યારે લાગણીઓ, નૈતિક મૂલ્યો, સામાજિક દબાણ અને કર્તવ્ય વચ્ચે માનસિક યુદ્ધ છેડાય છે ત્યારે પરિણામની ચિંતા કર્યા વિના નિઃસ્વાર્થભાવે શ્રેષ્ઠ કર્મ કરવાની પ્રેરણા ભગવદ્ગીતા આપે છે.
દુર્ભાગ્ય એ છે કે આપણે ભગવદ્ગીતાને લાલ મખમલના વસ્ત્રમાં લપેટીને માત્ર અગરબત્તી કરવા પૂરતી સીમિત કરી દીધી છે. જે ગ્રંથ જીવનના યુદ્ધમેદાનમાં નિર્ણાયક નિર્ણયો લેવાની આંતરિક તાકાત આપવા માટે પ્રગટ થયો હતો એને આપણે કસમ ખાવાની ધાર્મિક પોથી બનાવી દીધો. મૂળ પ્રશ્ન એ નથી કે આપણા પૂજાઘરમાં ગીતા છે કે નહીં; સાચો પ્રશ્ન એ છે કે જીવનમાં કટોકટી સર્જાય ત્યારે આપણે કૃષ્ણના કર્મયોગ, સ્થિતપ્રજ્ઞતા અને સમત્વને પોતાના વ્યવહારમાં ઉતારીએ છીએ કે નહીં?
શ્રીકૃષ્ણ એક જ સમયે માખણચોર ગોવાળ પણ છે અને સુદર્શનધારી યોગેશ્વર પણ. રાધાના પ્રેમમાં આત્મસમર્પિત પ્રેમી પણ છે અને ભરીસભામાં દ્રૌપદીની લાજ બચાવનાર ધર્મરક્ષક પણ છે. સાંદીપનિના વિનમ્ર શિષ્ય પણ છે અને કુરુક્ષેત્રમાં અર્જુનનો મોહભંગ કરનારા જગતગુરુ પણ છે. તેઓ સંસારના તમામ રંગોમાં પૂરેપૂરા રંગાઈને પણ અંદરથી જળકમળવત્ નિર્લેપ રહેવાની કળા શીખવે છે.

અંતિમ વિચાર



શ્રીકૃષ્ણને ખરા અર્થમાં પામવા હોય તો માત્ર જન્મોત્સવની ધામધૂમ પૂરતા સીમિત ન રહો. તેમની જીવનશૈલીમાંથી મુત્સદ્દીગીરી, અડગ ધીરજ, અતૂટ મિત્રતા અને નિર્ભયતાને પોતાના આચરણમાં આત્મસાત્ કરો. મંદિરમાં મૂર્તિ સામે મસ્તક નમાવવાની સાથે તેમણે ચીંધેલા સત્ય અને કર્તવ્યના માર્ગ પર એક ડગલું ભરવાની શરૂઆત કરો. કદાચ ત્યારે જ આપણે આપણી ભીતર સુષુપ્ત પડેલા કૃષ્ણત્વને સાચા અર્થમાં ઓળખી અને ઊજવી શકીશું.
જય શ્રી કૃષ્ણ.


રાજેશ ચાવડા


Whatsapp-channel Whatsapp-channel

02 September, 2026 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK